ગતાંકથી આગળ…

ત્યાગ આવશ્યક કેમ છે ? આપણે આટલાં બધાં વૈરાગ્ય અને અનાસક્તિનો અભ્યાસ શા માટે કરવો જોઈએ? વસ્તુઓ અને વ્યક્તિઓ સહિત જૂના બધા સંબંધો જે સાધકને સહાયક નથી, એનો ત્યાગ કર્યા વિના સફળતાપૂર્વક આધ્યાત્મિક સાધના કરી શકાતી નથી. જેટલા પ્રમાણમાં પોતાની ઇચ્છાઓ તથા વાસનાઓ તેમજ બીજા પ્રત્યે આપણી રાગાત્મકતા કે દ્વેષાત્મક આસક્તિને છોડવા માટે તત્પર રહીએ તેટલા પ્રમાણમાં આપણે સાચા ધર્મનું સફળતાપૂર્વક પાલન કરીને તેમાં પ્રગતિ સાધી શકીએ છીએ. આ વિષયમાં મનના ખેલમાં ન ફસાતા. મન હંમેશાં કંઈક ને કંઈક યુક્તિ સુઝાડવાનો પ્રયત્ન કરે છે કે આપણે અમુક વસ્તુને કેમ ત્યજી શકતા નથી કે આપણે અમુક વ્યક્તિનો શા માટે સંગ કરવો જોઈએ અથવા અમુક સ્ત્રીપુરુષ સાથે વાતચીત કરવી એ આપણું કર્તવ્ય છે, વગેરે. આવી પળોમાં પોતાના મનનો ક્યારેય ભરોસો ન કરવો. તે તમને છેતરવા માટે સદૈવ તત્પર રહે છે અને તમારી અવચેતન અને અચેતન ઇચ્છાઓની પેરવી કરવા ઇચ્છે છે. એટલે આપણે કેવળ જપ, ધ્યાન, પ્રાર્થના તથા બીજાં સાધનોની જ આવશ્યકતા નથી, પરંતુ ત્યાગની પણ આવશ્યકતા છે. વસ્તુત: જપ અને ધ્યાન જેટલી માત્રામાં પ્રભાવશાળી બને છે એટલી જ માત્રામાં આપણે વધારે ને વધારે ત્યાગ અને અનાસક્તિ અર્જિત કરીએ છીએ. જ્યારે આધ્યાત્મિક સાધના અને ત્યાગ આ બન્ને એક સાથે હોય છે, ત્યારે આપણા માટે મનને નિયંત્રિત કરવાનું તથા તેના ખૂણેખાંચરે જન્મજન્માંતરોથી અનેક પ્રકારના જે મેલ આપણે જામવા દીધા છે, તેની સફાઈનો પ્રારંભ કરવાનું શક્ય બને છે.

અત્યંત વધારે પ્રમાણમાં સાંસારિકતા અગ્નિ સમાન છે, તે હૃદયને બાળી નાખે છે. તે વ્યક્તિને પ્રમાદી અને આધ્યાત્મિક મૂલ્યો પ્રત્યે સંવેદનવિહીન બનાવી દે છે. સાંસારિક વ્યક્તિ આધ્યાત્મિક જીવનના આનંદને સમજી શકતી નથી. સાંસારિક વ્યક્તિમાં પ્રજ્ઞાની ક્ષમતા અને અંતર્દૃષ્ટિ એટલી ક્ષીણ બની જાય છે કે તે ઉચ્ચતર સ્પંદનો પ્રત્યે વધારે પ્રમાણમાં સંવેદનશીલ રહી શકતી નથી. તેને આધ્યાત્મિક સત્યોની કોઈ ધારણા થતી નથી, તે પોતાની ઇચ્છાઓ અને વાસનાઓના કળણમાં ડૂબી જાય છે.

પ્રેમ અને આસક્તિ :

જે વસ્તુઓ અને વ્યક્તિઓને આપણે ચાહીએ છીએ, તે આપણા મનને આકર્ષીને આસક્તિ, રાગ અને દ્વેષની સૃષ્ટિ રચે છે. પ્રેમ અને ઘૃણા એક જ સિક્કાની બે બાજુ છે, આ બાબતમાં ક્યારેય ભૂલ ન કરવી; એટલે કે તેઓ એક જ શ્રેણીમાં આવે છે. દ્વેષ તથા ઘૃણા પ્રેમ કે આસક્તિનાં પરાવર્તી રૂપ છે. તે એનાથી મૂળત: ભિન્ન નથી. બધી વ્યક્તિગત રુચિઓ અને અરુચિઓથી મુક્ત અને વાસના વિહીન બનીને આપણે બધા પ્રકારની આસક્તિઓ તેમજ બધા પ્રકારના ભય દૂર કરી દેવા જોઈએ. આપણે ક્યારેય આસક્ત થયા વિના દયાળુ બનવું જોઈએ. કોઈ પર અથવા કોઈના પ્રેમ પર ક્યારેય વ્યક્તિગત દાવો ન કરવો જોઈએ. સાથે ને સાથે કોઈને પણ આપણા પર કે આપણા સ્નેહ પર આપણે વ્યક્તિગત અધિકાર બતાવવા દેવો ન જોઈએ.

ઈશ્વરને પ્રેમ કરો અને બીજાને પણ એવું કરવા દો. ઈશુ ખ્રિસ્તે કહ્યું છે, ‘જે માતા અને પિતાને મારા કરતાં વધારે ચાહે છે, તે મારા માટે લાયક નથી અને જે પુત્ર અને પુત્રીને મારા કરતાં વધારે ચાહે છે તે મને પામવા યોગ્ય નથી.’ (બાઇબલ સેન્ટ મેથ્યુ.૧૦.૩૭). અને વળી એ પણ સત્ય છે કે જો કોઈ વ્યક્તિ તેને પરમાત્માથી વધારે ચાહવા દેશે, તે પરમાત્માને લાયક નથી, અને ભલે તે ગમે તેટલી મહેનત કરે, પરમાત્માને ક્યારેય પ્રાપ્ત કરી શકતો નથી. જેવી કરણી એવી ભરણી હોય છે અને જ્યાં સુધી આપણે આ રુચિઓ-અરુચિઓના બંધન દ્વારા પોતાને તેમજ બીજાને કહેવાતા પ્રેમની જંજીરોમાં બંધાવા દઈશું, ત્યાં સુધી આપણે બદ્ધદાસ બની રહીશું તેમજ પોતાના તથા બીજાના દુ:ખનું કારણ પણ બનીશું. દુ:ખ આપણી આસક્તિઓનો દંડ છે અને એ આપણે ચૂકવવો પડે છે. કેટલાક લોકોમાં આ ત્વરાથી આવે છે અને કેટલાકમાં વાર લાગે છે, પરંતુ બધાને પોતાની ભૂલોનું મૂલ્ય ચૂકવવું પડે છે.

જ્યારે લોકો આપણને ચાહે છે ત્યારે આપણે ફૂલ્યા નથી સમાતા. આપણે બીજા માટે આકર્ષક બનવા ઇચ્છીએ છીએ, બીજાના ભોગના વિષયરૂપે એમના પ્રિય બનવાનું પસંદ કરીએ છીએ. પરંતુ પ્રાય: આપણે એટલા વ્યગ્ર અને અણસમજુ છીએ કે આવી રીતે આપણે પોતાના અને બીજાના માટે સમસ્યાઓ ઊભી કરીને પોતાની આધ્યાત્મિક પ્રગતિને રુંધી નાખીએ છીએ, એ વાત આપણે જાણી શકતા નથી. આપણે પોતાનાં આત્મસન્માન અને સુરક્ષા જાળવી રાખવાં જોઈએ. આપણે એવું વલણ અપનાવવું જોઈએ કે લોકો આપણી નિકટ ખોટા હેતુથી આવવાનું સાહસ જ ન કરે. હું આ વાત વિશેષ કરીને મહિલાઓ માટે કહું છું. શૌર્ય(સ્ત્રીદાક્ષિણ્ય)ની પાશ્ચાત્ય ધારણાનું આધ્યાત્મિક જીવનમાં કોઈ સ્થાન જ નથી.

ભક્ત અને સાધક આપણા પોતાના જ છે, કારણ કે આપણે ભગવદ્ભક્તિની ચિરસ્થાયી દોરીથી બંધાયેલ છીએ. પોતાના આધ્યાત્મિક બંધુ પ્રત્યેનો પ્રેમ સાંસારિક પ્રેમથી કેટલોય વધારે ગહન અને લાભકારી હોય છે. ઈસુ ખ્રિસ્તના શિષ્યો તેમજ શ્રીરામકૃષ્ણના શિષ્યોના પરસ્પરના સંબંધ તરફ નજર નાખો. કેટલો મધુર પ્રેમ તથા એક બીજા પ્રત્યે કેવાં આદર અને સ્નેહભાવના તેઓમાં વિદ્યમાન હતાં! (ક્રમશ:)

Total Views: 308

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.