ગતાંકથી આગળ…

નવાસવા પર્વતારોહકો પહાડોમાં ક્યાંક ભૂલા પડીને ખોવાઈ જાય એવા અસંખ્ય બનાવો અત્યાર સુધીમાં બન્યા છે. એવા સેંકડો લોકો કાં તો મોતને ભેટે છે અથવા ઊંચાઈને લીધે આવતી માંદગી અને પર્વતમાં ઘણી વાર ધસી પડતો બરફ કે પહાડ, બરફનાં તોફાન, પડી જવાની અને થાકી જવાની સ્થિતિમાં આવવું, વગેરે પર્વતના બરફીલા પડકારોને પહોંચી વળતા નથી. મને કહેવામાં આવ્યું કે કઈ રીતે ‘ડેથ ઝોન’ ગણાતા વિસ્તારોમાં મૃત શરીરો બરફમાં દટાવેલાં જોવા મળે છે. આ ‘મોતનો વિસ્તાર’ ખાસ કરીને ૨૬,૦૦૦ ફૂટની ઊંચાઈથી અને તેની ઉપરનો ગણાય છે. એવરેસ્ટ ઉપર આવી ઘણી કરુણાંતિકાઓ બની છે. ૧૯૯૬ના મે મહિનામાં બરફના તોફાનમાં આઠ-આઠ જિંદગીઓ હોમાઈ ગઈ હતી. ઘણા લાંબા સમય બાદ આવી મોટી દુર્ઘટના ત્યાં થવા પામેલી. ૨૦૦૯-૧૦ માં તો આૅસ્ટ્રેલિયાથી આવેલા વીસેક જેટલા આરોહકો ગુમ થવાના અહેવાલો આવ્યા. પરંતુ આ સાથે અત્યારે એડમન્ડ હિલેરી અને નેપાળના તેનસિંગ નોરગે શેરપા ૧૯૫૩માં પહેલી વાર તે ચડી શક્યા ત્યારથી અત્યાર સુધીમાં ૪૦૦૦ જેટલા લોકો એવરેસ્ટ પાર કરી ચૂક્યા છે. આ સંખ્યા એ પણ પુરવાર કરે છે કે આવાં જોખમોને લીધે પર્વતના પ્રેમીજનોનો પ્રવાહ કંઈ અટકી શક્યો નથી. તેઓ અહીં દુનિયાના શબ્દશ : સર્વોચ્ચ બિંદુ ઉપર પહોંચવાની આશાએ આવ્યા કરે છે. એવરેસ્ટ તો બાજુએ, કાઠમંડુનું એરપોર્ટ જ દરિયાની સપાટીથી ૧૩૫૦ મીટર (૪૪૨૯ ફૂટ) જેટલી ઊંચાઈએ આવેલું છે જે તમને એક ‘ઊંચે હોવા’ની ભાવના આપે છે.

લુકલા જતી ઉડાન યાદગાર રહી. કાઠમંડુ સુધીની ઉડાન વખતે હું બે સીટોની વચ્ચે આવેલી સીટમાં ભરાયેલી હતી, પણ આ વખતે મને બારી પાસેની સીટ મળી. એક કલાકની એ ઉડાન પર્વતોની હારમાળામાં આમતેમ ફરતી ફરતી જતી હતી અને મને એ શ્વાસ અદ્ધર કરી દે તેવાં અલભ્ય અને અત્યંત સૌંદર્યમય દૃશ્યો બતાવતી હતી. અહીં પ્રકૃતિએ જાણે ધરતી ઉપર સુંદર લીલી જાજમ બિછાવી દીધી હતી.

૨૦૦૮માં લુકલાના એરપોર્ટનું ‘હિલેરી તેનસિંગ એરપોર્ટ’ જેવું નામાભિધાન થયું હતું. અહીં અમારી ઉડાન પૂરી થઈ. દુનિયાભરનાં સહુથી વધુ જોખમી એરપોર્ટાેમાંનું આ એક ગણાય છે. જ્યારે પણ કોઈ ઉડાન અહીં સફળતાથી ઊતરે ત્યારે પ્રવાસીઓ ખુશીની તાળીઓ પાડે છે. તેનું કારણ એ છે કે તેનો રન-વે બહુ સાંકડો છે અને તે ૨૮૪૩ મીટર (૯૩૨૫ ફૂટ) ઊંચાઈએ આવેલું છે. સફળ ઉતરાણ માટે મેં ઈશ્વરનો આભાર માન્યો.

બચેન્દ્રી પાલે મને ચેતવણી આપી હતી કે વિમાનની બહાર નીકળતાં પહેલાં જ મારે મારાં ગરમ વસ્ત્રો તૈયાર રાખવાં. તેઓ તદ્દન સાચાં હતાં. બહારનું વાતાવરણ થીજવી દેનારું હતું. આકાશે સ્નોફ્લેક્સની વર્ષા કરીને અમારું સ્વાગત કર્યું. અમે સાધનો લઈને હાૅટેલ જવા લાગ્યાં. પર્વત તમને જે પહેલો પાઠ શીખવે છે તે એ કે કોઈ ગમે તે આર્થિક સ્થિતિનું હોય, તેને મન સહુ એકસમાન છે. તેની સામે તો તમે જેટલાં જલદી તમારો ગર્વ છોડી દેશો તેટલું વધુ સારું રહે છે. પર્વતની સામે કોઈનોય અભિમાની અભિગમ ટકતો નથી. એશિયન ટ્રેકિંગ એજન્સીના લોકોએ જાહેર કર્યું કે હવે અમારું અભિયાન શરૂ થાય છે. તે પહેલાં અમે એકાદ કલાક આરામ કરી લીધો. એક ટૂંકી પ્રાર્થના કર્યા બાદ મેં મારી કૂચ શરૂ કરી.

પહેલાં અમે પગે ચાલીને ૨૬૨૨ મીટરની ઊંચાઈએ આવેલ ફાકડેંગ નામની જગ્યાએ જવા નીકળ્યાં. ટેક્નિકલી એવરેસ્ટનો પ્રવાસ એ સ્થળેથી શરૂ થયો ગણાય છે. ત્યાં પહોંચતાં મને ૩ કલાક થયા. મોબાઈલ હજી કામ કરતો હતો એથી હું મારા પરિવાર, તાલીમ આપનારાં બચેન્દ્રી પાલ અને અન્ય સાથે નિયમિત સંપર્કમાં રહેતી હતી.

અહીં એક શેરપા મારી સાથે થયા. તેમણે આ સ્થળનું મહત્ત્વ સમજાવ્યું અને મને રસ્તામાં આવનારી મુશ્કેલીઓની ઓળખ જ ન આપી પણ તેનો સામનો કરવા માટે માનસિક રીતે તૈયાર કરી. જો કે તેઓ તો નીમા કાંચાની હંગામી વ્યવસ્થાનો એક ભાગ હતા, જેઓ મારા છેવટ સુધીના શેરપા રહેવાના હતા. હું ત્યાંના ગેસ્ટ હાઉસ સુધી પહોંચી તેટલી વારમાં મારા પગ સૂજી ગયા હતા, ખાસ તો ડાબો પગ. થોડા ગરમ પાણી માટે મેં માગણી કરી અને એ સોજો ઉતારવા બનતા પ્રયત્નો કર્યા.

એ ગેસ્ટ હાઉસ તો યશરાજ ફિલ્મ્સના કોઈ મોટા ચલચિત્રમાંના કોઈ સેટ જેવું ભવ્ય હતું. સ્થાન પણ ખૂબ ચિત્રાત્મક અને સુંદર હતું. પહાડો અને એક નદીની પાર્શ્વભૂમિમાં લીલો રંગ છવાવેલો હતો. આ બધાથી હું મારું દુ :ખ અને બહારના હવામાનને ભૂલી શકી.

બચેન્દ્રી પાલે અમને સલાહ આપેલી કે અમારે બને તેટલો વધુ સમય મકાનની બહાર રહેવું, જેથી ટાઢ સહેવાની ટેવ પડે. અમે જે સુંદર ગેસ્ટ હાઉસમાં હતાં તે માત્ર લાકડાનું બનેલું હતું અને તેનું નામ જે સ્થળે તે આવેલું તેના ઉપરથી પડેલું. બહાર ભલે થીજાવી દેનાર હવામાન હતું, પણ તેના મધ્યભાગમાં મૂકેલી ચીમનીને લીધે દરેક રૂમમાં ગરમી મળતી હતી. આ સ્થળે વીજળી નથી, એથી લોકો સોલર પાવર (સૂર્ય-ઊર્જા) ઉપર આધાર રાખે છે, છતાં રાત્રે રૂમો ગરમ રહે છે જે અહીંના લોકોએ જ રચેલી કોલસાથી ચાલતી ચીમનીની કરામત હતી. અમે ફ્રાઈડ રાઇસ જમ્યાં અને જાણવા મળ્યું કે પહાડી લોકોમાં ચોખા જ મુખ્ય ખોરાક છે.

સવારે ચા પીધા પછી અમે ફરી પહાડ ખૂંદવા નીકળ્યાં. અમે લગભગ ૪ વાગે નામચેબજાર પહોંચ્યાં જે ૩૩૪૦ મીટરની ઊંચાઈએ છે અને દુનિયાની સહુથી ઊંચે આવેલી બજાર ગણાય છે.

જે આરોહકો છેલ્લી ઘડીએ સાધનો શોધી રહ્યા હોય તેમને માટે અહીં બધી ચીજો મળી ૨હે છે. જો કે તે બધું ઘણું મોંઘું હોય છે. મેં જોયું કે જ્યારે મેં એક પારંપરિક ટોપી ખરીદી ત્યારે વેચાણ કરનારે મૂળ તો ૧૦૦૦ રૂપિયા (નેપાળના) માગેલ, પણ વાટાઘાટ કરીને મેં તેને ૪૫૦ રૂપિયા (નેપાળના)માં ખરીદી. બજારમાં આમતેમ ઘૂમતાં મેં જોયું કે મારું શરીર ધીરે ધીરે પર્વતોના હવામાન સાથે તાલ મેળવતું જાય છે. અહીં મોટા ભાગનાં હાૅટેલ અને ગેસ્ટ હાઉસ મહિલાઓ ચલાવે છે, એ જોઈને મને ઘણું સારું લાગ્યું. તેને મારો પૂર્વગ્રહ કહો તો તેમ, પણ જ્યારે પણ હું મહિલાને જીવનમાં સારું કરતી જોઉં, નિર્ણયો લેવામાં પહેલ કરતી કે પુરુષોએ બાંધેલી અન્યાયી મર્યાદાઓને તોડતી જોઉં ત્યારે મારી અંદરની સ્ત્રી ખૂબ રાજીપો અનુભવે. છે. (ક્રમશ 🙂

Total Views: 404

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.