મૅનેજમેન્ટમાંના અનેક સિદ્ધાંતોમાંનો એક સિદ્ધાંત છે- work efficiencyનો. સરળ ભાષામાં આ સિદ્ધાંતનો અર્થ થાય-‘ન્યૂનતમ નિવેશથી મહત્તમ ઉત્પાદન.’ એક વ્યક્તિ નિશ્ચિત સમયગાળાની અંદર કેટલું વધારે કે ઓછું કાર્ય કરી શકે છે તે જોવામાં આવે છે. જેની કાર્યક્ષમતા ઓછામાં ઓછા સમયમાં વધુ ઉત્પાદન કરવાની છે, મૅનેજમેન્ટની દૃષ્ટિએ તે ઉત્તમ કર્મચારી છે. જીવનમાં આ સિદ્ધાંત સર્વત્ર લાગુ પડે છે. વ્યક્તિ કોઈ પણ કાર્ય કેટલા ઓછા સમયમાં, સંસાધન અને શક્તિનો વ્યય કર્યા વગર પૂર્ણ કરે છે તેના પરથી તેની કાર્યકુશળતા પરખાય છે.

શ્રીકૃષ્ણ ગીતામાં ‘યોગ’ની વ્યાખ્યા આપે છે- योगः कर्मसु कौशलम्। અર્થાત્ કાર્યકુશળતા એ જ યોગ છે. કેવી રીતે? કારણ કે જો વ્યક્તિ ઉપર કહ્યા મુજબ ઓછામાં ઓછાં સમય, સંસાધન અને શક્તિ વાપરી ઉત્તમ પરિણામ લાવે ત્યારે એક વાત નિશ્ચિત થાય છે કે તે વ્યક્તિ- ૧. પોતાના કાર્ય પ્રતિ નિષ્ઠાવાન છે. ૨. કાર્યમાં એકાગ્ર છે. ૩. કાર્ય પ્રતિ તેને આદર અને પ્રેમ છે. ૪. તેણે કાર્યના દરેક પગલાનું ધ્યાનપૂર્વક વિશ્લેષણ કર્યું છે અને ૫. તે કાર્યપૂર્તિ માટે સંપૂર્ણ સજગ છે.

આ જ ગુણો તેને યોગીની જેમ કાર્ય સંબંધે સમર્પિત બનાવે છે. યોગી જેમ આત્માનુસંધાનમાં મનને વશ કરી, એકાગ્ર કરી, પ્રેમ અને ખંત સાથે પૂર્ણ સજગ અને પ્રમાદ રહિત થઈ મથે છે તે જ રીતે આવી વ્યક્તિ પણ કાર્યની પૂર્ણતા માટે ઉપર્યુક્ત ગુણો સાથે કાર્ય કરી રહી છે. આ પ્રમાદ રહિત અને આત્મકેન્દ્રિત એકાગ્ર ચિત્ત જ તેને યોગી બનાવે છે. તેનું જ કાર્ય કુશળતાપૂર્વક સંપન્ન થાય છે.

શ્રીરામકૃષ્ણદેવને એક વાર ભક્તો સર્કસ જોવા લઈ ગયા. ત્યાંથી પાછા ફર્યા બાદ તેમણે ખેલ કરનાર એક છોકરીની પ્રશંસા કરતાં કહ્યું કે, ‘તે કેવી સુંદર રીતે ઘોડાની સવારી કરતી હતી! ઘોડો વેગથી દોડતો હતો અને છતાં તે પોતાનું સંતુલન ગુમાવ્યા વગર પ્રત્યેક વાર રીંગમાંથી છલાંગ મારી ઘોડાની પીઠ પર આવી જતી. અને પડ્યા વગર એક પગે પણ વેગવંત ઘોડા પર ઊભી રહેતી.’ અને આ પ્રસંગને આધ્યાત્મિક દૃષ્ટિકોણ સાથે જોડતાં કહે છે કે આ એક દિવસના પ્રયાસનું ફળ નથી. તે કલાકારે કેટકેટલા દિવસો બધું ભૂલી, પૂર્ણ એકાગ્રતા અને ખંતની સાથે અભ્યાસ કર્યો હશે ત્યારે તે આજે આ ખેલ બતાડવા સમર્થ બની છે. આ વાત સાધક માટે પણ લાગુ પડે છે. સાધક માટે પણ આવાં ખંત, એકાગ્રતા અને અભ્યાસ જરૂરી છે, ભલે તે અધ્યાત્મમાર્ગનો સાધક હોય કે સાંસારિક જીવનમાં આગળ વધવા મથતો સામાન્ય માનવી હોય. શ્રીકૃષ્ણ પણ અર્જુનને ગીતામાં આ જ બોધ આપે છે. કર્મકુશળતા પ્રાપ્ત કરવાનાં બે સાધનો બતાવ્યા છે- અભ્યાસ અને વૈરાગ્ય. જે વસ્તુ કે ધ્યેયની પ્રાપ્તિનો પ્રયાસ કરતા હોઈએ તેનો અભ્યાસ અને તે ધ્યેયપ્રાપ્તિમાં બાધક વસ્તુઓ પ્રતિ વૈરાગ્ય.

આપણે ભલે આરંભમાં નિષ્ફળ જઈએ પણ જો આપણે જે કામ હાથમાં લીધું છે તેના પ્રત્યે નિષ્ઠાવાન, સમર્પિત અને પ્રયત્નશીલ રહીએ તો સફળતા અવશ્ય સાંપડે છે. સ્વામી વિવેકાનંદ કહે છે કે જો રસાયણો બરાબર મિશ્રિત કરવામાં આવે તો પરિણામ આપોઆપ આવે છે. સ્વામીજી સમુદ્ર કિનારે અથડાઈને પાછાં પડતાં મોટાં મોજાંનું ઉદાહરણ આપે છે, ‘આપણે સાગરકાંઠે ઊભા રહીએ અને ખડક સાથે પછડાતાં મોજાંનો અવાજ સાંભળીએ તો એમ લાગશે કે જાણે ઘણો મોટો અવાજ આવે છે; એમ છતાં આપણે જાણીએ છીએ કે એક મોજું કરોડો નાનાં મોજાંના સમૂહનું બનેલું છે…’ આ દૃષ્ટાંત આપતાં સ્વામીજી કાર્યસફળતાનું રહસ્ય સમજાવતાં કહે છે, ‘ વ્યક્તિના ચારિત્ર્યનો નિર્ણય કરવો હોય તો માત્ર એનાં મોટાં કાર્યો જ તપાસવાનાં ન હોય. જિંદગીના કોઈ એકાદ કાળે મૂર્ખ વ્યક્તિ પણ મહાન બને. વ્યક્તિ નાનાં નાનાં કાર્યો કરતી હોય ત્યારે તેને જોવી જોઈએ. આ નાનાં કાર્યોમાંથી મહાન વ્યક્તિના સાચા ચારિત્ર્યની પિછાન થશે…’

જે વ્યક્તિ સાધારણ રોજિંદાં કાર્યો પૂર્ણ નિષ્ઠા, એકાગ્રતા, પ્રેમ અને ખંતથી કરી શકે છે તે જ સાચો યોગી છે. તેનું મન શાંત છે તેથી જ તે એકાગ્ર છે. તેને કાર્ય પ્રતિ પ્રેમ છે એટલે જ તે કાર્યમાં તેની નિષ્ઠા અને ઇમાનદારી છે. તેનું મન કાર્ય કે ધ્યેય પ્રતિ સમર્પિત છે તેથી જ તેના પ્રયાસમાં ઊણપ નથી. તેની એકાગ્રતા તેના મનને વિચલિત થતાં અટકાવે છે, જ્યારે તેનું ધ્યેય પ્રતિ સમર્પણ તેને ધ્યેયપ્રાપ્તિમાં વિઘ્નકારક બાબતો પ્રતિ વૈરાગ્ય જન્માવે છે. હનુમાનને સીતામાતાની શોધમાં જતાં રસ્તામાં અનેક ભય અને પ્રલોભનો આવ્યાં. છતાં તેઓની કાર્ય પ્રત્યેની નિષ્ઠા અને ચિત્તની એકાગ્રતાએ તેમને પથભ્રષ્ટ થવા દીધા નથી. તુલસીદાસજી કહે છે-

રામનામ મેલી મુખ માંહી,

જલધિ લાંઘી ગયે અચરજ નાહીં.

જેનું કાર્ય પ્રત્યેનું સમર્પણ ભક્તિ કે પૂજાના સ્તરે ઊઠે, તે જ યોગી બને છે. હનુમાનજી રામના નામનો આધાર લઈ બધાં વિઘ્નો પાર કરીને સફળ થયા. ન તો તેમની એકાગ્રતા તૂટી, ન તો તેમની લક્ષ્ય પ્રત્યેની દૃષ્ટિ છૂટી. તેમનું ચિત્ત ન ક્યારેય ઉદ્વિગ્ન બન્યું, ન તેમનાં રામ પરનાં પ્રેમ કે નિષ્ઠા તૂટ્યાં. તેવી રીતે જો આપણે આપણા દરેક નાનાં મોટાં કાર્યોને સમાન ભાવથી, પૂરી તન્મયતા સાથે, પ્રેમપૂર્વક, શાંત મનથી પૂર્ણ સમર્પિત થઈને કરીએ તો કાર્ય કુશળતાપૂર્વક અવશ્ય પૂર્ણ થશે. સ્વામી વિવેકાનંદ આ યોગિક કર્મ ‘કુશળતા’ સાથે સંપન્ન કરવા એક સોનેરી સૂત્ર આપે છે-

‘જો આપણે સ્વસ્થ હોઈએ અને આપણા જ્ઞાનતંતુઓ શાંત હોય, તો આપણે વિશેષ પ્રમાણમાં પ્રેમ કરી શકીશું અને આપણું કાર્ય વધારે સારું થશે.’

Total Views: 375

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.