સંસારમાં જેટલા પણ ઈશ્વરીય ભાવ છે, જેટલા પણ ઈશ્વરીય મત છે, તે બધા સત્ય છે. ભગવાન સત્ય-સ્વરૂપ છે, તેથી તેમના દ્વારા નિર્મિત જગતમાં અસત્ય જેવું કંઈ જ ન હોઈ શકે. જેને આપણે જાદુ, મિથ્યા કે ભ્રાંતિ કહીએ છીએ, તે પણ વસ્તુત : અસત્ય નહીં પરંતુ કોઈને કોઈ સત્યની આચ્છાદિત અભિવ્યક્તિ છે. છતાંય આપણી દૃષ્ટિમાં જે ચીજો અસત્ય અથવા સત્ય-અસત્યનું મિશ્રણ જણાય છે, તે આપણી જ દૃષ્ટિહીનતાનું કારણ છે. જે દૃષ્ટિનો આશ્રય લેવાથી તેની સત્યતા તથા સુંદરતાને જોઈ શકાય છે, તેનો અભાવ થવાથી જ આપણે તેને સમજી શકતા નથી. જે વ્યક્તિ સર્વપ્રથમ કોઈ વિષય-વિશેષને સમજ્યો હતો, જે લોકોએ કોઈ વિષય-વિશેષને સત્યરૂપે જોયો હતો, તેઓ જ તેના મંત્રના દ્રષ્ટા છે. તેમના જેવી દૃષ્ટિ આપણી નથી, એટલે આપણે ‘તત્ત્વ’માં ‘ભ્રમ’ને જોઈએ છીએ. ભલે આપણે જાણીએ કે ન જાણીએ, આપણે પ્રત્યેક અનુભવના માધ્યમથી સત્યનો જ સ્પર્શ કરીએ છીએ અને આપણો પ્રત્યેક ભાવ, મત અથવા કલ્પના પણ કોઈ ને કોઈ સત્યના આધાર પરથી ઉદ્ભવે છે. તેમાંનું પ્રત્યેક તે તે સત્યનું વિકૃત દર્શનમાત્ર છે-આ બાબતે કોઈ ભ્રમ ન હોવો જોઈએ.
જ્ઞાની વ્યક્તિ જુએ છે કે જગત ભાવમય છે-તેથી તેઓ એમાં પૂર્ણત : અસત્ય જેવું કંઈ પણ જોઈ શકતા નથી. તેઓ પાપાચારીની ઘૃણાજનક ચેષ્ટાઓ પાછળ પણ દૃષ્ટિહીનતામાંથી જન્મેલ વિકૃત ભાવવાળો સત્યાનુરાગ જ જોયા કરે છે. તેમના જેવી દૃષ્ટિ પ્રાપ્ત થાય ત્યારે જ બધી વસ્તુઓને સહાનુભૂતિની દૃષ્ટિએ જોવાની શક્તિ આવે છે. એમાં કોઈ સંદેહ નથી કે જે લોકોમાં આવી દૃષ્ટિનો વિકાસ થયો નથી તેઓ જગતના પ્રત્યેક વિચાર અથવા મતની અંદરના સત્ય તથા સૌંદર્યના ઉપભોગથી વંચિત છે.
બધા દેશોના ધર્મના ઇતિહાસનું અધ્યયન કરતાં જોવા મળે છે કે તેમાં પણ એવી અનેક ઘટનાઓનો ઉલ્લેખ છે, જેનો વર્તમાન દૃષ્ટિ તથા યુક્તિની સાથે મેળ ખાતો નથી, એટલે તેને બિલકુલ ઉડાડી દેવાનું કોઈ કારણ સમજમાં આવતું નથી. સંભવ છે કે જેઓએ સર્વપ્રથમ તેવી ઘટનાનું વર્ણન લિપિબદ્ધ કર્યું હતું, તેઓએ તેને જે દૃષ્ટિ તથા ભાવથી જોઈ હતી, તે જ ભાવથી પણ જો આપણે જોઈ શકીએ તો તેમાં કંઈ જ યુક્તિ-વિરોધી જોવા નહીં મળે. ત્યારે સંભવ છે કે આપણે જોઈશું કે તેનો ઉદ્દેશ્ય હૃદયનું કોઈ સૌંદર્ય બતાવવાનો ન હતો, ન તો બુદ્ધિનો; ત્યારે આપણે સમજીશું કે પાછળનો ટીકા કરનાર વર્ગ ક્રમશ : તેને હૃદયના રાજ્યમાંથી કાઢીને બુદ્ધિના રાજ્યમાં લાવવાનો અસંભવિત પ્રયાસ કરતાં કરતાં અંતે અસંગતિના દોષનો ભોગ બને છે.
ઉદાહરણ રૂપે અહીં પુરાણોમાંથી અજામિલનું ઉપાખ્યાન લઈ શકાય છે. આપણે ઘણું કરીને સાંભળીએ છીએ કે અજામિલે પુત્રના નામથી નારાયણને બોલાવ્યા અને તેથી તેનો ઉદ્ધાર થઈ ગયો. એના પરથી કેટલાક લોકો એવો નિષ્કર્ષ કાઢે છે કે સાધન-ભજન કંઈ જ કર્યા વગર, કોઈ પણ રીતે મૃત્યુની ઘડીએ એક વાર ભગવાનના નામનું ઉચ્ચારણ કરવાથી જ તેમનું કાર્ય સંપન્ન થઈ જશે-ઈશ્વરની પ્રાપ્તિ થઈ જશે. પરંતુ શ્રીમદ્ ભાગવત ગ્રંથ ખોલીને જોઈએ તો કંઈ બીજી જ વાત સમજમાં આવે છે. આપણને જોવા મળે છે કે અજામિલ પહેલાં એક બ્રાહ્મણ હતા. તેમણે યથારીતિ શાસ્ત્રજ્ઞાન મેળવ્યું હતું અને પહેલાં તેમનો સ્વભાવ પણ સારો હતો. તેઓ સદાચારી તથા યમ-નિયમ વગેરે અનેક ગુણોથી સંપન્ન હતા. તેઓ કાયમ વ્રતનું પાલન કરતા હતા અને મૃદુ સ્વભાવવાળા, સત્યવાદી, મંત્રજ્ઞ તથા પવિત્ર બ્રાહ્મણ હતા. તેઓ અહંકાર રહિતપણે ગુરુ, અગ્નિ, અતિથિ તથા વૃદ્ધોની સેવામાં લાગેલા રહેતા હતા. તેમને સૌ પ્રાણીઓ સાથે સુહૃદતાપૂર્ણ મેળ હતો. તેઓ અત્યંત સાધુ સ્વભાવના તથા મિતભાષી હતા અને કોઈનેય દુ :ખ પહોંચાડતા ન હતા.
પૂર્વ અવસ્થામાં તેમની અંદર આટલા બધા સદ્ગુણ હતા. પરંતુ આપણામાંથી જે કેટલાક લોકો અજામિલ-પદની પ્રાપ્તિ માટેના અભિલાષી હોય છે, તે લોકોમાંથી મોટા ભાગના ઉપરોક્ત ગુણોમાંથી એકાદ પણ ગુણો હોવાનો દાવો કરી શકે છે કે નહીં, એમાં આપણને સંદેહ છે. અસ્તુ.
કુસંગના કારણે અજામિલનું પતન થઈ ગયું. દાસીના ગર્ભથી તેમને દશ પુત્રો થયા અને તેમાંથી સૌથી નાના પુત્રનું નામ ‘નારાયણ’ રાખવામાં આવ્યું. આ જ પુત્ર બ્રાહ્મણને સર્વાધિક વહાલો હતો. પુત્રનું નામ નારાયણ રાખવામાં આવ્યું એ પરથી સમજી શકાય છે કે જો કે બ્રાહ્મણે કુસંગમાં પડીને ખોટો માર્ગ લીધો હતો છતાંય તેઓ પોતાની પહેલાંની ભગવન્નિષ્ઠા પૂરેપૂરી ભૂલી શક્યા ન હતા.
ત્યાર બાદ પોતાની મરણશૈયા પર તેઓને પોતાના પુત્ર ‘નારાયણ’ નામનું સ્મરણ થઈ આવ્યું. ભાગવતમાં વર્ણન છે કે પહેલાં તો યમદૂતો તેમને લેવા માટે આવ્યા હતા, ત્યાર બાદ નારાયણના નામનું ઉચ્ચારણ થતાં જ વિષ્ણુના દૂત આવી પહોંચ્યા. અહીંયાં શંકાની વાત એ છે કે નારાયણ શબ્દ દ્વારા શું અજામિલના હૃદયમાં ભગવદ્ ભાવનો બિલકુલ ઉદય થયો નહીં? જો ન થયો હોય તો આપણે પણ વિભિન્ન કારણોસર ભગવાનના નામથી જોડાયેલ અનેક શબ્દોનું ઉચ્ચારણ કરીએ છીએ, તો આપણી પાસે વિષ્ણુના દૂત કેમ આવતા નથી? એનાથી એમ લાગે છે કે જો આ ઘટના ખરેખર જ ઐતિહાસિક ઘટના હોય તો ચોક્કસપણે પુત્રના નામથી નારાયણ શબ્દનું ઉચ્ચારણ કરતી વખતે તેમના મનમાં ભાવયોગ(Association of Ideas)થી નારાયણનો ભાવ ઉદિત થયો હતો અને સંભવત : રોગ દ્વારા ઘેરાયેલા તેના મનની બન્ને પ્રકારની વૃત્તિઓએ જ સાકાર રૂપ ધારણ કરીને તેની સમક્ષ ઉપસ્થિત થઈ પરસ્પર તર્કયુદ્ધ કર્યું હતું. જેમ કે સ્વપ્નમાં આપણા બધાની સાથે ક્યારેક ક્યારેક આવું થયા કરતું હોય છે. યમદૂત કહી રહ્યા છે, ‘આ બ્રાહ્મણે અનુચિત કર્મ કર્યાં છે, એનો દંડ ભોગવવો પડશે.’ અને વિષ્ણુના દૂત કહી રહ્યા છે, ‘ના, ભગવાનની ઉપાસનાથી બધાં પાપોનો નાશ થઈ જાય છે.’
સામાન્ય લોકોના મનમાં એક એવી ધારણા છે કે અજામિલને તે અવસ્થામાં મૃત્યુ પામ્યા બાદ વિષ્ણુના દૂતો દ્વારા વિષ્ણુલોકમાં લઈ જવામાં આવ્યો. પરંતુ ભાગવતમાં અલગ વાત કહેવામાં આવી છેે. તેમના મનનો વિકાર (સન્નિપાત) દૂર થયા પછી તેમની ચેતના પાછી આવી. પરંતુ યમદૂત વિષ્ણુના દૂતોની તે વાત ક્યારેય ભૂલી ન શક્યા, તે તેમના મનમાં દૃઢ થઈ ગઈ હતી. તે બ્રાહ્મણ પહેલાં આચરેલાં કુકર્મો માટે ખૂબ પશ્ચાત્તાપ કરવા લાગ્યા અને વિચાર્યું કે પુત્રને બોલાવવાના હેતુથી નારાયણ-નામનું સ્મરણ કરવાથી મને આવા સિદ્ધ મહાપુરુષોનાં દર્શન તથા સદુપદેશ સાંભળવા મળ્યો; તો સાચે જ ભગવાનની ઉપાસના કરવાથી ન જાણે મારી કેવી ઉન્નતિ થશે. આ વિચારીને તે બોલ્યા, ‘હું ફરી વખત ઘોર પાપોમાં નિમગ્ન ન થઈ જાઉં એટલા માટે હું મારાં મન-પ્રાણ તથા ઇન્દ્રિયોનો સંયમ કરીશ. અવિદ્યા, કામના તથા કર્મ દ્વારા ઉત્પન્ન આ બંધનને દૂર કરીને-સમસ્ત પ્રાણીઓનો મિત્ર, શાંત, દયામય તથા આત્મસ્થ થઈને સ્ત્રીરૂપિણી સ્વ-માયાથી ગ્રસ્ત મારા આત્માને મુક્ત કરીશ. આ સમયે મારી બુદ્ધિ સત્યવસ્તુમાં પ્રવિષ્ટ થઈ છે. દેહાદિમાં જે ‘હું’,‘મારું’ વગેરે અભિમાન છે, તેને ત્યાગીને ચિત્તને ભગવત્-કીર્તન ઇત્યાદિ દ્વારા શુદ્ધ કરીને ભગવાનના ચરણોમાં સ્થાપિત કરીશ.’
આટલું કહીને તેઓ સર્વસ્વ ત્યાગીને હરિદ્વાર ચાલ્યા ગયા. ત્યાં આસન લગાવીને તેઓ યોગસાધનામાં ડૂબી ગયા અને ઇન્દ્રિયોને વિષયોમાંથી હઠાવીને આત્મામાં મનોનિયોગ કર્યો. ત્યાર બાદ ચિત્તની એકાગ્રતા દ્વારા તેઓએ આત્માને દેહ-ઇન્દ્રિયોથી પૃથક્ કરીને તેને જ્ઞાનમય પરબ્રહ્મ-સ્વરૂપ પરમાત્મામાં જોડી દીધો. તે વખતે પહેલાં જોયા હતા તે વિષ્ણુદૂત ફરીથી આવ્યા અને તેમને વૈકુંઠ લઈ ગયા.
જે લોકો માત્ર એક વાર જ ભગવાનનું નામ લઈને ભગવાનને પ્રાપ્ત કરવા માગે છે, એમાંથી કેટલા લોકો અજામિલની જેમ સર્વત્યાગ તથા યોગસાધના કરવા તૈયાર છે? આ રીતે ભાગવતમાં લિપિબદ્ધ અજામિલનું જીવનવૃત્તાંત પ્રચલિત કથાથી ઘણું જુદું છે. આની સાથે જ ભગવાનના નામ-માહાત્મ્ય પર જે પ્રચલિત વિશ્વાસ છે, તે પણ ભાગવતકારની દૃષ્ટિએ પરિવર્તન કરવા જેવો જણાય છે. પરંતુ જે જે દૃષ્ટિના આધાર પર શાસ્ત્રોએ વિભિન્ન વાતો કહી છે, તેની વળી કોણ શોધખોળ કરે છે? સુખપ્રિય મનુષ્ય કષ્ટ તરફ જોવા પણ માગતો નથી.
આપણા દેશની આમજનતા જેને ધર્મ-અધર્મની વ્યવસ્થા કરવાનું ઉત્તરદાયિત્વ સોંપીને નિશ્ચિંત છે, તે વિદ્વાન લોકો આ બાબતે સંપૂર્ણપણે ઉદાસીન છે. બધુંય સમજતા હોવા છતાં પણ તેઓ જરાય એવો કોઈ પ્રયાસ કરતા નથી કે જેનાથી આમજનતાનો વિશ્વાસ શાસ્ત્રદૃષ્ટિ પર સ્થાપિત થાય. તદ્ઉપરાંત જ્યોતિષિઓની ભ્રમપૂર્ણ અયૌક્તિક ગણતરીઓ અને કથાકારોનું શાસ્ત્રોથી દૂર જઈને મૂર્ખાઓનું મનોરંજન કરનારી વિકૃત શાસ્ત્રવ્યાખ્યાએ સામાન્ય લોકોના-વિશેષપણે તો મહિલાઓના-વિશ્વાસને જે રીતે ભયંકર ચક્રાવામાં પહોંચાડી દીધો છે, તેને જોવાવાળું કોણ છે? જન-સાધારણમાં કેળવણીના પ્રચાર-પ્રસાર સિવાય તેઓને આ ચક્રાવામાંથી બહાર કાઢવાનો બીજો કોઈ ઉપાય દેખાતો નથી.
આપણે જોયું કે નામ-માહાત્મ્યમાં વિશ્વાસ કરવામાં યુક્તિ-વિરોધી કંઈ પણ નથી. પરંતુ સામાન્ય લોકો તેને જે દૃષ્ટિથી જુએ છે, તે યોગ્ય નથી. શોધખોળ તથા પરીક્ષણ કરવામાં આવે તો આપણા હૃદયનો પ્રિય વિશ્વાસ કે જેને આપણે ઘણા લાંબા સમયથી સત્યના સ્વરૂપે જોવા ટેવાયેલા છીએ, તે ભાવ મિથ્યા સાબિત થઈને, એક બીજી જ રીતે, બીજી જ દૃષ્ટિએ સત્ય પ્રમાણિત થશે.
વાચકવર્ગ, શું તમે આને જાણ્યા બાદ તે નૂતન દૃષ્ટિઓને આધારરૂપ બનાવીને તેને પોતાના જીવનમાં અપનાવવા તૈયાર છો?
Your Content Goes Here