ગતાંકથી આગળ

કળિયુગમાં અન્નગત પ્રાણ છે ને, એટલે આ બોર્ડિંગ-હાઉસમાં રહેવા જેવું છે. સ્વામી વિવેકાનંદજી કહેતા હતા, ‘મઠ કેમ બનાવવો ? એટલે ને, કે છોકરાઓ આવીને એક મુઠ્ઠી અનાજ પામે અને સત્-જીવનયાપન કરે. એમના માટે જ મઠ સ્થાપિત થયો.’ અહીંયાંનો નિવાસ તો જાણે બોર્ડિંગ-હાઉસ જેવો છે પણ ideal આદર્શ અતિ ઉચ્ચ, ઈશ્વરપ્રાપ્તિ. પાર્થિવ કાંઈ જ નહીં. માત્ર ઈશ્વર. આ જ difference, અંતર છે. અને જરાક સ્નેહત્યાગ કરવો પડે છે. વળી ઘરના સમાચાર પણ પોસ્ટકાર્ડ લખવાથી મળી જાય છે. વધારે લાગણીશીલ હોય તો એક બે દિવસ માટે ઘરે રહી પણ આવી શકે છે. બધી રીતે લાભ જ લાભ. પેટ ભરે, પીઠ સહે. ત્યાં થોડુંક કામ પણ કરવું પડતું હોય તો ખોટું શું છે ? એ ઠાકુરનું જ કામ છે, એમની જ સેવા છે – એ બુદ્ધિથી કરવું. જેમ કે relief works, પીડિતોની સેવા, લાયબ્રેરીની સંભાળ, medicine, દવા આપવી, ભણાવવું, પત્રિકા લખવી, ઠાકુરસેવા, સાધુસેવા – એ જ બધાં તો કામ છે. જેટલી advantage, સુવિધા ત્યાં મળે છે એની તુલનામાં આ કામ અતિ સામાન્ય છે. નિત્ય સાધુસંગ અને શ્રી ભગવાનના સાન્નિધ્યમાં વાસ, એ શું ઓછા સૌભાગ્યની વાત છે ? કેટલા મોટા આશ્રમમાં – કેટલા મોટા ideal, આદર્શના સંસ્પર્શમાં નિવાસ, મઠનો આદર્શ છે ઠાકુર, એટલે કે અવતાર – અર્થાત્ અખંડ સચ્ચિદાનંદ માનવરૂપ ધારણ કરીને આવ્યા. આજકાલ બહુ મોટો chance સુયોગ છે. whole atmosphere is surcharged with spirituality – ચારેય દિશાઓ આધ્યાત્મિકતાથી ભરપૂર છે. ઠાકુર કહ્યા કરતા હતા કે પૂર આવવાથી ખેતરોમાં પણ વાંસ વાંસ જળ થઈ જાય છે. હવે બહુ chance, અવસર છે. આહા! જાણે કેટલાંય સ્થળોએ મઠ ખૂલી રહ્યા છે. બેલુર, ઢાકા, મદ્રાસ, કાશી, માયાવતી વગેરે કેટલાંય સ્થળોમાં થયા છે અને વળી અમેરિકામાં પણ. આ બધા મઠોમાં જે સંપર્ક રાખશે એનું ખૂબ કલ્યાણ થશે.

રોજ સાધુસંગ કરવો જોઈએ કષ્ટ વેઠીને પણ. અને પ્રકૃતિ સાથે સંઘર્ષ કરવો જોઈએ ગુરુ ઉપદેશ લઈને. સાધુસંગ કરતાં કરતાં મન સ્થિર થાય છે. મન સ્થિર થવાથી બધું થઈ ગયું. જેમ કે બહુ મુશ્કેલી વેઠીને પહેલાં વાયોલિન વગાડવાનું શીખે છે. એક વાર શીખી લીધું તો પછી ઘરે બેસીને એકલો જ વગાડી શકે છે. પરંતુ શીખવું પડે છે કષ્ટ ઉઠાવીને.

The world is a stage, men are actors, each plays his parts – આ સંસારના રંગમંચ પર જીવ પોતપોતાનો અભિનય કરે છે, જે પણ કરવામાં આવે એ નિષ્કામભાવે કરવાથી જ મોક્ષ મળે છે, નહીં તો એ જ એનું બંધન બની જાય છે.

કોઈ પણ વિષયને જાણવા માટે આંતરિક પ્રાર્થના કરવાથી ઠાકુર એ જણાવી દે છે. કોઈ કોઈ કહે છે, ‘એ સામે આવીને પણ કહી દે છે. આ કરો, તે કરો.’ વળી, મનમાં પણ બતાવી દે છે, શુદ્ધ ચિત્તમાં તે ઉદય પામે છે, વિચાર રૂપમાં. મન વળી શુદ્ધ થાય છે સાધુસંગથી, regular નિત્ય નિયમિત સાધુસંગથી.

પ્રાર્થના પણ શું કરવી એ શિખવાડી ગયા છે. તેઓ કહેતા હતા, ‘મા, તમારી ભુવનમોહિની માયામાં મુગ્ધ ન કરો.’ એમની માયા દ્વારા જ બધું ભુલવાડી દેવાય છે ને. સદાય પ્રાર્થના. કૃપા ન હોય તો માયાના પંજામાંથી છુટકારો નહીં. એવી છે દૈવી માયા. એમના શરણમાં જવું અને પ્રાર્થના કરવી, ‘મા, ભુલાવશો મા, ભુલાવશો મા.’

ઠાકુર કહેતા હતા કે બાળપણમાં જ બે ચાર પડોશીઓના ઘરની હાલત જોઈને માને કહ્યા કરતો હતો, ‘મા, મુખ ફેરવી દો.’ માએ એવું જ કર્યું. બધું એ જ કરે છે. મન-પ્રાણથી એ વાત કહેવી, બસ, બીજું કાંઈ કરવું નથી પડતું. સગીરનો જેવી રીતે executor, સંરક્ષક હોય છે એવી જ રીતે એ ભાર લઈ લે છે.

ભક્ત – સારુ, કાર્ય અને વિચારથી એક માણસને સારો માનવા છતાં, અને એ સદા ભલાઈ કરે તોપણ, કોઈ બુરાઈ ન કરે તોપણ, એવા માણસ પર વિશ્વાસ કેમ સ્થાયી નથી થતો ? મનમાં સંશય કેમ રહે છે ?

શ્રી મ – પ્રકૃતિ આ બધું કરાવે છે. પ્રકૃતિમાં જેવું કર્મ રહેલું છે, એવું જ થાય છે, એટલે નિર્જનમાં, એકાંતમાં વ્યાકુળ થઈને એમની પાસે પ્રાર્થના કરવી જોઈએ, અને સાધુસંગ કરવો જોઈએ, તો જ એ સંશય દૂર થશે.

ભક્ત – વ્યાકુળ થઈને અંતરથી પ્રાર્થના ન થઈ શકે તો શું કરીએ ?

શ્રી મ – પહેલાં જોર કરીને મૌખિક પ્રાર્થના કરો, એવી રીતે કરતાં કરતાં વ્યાકુળતા આવી જશે.

ભક્ત – સાંસારિક સ્નેહ કેવી રીતે તોડી શકાય ?

શ્રી મ – એ જ સાધુસંગથી અને પ્રાર્થનાથી. માતાપિતાનો સ્નેહ, એ પણ એનાથી જ કપાય છે. જેને માતાપિતા ન હોય એમને એનો સ્નેહ કાપવો અતિ સહજ છે. માર્ગ ખૂબ સીધો છે.

મુકુન્દ આવીને પીપળા નીચે બેસી ગયા. તેઓ બીમાર છે. શ્રી મ એમને બે-ત્રણ વાર ભોજન કરવા જવા કહી ચૂક્યા છે. સમય બહુ થઈ ગયો છે. પરંતુ તેઓ ગયા નહિ. શ્રી મ ના વચનામૃતપાનની લાલસા છે. અંતે શ્રી મ એ કહ્યું, ‘friends, ભાઈઓની વાત માનવી જોઈએ.’ એટલે મુકુન્દ ચાલ્યા ગયા.

હવે કલકત્તાના એક ભકતની ચર્ચા ચાલી. તે પ્રતિષ્ઠિત ધનવાન છે. પરંતુ તેમના આત્મીયજનો કોઈ એમના કાબૂમાં નથી. ઈશ્વરમાં મન, વય પચાસ ઉપર.

શ્રી મ – ખરેખર, તે બહાદુર છે. સંસારનું બધું જ કાર્ય કરે છે, ત્યાં સુધી કે ઘરના નોકરચાકરોની પણ ખબર રાખે છે. અમે લોકો અહીંયાં છીએ, અમારું પણ કેટલું ધ્યાન રાખે છે ! અહીંયાં કેટલી વસ્તુઓ મોકલે છે ! અમારા પરમ આત્મીયજન છે. મોટા દીકરા પર પરિવારનો ભાર દઈને interest, વ્યાજ પર ઘર ચલાવીને નિશ્ચિંત મનથી કરી શકે છે – ઈશ્વરચિંતન.

પ્રશ્ન – સારુ, કંઈ પણ વળતર ચૂકવ્યા વગર કોઈની સેવા લેવી ઉચિત છે શું ?

શ્રી મ – ભક્તોની સેવા લઈ શકાય છે. ‘ભક્તનું અન્ન શુદ્ધ’ એમ ઠાકુર કહેતા હતા. ભક્ત કોઈ કામનાથી સેવા નથી કરતો, એક ઈશ્વર-કામનાથી. સકામ સેવા લેવાથી બંધન થાય છે, ચિત્ત પણ મલિન થાય છે.

પ્રશ્ન – મઠમાં ઉત્સવાદિ વખતે ઘણા ઉપવાસ કરે છે. જો એ સહન ન કરી શકે તો શું કાંઈ દોષ થાય છે ?

શ્રી મ – દોષ શું કામ થાય ? તોપણ ઉપવાસનો અભ્યાસ હોવો સારું છે. ઉત્સવાદિમાં મઠમાં જતા સમયે ખિસ્સામાં કાંઈક લઈ જઈ શકાય. ઠાકુરદર્શન કરીને કંઈક ખાઈ લેવું. શરીર અને મન સ્વસ્થ થાય પછી ઈશ્વરચિંતન કરવું. ઉપવાસનો અભ્યાસ ન હોય તો શરીર ખરાબ થઈ જશે, પછી કાંઈ નહીં કરી શકાય. અને વળી એમાં કશું જ નથી. અસલી વાત છે એમને પોકારવા. જેનાથી ઉપવાસ સહન ન થતો હોય, તેણે કાંઈક આહાર કરીને જવું યોગ્ય છે. જેનાથી મન ઈશ્વરમાં રહે એ જ કરવાનું છે. ઉપવાસ ચાહે કરો કે ન કરો. (ક્રમશ 🙂

Total Views: 214

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram