મોહમાં નાખનારી, અવિદ્યા માયા
દક્ષિણેશ્વરની એક ઓરડીમાં એક સાધુ થોડા સમય માટે રહેતો હતો. એ કોઈની સાથે વાત કરતો નહીં અને આખો દિવસ પ્રભુના ધ્યાનમાં ગાળતો. એક દિવસે અચાનક આકાશ વાદળથી ઘેરાયું ને થોડી વાર પછી પવનની એક લહેરે વાદળ દૂર થઈ ગયું. એટલે પેલો સાધુ એની ઓરડીમાંથી બહાર આવ્યો અને હસવા તથા નાચવા લાગ્યો. આ જોઈ ઠાકુરે એને પૂછ્યું : ‘તમારી ઓરડીમાં શાંતિથી સમય પસાર કરનાર તમે આજે આનંદમાં નાચો છો અને ખુશખુશાલ છો તેનું શું કારણ ?’ સાધુએ જવાબ આપ્યો : ‘આ જીવનને આવરી લેતી માયા એવી છે ! પહેલાં એનું નામનિશાન ન હતું; પણ, બ્રહ્મના ગંભીર આકાશમાં એ અચાનક ટપકી પડે છે, આખા વિશ્વનું સર્જન કરે છે અને બ્રહ્મની ફૂંકે ઊડી જાય છે.’
રામ, સીતા અને લક્ષ્મણ વનવાસ નિમિત્તે વનમાં જતાં હતાં. રામ આગળ ચાલતા હતા, વચમાં સીતા હતાં અને લક્ષ્મણ એમની પાછળ હતા. રામના પૂર્ણ દર્શન માટે લક્ષ્મણ ખૂબ આતુર હતા. પણ સીતા રામ-લક્ષ્મણની વચ્ચે હોવાથી, લક્ષ્મણ દર્શન કરી શકતા ન હતા. પછી, વચમાંથી ખસી જવાની એમણે સીતાને પ્રાર્થના કરી. અને જેવાં એ ખસી ગયાં કે લક્ષ્મણની ઇચ્છા પરિપૂર્ણ થઈ અને એમને રામનું દર્શન થયું. બ્રહ્મ, માયા અને જીવની રચના બરાબર એવી છે. માયાનો ઓળો દૂર ન થાય ત્યાં સુધી જીવ એના સ્રષ્ટાને, બ્રહ્મને જોઈ શકે નહીં.
ઝુમ્મરના કાચના લટકણિયાના ટુકડાને હાથમાં રાખી જોયા કરતો એક સાધુ હસ્યા કરતો હતો. કારણ કે એ ત્રિપાર્શ્વ કાચમાં લાલ, પીળો, વાદળી વગેરે જુદા જુદા રંગો દેખાતા હતા. એ રંગોને મિથ્યા જાણીને, સંસાર પણ મિથ્યા છે એમ સમજી એ મરકતો હતો.
– શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી પૃ.૧૨
Your Content Goes Here