ગતાંકથી આગળ…

સાંજના સાડા પાંચ વાગ્યા છે. શ્રી મ. ફરવા માટે આશ્રમની બહાર જઈ રહ્યા છે. એમની સાથે થોડા ભક્ત પણ છે. દક્ષિણના મેદાન તરફ ચાલી રહ્યા છે. એસ.ડી.મુખર્જીના બંગલાની નજીકના રસ્તે શ્રી મ. એ એક માળીને ગીત ગાતો સાંભળ્યો. ગીતનો ભાવ છે-શ્રી ભગવાન ચૈતન્ય મહાપ્રભુ નવદ્વીપમાં શ્રીવાસના આંગણામાં હરિનામમાં વિભોર થઈને નૃત્ય કરી રહ્યા છે : ‘હે જગવાસી, આવો, એમનાં દર્શન કરીને જીવન સાર્થક કરો.’ શ્રી મ. આ ગીત સાંભળીને ભાવવિભોર થઈને ઊભા રહી ગયા. મુખ-નેત્રથી એક અપાર્થિવ આનંદની છટા પ્રવાહિત થવા લાગી. થોડી વાર પછી બોલ્યા, ‘આહા ! ઠાકુરે એમના મુખેથી કેવી વાત સંભળાવી છે! જે જગતના કલ્યાણ માટે સર્વસ્વ ત્યાગ કરીને સંન્યાસી થયા, એમની વાત. એ સ્વયં ઈશ્વર જ મનુષ્ય-શરીર ધારણ કરીને આવ્યા હતા. એમનું પોતાનું કોઈ પ્રયોજન નહોતું પરંતુ માનવ-જગતના કલ્યાણ માટે સંન્યાસ ગ્રહણ કર્યો.’ રસ્તામાં ચાલતાં ચાલતાં એક આંબાવાડી પાસે ઊભા રહ્યા. બે વૃક્ષ એક સ્થાન પર ઊભેલાં જોઈ શ્રી મ. કહેવા લાગ્યા, ‘જુઓ, કેવું સુંદર સ્થાન છે ! અહીંયાં વેદિકા જેવું ઊંચંુ સ્થાન હોય તો યોગીઓ માટે ઉપયોગી બને. ‘योगी युज्जीत सततं आत्मानं रहसि स्थितः।’ આવા સ્થાન પર બેસવાથી ભગવાનનું ઉદ્દીપન થાય છે. કેટલું સુંદર અને નિર્જન ! વેદમાં છે કે યોગનું સ્થાન મનોનુકૂલ અને નયન સુખકર, સુદૃશ્ય અને શાંત હોય. આવી રીતે જે જે સાંભળે છે અથવા જુએ છે, એ બધામાં ઈશ્વરનું ઉદ્દીપન કરાવતા શ્રી મ. આગળ વધી રહ્યા છે. ભક્તગણ સાથે છે. એ દરમ્યાન થોડીક વ્યક્તિઓનું એક જૂથ પશ્ચિમ દિશા બાજુથી મિહિજામ તરફ આવ્યું. પાસે પહોંચીને એમણે શ્રી મ. ને દંડવત્ કર્યા. એ સાંથાલી લોકોની જાન હતી. વિવાહ કરીને વર-વધૂ સાથે પાછાં ફરી રહ્યાં હતાં. શ્રી મ. ને વર-વધૂએ ‘દંડવત્’ શબ્દનું ઉચ્ચારણ કરીને પ્રણામ કર્યા.

એમના ગયા પછી કહેવા લાગ્યા, ‘આ બંને સંસારમાં ઈશ્વરના વિધાનથી જ પ્રવેશ કરી રહ્યાં છે. ‘સંસાર જ્વલંત અનલ’, ઠાકુર કહેતા હતા. પૂર્ણ અને નાના નરેનની સમાધિની અવસ્થા હતી, ઠાકુરે જણાવ્યું હતું. જ્યારે એમણે વિવાહ કરી લીધા તો ઠાકુર એ સાંભળીને રડવા લાગ્યા. ‘પોતાની આંખે જ પટ્ટી બાંધીને કહે છે, ‘હું જોઈ નથી શકતો.’ ઠાકુર આ વાત કહ્યા કરતા. એક બેરિસ્ટર ભક્ત હતો, એની પણ સમાધિ અવસ્થા હતી. પરંતુ ગૃહસ્થની જંજાળમાં પડીને જુદા જ પ્રકારના થઈ ગયા. આ ખોટ પૂરી શકાય છે, જો તન-મન-વાણીથી ઈશ્વરની શરણમાં જઈએ. મહામાયાનો ખેલ જ એવો છે કે એ જવા જ નથી દેતી. એટલે સદા પ્રાર્થના કરો, ‘મા ! ભૂલાવશો નહિ.’ એમની કૃપા થયા પછી ભલે તે ઘરમાં રાખે કે બધો ત્યાગ કરાવી દેે, કોઈ ડર નથી. એમના હાથમાં બધું જ છે.’

સંધ્યાકાલીન ધ્યાન, કથામૃત-પાઠ અને રાત્રિનું ભોજન સમાપ્ત થઈ ગયું. હવે રાત્રિના સવા નવ વાગ્યા છે. કૃષ્ણ પક્ષ. ઉપર અગણિત ઉજ્જવળ તારામંડળથી વિસ્તરિત નભોમંડળ. નીચે કૃષ્ણ પક્ષનો ગાઢ રાત્રિનો અંધકાર. પાસે એક બે વૃક્ષ જ દેખાય છે. નીરવતા જાણે હૃદયમાં પ્રવેશીને એક પ્રશાંત ગંભીર ભાવ ફેલાવી રહી છે. સુવિસ્તૃત વનમાં વચ્ચે આવેલી કુટીરના પ્રાંગણમાં શ્રી મ. બ્રહ્મચારીઓ સાથે બેઠેલા છે. દૃષ્ટિ ઊંચે આકાશમાં રહેલી છે. થોડી વાર પછી એક બ્રહ્મચારીને કહી રહ્યા છે, ‘આપે Astronomy, જ્યોતિષ વિષય લીધો હતો શું ? Atronomy માં પંડિતોએે નભોમંડળનાં ગ્રહ-નક્ષત્રોનું વિવેચન કર્યું છે. ભારતીય યોગીઓએ બહુ પહેલાં જ આ બધા વિષય પર ચિંતન કરી લીધું હતું. નભોમંડળનું ચિંતન કરવાથી ઈશ્વરની વ્યાપક્તાનો આભાસ થાય છે.

આ જુઓને, સામે જ સપ્તર્ષિ મંડળ અને આ ધ્રુવ તારો. સપ્તર્ષિ ધ્રુવની ચારે બાજુ ફરે છે. ચોવીસ કલાકમાં એક વાર ધ્રુવની પ્રદક્ષિણા કરે છે. Four right angles describe – ચાર સમકોણ ઉત્પન્ન કરે છે. ચોવીસ કલાકમાં ધ્રુવને point, કેન્દ્ર કરીને એના ઉપર એક horizontal, આડી રેખા અને એક perpendicular line, ઊભી રેખા ખેંચો. એનાથી ધ્રુવ point, બિંદુ પર four right angles બને છે. હવે સપ્તર્ષિની ઉપરના બે તારાને ભેગા કરી દો, એ જ લાઈનને ધ્રુવમાં મેળવવાથી એક કોણ બનશે. એ જ કોણને માપીને સમય નક્કી કરવામાં આવે છે. પંદર ડિગ્રીનો કોણ દર કલાકે થાય છે. પ્રાચીનકાળમાં આ જ રીતે સમય નક્કી કરવામાં આવતો. પાશ્ચાત્ય વિદ્વાન સપ્તર્ષિને Great Bear, ગ્રેટ બેયર કહે છે. પરંતુ આ દેશના ઋષિ બધી વસ્તુઓનું એવું નામકરણ કરે છે, જેનાથી ઈશ્વરનું ઉદ્દીપન થાય.

‘જુઓને, ધ્રુવ તારો થયો ભક્તપ્રવર ધ્રુવના નામથી પ્રખ્યાત. રાજપૂત બાળક ધ્રુવે કેટલી કઠોર તપસ્યા કરીને ઈશ્વરદર્શન કર્યાં હતાં. પહેલાં રાજ્ય માટે ઈશ્વરને પોકાર્યા મનથી. દર્શન થયા પછી વળી રાજ્યભોગ માટે વ્યાકુળતા રહી નહીં. Hindu mythology – પુરાણ શાસ્ત્રમાં ભક્ત ધ્રુવ, ધ્રુવતારાની માફક ઉજ્જવળ છે.

‘(બ્રહ્મચારી પ્રત્યે) સેન્ટ ઝેવિયર્સ કાૅલેજના વૃદ્ધ અધ્યાપક વિશિષ્ટ વિદ્વાન અને સાધુ પ્રકૃતિના છે. એમની સાથે પરિચય કરવાથી ગ્રહ-નક્ષત્રોનું નિરીક્ષણ કરી શકાય છે. એમની પાસે સારાં સારાં ટેલિસ્કોપ, દૂરબીન યંત્રો છે. જાઓ, ત્યાં જઈને એમની સાથે પરિચય કરીને બધું જાણો. પછી આવીને અમને જણાવો. આવવા-જવાથી જ મનુષ્યની આત્મીયતા વધે છે. યુનિવર્સિટીમાં જે સાયન્સ વગેરેની નવીન theory શોધે છે એ એમની પાસે જઈને સાંભળવી જોઈએ. બહુ વર્ષોથી વિદ્વાનોએ પર્યવેક્ષણ દ્વારા ગ્રહ-નક્ષત્રોની ગતિવિધિનો નિર્ણય કર્યો છે. હજુ પણ પશ્ચિમમાં ખૂબ નિરીક્ષણ કાર્ય ચાલી રહ્યું છે, મોટી મોટી પ્રયોગશાળાઓમાં. અમેરિકામાં માઉન્ટ વિલસન એક નવી પ્રયોગશાળા બની છે.

આ બધાં નક્ષત્રોમાં જવાનું જો સંભવ બની જાય તો તે બધાં જ પૃથ્વીની જેમ જ અનંત પ્રતીત થવા લાગશે. Time and Space દેશ અને કાળ અનંત છે, પરંતુ વિદ્વાનોએ પોતાના સીમિત જ્ઞાન દ્વારા આ અનંતનું થોડુંક સંધાન મેળવ્યું છે. નક્ષત્ર સમૂહોના આજકાલ ફોટોગ્રાફ પણ લઈ રહ્યા છે. તેઓ કહે છે કે કરોડો તારા છે. કોઈ કોઈ તો કહે છે કે એક એક તારો સૂર્યથી પણ મોટો છે. બહુ દૂર હોવાથી નાના દેખાય છે. પંડિતોનું એવું અનુમાન છે કે જેમ આપણા સૌરમંડળમાં એક સૂર્ય અને નવ ગ્રહ છે, જેમાં પૃથ્વી એક છે; એ પ્રમાણે અસંખ્ય સૂર્ય અને સૌરમંડળ છે. ભારતીય પુરાણોમાં અનંત બ્રહ્માંડોનો ઉલ્લેખ છે. આ અનંત બ્રહ્માંડોનો જે કર્તા છે એને જ ઠાકુર ‘મા, મા’ કહીને પોકારતા હતા. વેદમાં એને જ બ્રહ્મ કહે છે. માત્ર પોકારતા ન હતા, દર્શન અને વાતચીત પણ કરતા હતા. આ રહસ્યભેદનની શક્તિ અવતાર સિવાય કોનામાં હોઈ શકે ?

…neither knoweth any man the Father, save the Son.

અવતારને જોયા વગર ઈશ્વરને બરાબર જ ન જાણી શકાય. (ક્રમશ 🙂

Total Views: 309

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.