જીવનનું ધ્યેય

સ્વામી વિવેકાનંદ ‘કર્મયોગ’ના પ્રથમ પ્રકરણમાં સ્પષ્ટ જણાવે છે કે માનવજાતિનું ધ્યેય જ્ઞાન છે, સુખ નથી. સુખ અને આનંદ અનિત્ય છે, શાશ્વત નથી. સુખને જીવનનું ધ્યેય સમજવું એ ભૂલ છે. ભારતીય દર્શનમાં સર્વત્ર જ્ઞાન, મોક્ષ, કૈવલ્યને જીવન-ધ્યેયરૂપે પ્રસ્તુત કરેલ છે. પાતંજલ યોગસૂત્ર અનુસાર કૈવલ્ય અથવા સ્વરૂપાવસ્થિતિ યોગનો ઉદ્દેશ્ય છે તથા તેનાથી દુ:ખ નાશ પામે છે. મોક્ષનો અર્થ પણ અજ્ઞાન અને તેનાથી થતા સંસારબંધનમાંથી મુકિત છે. ઉપનિષદોમાં અન્યત્ર અમરત્વને જીવન-લક્ષ્યના રૂપે પ્રસ્તુત કરવામાં આવેલ છે. એવો ભ્રમ થાય છે કે નિરાશાવાદી ભારતીય દર્શન દુ:ખ અને તેની આત્યંતિક નિવૃત્તિને જ જીવન ધ્યેય માને છે. તેમાં સુખ, આનંદ જેવી સકારાત્મક વાત જણાતી નથી.

આથી જુદું પાશ્ચાત્ય દર્શનોમાં સુખપ્રાપ્તિને જીવનના લક્ષ્યના રૂપમાં વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. હીડોનિજમ એક પ્રકારનું ચાર્વાકદર્શન છે જે સુખને જીવનનો આદર્શ તથા જે વસ્તુ અથવા ક્રિયા સુખ પ્રદાન કરે તેને શુભ માને છે. આ સુખની અનુભૂતિ દરેકના વ્યક્તિગત અનુભવ મુજબ જ આંકી શકાય છે. પાશ્ચાત્ય દાર્શનિક ઈપિક્યુરિયસ માને છે કે એવું સુખ જ સ્વીકાર્ય છે જે અંતમાં દુ:ખ ન આપે. આથી સુખની પ્રાપ્તિ માટે દૂરંદેશીપણું, મિત્રતા, સાહસ, નિર્ભયતા વગરે જુદા જુદા ગુણોની પણ આવશ્યકતા છે. મહાન દાર્શનિક અૅરિસ્ટોટલ (Aristotle) અનુસાર વ્યક્તિગત અનુભવ એ જ સુખ અને તેની પ્રાપ્તિ માટે કરવામાં આવેલા કાર્યની યોગ્યતાનો માપદંડ ન હોઈ શકે. ઉદાહરણ રૂપે મધુપ્રમેહના રોગીને મીઠાઈ ખાવાની ભલે ગમે, તેનાથી આનંદ મળે, પરંતુ આ કાર્યથી તેનું અહિત થશે. તેથી એવું સુખ જ ધ્યેય હોઈ શકે જે સંયમ, સદાચરણ અને સચ્ચરિત્રથી પ્રાપ્ત થયું હોય.

થોડા ઊંડા અભ્યાસથી એ સ્પષ્ટ થઈ જાય છે કે ભારતીય દર્શનમાં પણ સુખ તેમજ આનંદના વિષયમાં સુંદર વિચાર કરવામાં આવેલ છે. ઉપનિષદોમાં શ્રેય તેમજ પ્રેયને જુદા જુદા બતાવ્યા છે. જે આપણને સુખ આપે તે પ્રેય છે, અને જે કલ્યાણકારી છે તે શ્રેય છે. ગીતાના અઢારમા અધ્યાયમાં ત્રણ પ્રકારનાં સુખોનો વિચાર કરતાં આ વાતને એકદમ સ્પષ્ટ કરવામાં આવેલ છે.

यत्तदग्रे विषमिव परिणामेऽमृतोपमम्।
तत्सुखं सात्त्विकं प्रोक्तमात्मबुद्धिप्रसादजम्।।37।।

विषयेन्द्रियसंयोगाद्यत्तदग्रेऽमृतोपमम्।
परिणामे विषमिव तत्सुखं राजसं स्मृतम्।।38।।

यदग्रे चानुबन्धे च सुखं मोहनमात्मनः।
निद्रालस्यप्रमादोत्थं तत्तामसमुदाहृतम्।।39।।

સાત્ત્વિક, રાજસિક અને તામસિક એમ ત્રણ પ્રકારનાં સુખ છે. સાત્ત્વિક સુખ પ્રારંભમાં વિષના જેવું અપ્રિય હોય છે, પરંતુ અંતમાં અમૃત જેવું હોય છે. રાજસિક સુખ પ્રારંભમાં સુખ આપનારું હોય છે પરંતુ અંતે પરિણામમાં તે દુ:ખદાયક હોય છે. વિષય તથા ઇન્દ્રિયોના સંયોગથી ઉદ્ભવતાં બધાં સુખ આ શ્રેણીમાં આવે છે. નિદ્રા અને આળસથી પ્રાપ્ત થતા સુખથી અજ્ઞાન, મોહબંધનનો વધારો જ થાય છે.

ગીતા અનુસાર ચિત્તવૃત્તિ નિરોધ દ્વારા પ્રાપ્ત થયેલ આત્યન્તિક સુખ જ સર્વોત્તમ છે, જીવનનું લક્ષ્ય પણ છે.

सुखमात्यन्तिकं यत्तद्बुद्धिग्राह्यमतीन्द्रियम्।
वेत्ति यत्र न चैवायं स्थितश्चलति तत्त्वतः।।21।।

यं लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं ततः।
यस्मिन्स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते।।22।।

આત્મદર્શન દ્વારા પ્રાપ્ત થયેલ આત્યન્તિક સુખ ઇન્દ્રિયોથી પર અને માત્ર બુદ્ધિથી ગ્રાહ્ય છે તથા એક વાર તેને પ્રાપ્ત કર્યા પછી યોગી તેનાથી વિચલિત નથી થતો. ન તો આનાથી વધુ લાભની તે ઇચ્છા કરે છે અને ન તો અધિક દુ:ખથી પણ વિચલિત થાય છે. ગીતા અને ઉપનિષદોના આ ઉપદેશથી એ સ્પષ્ટ થઈ જાય છે કે જ્ઞાન અને અમરત્વની સાથે સાથે ભારતીય દર્શન આનંદ અથવા આત્યન્તિક સુખને પણ માનવજીવનના ધ્યેયના રૂપે સ્વીકાર કરે છે. વસ્તુત: સત્-ચિત્-આનંદ અથવા અસ્તિ, ભાતિ અને પ્રિય; સત્યમ્, શિવમ્, સુન્દરમ્ આ ત્રણેય એક સત્તાના ત્રણ પક્ષ છે. જે જ્ઞાન છે તે આનંદ પણ છે, અને જે નિત્ય છે તે પણ આનંદ છે. આ ત્રણે આપણા આત્માનાં જ સ્વરૂપ છે. આ ત્રણ જુદાં નથી. એક જ છે, માત્ર વ્યવહારમાં શબ્દોના પ્રયોગના કારણે તે અલગ લાગે છે. પોતાના આત્મસ્વરૂપના આનંદમય સ્વરૂપનો સાક્ષાત્કાર કરવો જ જીવનનું લક્ષ્ય છે. તેના સિવાય શાશ્વત સુખ અથવા શાંતિ પ્રાપ્ત નથી થઈ શકતી.

एको वशी सर्वभूतान्तरात्मा
एकं रूपं बहुधा यः करोति ।

तमात्मस्थं येऽनुपश्यन्ति धीराः
तेषां सुखं शाश्वतं नेतरेषाम् ।। 12।।

नित्योऽनित्यानां चेतनश्चेतनानाम्
एको बहूनां यो विदधाति कामान् ।

तमात्मस्थं येऽनुपश्यन्ति धीराः
तेषां शान्तिः शाश्वती नेतरेषाम् ।। 13।।

આ શાશ્વત, સંપૂર્ણ તેમજ અવર્ણનીય સુખના આસ્વાદનનો અનુભવ બધા સંતો તેમજ અવતારી મહાપુરુષોને થાય છે. બુદ્ધનું દર્શન દુ:ખ તેમજ તેની નિવૃત્તિ પર આધારિત છે. પરંતુ નિર્વાણ કેવળ નિવૃત્તિની એક અભાવાત્મક સ્થિતિ માત્ર નથી, આ વાત સ્વયં તેમના નિર્વાણથી સિદ્ધ થાય છે. કહેવાય છે કે બુદ્ધત્વ પ્રાપ્ત થયા પછી ભગવાન બુદ્ધ સાત દિવસ અને સાત રાત્રિ સુધી તેના આનંદમાં વિભોર રહ્યા હતા. ઈસાઈ સંત ફ્રાંસિસે ઈશુ ખ્રિસ્તના વધસ્તંભની પીડાના દુ:ખ પર ધ્યાન કર્યું હતું, જેના ફળ સ્વરૂપે તેમના હાથ-પગમાં ખીલાના ઘાવ પડી ગયા હતા. પીડાના ઉપાસક સંત ફ્રાન્સિસને એક વાર દૈવી વાદ્યના સ્વર સંભળાયા. તે એટલા મધુર, એટલા આનંદદાયક હતા કે તેને એક વાર સાંભળતાં જ તેઓ આનંદવિભોર થઈ ગયા. તેઓ કહેતા હતા કે જો તેઓ થોડી વધારે વાર આ સ્વર સાંભળત તો તેમના પ્રાણ જ નીકળી જાત. શ્રીરામકૃષ્ણ તો સદાનંદમય પુરુષ જ હતા. જ્યારે કોઈ વ્યક્તિએ ગાયંુ કે ‘આ સંસાર ધોખાની ટટ્ટી છે.’ ત્યારે શ્રીરામકૃષ્ણે તેને ટાંકતાં કહ્યું કે ‘આ સંસાર ધોખાની ટટ્ટી અને આ સંસાર છે મોજની કુટિર, ઓ ભાઈ, આનંદ બજારમાં લૂંટી.’

જુદા જુદા પ્રકારનાં સુખ :

ઉપર જણાવેલા વિશ્લેષણથી એ સ્પષ્ટ થઈ જાય છે કે સુખ, આનંદ, શાંતિ તો બધા જ ઇચ્છે છે, ભલે પછી તે જડવાદી હોય, ચાર્વાક હોય કે ધાર્મિક હોય, આસ્તિક હોય કે વેદાંતી, અને એ પણ નક્કી છે કે સંસારનાં બધાં પ્રાણીઓને કોઈ ને કોઈ પ્રકારનું અને કોઈ ને કોઈ માત્રામાં સુખ પ્રાપ્ત થાય છે. નહીં તો, જો જીવનમાં માત્ર દુ:ખ ને દુ:ખ હોય તો જીવન સંભવ ન થાય. આવો, જુદા જુદા પ્રકારનાં સુખોનું વિશ્લેષણ કરીને સુખનું વાસ્તવિક સ્વરૂપ તથા તેની પ્રાપ્તિના ઉપાયોને સમજવાનો પ્રયત્ન કરીએ. આમ તો બધાં પ્રાણીઓને સુખ પ્રાપ્ત થાય છે, પરંતુ શાસ્ત્રકારોએ અતિ મૂઢ બાળકમાં, વિવેકીજનોમાં તથા અતિવિવેકીઓમાં મહાબ્રહ્મજ્ઞ અથવા જ્ઞાની વ્યક્તિઓને શ્રેષ્ઠ ગણ્યા છે. સંસારમાં આ ત્રણેયનું સુખ પ્રસિદ્ધ છે. અન્ય વ્યક્તિઓનું સુખ આ લોકોની સરખામણીમાં નજીવું છે.

Total Views: 310
By Published On: March 1, 2021Categories: Brahmeshananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram