પ્રશ્ન- રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યમાં જ્ઞાનમિશ્રત (ભક્તિ અને જ્ઞાનનો સમન્વય)નો વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એનો સાચો અર્થ અને તેને કેવી રીતે વ્યવહારમાં લાવી શકાય અને એ ‘સામાન્ય ભક્તિ’થી કઈ રીતે અલગ છે તે કૃપા કરી જણાવો.

મહારાજ – આ બાબતને સમજવા માટે પહેલાં ‘સામાન્ય ભક્તિ’ને સમજવી જોઈએ. સામાન્ય ભક્તિ એટલે પરંપરાગત ભક્તિ. એટલે કે ચોક્કસ પંથનો અને પ્રથાનો સ્વીકાર અને પરિવારની પરંપરા દ્વારા ઊતરી આવેલ ભક્તિભાવપૂર્ણ પૂજા-ઉપાસના સંબંધી બાબતોનું પાલન. પરંતુ એ યથાર્થ ભક્તિ ત્યારે જ બની શકે કે જ્યારે જીવનમાં પ્રબળ એવાં ઊંડે સુધી ઘર કરી બેઠેલાં આધ્યાત્મિક મૂલ્યોના સ્વીકાર દ્વારા તે શ્રદ્ધાને કાર્યાન્વિત કરવામાં આવે.

દરેક પ્રકારની ભક્તિમાં જ્ઞાનતત્ત્વ સમાયેલું છે. કોઈપણ વસ્તુને ચાહવા માટે, વ્યક્તિને તે વસ્તુની આગળની જાણકારી હોવી આવશ્યક છે. પરંતુ જ્યારે તે વસ્તુ સાથે સ્નેહનો સેતુ બંધાય છે ત્યારે જ્ઞાનની જરૂરિયાત રહેતી નથી. આ સ્નેહ એ વ્યક્તિની શ્રદ્ધાપૂર્વક સેવા કરવા અને તેની કૃપાદૃષ્ટિ મેળવવા પર આધારિત હોઈ શકે છે, અથવા તો કોઈ પોતાની જ નજીકની વ્યક્તિ પરની લાગણી પર, પછી ભલે તેમાંથી કંઈ મળે કે નહીં, આધાર રાખે છે. જ્યારે કંઈ પણ આપણું ‘પોતાનું’ હોય ત્યારે એ વળતર ન મળવા છતાં ખૂબ વહાલું લાગે છે.

હવે ભક્તિમાં પણ આ જ પરિબળ જોવા મળે છે. સામાન્ય રીતે આપણે ભગવાનને સર્વશક્તિમાન અને સર્વજ્ઞ સર્જક તરીકે સમજીએ છીએ. દરેક જગ્યાએ અને દરેક રીતે આપણા વિચારોમાં એ દિવ્ય પ્રતિભા મોખરે હોય છે. પ્રાર્થના-આરાધના દ્વારા આપણે તેમની કૃપા મેળવતા હોઈએ છીએ. પરંતુ મનુષ્ય જ્યારે વધુ દાર્શનિક દૃષ્ટિકોણવાળો બનતો જાય છે અને ધીમે ધીમે માનવશાસ્ત્રની વિભાવનામાં નીચે ઊતરતો જાય છે ત્યારે એ દુન્યવી બાબતો અને વિચારોથી દૂર થતો જાય છે. એ પોતાના અને પરમતત્ત્વ વચ્ચેના સંબંધ વિષે વધુ વિચારતો થાય છે, સંસારથી (દુન્યવી બંધન) બચાવનાર એ તત્ત્વ શક્તિ પર અને વ્યક્તિના ઊર્મિશીલ પોષણ માટે તે એ પરમતત્ત્વ પર સંપૂર્ણ આધારિત બની જાય છે. અંતે દાર્શનિક પુન :વિચાર અને આરાધના થકી એ ‘સ્વ’ને સમર્પિત કરે છે. આ પ્રકારની ઉપાસના એ જ્ઞાનમિશ્રિત ભક્તિ કહેવાય છે. તેવી ભક્તિના ચરમવિકાસમાં તે સાધક દિવ્યસત્તામાં એકાકાર થઈ જાય.

આથી વિપરીત, ભાવનાવિવશતાને પ્રાધાન્ય આપતી ભક્તિ-ઉપાસના-નો પણ એક પ્રકાર છે. અહીં એક રીતે જાણીતી ઈશ્વરીય-સત્તા માત્ર વિચારોની પૃષ્ઠભૂમિમાં હોય છે. આ પ્રકારની ભક્તિમાં ઈશ્વર માત્ર મારા પોતાના જ છે એવી ભાવના એટલી પ્રબળ બને છે કે ઈશ્વરની સાથે નજદીકતા એ પરમતત્ત્વના સામર્થ્ય અને શક્તિથી દૂર થઈ જાય છે. એક જીવાત્મા એ સર્વશક્તિમાન અને સર્વજ્ઞ તત્ત્વને એક પિતા, માતા, મિત્ર, પતિની જેમ પોતાના સમજી તેમની સાથે એકરૂપતા અને ગાઢ સામીપ્ય કેવી રીતે કેળવી શકે- એ એક દિવ્યપ્રેમનું વણઉકલ્યાં રહસ્યોમાંનું એક છે. આ પ્રકારના પ્રેમનું શ્રીમદ્ ભાગવત પુરાણમાં ભગવાન શ્રીકૃષ્ણના જીવનમાં નિરૂપણ થયું છે.જ્યાં ભક્તિને એક અંગત લાગણીરૂપે બતાવી છે અને માત્ર અંગત પુત્ર, મિત્ર કે કોઈ પ્રિય વ્યક્તિની જેમ એ સર્વશક્તિમાન ઈશ્વરને પ્રેમ કરે છે, આ પ્રકારની ભક્તિને ક્યારેક ‘અણસમજુ ભક્તિ’ પણ કહેવામાં આવે છે. પરંતુ એ એટલું અણસમજુપણું નથી જેટલો તેનો શાબ્દિક અર્થ છે. તે એ દિવ્ય પ્રભુસત્તાને નથી જાણતો એમ નહિ, પરંતુ એ દિવ્યસત્તા ભક્તના પોતિકાપણામાંથી અને અનુરાગની તીવ્રતાથી ઢંકાયેલી છે.

આ પ્રમાણે બતાવેલી પ્રેમલક્ષણા ભક્તિથી વિપરીત એવી અગાઉ બતાવેલી જ્ઞાનમિશ્રિત ભક્તિ છે કે જેમાં વ્યક્તિગત વ્યવહાર કરતાં તત્ત્વજ્ઞાન સાથે સુસંગત વ્યવહારનું વર્ચસ્વ હોય છે. આ તત્ત્વજ્ઞાન સાથે સુસંગત વ્યવહાર અંતે એ પરમતત્ત્વની સાથે એકરૂપતામાં પરિણમે છે.

મહાન અદ્વૈતિક મહાપંડિત અને મહાન તત્ત્વજ્ઞાની મધુસૂદન સરસ્વતી ભક્તિ વિષે કહે છે, ‘હું તેમનો છું; તેઓ મારા છે; હું જ તે છું. વ્યક્તિની આધ્યાત્મિક ઉત્કંઠાની પરિપક્વતા આ ત્રણ પ્રકારના સૂત્રમાં સમાયેલી છે.’ ‘હું તેમનો છું’ અને ‘હું જ તે છું’ માં એ દિવ્ય પ્રભુસત્તાની પૂર્ણતા અને સભાનતા મુખ્ય છે એમ આપણે કહી શકીએ અને તેથી જ તે જ્ઞાન સાથે સંમિશ્રિત છે. એની પરિપક્વતાના ફળ સ્વરૂપે જીવાત્મામાં સમર્પણભાવ આવે છે અને એ જીવાત્મા પરમાત્મામાં વિલીન થઈ જાય છે અને ભક્તિ તથા જ્ઞાન બન્ને સંપૂર્ણપણે એકરૂપ થઈ જાય છે.

પરંતુ ‘અણસમજુ ભક્તિ’માં શ્રીકૃષ્ણની સાથે જોડાયેલી ભક્તિ કે જ્યાં ઈશ્વર મારો છે, ત્યાં ભક્ત મોક્ષની પણ પરવા કરતા નથી. તેઓ ઈશ્વરની શક્તિને કારણે એમને પ્રેમ નથી કરતા, પરંતુ ફક્ત ઈશ્વર તેમનો છે એ ભાવ સાથે તેમને પ્રેમ કરે છે અને એ ભક્તિની પરાકાષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ છે. તેઓને મુક્તિ કે મોક્ષ નથી જોઈતા પરંતુ માત્ર સેવા, અનંતકાળ સુધી તેમના સેવક બની રહેવાનું સદ્ભાગ્ય ઇચ્છે છે. મોટાભાગની વ્યક્તિઓ માટે માત્ર જ્ઞાનમિશ્રિત ભક્તિ અનુકૂળ હોય છે અને ‘તે મારા છે’ એ પ્રકારની લાગણી સાથે ઉત્તમ ઉપાસના માટે નહિ. જો શુદ્ધ જ્ઞાન દ્વારા ‘હું’ પણાને ભૂંસી નાખવામાં આવે, વિલીન કરી દેવામાં આવે તો આ પ્રકારની ભક્તિ દ્વારા મારાપણું પણ ઈશ્વરમાં વિલીન થઈ જાય છે અને ત્યારે જ સેવાનો સાચો અર્થ ફળીભૂત થાય છે.

Total Views: 413

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.