મનુષ્યને શાંતિનો માર્ગ બતાવવા માટે ભગવાન મનુષ્યોની વચ્ચે મનુષ્ય બનીને શ્રીરામકૃષ્ણનું રૂપ ધારણ કરીને આવ્યા છે- જે આમાં વિશ્વાસ રાખે છે, પછી તેને ભય કેવો? વિશેષરૂપે જેણે શ્રીરામકૃષ્ણની શિષ્ય-પરંપરામાં સંઘમાં પ્રવેશ કર્યો છે (મંત્રદીક્ષિત છે) તેના માટે તો બધી સમસ્યાઓનું સમાધાન થઈ ગયું છે. છતાંય પૂર્વનાં કર્મફળોનો જે થોડો ઘણો અંશ બાકી રહ્યો છે, જેને પ્રારબ્ધ કહેવામાં આવે છે અને જેને આ જ શરીરમાં ભોગવવો પડે છે, માત્ર તેટલો જ કર્મભોગ બધાએ કરવો પડશે- જગતના કર્મસિદ્ધાંતની નિયમ-શૃંખલા પાળવા માટે.

ભગવાને લીલા કરવાના હેતુથી પોતાના જ એક અંશથી ‘જીવ’નું નિર્માણ કર્યું છે. જીવ જો જાણી જાય કે હું ઈશ્વરનો અંશ છું, તો પછી તેના દ્વારા ખેલ બરાબર જામશે નહીં! એટલા માટે ઈશ્વર જીવને આ વાત જાણવા દેતા નથી.

આપણે પૂર્ણપણે ભૂલી ગયા છીએ કે આપણે તેમના જ અંશ છીએ. આપણો પોતાનો સાચો પરિચય ભૂલી ગયા છીએ અને દેહને જ ‘હું’ સમજીને દેહના રક્ષણ માટે જન્મજન્માતરથી કેટલો ઉદ્યમ કરતા જઈ રહ્યા છીએ. સ્વયંને અન્ત વગરના ઉદ્યમમાં જોતરીને પણ ‘ક્યાંક દેહ નાશ ન પામે’- એ ભયથી બળી રહ્યા છીએ. જગત ‘ભયનો એક ખેલ’ છે. ઇન્દ્ર, ચન્દ્ર, દેવી, દેવતા- આ બધાંય ભયના ખેલમાં ઉન્મત્ત છે. એટલા માટે ઉપનિષદ કહે છે –

भयाद् अस्य अग्निः तपति भयात् तपति सूर्यः।
भयाद् इन्द्रश्च वायुश्च मृत्युर्धावति पंचमः।।

આપણી ચારેય બાજુ માત્ર મૃત્યુનો જ ખેલ ચાલી રહ્યો છે. ક્ષુદ્રતમ જીવાણુ, કીટ-પતંગ, પશુ-પક્ષી દિવસ-રાત ભૂખથી દુ :ખી બનીને, જેને જે હાથમાં આવે છે, તેની હત્યા કરીને પોતાના દેહનું પોષણ કરે છે. મનુષ્ય જાતજાતની કૂટનીતિ અને કૌશલ્ય વાપરીને બીજાનું અન્ન છીનવીને ખાય છે. જે લોકો પરમ ધાર્મિક છે, તેઓ પણ વનસ્પતિવંશનો ધ્વંશ કરીને પોતાની દેહ-રક્ષા કરે છે.

હત્યા, હત્યા, હત્યા! જુઓ, જીભ લપલપાવતી વિશ્વ-પ્રકૃતિ બીજાંનું રુધિર પીવા માટે સદા-તૃષ્ણાતુર, હાથમાં તલવાર ધારણ કરીને, ગળામાં મુંડમાળા પહેરીને ઘૂમી રહી છે.

તેમનું ‘વર’ અને ‘અભય’ દાયક રૂપ સદાય મૃત્યુ-ભયથી ડરતા લોકોની દૃષ્ટિમાં ક્યાં આવે છે? દરરોજ પ્રભાતકાળે સૂર્યોદય થાય છે, નિત્ય અસ્તાચલ ગમન! જળપ્રવાહની જેમ આપણું આયુષ્ય પ્રતિક્ષણ મૃત્યુના મુખમાં સરકતું જાય છે. હાથના કાંડે બાંધેલી પેલી નાનકડી ઘડિયાળ રાત-દિવસ શું -‘મૃત્યુ, મૃત્યુ, મૃત્યુ’- એમ નથી કહી રહી ?

શાસ્ત્ર કહે છે કે મનુષ્ય કોઈ વિશેષ સાધનાનું આલંબન કરીને અમર થઈ જાય છે. પરંતુ આખીય પૃથ્વીમાં શોધવા છતાં પણ આવી કોઈ વ્યક્તિ મળતી નથી! યોગીઓ અને ઋષિઓની કેટલી બધી કથાઓ સાંભળવામાં આવે છે, પરંતુ બધાય મરણને અધીન થઈ ચૂક્યા છે!

તોપણ બરાબર છે. મનુષ્ય એટલું બધું જાણતો નથી, મનુષ્ય ભવિષ્યને જોઈ શકતો નથી, મનુષ્ય પાસે વિચાર કરવાનીય નવરાશ નથી. કામ અને ભૂખના ધક્કાથી, મનુષ્ય પોતાના જીવન અને યૌવનને પાછળ મૂકીને, માત્ર આત્મરક્ષાની હાસ્યાસ્પદ ભ્રામક આશા પાછળ દોડવા માટે બદ્ધ થઈ ગયો છે. જીવન શું છે- આ વિષય અંગે વિચારવાની તેને ફુરસદ નથી અને એટલા માટે મનુષ્ય બચી ગયો છે. આ કેવી ભયંકર વાત છે!

જે લોકો હાનિ અને હારની બાબતમાં સદાય સવાધાન છે, તે લોકો સારું રમે છે. જ્યારે બે પક્ષ વચ્ચે રમત રમાય છે, ત્યારે જે ખેલાડી પોતાનો પરિચય યાદ રાખે છે, યાદ રાખે છે કે હું અમુકનો પુત્ર છું, વગેરે વગેરે, તે પોતાનું સોળે સોળ આના મન રમતમાં લગાવી નથી શકતો.

જે પોતાના ‘સ્વરૂપ’ને સંપૂર્ણપણે ભૂલીને માત્ર એટલું જ યાદ રાખે છે કે ‘હું’ A ટીમ કે B ટીમનો ખેલાડી છું, તે પોતાના પક્ષ માટે પ્રાણપૂર્વક રમી શકે છે. જે પોતાના પક્ષની ‘હાર’ સહન નથી કરી શકતો, તે ખેલાડી જ નથી. એટલા માટે અત્યંત ઉત્સાહી ખેલાડી હારના ભયથી બીજા પક્ષના લોકો સાથે કેવું અન્યાયપૂર્ણ આચરણ કરે છે, જાણે કે પક્ષની હાર થવાથી તેનું જીવન જ વ્યર્થ થઈ જશે! અથવા તો કોઈ કોઈ જીતવા માટે પોતાના પ્રાણ સુધ્ધાં ન્યોચ્છાવર કરી દે છે!

૫રંતુ એવા લોકો પણ છે, જે પાકા ખેલાડી પણ છે અને પોતાના સ્વરૂપ બાબતે સચેતન પણ રહે છે. તે સારી રીતે જાણે છે કે રમતમાં પોતાનો કેટલો સ્વાર્થ છે અને તેઓ હાર તથા જય- બંને વચ્ચે પોતાના લાભ તરફ જ દૃષ્ટિ મંડાયેલી રાખી શકે છે. રમતને ચગાવવા માટે પક્ષનો નેતા તેને જેટલો ફોસલાવશે, પોતાના સ્વાર્થ અંગે તે તેટલો જ વિશેષ સાવચેત થશે.

આ સૃષ્ટિની પરિકલ્પનાના મૂળમાં આ જ બે ભાવો વચ્ચે દ્વન્દ્વ છે. પોતાનો સ્વાર્થ ભૂલીને પક્ષના સ્વાર્થ માટે આત્મવિસર્જન કરવું અને પોતાના સ્વાર્થને ધ્યાનમાં રાખીને પક્ષના કાર્યમાં પ્રાણપૂર્વક લાગી જવું. જે સ્વાર્થને ભૂલીને સારું રમે છે, તેને ખૂબ ‘વાહ-વાહ’ મળે છે, પરંતુ તેના દેહ-મનને કેટલો ભય, કેટલો આતંક, કેટલી વેદના, કેટલી ઉત્તેજના તથા દુ :ખ વેઠવાં પડે છે! અને જે વ્યક્તિ પોતાના શરીરના પોષણ, મનના આનંદ, બુદ્ધિના વિકાસને ધ્યાનમાં રાખીને રમે છે, તે જીત થાય ત્યારે ‘હો-હો’ કરીને હસે છે અને હારે ત્યારે ‘હી-હી’ કરીને હસે છે.

‘જનક રાજા મહાન તેજસ્વી હતા, તેમનમાં વળી ક્યાં દોષ હતો! તેઓએ બંને બાજુ સમતુલા જાળવી રાખીને દૂધનો કટોરો પીધો હતો.’

રમવા આવ્યા છો- જીતશો કે હારશો? હું રમવા આવ્યો છું. એમાં જીત પણ છે અને હાર પણ છે. હું રમીશ પરંતુ હું એટલો મૂર્ખ નથી કે માત્ર જીત કે હાર જ લઈશ. હું કાયમ યાદ રાખીશ, ‘હું રમી રહ્યો છું.’ હું પ્રાણપણે જીતવાની ચેષ્ટા કરીશ પરંતુ હારીશ ત્યારે શોક નહીં કરું. હું હારના ભયથી ભયભીત નથી અને જીતની લાલસાથી મુગ્ધ નથી. હું રમતમાં આનંદ ઇચ્છું છું. હાર-જીત અંગે ચિંતા કરતો નથી. જે માત્ર જીત જ ઇચ્છે છે, તે પોતાનું મનુષ્યત્વ ખોઈ બેસે છે, સત્યપથ પર દીર્ઘકાળ ટકી શકતો નથી અને પોતાની શાંતિનો પથ અવરોધી મૂકે છે. તે આનંદહીન ચિંતામગ્ન જીવન વિતાવે છે. જે માત્ર રમતનો આનંદ લેવા માગે છે, તેને હારમાં પણ પોતાની શક્તિનો પરિચય મળે છે, તે તેના મન-મસ્તિક પરાજયની બધી જ ગ્લાનિને દૂર કરીને તેને ચરમ આનંદના પથ પર લઈ જાય છે.

જેઓ સફેદવાળવાળા, મોંમાં દાંત વિનાના વૃદ્ધ છે, તેઓ બે દિવસ પછી માતાની ગોદમાં બેસીને સ્તનપાન કરશે. મનુષ્ય માર્ગમાં આવતી ઘટનાઓને જોઈ શકતો નથી એટલા માટે શિશુને શિશુ જ સમજે છે, વૃદ્ધની બાળલીલા ભૂલી જાય છે. આપણામાંનો પ્રત્યેક કેટલો પ્રાચીન છે, કેટલો અનુભવી છે, જો આપણે એ જાણતા હોત તો પછી આ જગતની રમત કેમ કરીને ચાલત! આપણે જાણીએ છીએ કે રવીન્દ્રનાથ શિશુ હતા, વિશ્વવિખ્યાત કવિ બન્યા. પરંતુ એ વિચારી જોતા નથી કે વ્યક્તિ જે નથી, તે શું બની શકે છે! આપણે વેશભૂષાની તૈયારી જ્યાં કરાય છે તે સ્થાનની જાણકારી રાખતા નથી. માત્ર રંગમંચ પર થઈ રહેલા નૃત્યને ધ્યાનમાં રાખીને જ ઉન્મત્ત છીએ. જુદા જુદા લોકો જુદી જુદી રીતે એક નાટકનો પણ અભિનય કરી રહ્યા છે, આ સાધારણ જણાતી વાતને પણ આપણા સમજવા માગતા નથી. કેમ એવું કરવા માગતા નથી? કેમ કે આપણે બધુંય ભૂલીને રમતમાં ઉન્મત્ત રહેવા માગીએ છીએ. માત્ર દુશ્ચિંતા, કેવળ ભય. ‘મજા’ ક્યાંથી મળે, એની જાણકારી મેળવવા જેટલી પણ આપણને ફુરસદ નથી. એના કારણે જીવનના કેટલા આનંદથી આપણે વંચિત છીએ, એ વિચારવા માત્રથી દુ :ખ જ થાય છે.

એટલા માટે હું છાતી ઠોકીને રમતના મેદાનમાં ઊભો છું. હું ચિંતા અને ભયની પરવા કરતો નથી. મેં જાણી લીધું છે કે વીરનું મૃત્યુ એક વાર થાય છે અને નિર્બળ બળી બળીને પ્રતિક્ષણ મરી રહ્યો છે.

હું ઓછામાં ઓછું ચોરાસી લાખ વખત જન્મ્યો અને મૃત્યુ પામ્યો છું અને જન્મ-મૃત્યુના માર્ગમાં સુખ-દુ :ખ, સારા-ખોટાની દ્વન્દ્વ-રમતમાં કેટલાય કરોડો વખત હસ્યો છું, કેટલાય કરોડો વખત રડ્યો છું. દુનિયાનું કોઈ પણ સુખ કે દુ :ખ મારી અજાણમાં નથી. આવડું તો જગત છે- પાંચ જાતનાં શાકભાજી સાથેનાં ભોજન મેં કરોડો વખત ખાધાં છે!

આ જે રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ- એના સિવાય બીજું છે શું, બોલો? આ જ તો પાંચ વાનગી છે- ક્યારેક મીઠા-મરચામાં રાંધેલું, તો ક્યારેક મિષ્ટ-મધુર સુસ્વાદિષ્ટ! આના સિવાય જગતમાં છઠ્ઠું બીજું કંઈ જ નથી! આમાં હવે જોવાનું અને સાંભળવાનું શું બાકી છે, બોલો? આંખો બંધ કરીને ગાતા જજો- ‘જે દિવસે વિધિનો જેવો લેખ, તે દિવસે તેવું જોતો જા!’

દેહનું સુખ-દુ :ખ, મનનું સુખ-દુ :ખ એ જ તો કેટલીક ઘટનાઓ છે. આમાંની એકેય મારાથી અપરિચિત નથી. મનની આગમાં હું કેટલીય વાર બળ્યો છું, લાકડાની આગમાં બળીને મારું શરીર કેટલીય હજારો વખત ભસ્મ થયું છે. મારાં હાડકાં-માંસને કેટલીય વાર જાનવરોએ ચાવીને ખાધાં છે. પરંતુ મને રજમાત્ર પણ હાનિ થઈ હોય, એવું તો લાગતું નથી.

ભેગું કરેલું કેટલું ધન હાથમાંથી સરી ગયું, કેટલી પ્રિય વસ્તુઓનો નાશ થયો, કેટલાં અપમાન ગળ્યાં, પરંતુ મનમાં જરાકેય ભય-ત્રાસનો સંચાર થયો નહીં. દરેક જન્મમાં મારા કેટલા પ્રિયજન હતા, જેમને આંખોથી દૂર રાખવાનું સુધ્ધાં કઠિન હતું. એમની સ્મૃતિઓ પણ હવે ક્યાં રહી? સુખ-દુ :ખ આપતાં આપતાં બધી વસ્તુઓ આંખો સામેથી દૂર થઈ જાય છે. હું-એ જ ચિરકાળનો હું-અક્ષય, અખંડ, નિર્ભય-ધરતી પર હરી-ફરી રહ્યો છું. હું ભ્રમવશાત્ ક્યારેક ક્યારેક ભયભીત બની જાઉં છું- પરંતુ ભયનું કોઈ કારણ હોય તો શોધવા છતાંય મળતું તો નથી!

કવિ કહે છે-

‘જગપ્રવાહમાં વહ્યા કરો, તમે જ્યાં પણ હો, બંધુ.

સૂર્ય-ચંદ્ર જઈ રહ્યા જ્યાં, ચાલો ત્યાં જ છે સિંધુ.’

મારા પગ નીચે ધરતી ભમરડાની જેમ જોરથી નાચી રહી છે, ભૂરા આકાશમાં ગ્રહ-નક્ષત્ર નાનાં બાળકોની જેમ નાચતાં-નાચતાં ચાલી જઈ રહ્યાં છે, આ સંસારના માર્ગે થઈને ક્યા રૂપના બજારમાં ચાલી જઈ રહ્યાં છે! શું તમે જાણો છો કે આ રમત-દોડનો અંત ક્યાં થશે? કોઈ જાણતું નથી કે તે ક્યાં જશે, શા માટે જશે, છતાંય આટલી દોડ-ધમાલ. કોણ, ક્યાં, શું છોડીને જઈ રહ્યો છે એનો હિસાબ કરીને કોઈ જોતું નથી, તોપણ હું- માત્ર હું જ હિસાબ કરીને શા માટે મરું છું? જેને છૂટવું હોય તે છૂટે. હું દોડી રહ્યો છું અને એથીય વધુ વેગથી દોડીશ. ભાગ્યા-તૂટ્યાનો ભય રાખીશ નહીં. કંઈક ને કંઈક તો પાછળ મૂકીને જવું જ પડશે. પરંતુ હવે મોહ રાખીશ નહીં. જેનાથી બને તે મારી સાથે આવે, જેનાથી ન બને તે પોતાના રસ્તે સિધાવે; ક્ષય, ક્ષતિ, હાનિ, હારનો ભય હું ત્યાગી રહ્યો છું.

આ જીવનમાં બનેલી કેટલી ઘટનાઓ તમને યાદ છે? બાળપણના મિત્રો તરુણાવસ્થામાં, તરુણાવસ્થાના સખા યૌવનમાં, યૌવનના સાથી વૃદ્ધાવસ્થામાં વિસ્મૃતિની ખાઈના અતલ જળમાં ડૂબી ગયા છે. પૂર્વે થઈ ગયેલા જન્મના કોણે ક્યાં જન્મ લીધો છે, એ તો કોઈ જાણતું નથી. પુત્રના શોકથી વિહ્વળ માતા પોતાના કરુણ આક્રંદથી પથ્થર સુધ્ધાંને પિગળાવી મૂકે છે, એક વખત પણ પુત્રનું મુખ નિહાળવાની દુરાશામાં બળી-ઝળી રહી છે, પરંતુ તે જ પુત્ર જો નવા જન્મમાં નવા વેશમાં આવીને સન્મુખ ઊભો રહે, તો શું માતા તેનો પુત્રરૂપે સ્વીકાર કરશે?

આપણે માત્ર બાહ્ય આવરણના સેવક છીએ! આપણી દૃષ્ટિ ચરમનું ભેદન નથી કરી શકતી! આપણે સંસાર-નદીમાં જળના ઉપર ઉપરથી તણાતા જઈએ છીએ, નદીના જળમાં મગર, માછલી ઇત્યાદિ છે.

રત્ન-માણેક પણ છે, પરંતુ આપણે તેની જાણકારી રાખતા નથી. આપણે માત્ર જળની સપાટી પરથી વહી રહ્યા છીએ -બધું મૂકીને ચાલી જઈ રહ્યા છીએ- શું રહી જાય છે અને શું છૂટી જાય છે, એનો હિસાબ-કિતાબ રાખવાનો આપણી પાસે સમય નથી. છોડી દેવું એ જ જાણે આપણું કામ છે, રાખવાની વાત તો આપણે ભલા ક્યાં વિચારીએ છીએ?

જેનો ત્યાગ કરવાનો છે, એ જ પકડી રાખવું એ જ જાણે કે આપણું જીવન છે. જે છૂટી જવાનું છે તે છૂટી જઈ રહ્યું છે; જે રહેવાવાળું છે તે હજારો ધિક્કાર છતાંય કોઈ પણ રીતે જતું નથી!

આપણે- કીટ પતંગ, જીવજંતુ, મનુષ્ય-દેવતા- ભલે ગમે તે બનીએ, ભલેને ગમે તેવા શણગાર સજીએ, પરંતુ પ્રેમનો નશો જતો નથી. કેટલાં મૃત્યુનો આપણે સ્વીકાર કર્યો છે, કેટલી બળતરાઓનો સ્વીકાર કર્યો છે, પરંતુ ‘રહેવાનો’ નશો ગયો નથી. ઘર બળી જવા છતાં કોણ ફરીથી ઘર નથી બનાવતું? શોકાતુર માતા શું ગર્ભધારણ કરવામાં ક્યારેય ડરે છે? જોઈએ, જોઈએ, જોઈએ- આ એક જ ધ્વનિ જગતમાં સંભળાય છે. કોણ ગયું, કોણ આવ્યું- એની જાણકારી લેવાની ધીરજ નથી.માત્ર ‘જે મળે છે, તેને ઘેર લઈ જાઉં છું,

મારું મન બહેકાવવા માટે.

અંતે જોઉં છું કે હાય, બધું છૂટી જાય છે.

અને માટી માટીમાં જ મળી જાય છે.

આપણે ભવિષ્ય જાણતા નથી, ભૂતકાળ ભૂલી ગયા છીએ, માત્ર વર્તમાનને લઈને જ ઉન્મત્ત છીએ. આપણને ટુકડો જોઈએ છીએ, આખેઆખું નહીં : આપણે નથી ડાબી બાજુ જોતા કે નથી જમણી બાજુ; આંખે ડાબલા બાંધેલા ઘોડાની જેમ દોડતા રહીએ છીએ. કાયમ માટે ગુમાવતા રહીએ છીએ, એટલા માટે નિરંતર પ્રાપ્ત કરવાની ચિંતા કરતા રહીએ છીએ. ક્યાં રાખીશું એનો વિચાર કર્યા વિના જે કંઈ પણ મળે છે, તે લઈ આવીએ છીએ- એટલે નકામી વસ્તુ શિંકામાં રહે છે અને મૂલ્યવાન ચીજ ધૂળમાં રગદોળાય છે. ઇચ્છા રાખવાના નશાના બહાને બધાનો નાશ થાય છે. તેની સાથે સાથે ચાલતો રહે છે તેને ગુમાવવાનો ભય. એટલા માટે આપણે મિથ્યા ભયથી મરીએ છીએ.

તેથી જેને જે પણ લેવું છે, તે પારખી પારખીને લે. જરૂરી-બિનજરૂરીને પસંદગીપૂર્વક લો, શું-ક્યાં રાખશો એ વિચારો; કેટલા દિવસ શાની જરૂર પડશે, એ જાણી લો. ત્યાર બાદ નિશ્ચિંત બનીને ચિંતામુક્તપણે નિર્ભયતાથી દોડ્યા કરો.

Total Views: 410

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.