૧૬.૦૩.૧૯૯૮ના રોજ મેં મહારાજને લખ્યું, ‘સાધનભજન સંબંધી કોઈ પણ પ્રકારની જીજ્ઞાસાના સમાધાન માટે આપણી પાસે બે પ્રમાણિત ગ્રંથ છે : ધર્મપ્રસંગે સ્વામી બ્રહ્માનંદ (ધ્યાન, ધર્મ અને સાધના- ગુજરાતીમાં) અને પરમાર્થ પ્રસંગ. જપ-ધ્યાન સંબંધી અમારા મનમાં અનેકાનેક પ્રશ્નો ઊઠે. દીક્ષા વખતે ઘણા દીક્ષાર્થીઓ એક સાથે દીક્ષા લેતા હોય છે પરંતુ સંકોચને લીધે પ્રશ્ન પૂછતા નથી. ઉપરાંત ઘણા લોકોની દીક્ષા, ગુરુ, મંત્ર સંબંધે યોગ્ય ધારણા પણ હોતી નથી. એટલે જ જેટલા પણ પ્રશ્નો મનમાં ઉદ્ભવ્યા તેટલા લખ્યા. આપ જો દયા કરીને, સમય અને સુવિધાનુસાર, વિસ્તૃતમાં બધી શંકાઓનું સમાધાન કરી આપશો તો ખૂબ સારું રહેશે. આ પ્રશ્નોત્તરી ખૂબ જ મૂલ્યવાન લેખાશે અને પુસ્તિકાકારે છાપી પણ શકાશે. હવે તમે તો પોતાના હાથે કંઈ પણ લખશો પણ નહીં! આ મારી તેમજ બીજા અનેકાનેકની અભિલાષા છે.’ મેં ૪૨ પ્રશ્નો મોકલાવ્યા હતા. ૨૨.૦૪.૯૮ના રોજ સ્વામી નિત્યમુક્તાનંદે પત્રના જવાબમાં લખ્યું, ‘તમારા પ્રશ્નોના ઉત્તર લખવાનું હજું શરૂ કર્યું નથી. જણાઈ આવે છે કે હજુ એમાં સમય લાગશે. ત્યાર પછી તો આૅગસ્ટ મહિનામાં મહારાજ ચાલ્યા ગયા.
૧૯૮૨માં હું જાપાન ગયો હતો. ત્યારે ત્યાંનું Nippon Vedanta Kyokai બેલુર મઠના અંતર્ગત આવતું નહતું.જાપાનમાં તો મહારાજના ઘણા દીક્ષિત ભક્તો છે. મહારાજ ઉપર તેમનાં ભક્તિ-વિશ્વાસ જોઈને અભિભૂત થયો. ૧૪.૧૨.૮૨ના રોજ મહારાજે જલપાઈગુડીથી મને પત્ર લખ્યો, ‘જાપાનના ભક્તોએ ચિઠ્ઠીમાં જણાવ્યું કે, તેઓ તને પોતાની વચ્ચે જોઈને ખૂબ આનંદિત થયા છે. જાણીને ઘણો આનંદ થયો. સ્થાયી રીતે કોઈ સાધુ હજુ મોકલવામાં નથી આવ્યો એ જાણીને તેઓ ખૂબ હતાશ થયા છે.’ ૧૯૮૪માં એ સેન્ટરનો હવાલો બેલુર મઠે સંભાળી લીધો.
૨.૨.૧૯૮૬ના રોજ મહારાજે લખતાં જણાવ્યું, ‘તું જુલાઈમાં આવી રહ્યો છે એ જાણીને ખૂબ આનંદ થયો. આજકાલ મારે હરવાફરવાનું ખૂબ વધી ગયું છે. તોપણ આશા રાખું છું કે જ્યારે જુલાઈ મહિનામાં તું આવીશ ત્યારે મેળાપ થશે. તારો definite programme મળશે તો તે અનુસાર adjust કરવાનો પ્રયત્ન કરીશ.’ મારા જેવા એક સામાન્ય માણસ માટે તેમનો આટલો બધો સ્નેહ જોઈને સ્વર્ગીય આનંદ અનુભવ્યો. જન્માષ્ટમીના આગલા દિવસે (૨૬.૦૮.૮૬) જ્યારે કાંકુડગાછિમાં એમને મળ્યો ત્યારે નાટકીય ગાંભીર્ય ધારણ કરીને બોલ્યા, ‘જો, અહીં ત્રણ રાત રોકાવું પડશે. એક વાત ગાંઠ વાળીને બાંધી લે કે પોલીસ કમિશ્નર (વિકાસકલિ બસુ) મારો ભક્ત છે. જો નહીં રોકાય તો house arrest કરીને રાખવામાં આવશે.’ એ દિવસે કાંકુડગાછિમાં માનવમેદની જોઈ. મહારાજ મંડપના છાંયડામાં બેસીને ભક્તોના પ્રણામ સ્વીકારતા હતા. ગરમીમાં એમને ખૂબ તકલીફ થતી હતી. મને ડર લાગ્યો કે તેઓ ક્યાંક બીમાર તો નહીં પડેને. થોડો વિરામ પડતાં સેવક શિખરેશે મહારાજને નારિયેળ પાણી પિવડાવ્યું. તેમણે સ્વાસ્થ્યની પણ ચિંતા છોડીને હસતે મોંઢે ભક્તોને દર્શન દીધાં.
૧૯૮૮માં સેન્ટ લુઇસ વેદાંત સોસાયટીની સુવર્ણજયંતીના ઉપલક્ષ્યમાં અમે મહારાજને નિમંત્રણ પાઠવ્યું તેમજ ટિકિટના પૈસા મોકલાવ્યા. મહારાજ સ્વામી નિત્યમુક્તાનંદને લઈને ટોકિયોથી ૧૮ આૅગસ્ટના રોજ લોસ એંજલસ પહોંચ્યા. સ્વાહાનંદજી, હું અને બીજા કેટલાક ભક્તો મહારાજના સ્વાગત માટે એરપોર્ટ ગયા હતા. સફરથી થાકેલા મહારાજને સ્વાહાનંદજીએ કહ્યું, ‘આજે સાંજે તમે કાંઈ બોલશો? તેઓ તરત જ રાજી થઈ ગયા. લાંબી વિમાનયાત્રા પછી મહારાજ માટે વિશેષ વિશ્રામની વ્યવસ્થા કરી હતી પરંતુ તેની પરવા કર્યા વિના મહારાજ સંબોધન કરવા માટે રાજી થઈ ગયા.
તારીખ ૨૨.૦૮.૧૯૮૮ના રોજ મહારાજ ડિજનીલેંડ જોવા માટે ગયા. સાંજે ટ્રુબુકો પરત ફર્યા. ડિજનીલેંડના પાર્કિંગમાં ભારે મુશ્કેલી ઊભી થઈ હતી. ગાડી ક્યાં પાર્ક કરી છે તે કૃષ્ણાનંદ ભૂલી ગયા. ગાડી શોધવામાં કેટલાય કલાકો વીતી ગયા. બરાબર ૪ વાગે હું ટ્રુબુકો પહોંચ્યો તો જોયું કે મહારાજનું હજું જમવાનું થયું નથી. થોડું ઘણું ખાધું ન ખાધું કરીને તેઓ લાઈબ્રેરી હાૅલમાં વક્તૃતા આપવા માટે ગયા. સ્વાહાનંદજી બીમારીને લીધે હાૅસ્પિટલમાં ભરતી થયા હતા. મેં મહારાજનો પરિચય શ્રોતાઓને કરાવ્યો. મેં શ્રીશ્રીમાની ચિર પરિચિત વાત કરતાં કહ્યું, ‘ivory (હાથીદાંત) ખૂબ મૂલ્યવાન અને વળી પાછી એ જ ivoryને Goldથી મઢી લેવામાં આવે તો એની કીંમત હજુ પણ વધી જાય. એ જ પ્રમાણે આપશ્રી ખૂબ ઉચ્ચસ્તરના સાધુ ઉપરાંત વિદ્વાન પંડિત…’ બસ! મહારાજે મારી વાત બરાબર સાંભળી નહીં કે શું? એમણે Goldનું Coal કરી નાખ્યું. વક્તૃતા આરંભ કરતાં મહારાજ બોલ્યા, ‘મારાં હાડકાં તો ivoryની જેમ સફેદ છે અને ઉપર ચામડીનો રંગ કાળો જોઈને ચેતનાનંદ કહે છે કે, ivory is covered with Coal…’ હું તો ભારે શરમમાં પડ્યો. પછીથી મેં કહ્યું હતું, ‘મેં કહ્યું હતું Gold અને તમે કરી નાખ્યું Coal. You have embarrassed me in front of everybody. (બધાંની સામે તમે મને ભોંઠો પાડ્યો.)’ ‘એમ જ ને?’ બોલતાંની સાથે જ તેઓ હોં હોં કરીને હસવા લાગ્યા. એ મધુર હાસ્ય ક્યારેય ભૂલીશ નહીં. મારો બધો સંકોચ દૂર થઈ ગયો.
સેન્ટ લુઈસ વેદાંત સોસાયટીની સુવર્ણજયંતીના ઉપલક્ષ્યમાં ૧૩.૦૯.૧૯૮૮ના રોજ મહારાજ સ્વામી નિત્યમુક્તાનંદની સાથે સેન્ટ લુઈસ આવ્યા અને ૧૯મી તારીખે શિકાગો ચાલ્યા ગયા. ૧૪.૦૯.૮૮ના રોજ મહારાજને બેસિલિકા (કેથલિક મુખ્ય દેવળ) જોવા માટે લઈ ગયા. આ રીતની મોઝેઈકની કારીગરી પૃથ્વી પર બીજે ક્યાંય છે કે નહીં તે માટે સંદેહ છે. Father Vincent Hierએ મહારાજનું સ્વાગત કર્યું અને અંદરનાં બધાં જ દર્શનીય સ્થળોએ ફેરવ્યા. ત્યાર પછી અમે મહારાજને મિસિસિપિ નદીને પશ્ચિમ કાંઠે arch (Gateway of the west) બતાવ્યો. અહીંથી જ શરૂ થયું હતું કેલિફોર્નિયાનું gold rush અભિયાન. ત્યાર પછી નદી ઓળંગીને અમે મિસિસિપિ અને મુસૌરી નદીના સંગમસ્થળે ગયા. ત્યાં મેં નદીમાં ઊતરીને હાથની અંજલિ ભરીને મહારાજને જળ આપ્યું. તેમણે તે પોતાના માથા ઉપર છાંટ્યું. (ક્રમશ:)
Your Content Goes Here