(ગતાંકથી આગળ…)

જડવાદી સભ્યતાના પરિણામે આપણે માનતા થઈ ગયા છીએ : ‘પૈસો જ પરમેશ્વર છે.’ ‘પૈસા વગર એક ડગલું આગળ ન વધાય.’

આજના જમાનામાં પણ પૈસાનો સંપૂર્ણ ત્યાગ કરી કોઈ મનુષ્ય રહી શકે છે, આ વાતને પુરવાર કરવા શ્રીરામકૃષ્ણ ઉચ્ચતમ ત્યાગનો આદર્શ પોતાના જીવનમાં દર્શાવે છે. ‘પૈસા માટી, માટી પૈસા’ એમ કહી શ્રીરામકૃષ્ણ પૈસા અને માટી બંને ગંગાજીમાં ફેંકી દેતા. આવી રીતે ત્યાગનો ભાવ તેમની રગેરગમાં એટલો આવી ગયો હતો કે ભૂલથી જો કોઈ ધાતુનો સ્પર્શ થઈ જાય તો વીંછીના ડંખ જેવી વેદના તેમને થતી. નરેન્દ્રનાથે જ્યારે આ વાત સાંભળી ત્યારે તેમને વિશ્વાસ ન બેઠો. એક વાર જ્યારે શ્રીરામકૃષ્ણ કોલકાતા ગયા હતા ત્યારે તેમની કસોટી કરવા માટે નરેન્દ્રનાથે તેમની પથારી નીચે એક રૂપિયો સંતાડી દીધો અને શું થાય છે તે જોતા ઓરડામાં એક ખૂણે ઊભા રહી ગયા. શ્રીરામકૃષ્ણ જ્યારે પાછા ફર્યા ત્યારે પથારી પર બેસવા જતાં જ વીંછીના ડંખ જેવી વેદનાથી એકદમ ઊભા થઈ ગયા. એક સેવકે પથારીની તપાસ કરતાં રૂપિયો નીચે પડી ગયો. શ્રીરામકૃષ્ણ સમજી ગયા કે આ તો શિષ્યે કરેલી પરીક્ષા હતી. રાજી થઈને તેમણે નરેન્દ્રનાથ તરફ જોયું.

લક્ષ્મીનારાયણ મારવાડી દશ હજાર રૂપિયા લઈને શ્રીરામકૃષ્ણને દેવા આવ્યો ત્યારે શ્રીરામકૃષ્ણે તેને હાંકી કાઢ્યો. મથુરબાબુ બળજબરીથી તેમના નામે સંપત્તિ લખી દેવાની વાત કરવા આવ્યા ત્યારે તો તેઓ લાઠી લઈને તેમને મારવા દોડ્યા. ફક્ત કાંચનત્યાગ જ નહિ, કામત્યાગનો પણ ઉચ્ચતમ આદર્શ શ્રીરામકૃષ્ણે પોતાના જીવનમાં રજૂ કર્યો. દરેક નારીમાં તેમણે જગન્માતાનું રૂપ જોયું. પોતાની પત્ની (મા શારદાદેવી) સાથે કોઈ ભૌતિક સંબંધ ક્યારેય ન રાખ્યો. એટલું જ નહિ, તેમને પણ જગન્માતા રૂપે જ જોયાં અને ષોડશીરૂપે તેમની પૂજા કરી.

પૂર્વ અવતારોમાં ભગવાને દુષ્ટોનો વિનાશ કર્યો, પણ શ્રીરામકૃષ્ણ અવતારમાં તેમણે દુષ્ટોનો વિનાશ ન કર્યો, તેમની દુષ્ટતાનો વિનાશ કરી તેમને સંત અને ભક્તના રૂપમાં પરિવર્તિત કરી દીધા.

શ્રીરામકૃષ્ણની મહિલાભક્ત યોગિન માના ભાઈ હીરાલાલ પોતાની બહેનનું શ્રીરામકૃષ્ણ પાસે જવું પસંદ નહોતા કરતા. એક વાર શ્રીરામકૃષ્ણ જ્યારે કોલકાતા પધાર્યા ત્યારે તેમને મજા ચખાડવાનું કામ હીરાલાલે મન્મથ ગુંડાને સોંપ્યું. પણ આશ્ચર્ય ! થઈ ગયું ઊંધું ! શ્રીરામકૃષ્ણના પાવન મૃદુ સ્પર્શ અને સ્મિતથી મન્મથ ગુંડામાંથી ભક્ત બની ગયો. તેના માટે શ્રીરામકૃષ્ણ બની ગયા ‘પ્રિયનાથ’. આવી જ રીતે દારૂડિયા પદ્મવિનોદ, વિહારી, કૃષ્ણદા બધા શ્રીરામકૃષ્ણના પાવન સ્પર્શથી ભક્ત બની ગયા. નટી વિનોદિની અને બીજી નટીઓ શ્રીરામકૃષ્ણના પાવન સ્પર્શથી ધન્ય થઈ બદલાઈ ગઈ, ભક્ત બની ગઈ.

બંગાળના સુવિખ્યાત નાટકકાર, અભિનેતા, મહાકવિ ગિરીશ ઘોષ કહેતા કે દુષ્કર્મો કરવામાં તેમણે કાંઈ બાકી રાખ્યું નહોતું. દારૂની બાટલી તો સદા સાથે જ રહેતી. પરંતુ શ્રીરામકૃષ્ણના સંપર્કમાં આવી, તેમના પ્રેમપાશમાં એવા બંધાઈ ગયા કે આપમેળે તેઓ બધા દુર્ગુણોથી મુક્ત બની ગયા અને મહાન ભક્ત બની ગયા. શ્રીરામકૃષ્ણને મુખત્યારનામું સોંપી સંપૂર્ણપણે તેમના શરણાગત થઈ ગયા.

એક વાર ગિરીશ ઘોષના ‘સ્ટાર’ થિયેટરમાં શ્રીરામકૃષ્ણ ‘ચૈતન્યલીલા’ નાટક જોવા આવ્યા હતા. ગિરીશ ઘોષનો શ્રીરામકૃષ્ણને થિયેટરમાં મળવાનો આ પહેલો જ અવસર હતો. સાધુ-સંતો પર તેમની શ્રદ્ધા તો હતી જ નહિ. પ્રણામ કરવા કે નહિ એનો વિચાર કરતા ગિરીશ ઘોષ ઊભા હતા. ત્યાં તો શ્રીરામકૃષ્ણે પોતે ગાડીમાંથી ઊતરીને તેમને પ્રણામ કર્યા. હવે શું થાય? શિષ્ટતાને ખાતર ગિરીશ ઘોષે પણ સામા પ્રણામ કર્યા. આના જવાબમાં શ્રીરામકૃષ્ણે વધુ નમીને પ્રણામ કર્યા. એટલે ગિરીશ ઘોષે પણ નમીને પ્રણામ કર્યા. શ્રીરામકૃષ્ણે ભોંય પર માથું ટેકવીને પ્રણામ કર્યા. હવે ગિરીશ ઘોષને હાર સ્વીકારવી પડી અને પ્રણામનો કાર્યક્રમ તાત્કાલિક બંધ કરવો પડ્યો.

એટલે જ ગિરીશ ઘોષ કહેતા કે પૂર્વ અવતારોમાં ભગવાન ધનુષ્ય-બાણ, સુદર્શન ચક્ર, વગેરે અસ્ત્રો લઈને પૃથ્વી પર આવ્યા હતા પણ આ અવતારમાં તો ભગવાન પ્રણામ-અસ્ત્ર લઈને આવ્યા છે અને દુષ્ટોના અહંકારને, દુષ્ટતાને દૂર કરવા અને દુષ્ટોનો પણ ઉદ્ધાર કરવા પૃથ્વી પર અવતર્યા છે.

અવતારના હેતુ

‘શ્રીરામચરિતમાનસ’માં એક સુંદર પ્રસંગ આવે છે. જ્યારે શ્રીરામના હાથે રાવણનો વધ થયો ત્યારે બ્રહ્મા, ઇન્દ્ર અને બધા દેવતાઓ શ્રીરામને આ દુષ્કર કાર્ય સંપન્ન કરવા બદલ અભિનંદન દેવા આવ્યા. પણ નવાઈની વાત ! દેવોના દેવ મહાદેવ દેખાતા નથી. છેલ્લે, શિવજી આવે છે. પણ ક્યારે ? તુલસીદાસજી કહે છે કે, જ્યારે દેવતાઓ સ્તુતિ કરીને પોતપોતાનાં વિમાનો પર ચડીને ચાલ્યા ગયા ત્યારે ઉત્તમ અવસર જાણીને સુજ્ઞ ભગવાન શંકર શ્રીરામચંદ્રજી પાસે આવ્યા :

સુમન બરષિ સબ સુર ચલે
ચઢી ચઢી રુચિર વિમાન ।

દેખી સુઅવસર પ્રભુ પહિં
આયઉ શંભુ સુજાન ।।

(શ્રીરામચરિતમાનસ : ૭/૧૯૨)

પણ આશ્ચર્યની વાત, શિવજી શ્રીરામચંદ્રજીની પ્રશંસા કરવાને બદલે હાથ જોડીને શ્રીરામને કહે છે :

મામભિરક્ષય રઘુકુલ નાયક ।
ધૃત બર ચાપ રુચિર કર સાયક ।।

મોહમહા ઘન પટલ પ્રભંજન ।
સંશય બિપિન અનલ સુરરંજન ।।

અગુન સગુન ગુન મંદિર સુંદર ।
ભ્રમ તમ પ્રબલ પ્રતાપ દિવાકર ।।

કામ ક્રોધ મદ ગજ પંચાનન ।
બસહું નિરંતર જન મન કાનન ।।

(શ્રીરામચરિતમાનસ : ૬/૧૯૪/૧-૨-૩-૪)

હે રઘુકુળના સ્વામી ! સુંદર હાથોમાં શ્રેષ્ઠ ધનુષબાણ ધરતા આપ મારી રક્ષા કરો. આપ મહામોહરૂપી મેઘસમૂહને છિન્નભિન્ન કરનારા પ્રચંડ પવનરૂપ છો. સંશયરૂપી વનને ભસ્મ કરતા અગ્નિરૂપ છો. અને દેવોને આનંદ આપનાર છો. આપ નિર્ગુણ-સગુણ દિવ્ય ગુણોના ધામ અને પરમ સુંદર છો; ભ્રમરૂપી અંધકારનો નાશ કરતા પ્રબળ પ્રતાપી સૂર્યરૂપ છો, કામક્રોધ અને મદરૂપી હાથીઓના નાશ માટે સિંહ સમાન આપ સેવકના મનરૂપી વનમાં નિરંતર વસો.’

આમ, શિવજી પણ તુલસીદાસની જેમ માને છે કે કેવળ બહારના એક રાવણના વધથી સમસ્યાઓનું સમાધાન નહિ થઈ જાય. મનમાં પેઠેલ કામ, ક્રોધ, લોભ મોહરૂપી રાક્ષસોનો વધ આવશ્યક છે.

આ યુગના પ્રયોજન અનુસાર પ્રભુ શ્રીરામકૃષ્ણરૂપે અવતરી પ્રણામ-અસ્ત્ર લઈ દુષ્ટોનો વિનાશ કરવાને બદલે કેવી રીતે અન્તર્નિહિત દુર્ગુણોરૂપી રાક્ષસોનો વધ કરે છે, તેની ચર્ચા આપણે કરેલ છે. પણ શું આ એક જ હેતુથી ઈશ્વર અવતાર ગ્રહણ કરે છે ? ઈશ્વરના અવતારનાં કારણો અનેક હોય છે. ‘શ્રીરામચરિતમાનસ’માં કહ્યું છે :

હરિ અવતાર હેતુ જેહિ હોઈ ।
ઇદમિત્થં કહિ જાઈ ન સોઈ ।।

(શ્રીરામચરિતમાનસ : ૧/૧૨૯/૨)

‘શ્રીહરિના અવતાર જે કારણથી થાય છે; તે ‘આમ આ જ છે’ એમ કહી શકાતું નથી.’ એક તો કારણ આપણે જોયું કે, દુષ્ટોનો વિનાશ કરવા અને ધર્મની સ્થાપના કરવા માટે પ્રભુ અવતરે છે. એક બીજું કારણ છે – લીલા આસ્વાદન. પ્રભુ લીલા પસંદ કરે છે. ભક્તો મળીને પોકારે છે –

‘પ્રભુ, અમે આપનાં દર્શન કરવા માગીએ છીએ.’ ભગવાન કહે છે, ‘સાધનાની સીડી બનાવેલી જ છે. સાધના કરી ઉપર આવો. તમને મારાં દર્શન થશે.’ ચતુર ભક્તો કહે છે : ‘અમે તો આટલા બધા છીએ. એક એક કરીને સીડી ચડીને ઉપર આવીશું તો તો ઘણો સમય લાગશે. તેના કરતાં એમ કરો. તમે જ નીચે ઊતરી અવો. સીડીથી ચડી શકાય તો નીચે ઊતરી પણ શકાયને ! તમે નીચે આવશો તો અમને બધાને એકી સાથે દર્શન થઈ જશે.’ પ્રભુ ભક્તોની ચતુરાઈથી પ્રસન્ન થઈ તેઓની મનોવાંછા પૂર્ણ કરવા સીડીથી નીચે ઊતરે છે, દેહ ધારણ કરે છે. સંસ્કૃતમાં સીડીને ‘અવતરણિકા’ કહેવાય છે. આમ ઈશ્વર ધરતી પર અવતરે છે. અવતારનો એક અર્થ આ છે.

‘શ્રીરામચરિતમાનસ’માં કથા આવે છે કે, મનુ અને શતરૂપાએ વનમાં કઠોર તપ કર્યું. ભગવાન દર્શન દઈને વર માગવાનું કહે છે. ત્યારે મનુ કહે છે :

દાનિ સિરોમનિ કૃપાનિધિ,
નાથ કહઉં સતિભાઉ ।।

ચાહઉં તુમ્હહિ સમાન સુત,
પ્રભુ સન કવન દુરાઉં ।।

‘હે દાનીઓના શિરોમણિ ! હે કૃપાના ભંડાર ! હે નાથ ! સત્યભાવે હું કહું છું, હું તમારા સમાન પુત્ર ઇચ્છું છું, પ્રભુ પાસે છુપાવવાનું શું હોય ?’ (૭/૧૫૬)
ભગવાન ત્યારે પ્રસન્ન થઈ વર આપે છે –

આપુ સરિસ ખોજાૈ કહ જાઈ,
નૃપ તવ તનય હોય મૈં આઈ ।।

‘એવમસ્તુ’ ભલે એમ થાઓ, હે રાજા ! હું પોતાના સમાન બીજાને ક્યાં જઈ શોધું ? માટે હું જ આવીને તમારો પુત્ર થઈશ.’ (૧/૧૫૬/૨)

‘એવમસ્તુ’ ભલે એમ થાઓ, હે રાજા ! હું પોતાના સમાન બીજાને ક્યાં જઈ શોધું ? માટે હું જ આવીને તમારો પુત્ર થઈશ.’ (૧/૧૫૬/૨)

મનુ અને શતરૂપા જ્યારે દશરથ અને કૌશલ્યારૂપે જન્મ ગ્રહણ કરે છે ત્યારે પ્રભુ પોતાનું વચન પાળે છે અને એમના પુત્રરૂપે અવતરે છે. શ્રીમદ્ ભાગવતમાં આખ્યાન આવે છે કે, પૃથ્વી પર પાપનો ભાર વધી જવાથી તે ગાયનું રૂપ ધારણ કરી બ્રહ્મા પાસે જઈ પોતાનું દુ:ખ પ્રગટ કરે છે. અને પછી બ્રહ્મા અને દેવતાઓની પ્રાર્થના સાંભળી ભગવાન વચન આપે છે કે, તેઓ પૃથ્વી પર અવતાર લઈ કંસ વગેરે દુષ્ટોનો વિનાશ કરી પૃથ્વીનો ભાર હળવો કરશે. શ્રીકૃષ્ણરૂપે ભગવાન અવતાર ગ્રહણ કરે છે. આમ, શ્રીરામ અને શ્રીકૃષ્ણ ભક્તોના પોકાર સાંભળીને અવતરણ કરે છે.

પણ પ્રભુ જ્યારે શ્રીરામકૃષ્ણરૂપે અવતાર ગ્રહણ કરે છે, ત્યારે ભક્તોના આમંત્રણની રાહ નથી જોતા. અહીં તો ઊંધું જ થાય છે. ભક્ત તો કહે છે, ‘પ્રભુ ! હું તમારી સેવા નહિ કરી શકું. તમે અમારા પુત્રરૂપે આવશો મા.’ પણ પ્રભુ છતાંય તેના પુત્રરૂપે અવતરે છે. માટે એવું નથી કે ભક્તો જ ભગવાનને ચાહે છે; અવતાર લીલા પસંદ કરે છે. ભગવાન પણ લીલાનું આસ્વાદન કરવા માગે છે; ભક્તોને ચાહે છે. શ્રીરામકૃષ્ણે એક વાર કહ્યું હતું, ‘મને બે હોંશ હતી. પહેલી એ કે, ભક્તોના રાજા થવું અને બીજી એ કે, સૂકા સાધુ થવું નહિ.’

(ક્રમશ:)

Total Views: 417

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.