રામચરિતમાનસમાં પ્રભુશ્રી રામની લીલાથી જોડાયેલાં કેટલાંક ચરિત્રોનું જો આપણે સમ્યક્્ અધ્યયન કરીએ, તો જાણવા મળશે કે આપણી જેમ એ લોકોને પણ સુખ-દુ :ખ ભોગવવું પડ્યું હતું ખરું, છતાંય એમનું મન સદૈવ પ્રભુ શ્રીરામનાં પાદપદ્મોમાં લીન હતું. શ્રીરામનો વનવાસ જો અયોધ્યાવાસીઓ માટે એક ઘોર વિપત્તિનો સમય હતો, તો સ્વર્ગમાં બેઠેલા દેવતાઓ અને વનવાસીઓ તેમજ વાનરો માટે એમના ઇષ્ટ પ્રભુ શ્રીરામનાં દર્શન, એમની સેવા, એમનો સત્સંગ મેળવવાની એક સોનેરી તક હતી. શ્રીરામના વનવાસ દરમિયાન કોઈ શ્રીરામનાં વિરહમાં, કોઈ એમની પ્રતીક્ષામાં, કોઈ એમની સેવામાં તો કોઈ એમના સાન્નિધ્યમાં – ગમે એ રીતે રામનું જ ધ્યાન કરે છે.

ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિતમાનસમાં ધર્મપ્રાણ ભરતજીના મહિમાનું જે દિવ્ય, અનુપમ શબ્દોમાં ગાયન કર્યુ છે, એ જોઈને નવાઈ લાગે છે કે ખરેખર આ જગતમાં ભરત જેવી મહાન વ્યક્તિ થઈ છે ખરી. શ્રીરામ વનવાસ દરમિયાન ચિત્રકૂટમાં વાસ કરી રહ્યા છે. ભરતની રાહબારી હેઠળ રાજમાતાઓ, અયોધ્યાની પ્રજા તેમજ ગુરુ વસિષ્ઠ શ્રીરામને પાછા અયોધ્યા લાવવા માટે ચિત્રકૂટ જઈ રહ્યાં છે. માર્ગમાં પ્રયાગરાજમાં બધાં ભરદ્વાજ મુનિના આશ્રમમાં રોકાયાં. ભરતના મનમાં ઘણી ગ્લાનિ ઊપજી કે પોતાના લીધે જ શ્રીરામને વનવાસની અસહ્ય યાતના સહન કરવી પડી રહી છે. ભરદ્વાજ મુનિ એમને ઘણી બધી રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આ વિધિનો ખેલ છે અને એમનો કોઈ દોષ નથી. પણ ભરતના મનમાં જે દુખનો સમુદ્ર છે, એ સૂકાતો નથી. અંતે ભરદ્વાજ મુનિના શ્રીમુખથી પ્રેમમૂર્તિ ભરત વિશે એવા દિવ્ય ઉદ્ગાર નીકળે છે, જેને સાંભળીને શ્રોતા મંડળી ગદ્ગદ થઈ જાય છે. અહીંયાં ભરદ્વાજ મુનિ સાધકના જીવનમાં સાધનાના ફળ વિશે કહી રહ્યા છે. સાધકના જીવનનું એક જ ધ્યેય હોય છે કે કઈ રીતે પોતાના ઇષ્ટનાં દર્શન થાય. પરંતુ આ ઇષ્ટ-દર્શનનું પણ શું કોઈ ફળ હોઈ શકે?

सुनहु भरत हम झूठ न कहहीं।
उदासीन तापस बन रहहीं।।

सब साधन कर सुफल सुहावा।
लखन राम सिय दरसनु पावा।।

तेहि फल कर फलु दरस तुम्हारा।
सहित प्रयाग सुभाग हमारा।।

હે ભરત! સાંભળો, અમે જુઠ્ઠું નથી કહેતા, અમે ઉદાસીન, તપસ્વી હોઈ વનમાં રહીએ છીએ, અમને સર્વ સાધનાના ઉત્તમ ફળરૂપે રામજી, લક્ષ્મણજી અને સીતાજીનાં દર્શન થયાં છે. (અને એમના દર્શનરૂપ) તે જ ફળનું ફળ આ તમારું દર્શન છે. પ્રયાગ સહિત અમારું મોટું ભાગ્ય છે.

સાક્ષાત્ ભરદ્વાજ મુનિ જાણે કે અહીંયાં ઘોષણા કરી રહ્યા છે કે અમે જે ત્યાગ-તપસ્યા કર્યાં છે, એનું ફળ તો અમને રામ-લક્ષ્મણ-સીતાના દર્શનરૂપ મળી જ ગયું, પણ એનું ફળ છે કે અમને તમારાં દર્શન થયાં. હનુમાનચાલીસામાં શ્રીરામ જ્યારે હનુમાનજીનાં વખાણ કરીને કહે છે- ‘તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ.’ અમુક રામકથાકારોનું એવું માનવું છે કે રાવણ-વધ એ શ્રીરામજીના વનવાસનો મુખ્ય ઉદ્દેશ્ય નહોતો, પણ શ્રીરામને જગતમાં ભરતજીના મહાન આદર્શને સમાજ સમક્ષ સ્થાપવો હતો. ભરતજીનાં ત્યાગ, સેવાપરાયણતા, લોભશૂન્યતા, ભક્તિ અને નિષ્ઠાનો અદ્‌ભુત પરિચય અયોધ્યાકાંડમાં જોવા મળે છે. કૈકેયી જ્યારે મહારાજા દશરથ પાસેથી બે વરદાનમાં – ભરતનો રાજ્યાભિષેક અને રામનો વનવાસ માંગે છે, ત્યારે ભરત મોસાળમાં હતા. અયોધ્યામાં કેવું દુર્દૈવ ચાલી રહ્યું છે, એની એમને જરાય ખબર નહોતી. રામજી વનવાસ ગયા પછી, જયારે ભરતજી પાછા ફર્યા, ત્યારે ઘણા અયોધ્યાવાસીઓને એવી ગેરસમજ થઈ હતી કે એ જાણી જોઈને બહાર ગયા હતા અને કૈકેયીએ મંથરા અને ભરતજી સાથે મળીને ષડયંત્ર રચ્યું છે. પણ માતા કૌસલ્યાને ખબર હતી કે ભરતજી તો રામના સ્નેહનો સાકાર વિગ્રહ છે. તેઓ ભરતને કહે છે,

राम प्रानहु तें प्रान तुम्हारे।
तुम्ह रघुपतिहि प्रानह तें प्यारे।।

बिधु बिष चवै स्रवै हिमु आगी।
होइ बारिचर बारि बिरागी।।1।।

भएँ ग्यान बरु मिटै न मोह।
तुम्ह रामहि प्रतिकूल न होहू।।

શ્રીરામ તમારા પ્રાણના પ્રાણ છે અને તમે રઘુનાથને પ્રાણથી પણ પ્રિય છો. ચંદ્રમાંથી ભલે વિષ ઝરે, હિમ ભલે અગ્નિ વરસાવે, ભલે જળચર જીવો જળથી વિરક્ત થાય અને જ્ઞાન થવા છતાં ભલે મોહ ન છૂટે, પરંતુ તમે શ્રીરામચંદ્રજીથી પ્રતિકૂળ ન જ થઈ શકો.

ગુરુ વસિષ્ઠ, માતા કૌસલ્યા, મંત્રીગણ બધા ભરતજીને શાસ્ત્રોના સિદ્ધાંતો, ધર્મના સોગંદ આપીને અયોધ્યાના રાજા બનવા માટે આગ્રહ કરે છે, પણ તેઓ સુમેરુ પર્વતની જેમ પોતાના નિશ્ચય ઉપર અડગ રહે છે. તેઓ કહે છે કે રઘુવર શ્રીરામ વિના મારા હૃદયને કોણ જાણે છે. ભરતજીનું હૃદય તો કેવળ શ્રીરામજી જ જાણતા હતા. એમના પ્રેમની ઊંડાઈ કેવળ શ્રીરામ જ માપી શકતા હતા. વ્યવહારુ જગતમાં આપણે જોઈએ છીએ કે અમુક વિશે કોઈની ગેરમસજ સર્જાય, તો પેલો માણસ એ ગેરસમજ દૂર કરવાનો પ્રયત્ન કરે છે. સમાજમાં લોકનિંદાનો ભય બધાયને સતાવે છે. પણ ભરતજીના મનમાં લોકનિંદાનો જરાય ભય નથી. એમના મનમાં તો એટલા માટે ગ્લાનિ છે કે એમના સર્વસ્વ શ્રીસીતારામને વનવાસના દુ :ખની અસહ્ય યાતના સહન કરવી પડી રહી છે. એમના માટે સંસારના જેટલા બધા સંબંધો છે, એ રામના લીધે જ છે. તેઓ જ્યારે શ્રીરામને મનાવવા અયોધ્યાથી ચિત્રકૂટ જવાની તૈયારી કરે છે, ત્યારે એમના મનમાં વિચાર આવે છે કે આ રાજ્ય તો શ્રીરામનું છે અને રાજ્યની સંપત્તિની રક્ષાની જબાબદારી મારી છે. તેઓ વિશ્વાસુ સેવકોને બોલાવીને એમને સમજ આપે છે કે એમની ગેરહાજરીમાં કઈ રીતે રાજ્યનું સંચાલન કરવું. બધી તૈયારી કરીને રામજીને પાછા લાવવા ભરતજીની આગેવાનીમાં જાણે કે આખી અયોધ્યા ચિત્રકૂટ તરફ નીકળે છે. રથ, ઘોડા, હાથી, પાલખીઓ હોવા છતાં ભરતજી પગપાળા ચાલે છે. મનમાં એ જ ભાવ કે એમના સર્વસ્વ સીતારામે જો રાજ-વૈભવ બધુંય છોડીને તેમજ તાપસ વેશ ધારણ કરીને પગપાળા વનગમન કર્યું હતું, તો મારે પણ એમની જેમ જ તપસ્યા કરીને એમનાં દર્શન કરવાં જોઈએ. રામજીના સુખમાં જ ભરતજીનું સુખ છે. સાધકના મનમાં પ્રભુ અથવા પ્રભુનાં સંતાનો પ્રત્યે જો આવો ઉત્કટ પ્રેમ હોય; તો યમ, નિયમ, શમ, દમ બધાંય સાધનો પોતાની મેળે સિદ્ધ થઈ જાય.

ગોસ્વામીજી અયોધ્યાકાંડના છેલ્લા છંદમાં કહે છે,

सिय राम प्रेम पियूष पूरन
होत जनमु न भरत को।

मुनि मन अगम जम नियम सम
दम बिषम ब्रत आचरत को।।

दुख दाह दारिद दंभ दूषन
सुजस मिस अपहरत को।

શ્રીસીતારામના પ્રેમના અમૃતથી પરિપૂર્ણ ભરતજીનો જન્મ થયો ન હોત તો મુનિઓનાં મનને પણ અગમ્ય યમ, નિયમ, શમ, દમ જેવાં કઠિન વ્રતો કોણ આચરત ! દુ :ખ, સંતાપ, દારિદ્રય, દંભ આદિ દોષોને પોતાના યશના બહાને કોણ હરત !

Total Views: 431

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.