કલ્પતરુ દિવસ અને શ્રીમા શારદાદેવીનો ૧૬૮મો પાવનકારી તિથિપૂજા-મહોત્સવ

૧ જાન્યુઆરી, શુક્રવારના રોજ શ્રીમંદિરમાં કલ્પતરુ દિવસ ઊજવવામાં આવ્યો હતો. ૫ જાન્યુઆરી, મંગળવારના સવારે ૫ :૦૦ વાગ્યાથી બપોરના ૧૨ :૩૦ સુધી શ્રીમા શારદાદેવીની ૧૬૮મી પાવનકારી તિથિપૂજાના મહોત્સવમાં સવારે મંગળ આરતી, સ્તોત્ર પાઠ, ધ્યાન, વેદપાઠ; વિશેષ પૂજા અને સપ્તશતીપાઠ; હવન, ભજન અને કીર્તન પછી અંતમાં ભોગ-આરતીનું આયોજન થયું હતું. સાંજે સંધ્યા આરતી પૂર્વે શ્રીમંદિરમાં શ્રીમાનામ સંકીર્તનનું આયોજન થયું હતું. ઉપર્યુક્ત બન્ને દિવસ સ્વામી નિખિલેશ્વરાનંદજીનાં વિડિયો પ્રવચન પ્રસારિત કરવામાં આવ્યાં હતાં.

શ્રીમદ્ ભાગવત કથા-સત્સંગની પૂર્ણાહુતિ

૧૯ એપ્રિલ, ૨૦૨૦ના રોજ શરૂ થયેલ આૅનલાઈન શ્રીમદ્ ભાગવત કથા-સત્સંગની પૂર્ણાહુતિ ૧ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ કરવામાં આવી હતી. પૂર્ણાહુતિ નિમિત્તે પ્રસંગાનુસાર પરંપરા મુજબનો પૂજાવિધિ સવારે ૮ થી ૧૦ દરમ્યાન સંપન્ન થયો હતો. આ ૨૫૨ દિવસ દરમ્યાન સ્વામી ગુણેશાનંદજીએ ભાગવત કથાને કેન્દ્રમાં રાખીને મનુષ્યજીવનનું લક્ષ્ય; ભક્ત અને ભગવાનની એકરૂપતા, ભક્તિનાં લક્ષણો, કર્તા-અકર્તા સર્વથા ઈશ્વર જ, ગોપીઓનો નિ :સ્વાર્થ પ્રેમ, રાધારાણીનો મહાભાવ ઇત્યાદિનું વિશદ વિવેચન કર્યું હતું. સમગ્ર કથા દરમ્યાન ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદના જીવન-ઉપદેશોને વણી લઈને દર્શનશાસ્ત્રના ગહન સિદ્ધાંતોનું વિવરણ કરવામાં આવ્યું હતું. સંક્ષિપ્તમાં, મનુષ્યની મતિ, રતિ અને ગતિ શ્રીભગવાનના ચરણોમાં સ્થાપિત થાય તેવા શુભ પ્રયત્નો કથા દરમ્યાન કરવામાં આવ્યા હતા અને અદ્વૈત વેદાંતના સૂરનું પ્રસ્થાપન કરવામાં આવ્યું હતું.

આૅનલાઈન શ્રીમદ્ ભાગવત કથા-સત્સંગનું તા.૨ જાન્યુઆરી, શનિવારથી પુન :પ્રસારણ શરૂ કરવામાં આવ્યું છે. સાથે ને સાથે સ્વામી નિખિલેશ્વરાનંદની પ્રશ્નોત્તરી પણ રાબેતા મુજબ પ્રસારિત થઈ રહી છે.

૧૨ જાન્યુઆરી, ૨૦૨૧- ‘રાષ્ટ્રિય યુવા દિવસ’ની ઉજવણી

આપણે બધા જાણીએ છીએ કે સમગ્ર ભારતમાં સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ, ૧૨મી જાન્યુઆરી, રાષ્ટ્રિય યુવા દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આ નિમિત્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ઘણા કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા. આ ઉપલક્ષમાં ૧૨મી તારીખે, સાંજના ૪.૦૦ થી ૬.૦૦ દરમિયાન રાજકોટ આશ્રમ દ્વારા એક નેશનલ વેબિનાર પણ આયોજિત કરવામાં આવ્યો હતો.

‘રાષ્ટ્રિય યુવા દિવસ’ના ઉપલક્ષમાં ભારતના માનનીય વડા પ્રધાન, શ્રી નરેન્દ્ર મોદીજીએ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટને પોતાનો સંદેશ મોકલ્યો હતો જે વેબિનાર દરમિયાન વાંચવામાં આવ્યો હતો. પીએમઓ તરફથી વિડિઓ ક્લિપ પણ મોકલવામાં આવી હતી, જે વેબિનારમાં બતાવવામાં આવી. માનનીય મોદીજીના સંદેશનું ગુજરાતી ભાષાંતર અહીંયાં પ્રસ્તુત છે –

‘શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા જાન્યુઆરી ૧૨, ૨૦૨૧ના રોજ રાષ્ટ્રિય યુવા દિવસની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રિય વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે તે જાણીને આનંદ થાય છે.

સ્વામી વિવેકાનંદના ઉપદેશો-વિચારો શાશ્વત છે. યુવાનોની ઊર્જા અને ક્ષમતા પર તેમને અટલ વિશ્વાસ હતો.

સ્વામીજીએ રાષ્ટ્રનિર્માણના કાર્યમાં યુવાનો માટે મહત્ત્વની ભૂમિકાને અગાઉથી જોઈ લીધી હતી. રાષ્ટ્રિય જાગૃતિ માટેના તેમના આહ્‌વાનમાંથી પ્રેરણા મેળવીને આપણી યુવા શક્તિ સતત પોતાના પ્રયત્નો અને મહત્ત્વાકાંક્ષાઓ, રાષ્ટ્રની આકાંક્ષાઓ સાથે જોડી રહી છે.

યુવાનોની કૃતનિશ્ચયતા અનેે શક્તિ સમૃદ્ધ અને સ્વનિર્ભર ભારત-નિર્માણના આપણા સંકલ્પને શક્તિ આપી રહ્યાં છે. ભારતને દરેક રીતે ઉન્નત બનાવવાના સંકલ્પ તેમજ તાત્કાલિક જરૂરિયાતોથી આગળના લાંબા ગાળાના ઉકેલો પર પ્રાધાન્ય આપવું, એ એમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

છેલ્લા એક વર્ષ કે તેથી વધુ સમયગાળાથી પ્રજાએ જોયું છે કે, અમારો પ્રયાસ ફક્ત સમય સાથે તાલ મિલાવવાનો જ નહીં, પણ સમયની આગળ ચાલવાનો પણ હોવો જોઈએ. વિચારોના આદાનપ્રદાનને મહત્તા આપવાની અને નૂતન વિચારોને સંઘર્ષ વિના યથાવત્ સ્વીકારવાની પ્રક્રિયાને આજના યુવાનોએ સર્વોચ્ચ મહત્ત્વ આપવા પર ભાર મૂકવો જોઈએ. આ સંદર્ભમાં, વેબિનારની થીમ- ”The Message of Swami Vivekananda for the Modern Youth” (આધુનિક યુવાનો માટે સ્વામી વિવેકાનંદનો સંદેશ) યથાયોગ્ય છે.

વેબિનાર દરમિયાન માનનીય કેબિનેટ મંત્રી શ્રી પ્રતાપ સારંગજી તેમજ રામકૃષ્ણ મઠ રામકૃષ્ણ મિશનના મહાસચિવ શ્રદ્ધેય સ્વામી સુવીરાનંદજી મહારાજના વિડિઓ સંદેશ પણ વેબિનારમાં બતાવવામાં આવ્યા હતા. આ વેબિનારમાં પુડ્ડુચેરીનાં માનનીયા ઉપરાજ્યપાલ ડૉ. કિરણ બેદી આૅનલાઇન જોડાયાં હતાં અને વિશેષ ભાષણ આપ્યું હતું. તેમણે થોડા આૅનલાઇન પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશથી પ્રેરિત અને સિદ્ધિપ્રાપ્ત એવા પાંચ યુવાવરોએ રાષ્ટ્રિય વેબિનારને સંબોધન કર્યું હતું. તેઓ હતા પદ્મભૂષણ શ્રી પુલ્લેલા ગોપીચંદ, આંતરરાષ્ટ્રિય પૂર્વ બેડ્મિન્ટન ખેલાડી અને હાલમાં ભારતીય બેડ્મિન્ટન ટીમના મુખ્ય રાષ્ટ્રિય કોચ; પદ્મશ્રી ડૉ. અરુણિમા સિન્હા, એવરેસ્ટ-આરોહક પ્રથમ દિવ્યાંગ મહિલા અને તેનઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ મેળવનાર; શ્રી શરદ સાગર, જાણીતા યૂથ આઇકોન અને આંતરરાષ્ટ્રિય સ્તરે સામાજિક ઉદ્યોગસાહસિક અને ડેક્સ્ટેરિટિ ગ્લોબલના સ્થાપક; શ્રી ચિદુગુલ્લા શેકર, જાણીતા પેરા-એથ્લેટ ચેમ્પિયન અને રશિયામાં સૌથી ઊંચા શિખર માઉન્ટ એલબ્રસને સર કરનાર ભારત તરફથી પ્રથમ ટ્રિપલ અમ્પ્યુટી; માનસી જોશી, જાણીતાં પેરા-બેડ્મિન્ટન એથ્લેટ, જેમણે બીડબ્લ્યુએફની પેરા-બેડ્મિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

૧૦ દેશો અને ભારતાનાં ૨૪ રાજ્યોથી ૭૯૦ વ્યક્તિઓએ આ વેબિનારમાં નોંધણી કરાવી હતી અને આશરે ૪૫૧૧ વ્યક્તિઓએ યુ ટ્યુબ પર આ કાર્યક્રમ લાઈવ નિહાળ્યો હતો અને ૧૮૫૦ લોકોએ આશ્રમના ફેસબુક પર આ કાર્યક્રમ લાઈવ માણ્યો હતો.

વેબિનાર આપણા યુવાનોને સ્વામીજીના visionમાંથી પ્રેરણા મેળવવાની તક પૂરી પાડશે. વેબિનાર અને રાષ્ટ્રિય યુવા દિવસની સફળ ઉજવણી નિમિત્તે હું શુભેચ્છા વ્યક્ત કરું છું.

Total Views: 318

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.