૨૮ ફેબ્રુઆરી, ૨૦૧૫ના રોજ ‘નર્મદે હર’ના નાદ સાથે પરિક્રમામાં આગળ નીકળી પડ્યા. લગભગ ૮ કિ.મી. દૂર સેમલેટ ગામ હતું. એક આદિવાસી તે તરફ જતો હતો. તેને અમારો માર્ગદર્શક બનવા કહ્યું. તો તેણે તેના બદલામાં કંઈક આપવા કહ્યું. સંન્યાસી પાસે ૨૦ રૂપિયા બચ્યા હતા તે આપી, આજે વાસ્તવમાં ફકીર બની ગયા. અહીં એવી અનુભૂતિ થઈ કે શ્રી શ્રીમા નર્મદામૈયા પરિક્રમાવાસી પાસે એ આશા રાખે છે કે ઓછામાં ઓછું આ શૂલપાણેશ્વરની ઝાડીમાં તું બધું સમર્પિત કરી શરણાગત બની અકિંચન બની જા. સેમલેટ આવવાના ૧-૨ કિ.મી. પહેલાં આદિવાસી પોતાના ગંતવ્ય સ્થાન તરફ ચાલ્યો ગયો. લગભગ સવારે ૧૧.૩૦ વાગ્યે સેમલેટ ગામમાં પ્રવેશ કર્યો. એક બાળા દોડતી પાસે આવી અને નાની પહાડી પર આવેલ પોતાના ઘરને બતાવીને કહ્યંુ કે પિતાજી બોલાવે છે. ખૂબ જ થાકી ગયા હતા એટલે પહાડી પાસેના ઝાડ નીચે બેસી ગયા. તે બાળાના પિતાજી નાની માટલીમાં શીતળ જળ લાવ્યા અને અમારી તૃષા છીપાવી. એ અતિ સજ્જન આદિવાસીએ અમને કહ્યું, ‘હું દૂરથી તમારી મંડળીને આવતી જોઈ રહ્યો હતો. તમારી પાછળ એક આદિવાસી પણ આવતો હતો. એ તમને હેરાન તો નહીં કરેને, એવી બીકે હું તમારું સતત નિરીક્ષણ કરતો હતો. હવે તો ક્યારેક બાજુના ગામના આદિવાસીઓ આવીને પરિક્રમાવાસીને હેરાન કરે કે લૂંટી લે તો અમારા ગામનું નામ ખરાબ થાય છે! મોબાઈલ વગેરે ટેકનોલોજી અને લખનબાબાના પરચાનો તો કેવો પ્રભાવ! તેમણે કહ્યું, ‘બાબા, મારી બૈરી પિયર ગઈ છે. આજે સવારે મને એમ થયું ખીચડી વધુ બનાવું. પહાડી પર આવેલ મારા નાના ઘરમાં આવી ગ્રહણ કરોને.’ અમોને ઘોંઘસામાં એવી માહિતી મળી હતી કે સેમલેટના સરપંચને ત્યાં સદાવ્રત મળે છે. સરપંચનું ઘર તો હજી દૂર હતું અને ત્યાં શું વ્યવસ્થા હશે એ બધું અનિશ્ચિત હતું. આ આદિવાસીના પ્રેમ અને આગ્રહને કારણે બધાએ એમને ત્યાં જ ભિક્ષા ગ્રહણ કરવાનું નક્કી કરીને પહાડી પર આવેલ તેમના નાના પણ સુંદર ઘરમાં પ્રવેશ કર્યો. ભિક્ષા ગ્રહણ કરી ઝાડ નીચે થોડો વિશ્રામ કરી આગળ વધ્યા. ગામમાં સરપંચના ઘર વિષે તપાસ કરતાં થોડે દૂર આવેલ એક કિરાણાની નાની દુકાન સાથેનું મકાન બતાવ્યું. કિરાણાની દુકાન પાસે કેટલીયે નાની-મોટી છોકરીઓ ટોળે વળી હતી. એ બાળાઓ ત્યાંથી જાય પછી સરપંચને ત્યાં જવું એમ વિચારી રાહ જોવા લાગ્યા. પછી ખબર પડી કે એ બધી બાળાઓ તો સરપંચની જ દીકરીઓ હતી! કિરાણાની દુકાન પાસે જઈ ‘નર્મદે હર’ કહ્યું. ત્યારે સરપંચ તો બહારગામ ગયા છે એમ એક બહેને જણાવ્યું. ગામમાં આવેલ હેન્ડપંપ પાસે નાનાં-નાનાં બાળકોની સાથે એક કિશોરીને પણ બાળકી બની નિર્વિકાર ભાવે સ્નાન કરતાં જોઈ! આગળ કેટલીક આદિવાસી યુવતીઓ કપડાં ધોતી હતી તેમને અને આ બાળકોને પણ ‘નર્મદે હર’ કહી ચોકલેટ આપી. ‘નર્મદે હર’ કહેવા પાછળનો અમારો ભાવ એ કે તેમનામાં નર્મદામૈયા પ્રત્યે ભક્તિભાવ જાગે. પણ વાસ્તવમાં તેઓનાં શરીર-મન પવિત્ર અને શ્રદ્ધા-ભક્તિ અમારા કરતાં અનેકગણાં હતાં. આગળ હવે ભાદલ ગામ આવવાનું હતું. પી.સ્વામી અને પંડિતજીને પહાડ પર ચડવામાં મજા પડતી હતી. તેઓ પહાડીનો ટૂંકો માર્ગ જ શોધે. સંન્યાસીએ તેઓને પહાડી પરની પગદંડી ક્યાં જતી હોય, વળી ક્યાંક આગળ રસ્તો પણ ન હોય, ક્યાંક લપસણો માર્ગ પણ આવે, આવાં અનેક જોખમો અંગે ચેતવ્યા. સંધ્યા થવાને હવે વધુ સમય ન હતો. એક મધ્યપ્રદેશમાં અને એક મહારાષ્ટ્રમાં, એમ અહીં બે ભાદલ ગામ હતાં. મધ્યપ્રદેશના ભાદલ ગામમાં કાળુભાઈને ત્યાં પરિક્રમાવાસીઓને ઉતારો મળે એવી માહિતી મળી. પૂછપરછ કરતાં કરતાં એક મકાન પાસે આવી પહોંચ્યા. ત્યાં બે ખાટલા હતા તેના પર અમે બેસી ગયા. પંડિતજીએ તપાસ કરતાં એક બહેને જણાવ્યું કે આ જ કાળુભાઈનું મકાન છે અને તેઓ ખેતરે ગયા છે. ત્યાગીજી કહે, ‘મારે તો નર્મદા તટે જ જવું છે. હું અહીં ન રહું.’ અમે ત્યાગીજીને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો, ‘સંધ્યા આગત છે, નર્મદા તટ કેટલો દૂર હશે, ક્યાં રહેશો, એ કરતાં અહીં જ રહી જાઓ.’ પરંતુ તેઓ તો ચાલી નીકળ્યા.

હવે કાલે આગળનો માર્ગ વધુ દુર્ગમ પહાડીવાળો, વિશેષ કરીને ભૌમાના ગામનો ઊંચો પહાડ કે જેમાં બે કિ.મી.નું ચઢાણ-ઊતરાણ. વળી સંન્યાસી અગાઉ થયેલ અનુભવને કારણે પહાડીનો વિકલ્પ પસંદ કરતા નહીં. પરંતુ કાલે તો કોઈ વિકલ્પ જ ન હતો. એટલે અહીં ખાટલામાં જેવા બેઠા કે તરત પોતાના ચંપલના અંદરના તળિયા પર બ્લેડ વડે આડા-ઊભા ચીરા કરી ખરબચડાં કર્યાં. પહાડીથી ભય પામેલ સંન્યાસીએ પી.સ્વામીને અહીંથી ૨૦ કિ.મી દૂર એક ગામડેથી મધ્યમ માર્ગ પકડવાનું સૂચન કર્યું. વિમાસણમાં પડેલ પી.સ્વામી અને પંડિતજીએ શ્રી શ્રીનર્મદામૈયા સાથે છે એમ કહી દિલાસો આપ્યો. પંડિતજીએ કાળુભાઈનાં પત્ની પાસેથી કાળી ચાની પણ વ્યવસ્થા કરી. અહીં પહાડી પરથી નીચે કેટલાંયે ખેતરો અને વૃક્ષો દૃષ્ટિગોચર થતાં હતાં. સ્નાન કરવા માટે આદિવાસી બહેને નીચે ખેતરમાં આવેલ કૂવો બતાવ્યો. સ્નાન કરી ઉપાસના રત બન્યા. સંધ્યા થઈ, રાત્રીનો અંધકાર ફેલાયો. સંન્યાસી સતત શ્રીનર્મદામૈયાને પ્રાર્થના કરતા હતા. ખેતરેથી આવી ગયેલ કાળુભાઈ રાત્રી ભોજનનો સમય થતાં બોલાવવા આવ્યા. ભોજન કરતાં કરતાં સંન્યાસી આગામી કાલના રસ્તા અંગેની બાળકની જેમ ઝીણવટથી પૂછપરછ કરવા લાગ્યા. કાળુભાઈએ અમારી અધીરતા જોઈ આશ્વાસન આપતાં કહ્યું, ‘બાબા, કશી ચિંતા કરો નહીં. જો મારી સાથે અત્યારે ત્રણ મહેમાન આવ્યા છે. તેઓ ભૌમાના ગામના જ છે. તેઓ તમોને તેમની સાથે લઈ જશે. કાલે સવારે ૮ વાગ્યે તૈયાર થઈ જજો.’ જાણે કે મોટી ચિંતા દૂર થઈ ! રાત્રે ઘરમાલિક કાળુભાઈ, તેમનાં પત્ની, બે નાનાં બાળકો, લાંબી દોરી વડે બનાવેલ ઘોડિયામાં ત્રીજું ધાવણું બાળક, બકરાં, મરઘાં અને એક તરફ આ ત્રણ પરિક્રમાવાસીઓ એક સાથે નાનકડા લંબચોરસ ઓરડામાં હતાં. પરિક્રમાવાસીઓના થાકેલા શરીરને રાત્રી દરમ્યાન બકરાં, મરઘાંના અવાજો; વિશિષ્ટ ગંધ, કે ધાવણા બાળકના રડવાનો અવાજ અસર કરી શક્યાં નહીં, બધા નિદ્રાધીન થઈ ગયા.

Total Views: 487

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.