ગતાંકથી આગળ…

હવે સવારના દસનો સમય. શ્રી મ. અને ભક્તો ભોજન કરવા બેઠા. પ્રશ્ન ઊઠ્યો, ‘ધર્મજીવન માટે સદાચારની શું આવશ્યકતા છે ?’ શ્રી મ. કહેવા લાગ્યા, ‘વૈદિક આચારની બહુ આવશ્યકતા છે. વૈદિક આચારને જ સદાચાર કહે છે, ઋષિઓનો આચાર. ધર્મજીવન-યાપન કરતી વખતે જે કાંઈ કરવામાં આવે છે, એ બધું ભગવાન માટે છે, એવી ભાવનાથી આપણે કરવું જોઈએ. એમને ભોગ ધરાવીને બધા પ્રસાદ લે. એનાથી સત્ત્વગુણની વૃદ્ધિ થાય. નહીંતર કેટલુંય ખાઓ, સંતોષ નથી થતો. પશુઓ પણ ખાય છે. પછી મનુષ્યોમાં અને એનામાં અંતર ક્યાં રહ્યું? આહારથી શરીરની વૃદ્ધિ થાય છે. પરંતુ ભગવાનને નિવેદન કરીને પ્રસાદ લેવાથી શરીરની વૃદ્ધિ તો થાય છે અને સાથે મન પણ ઈશ્વરમુખી થઈ જાય છે. જાનવર સદાચાર જાણતાં નથી. જાણવા છતાં જોે મનુષ્ય આચરણ ન કરે તો તે પણ જાનવર થઈ ગયો છે. એટલે સદાચાર બહુ જ આવશ્યક થઈ ગયો છે. જ્યાં સુધી ઈશ્વરદર્શન ન થાય ત્યાં સુધી ઋષિઓની વાણીનું પાલન કરવું જોઈએ. સારા-નરસાનો વિચાર, શુચિ-અશુચિ, પ્રસાદ-અપ્રસાદ, પવિત્ર-અપવિત્ર, આ બધું માનીને ચાલવું ઉચિત છે. ‘ઈશ્વર જ બધુંય તથા સર્વત્ર છે.’ તત્ત્વજ્ઞાન થવાથી જ આવી બુદ્ધિ થાય છે. ત્યારે જ આ વાત કરી શકાય છે. ત્યાર પછી આચરણની જરૂર રહેતી નથી. તત્ત્વજ્ઞાન ન થાય ત્યાં સુધી આ બધું માનવું જ જોઈએ. તબલાના બોલ મોઢે બોલવાથી શું થાય? હાથમાં લાવવા જોઈએ. એટલે જ તો ગીતામાં ભગવાને કહ્યું છે –

यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत् ।
यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम् ।।

‘આહાર, પૂજા, અર્ચના, દાન, તપસ્યા, બધું જ મને અર્પણ કરો.’

આમ કરતાં કરતાં નિરંતર ઈશ્વર-સ્મરણ થાય છે. સદા યોગમાં રહી શકાય છે. વળી પવિત્રતા સાથે કોઈ પણ વસ્તુ કરવામાં ન આવે તો ઈશ્વરને સમર્પણ કરી શકાતી નથી. ભગવાનને ન ધરીને માત્ર પેટ ભરવા માટે જે વસ્તુ કરવામાં આવે એને ‘ચૌર્ય’ કહેવાય છે. આહાર, વિહાર, શયન વગેરે સમસ્ત જીવનની કાર્ય પ્રવૃત્તિઓ એમને અર્પણ કરીને જ એમની પૂજા કરવી જોઈએ, તો જ થાય છે. Parenthetically અવસર મળ્યે જરાક પોકારવાથી એમનું ભજન થતું નથી. માની લો કોઈ બહુ દેખાડા સાથે ઘરમાં પૂજા-અર્ચના, ખવડાવવું-પિવડાવવું બહુ કરાવે છે અને લોકો સમજે છે બહુ ધાર્મિક છે. પરંતુ ભગવત્ ઉદેશ્યથી ન કરવાથી બધું જ બંધન બની જાય છે. એમને નિવેદન કરવાથી આહાર-વિહાર વગેરેથી પણ મુક્તિ થઈ જાય છે.’

પ્રશ્ન – સારું જી, આહાર વગેરેની બાબતમાં ઠાકુરનો શો મત છે ?

શ્રી મ. – આહાર વગેરેની બાબતમાં ઠાકુર કહે છે, શાક-ભાતનું થોડુંક અમસ્તું ભોજન આરોગી આખો દિવસ ભગવાનનું નામ લો. પાંચ જાતનું ખાવાનું, માછલી, માંસ, શાકભાજી વગેરેની શું જરૂર ? જેનું મન Finite સંસાર તરફ છે, એમની દૃષ્ટિ જ દેખાડા તરફ હોય છે. એ જ ભોગવિલાસમાં લિપ્ત રહે છે. એમનો પણ દોષ નથી; એમને એ જેવી રીતે રાખે છે, તે એવી રીતે જ રહે છે. પરંતુ જેને કંઈક જ્ઞાન થયું છે, સત્સંગ થયો છે અથવા ગુરુ મળી ગયા છે, એને વળી આટલું શું કામ? સામાન્યથી જ સંતુષ્ટ રહીને, જ્યાં સુધી શરીર રહે છે એમનું ભજન કરે. કામારપુકુરમાં આવેલ ઠાકુરના ઘરનું લાહાબાબુઓએ સમારકામ કરાવ્યું હતું. ખૂબ નકશીકામ વગેરેથી દરવાજાઓ તૈયાર થયા આ જોઈને ઠાકુર કહેવા લાગ્યા, ‘આ શું કરો છો, આટલાની શું જ્રૂર? શિયાળ ન ઘૂસી જાય એવું કરી દો.’ આવી દૃષ્ટિ કોની હોય છે ?

ઠાકુર પોતાના જીવનમાં human life ના બધા problem solve (મનુષ્યજીવનની બધી સમસ્યાઓનું સમાધાન) કરી ગયા છે. Simple સાધારણ આહાર-વિહાર હોવા જ બરાબર છે. થોડાંક દાળ-ભાત ખાઓ અને બાકી સમય ‘રામ રામ’ કરો.

શ્રીઠાકુર અવારનવાર કહેતા હતાને, ‘બ્રાહ્મણી વિધવા મારો આદર્શ છે. એક ઝૂંપડીમાં રહેવું અને શાકભાજી વાવવું. એ જ શાકભાજી અને ભાત ખાવાં તથા ઈશ્વરનું નામ લેવું.’ સ્વામીજીને પણ ત્યારે કહ્યું હતું, ‘દાળભાત મળી જાય તો બહુ છે, એનાથી વધારે નહીં.’

ભોજન પછી શ્રી મ. પાટ પર બેઠા છે. સમય લગભગ બારનો. એક ભક્તની વાત થઈ રહી છે. આહાર, વિહાર, શયન અને બીજાં કામોમાં શિથિલતા જોઈને શ્રી મ. કહી રહ્યા છે, ‘આટલા મહાન પુરુષથી દીક્ષિત. મહારાજ-સ્વામી બ્રહ્માનંદના મંત્રશિષ્ય અને વળી સ્વામી વિવેકાનંદનાં દર્શન કરેલાં, પરંતુ માત્ર ભોગ લઈને પડ્યા છે. ગુરુએ કેટલું કષ્ટ ઉઠાવ્યું છે, પરંતુ એ તરફ ધ્યાન જ નથી. ઠાકુરનાં સંતાનોએ કેટલું કષ્ટ ઉઠાવ્યું છે, કેટલા કેટલા દિવસ ભૂખે વિતાવ્યા છે! એક વાર સ્વામીજીને ત્રણ ત્રણ દિવસ સુધી આહાર મળ્યો ન હતો, એનાથી મૂર્છિત થઈ ગયા હતા. વરસાદનું જળ શરીર પર પડવાથી ચૈતન્ય આવ્યું, પછી માર્ગમાં ચાલવા લાગ્યા. અંતે એક કાકડી ખાઈને પ્રાણ બચાવ્યા. વૃંદાવનમાં મહારાજે કુસુમ સરોવર પર તપસ્યા કરી. સૂકી રોટલી ખાઈને સમય વિતાવ્યો. રાત્રે એ જ રોટલી પાણીમાં પલાળીને ખાતા અને બસ તપસ્યા કરતા.

ઠાકુરનું શરીર હતું ત્યારે રાખાલ મહારાજ- સ્વામી બ્રહ્માનંદ વૃંદાવનમાં બલરામ બાબુ સાથે ગયા. બીમાર થઈ ગયા. સેવા ન થઈ. અત્યંત કષ્ટથી પાંચ રૂપિયા ચિકિત્સા માટે મોકલી શક્યા. પછી તો કેટલા રૂપિયા આવ્યા-ગયા, એ બાજુ એમનું ધ્યાન જ નહીં.

આઠ વાગે પથારીમાંથી ઊઠવું બરાબર નથી. વળી દસ-પાંચ જાતની રસોઈમાં જ એક-બે વાગી જાય છે. આટલા મસાલા, તેલ, ઘી ખાવાથી શું લાભ ? દિવસે દસ વાગ્યા સુધીમાં જમવું અને રાત્રે દસ વાગ્યા સુધીમાં સૂવું બરોબર છે. આ ખાવાપીવાનું જેટલું બને એટલું simple, સરળ કરવું. ઋષિઓનો આદર્શ છે plain living and high thinking, સરળ જીવન, ઉચ્ચ વિચાર. રાત્રે વધારે ખાવાથી આળસ આવે છે.

બ્રાહ્મમુહૂર્તમાં ઊઠી શકાતું નથી. બ્રાહ્મમુહૂર્તમાં શ્રી ગુરુનું ધ્યાન કરવું જોઈએ. બાબુઓના ઘરમાં તો બ્રાહ્મમુહૂર્તની વાત તો દૂર રહી, સૂર્યોદય પણ કદી કોઈ નથી જોતું. બાબુ હવે કોર્ટ-કેસના ઝઘડામાં પડયા છે. આટલા થોડા દુ :ખ-શોકમાં પડીને આટલા નિરાશ થઈ ગયા, તો આટલા મોટા સંન્યાસી ગુરુ પાસેથી મંત્ર લેવાનું શું પ્રયોજન ? કોઈ ગૃહસ્થ ગુરુ પાસેથી જ લઈ લેત તો ઠીક હતું. ગુરુનું અનુકરણ કરવું યોગ્ય છે. (ક્રમશ 🙂

Total Views: 318

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.