ગતાંકથી આગળ…
ઘણા લોકોને એકલા રહેવામાં સ્વાભાવિક ભય લાગે છે. તેમને સદાને માટે કોઈને કોઈ પ્રકારના સંગની આવશ્યકતા જણાય છે. લોકો બીજા સાથે વાતો કરવામાં અને કરાવવામાં વ્યગ્ર રહે છે. આ પ્રવૃત્તિનું મુખ્ય કારણ પોતાના તુચ્છ અહંકાર સાથેનો લગાવ છે. અહંકાર વિચારો, સ્મૃતિઓ અને ભાવનાઓનો એક જટિલ સમૂહ છે, એટલે તે કોઈપણ પ્રકારનો આશ્રય ઇચ્છે છે. સામાન્યત : લોકો અહંકારને બીજાના સહારે જાળવી રાખે છે. પરંતુ જે લોકો અંતરથી પોતાના વ્યક્તિત્વના એકીકરણમાં સફળ થયા છે, તેમને આવા બાહ્ય આશ્રયોની આવશ્યકતા નથી હોતી. એમના વ્યક્તિત્વનું ભારકેન્દ્ર પૂર્ણત : ભીતર જ રહે છે. ઉચ્ચતર આત્મા (પરમાત્મા) માનવની જાણકારીમાં શ્રેષ્ઠતમ એકીકરણકારી શક્તિ છે. પોતાના શાંતિપૂર્ણ અસ્તિત્વ માટે આ કે તે વ્યક્તિ પાસે દોડી જવું જરૂરી નથી.
એકલા શાંતિથી રહો. એકાંતમાં જ તમે પરમાત્માના સંગનો સ્પષ્ટતર અનુભવ કરશો. પરમાત્મા સાથે એકલા રહો. અંતર્યામી પરમાત્મા આપણા બધાના સંગ માટે પર્યાપ્ત છે. એક પ્રસિદ્ધ સંસ્કૃત શ્લોકમાં કહ્યું છે-
त्वमेव माता च पिता त्वमेव,
त्वमेव बन्धुश्च सखा त्वमेव।
त्वमेव विद्या द्रविणं त्वमेव,
त्वमेव सर्वं मम देवदेव।
અર્થાત્ તમે જ માતા છો, તમે જ પિતા છો, તમે જ બંધુ છો, સખા પણ તમે છો. તમે જ વિદ્યા છો અને ધન પણ તમે છો, હે દેવ, મારું સર્વસ્વ તમે જ છો.
બુદ્ધના ઉપદેશને યાદ કરો : ‘ગેંડાની જેમ એકાકી અને સ્વચ્છંદ વિચરણ કરો.’ શ્રીમદ્ ભાગવતની ઉદ્ધવ ગીતામાં આ વાત એક યુવતીની સરળ વાર્તાના માધ્યમથી કહેવામાં આવી છે. એ યુવતીને પોતાના ઘરે કેટલાક પુરુષ અતિથિઓની આગતાસ્વાગતા કરવી પડી હતી. રાંધવા માટે ચોખા તૈયાર ન હતા, એટલે તે કમોદ ખાંડવા લાગી. પરંતુ એનાં કાંડાંની બંગડીઓ પણ અવાજ કરવા લાગી. એટલે એણે વિચાર્યું કે આનાથી તો પરિવારની દરિદ્રતા પ્રગટ થઈ જશે. એટલે એણે એક એક કરીને પોતાની બંગડીઓ ઉતારી નાખી. અને હવે બન્ને હાથમાં કેવળ એક એક બંગડી રહી ગઈ હતી. એક પરિવ્રાજક અવધૂતે આ બધું જોઈને એ યુવતી પાસેથી આવું જ્ઞાન પ્રાપ્ત કર્યું :
वासे बहूनां कलहो भवेद्वार्ता द्वयोरपि।
एक एव चरेत्तस्मात्कुमार्या इव कङ्कणः।।
અર્થાત્ : ઘણા લોકો સાથે રહેવાથી કલહ થાય છે, બે લોકોમાં પણ વાતચીતની સંભાવના રહે છે. એટલે કુમારીના કંકણની જેમ એકલા રહેવું જોઈએ. (ભાગવત- ૧૧.૯.૧૦)
જ્યારે ક્યારેય તમે એકલા હો તો અહીં આપેલ બંગાલી ગીતનું સ્વયં ગાન કરજો. આ ગીત શ્રીરામકૃષ્ણને અત્યંત પ્રિય હતું.
નાથ તુમ હી સર્વસ્વ હમાર, પ્રાણાધાર, જીવનસાર.
તુમ બિન નાહિં અપના, તીનોં લોક મઁઝાર.
સુખ-શાંતિ તુમ્હીં સહાય-સમ્બલ,
સમ્પદ વૈભવ જ્ઞાન બુદ્ધિ-બલ,
તુમ્હીં વાસ-ગૃહ વિશ્રાન્તિ-સ્થલ,
સ્વજન મિત્ર, પરિવાર ।।૧।।
તુમ ઇહકાલ, તુમ્હીં પરકાલ,
સ્વર્ગ-મોક્ષ તુમ હી જગ-પાલ,
તુમ્હીં શાસ્ત્ર, ગુરુ, ભક્ત-કલ્પ-તરુ,
તુમ ચિર-સુખ-આગાર ।।૨।।
તુમ હી સાધન, તુમ્હીં સાધ્ય હો,
સૃજનહાર પરમ-આરાધ્ય હો.
દણ્ડ-દાત પિતુ માત સ્નેહમયી,
ભવજલધિ કર્ણધાર —।।૩।।
પ્રકરણ – ૧૦
ત્યાગ અને અનાસક્તિ
ત્યાગની આવશ્યકતા :
એ ખૂબ આશ્ચર્યની વાત છે કે આટલાં કષ્ટ ભોગવવા છતાં પણ લોકોની આંખો ઊઘડતી નથી, ઊલટાના તેઓ અનેક પ્રકારનાં મિથ્યા તાદાત્મ્યોને વળગી રહે છે. સમગ્ર સંસાર કામ અને કાંચનની ઇચ્છાથી આબદ્ધ છે. લોકો એમને જીવનનું લક્ષ્ય બનાવે છે, પરિણામે દુ : ખ જ મેળવે છે. પોતાના તથા બીજાના દેહની સાથે તાદાત્મ્ય સ્થાપિત કરીને આપણે અનેક પ્રકારનાં ભાવનાત્મક બંધનોમાં પડી જઈએ છીએ. સાથે ને સાથે અનંત કષ્ટ ભોગવીએ છીએ. અવશ્ય એવા પણ લોકો છે કે જે એના પર જ પોષાતા રહે છે. જેમ શ્રીરામકૃષ્ણ કહ્યા કરતા કે ઊંટ કાંટાળી ઝાડીઓ ખાય છે અને મોંમાંથી લોહી વહેવા છતાં પણ ખાધા જ કરે છે, પરંતુ આધ્યાત્મિક સાધક આવી રીતે જીવનયાપન કરી શકતો નથી. એણે પોતાના માટે એક ઉચ્ચતમ લક્ષ્ય નિર્ધારિત કરી લીધું છે અને તે સાંસારિક બંધનોમાં પોતાનો સમય વેડફી ન શકે. એટલે તે અનાસક્તિ અને ત્યાગ વિશે ગંભીરતાથી વિચારવાનો પ્રારંભ કરે છે.
ત્યાગને બધા ધર્મોમાં આધ્યાત્મિક જીવન માટે મુખ્ય સ્થાન અપાયું છે. ધન અને લોભ, કામ અને યૌન પ્રવૃત્તિ તથા અહંકાર આ ત્રણેયના ત્યાગ પર બધાં ધર્મશાસ્ત્રો અને સાચી આધ્યાત્મિક વ્યક્તિઓએ ભાર દીધો છે. ત્યાગ વિના આધ્યાત્મિક જીવન સંભવ નથી. અને ત્યાગનો અર્થ કેવળ બાહ્ય ત્યાગ નથી, પરંતુ માનસિક ત્યાગ પણ છે. આપણે પોતાનાં દેહ તથા મનની સાથેનો તેમજ બીજાંનાં દેહ અને મનની સાથેના પોતાના વળગણનો ત્યાગ કરીને વાસ્તવિક રૂપે અનાસક્ત અને વિરક્ત બનવું જોઈએ. કેટલીક વસ્તુઓ તથા વ્યક્તિઓના સંદર્ભમાં આવું કરવા છતાં પણ બીજાઓ સાથે વળગણ રાખવાથી કામ સરવાનું નથી. જેમને આપણે ચાહતા નથી એવી વસ્તુઓ અને એવી વ્યક્તિઓથી દૂર રહેવું તેમજ તેને ત્યાગ કહેવો એ વાત સરળ છે. બધા પ્રત્યેના દૃષ્ટિકોણનું પરિવર્તન એ જ સાચો ત્યાગ છે. (ક્રમશ : )
Your Content Goes Here