દુનિયામાં દરેક વ્યક્તિ જીવનમાં સુખ, શાંતિ અને આનંદ ઇચ્છે છે. કેટલાક લોકો આ શાંતિ પ્રાપ્ત કરવા આધ્યાત્મિક જીવનની શરૂઆત કરે છે. તેમાંના કેટલાક ગૃહસ્થીમાં રહીને ગુરુ પાસે જઈને મંત્રદીક્ષા લઈને સાધના શરૂ કરે છે. બહુ થોડા લોકો ઘરગૃહસ્થીનો ત્યાગ કરીને સંન્યાસી જીવન સ્વીકારે છે. મા શારદાએ પોતે ગૃહસ્થીમાં રહીને શાંતિમય જીવન ગુજાર્યું હતું, એટલું જ નહીં, એમના નજીકના સંપર્કમાં આવતા ઘણા લોકોએ પણ શાંતિનો અનુભવ કરેલો.

મોટાભાગના સાધકોના મનમાં પરસ્પર વિરોધી ઇચ્છાઓ અને વિચારો આવવાથી મનમાં દ્વિધાઓ અને સંઘર્ષો થતાં જ રહે છે. તેના ઉપાય માટે માએ તેમના પોતાના જીવન દ્વારા વિવિધ સ્વભાવના લોકો અને પરિસ્થિતિઓની વચ્ચે શાંતિમય જીવન કેવી રીતે ગાળવું તેનાં જીવંત ઉદાહરણો આપણી સમક્ષ મૂકેલાં છે. આ ઉપરાંત તેમના શિષ્યોએ પૂછેલા પ્રશ્નો અને મનમાં ઉદ્ભવતી મૂંઝવણોનો ઉકેલ માએ આપેલો. તે પ્રસંગો સાધકોને મદદરૂપ બનશે.

કામની વ્યસ્તતા વચ્ચે મનની શાંતિ

મા પાસે ઘણા શિષ્યો ફરિયાદ લઈને આવતા અને કહેતા કે કામની વ્યસ્તતાને લીધે સાધનાની નિયમિતતા જળવાતી નથી, જપ-ધ્યાન માટે સમય ફાળવી શકાતો નથી. વળી એક શિષ્યે પોતાની સાધનામાં રોજબરોજનાં કરવાનાં કામો વિઘ્નરૂપ બને છે એમ માનીને કામ કરવાનું અને પૈસા કમાવાનું છોડી દીધેલ. આ શિષ્ય ભિક્ષા માગીને જીવનનિર્વાહ કરતો હતો. થોડા સમય બાદ તેનું મગજ ખરાબ થઈ ગયું. માએ ત્યારે કહેલું કે, ‘જો મનુષ્ય કામ ન કરે, તો તેનું માનસ કેવી રીતે નીરોગી રહી શકે? કોઈ પણ મનુષ્ય ચોવીસે કલાક વિચાર અને ધ્યાનમાં ગાળી ન શકે. તેથી માણસે પોતાની જાતને કામમાં જોડી રાખવી જોઈએ. તેનાથી મન પ્રસન્ન રહે છે.’ વળી બીજા એક શિષ્યે ધ્યાન દરમિયાન તેના મનમાં આવતા ખરાબ વિચારો મનનો કબજો લઈ લે છે, તેનું મન પ્રસન્ન રહેતું નથી એવું દુ :ખ વ્યકત કરેલું, જવાબમાં માએ એના મનનું સમાધાન કરાવેલું.

આવા સવાલો પૂછતા એક બ્રહ્મચારીએ માને સવાલ કરેલો કે, ‘મારા મનમાં વિચારો આવે છે. આપ ચાલ્યાં જશો પછી અમારું શું થશે? એ વિચારે હું ગભરાઉં છું.’ આ સાંભળીને માએ કહેલું કે, ‘તું કોનું સંતાન છે? તને કોણે આશ્રય આપ્યો છે? એ તું કાયમ યાદ રાખ. કોઈ કુવિચાર તને સતાવે ત્યારે તારા ચિત્તને કહે, ‘માનો બાળક હોઈ આવી પ્રવૃત્તિમાં પડવા જેટલો અધમ હું કેમ બની શકું?’ તારા ચિત્તને શાંતિ અને શક્તિ મળશે, એ તું જોજે. તને મળેલા ઉમદા વિચાર વડે, ઊંડી ડૂબકી માર. પાવન નામનું રટણ કર, એનું ધ્યાન કર, સારી સોબતમાં રહે અને તારા અહંકારને ગમે તે ભોગે વશમાં રાખ.’

માનવસહજ નબળાઈઓમાં શાંતિ બક્ષે છે માની અભયવાણી

કેટલાક નિષ્ઠાવાન ભક્તોનું મન પોતાની નબળાઈઓ કે ખોટી ટેવોને લીધે અશાંત બની જાય છે. આવી પરિસ્થિતિમાં શાંતિ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તે સંદર્ભના થોડા પ્રસંગો જોઈએ. માનાં અંતરંગ શિષ્યા યોગીન મા હતાં. ગૃહસ્થી મા શારદાને ઘરવ્યવહારમાં વ્યસ્ત રહેતાં જોઈને, તેમના અસલી સ્વરૂપને સમજી ન શકવાથી તેમના મનમાં મા વિશે શંકાકુશંકાઓ થયા કરતી. તેમના મનમાં વિચાર આવતા કે તેમના પતિએ- શ્રી ઠાકુરે તો સંસારનો ત્યાગ કરેલો. પરંતુ મા તો સંસારમાં રચ્યાંપચ્યાં રહે છે.

એક દિવસ તેઓ જ્યારે ગંગાકિનારે ધ્યાન ધરતાં હતાં ત્યારે એક નવજાત બાળકનું શબ અને તેની આસપાસ ઓર અને નાડ વીંટળાયેલું તેમણે જોયું. સાથે ઠાકુરને પણ પોતાની સામે ઊભેલા જોયા. ઠાકુરે કહ્યું, ‘શું ગંગા આ બાળકના શબથી અપવિત્ર બની જશે? મા શારદાને પણ ગંગા જેવાં પવિત્ર જાણો. તેમના વિશે શંકાઓ ન સેવો. તેઓ મારી સાથે એકરૂપ છે.’ યોગીન મા એક નિષ્ઠાવાન સાધક હતાં. તે જ દિવસે તેમણે નદીએથી પાછા ફરીને શ્રીમાની ચરણધૂલી લઈને કહ્યું,‘મા, મને માફ કરો. તમારા પ્રત્યે મેં શંકા સેવી હતી પણ હવે મને સત્ય સમજાયું.’ આ સાંભળીને શ્રી માએ હસતાં હસતાં યોગીન માને સાંત્વના આપતાં કહેલું કે, ‘માણસના મનમાં શંકાઓ અને પ્રશ્નો થયા જ કરશે. ઈશ્વરકૃપાથી ત્યાર બાદ જ વિશ્વાસ પ્રાપ્ત થશે.’

બીજા એક શિષ્યે મા પાસે જઈને કહેલું કે, ‘હું દુર્ભાગી છું. નામસ્મરણ કરું છું પણ મને કંઈ જ પ્રાપ્ત થતું નથી, મને જપ અને ધ્યાન કરવાં ગમતાં નથી, મારો મોહ, કામ-ક્રોધ હજીય મન ઉપર રાજ કરે છે. હવે મારામાં નામ-જપ કરવાની શક્તિ રહી નથી, કોશિશ કરું ત્યારે મારું મન ચંચળ બની જાય છે. હવે નામમંત્ર તમે પાછો લઈ લો.’ આ સાંભળીને મા ખૂબ પ્રેમ અને લાગણી સાથે બોલ્યાં, ‘સારું, હવે તારે મંત્રજાપ નહીં કરવો પડે.’ માના આ શબ્દનો અર્થ તે શિષ્ય સમજી શકયો નહીં. તેના ઉપર ભય અને આશંકાઓ સવાર થઈ ગયાં અને તે બોલ્યો, ‘શું મા, મારા માટે વિનાશ નિર્માયો છે?’ માએ ફરીથી પ્રેમપૂર્વક કહ્યું, ‘તું મારું સંતાન હોવાથી તારો વિનાશ કેવી રીતે થઈ શકે? જેઓ મારાં સંતાન છે તેમને મુક્તિ મળી ચૂકી છે જ. ખુદ ભગવાન પણ મારાં સંતાનોનું કશું બૂરું કરી શકે નહિ, હું તારી સાથે જ છું. તું શા માટે ડરે છે?’ આમ માએ તેનો ડર અને ભય ઓછો કરીને અભય વરદાન આપ્યું. મા કહેતાં, ‘માણસોમાં કોઈ તદ્દન નિર્દાેષ નથી.’ એક ભક્તના આચરણથી તેઓના એક શિષ્ય એટલા ચિડાઈ ગયા કે તેમણે માને કહેવડાવ્યું કે, ‘તે ભક્તને તેમની પાસે આવવા ન દે.’ તેના જવાબમાં માએ કહ્યું, ‘મારો દીકરો ધૂળમાં રમે, તો મારે એને સાફસૂફ કરીને ખોળામાં લેવો જ પડેને!’ આમ મા સાધકોને જાણે કે કહી રહ્યાં છે કે મનમાં શંકાઓ થવી, ભૂલો થવી અને પ્રશ્નો ઊભા થવા એ માનવસહજ છે. સાધકે અંતર્નિરીક્ષણ કરીને તેમજ પોતાના અહંકારને વશમાં રાખીને પોતાની ભૂલો અને દોષો જોવા જોઈએ. ત્યારબાદ તેની કબૂલાત કરીને ઈશ્વર પાસે માફી માગે તો ઈશ્વર સાધકની બધી નબળાઈઓને માફ કરીને શાંતિ બક્ષે છે. મનની ચંચળતા અને મલિનતાને લીધે નિરાશ અને હતાશ થયેલા શિષ્યોને પણ શ્રીમા આશીર્વાદ આપતાં અને કહેતાં કે, ‘તમે હંમેશાં યાદ રાખજો કે હું તમારી મા જ છું.’ આમ તેઓ પોતાના ભક્તો અને શિષ્યોને મનની શાંતિ પ્રદાન કરતાં.

સાંસારિક ફરજો અને આધ્યાત્મિક સાધનાનો મેળ બેસાડીને મનની શાંતિ જાળવવા અંગે

સામાન્ય રીતે સાધકો ભગવાનની સાધના અને તેમના રોજબરોજના જીવનને અલગ વિભાગમાં વહેંચી દે છે. જાણે કે બંને વચ્ચે કોઈ સંબંધ જ નથી. આવી અણસમજને લીધે બંનેનો સુમેળ ન સધાતાં તેઓ ગુનાહિત ભાવનાથી અશાંત બની જાય છે. જ્યારે તેઓ સાધના કરવા બેસે છે ત્યારે સંસારના વિચારો આવે છે અને સંસારની ફરજો બજાવતી વખતે જપ-ધ્યાન વગેરે સારી રીતે ન થઈ શકવાથી દુ :ખ અનુભવાતું હોય છે. માના પોતાના જીવનમાં તેમજ તેમની નજીક રહેતાં ભાઈ-બહેનોના જીવનવ્યવહારમાં સાધના અને સાંસારિક કામો એ બંનેમાં કોઈ અસંગતતા દેખાતી નહીં. તેઓનાં કાર્યોમાં દેખાતાં કાર્યકુશળતા, સત્યનિષ્ઠા, સંયમ, પ્રેમ, સેવાપરાયણતા જેવા ગુણો સાહજિક રીતે આચરણમાં દેખાતા. મોટાભાગના સાધકોના જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત કરવાના માર્ગમાં વિવિધ પ્રશ્નો, મૂંઝવણો અને અવરોધો આવતાં હોય છે.

મા તેમની સાથે રહેતા શિષ્યોના હૃદયમાં એવો વિશ્વાસ દૃઢ કરાવતાં કે ‘આખું જગત ઈશ્વરનું છે. જગતમાં થતાં બધાં કામો ઈશ્વર જ કરાવે છે. તેણે જગતને પોતાની ક્રીડા માટે સર્જ્યું છે. આપણે તો એની રમતનાં માત્ર પ્યાદાં છીએ. જ્યાં અને જેવી રીતે આપણને એ રાખે ત્યાં અને તેવી રીતે, આપણે સંતોષથી રહેવું જોઈએ. આપણાં કર્મોને કારણે જ આપણને સુખ કે દુ :ખ ભોગવવાં પડે છે. આમ, સાધના અને જીવનવ્યવહારનો સુમેળ સાધીને એ માટે બીજા કોઈને દોષ દેવો તે વાજબી નથી. પ્રભુમાં પૂર્ણ શ્રદ્ધા અને ભકિત સાથે આપણે આપણી પૂરી જાતને ઈશ્વર સમર્પિત કરી દેવી જોઈએ, આપણી સર્વશક્તિ અનુસાર બીજાઓની સેવા કરવી અને કોઈને પણ પીડારૂપ ન થવું.’ આમ, ઈશ્વર-શરણાગતિ મનની શાંતિ માટે એક અજોડ ઇલાજ છે એમ મા કહી રહ્યાં છે.

સાધના-માર્ગે પ્રગતિ ન થતાં મનને અશાંત કરી મૂકતી ચિંતા દૂર કરવા સંદર્ભે

કેટલાક મંત્રદીક્ષિત શિષ્યો સાધનાપંથે અપેક્ષિત પ્રગતિ ન થતાં સાધના કરવાનું છોડી દે છે. કેટલાક ગંભીર, નિષ્ઠાવાન ભક્તોેને ધ્યાન કરતી વખતે પોતાના મનની અંદર સુષુપ્ત પડેલી વાસનાઓનું ભાન થાય છે. નક્કી કરેલ નિયમ મુજબ જપ, ધ્યાન ન થઈ શકવાથી તે ભયભીત થઈ જાય છે. સ્વામી પરમેશ્વરાનંદે એક દિવસ માને કહ્યું, ‘મા, અમારી મનોદશા એવી છે કે કોઈ કોઈ વાર અમારાં મન એટલાં બધાં ચંચળ થઈ જાય છે, અમે ડૂબી તો નહીં જઈએ એવો ભય અમને લાગે છે.’ માએ કહ્યું, ‘એમ કેમ, બેટા! તમે શા માટે ડૂબો? ના, કદી નહીં, તમે તો ઠાકુરનાં સંતાનો છો. તે તમારી રક્ષા કરશે.’ ભયભીત અને ચિંતાઓથી દુ :ખી થઈ જતા આવા શિષ્યોને મા કહેતાં કે, ‘રોજ સવાર-સાંજ જપ, ધ્યાન, પ્રાર્થના કરો, એ જ જાણે હોડીનું સુકાન છે. સાંજના બેસો ત્યારે આખા દિવસમાં કરેલાં સારાં-નરસાં કામોનો વિચાર કરો. પછી આગલા દિવસની મનની સ્થિતિ સાથે આજના મનની સ્થિતિની તુલના કરો. કામકાજની સાથે સાથે સાધના કરશો તો મન પ્રસન્ન રહેશે.’ આ પ્રસંગો દ્વારા મા સાધકોને કહી રહ્યાં છે કે, સાધનાનો માર્ગ લાંબો અને મુશ્કેલ છે. પરંતુ ધીરજ રાખીને નિયમિત રીતે ગુરુએ ચીંધેલા માર્ગે સાધના કરશો તો એ સાધના જ હોડીનું સુકાન બની જઈને ગંતવ્ય સ્થાને જરૂર પહોંચાડશે.

દુ :ખ અને પીડાઓથી અશાંત બની ગયેલા ભક્તોને

માના એક સંન્યાસી ભક્તે માને સવાલ પૂછેલો, ‘ભગવાન હોય તો દુનિયામાં આટલું બધું દુ :ખ શા માટે છે? શું એમને એ દેખાતું નથી ? અથવા તો શું આ અનિષ્ટોને દૂર કરવાની શક્તિ એમનામાં નથી ?’ માએ જવાબમાં તેમને સીતારામની વાર્તા કહી. સીતાએ એક વાર રામને કહ્યું, ‘આપ બધાનાં દુ :ખ શા માટે દૂર કરતા નથી? તમારા રાજયમાં – તમારી પ્રજાને – દરેકને સુખી કરો, તમે ધારો તો તેમ કરી શકો એમ છો.’ શ્રી રામચંદ્રજીએ જવાબ આપ્યો, ‘શું બધાને એક જ સમયે સુખી કરી શકાય ?’ સીતાજીએ કહ્યું, ‘આપ જો ઇચ્છતા હો તો તેમ થઈ શકે. તેમની બધી જ જરૂરિયાતો રાજય દરબારની તિજોરીમાંથી પૂરી કેમ ન પાડવી?’ રામચંદ્રજીએ કહ્યું, ‘ભલે, તો તેમ થાય.’ પછી શ્રી રામચંદ્રજીએ લક્ષ્મણજીને બોલાવ્યા અને કહ્યું, ‘જાઓ, મારા રાજ્યમાં દરેકને કહો કે તેઓની દરેક જરૂરિયાતો મારા ભંડારમાંથી પૂરી પાડવામાં આવશે.’ લોકોએ જ્યારે આ જાણ્યું ત્યારે તેઓ આવીને પોતાની જરૂરિયાતો રજૂ કરવા લાગ્યા. તિજોરી ખુલ્લી મૂકવામાં આવી. બધા સુખમાં રહેવા લાગ્યા. થોડા દિવસો બાદ રામચંદ્રજીના શાહી મહેલના છાપરામાં તિરાડો પડવા લાગી અને તેમાંથી પાણી ચૂવા લાગ્યું. તૂટેલા ભાગોનું સમારકામ કરવા માટે કડિયાઓને બોલાવવામાં આવ્યા, પણ કડિયા મળ્યા નહીં. મજૂર પણ ન મળ્યા. પ્રજાએ પણ આવીને આવી જ ફરિયાદો કરવા માંડી કે કડિયાઓ મળતા નથી અને તેથી તેમનાં મકાનો અને ભવનો તો પડવા લાગ્યાં છે. જ્યારે કોઈ ઉપાય ન રહ્યો ત્યારે સીતાજીએ શ્રી રામચંદ્રજીને કહ્યું, ‘આપણે આ પ્રમાણે ભીનામાં રહી ન શકીએ, પ્રથમ હતું તે મુજબ બધું કરો, જેથી આપણે ફરીથી મજૂરો મેળવી શકીએ. દરેક એક જ સમયે સુખી ન થઈ શકે.’ રામચંદ્રજીએ જવાબ આપ્યો, ‘ભલે, તેમ થાઓ.’ નિમિષ માત્રમાં તો પ્રથમ હતું તેવું જ બધું થઈ ગયું. લોકોને ફરી મજૂરો મળવા લાગ્યા. સીતાજીએ કહ્યું, ‘પ્રભુ! આ સૃષ્ટિ તમારો અદ્‌ભુત ખેલ છે તે સત્ય છે.’ આ વાર્તા ટાંકીને માએ કહ્યું, ‘કોઈ જીવનભર દુ :ખી રહેતું નથી. મનુષ્ય જેવું વાવે છે તેવું લણે છે. સુખ અને દુ :ખ બધું જ કાર્ય અને કારણ સાથે સંકળાયેલ છે.’ એક શિષ્યે સવાલ પૂછેલો કે, ‘આ બધાનું મૂળ કયાં છે? એક કર્મ બીજા કર્મનો પ્રતિકાર કરી શકે?’ માએ જવાબ આપેલો કે, જો કોઈ મનુષ્ય પ્રાર્થના કરે, ઈશ્વરનું નામસ્મરણ કરે અને તેનો જ વિચાર કરે તો ખરાબ કર્મની અસર દૂર થાય. મા કહેતાં કે, દરેકને આ જીવનમાં પોતે કરેલાં કાર્યોનું પરિણામ ભોગવવાનું રહે છે. પરંતુ જ્યાં તલવારનો ઘા સહન કરવાનો હોય ત્યાં માત્ર સોય ભોંકાવા જેટલું તો ભોગવવું જ પડે.

Total Views: 367

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.