આપણા જીવનમાં રહેલાં રાગ-દ્વેષ, આવેગ-આવેશ, અહંતા-મમતા તથા આધિ, વ્યાધિ, ઉપાધિથી મુક્ત થઈ પ્રસન્નતાપૂર્ણ અને મંગલકારી, સફળ અને સાર્થક જીવન જીવવાનું માર્ગદર્શન યોગશાસ્ત્રોમાં આપેલું છે. યોગતંત્ર શાસ્ત્રોએ સિદ્ધાંતોમાં જે વાત કહી છે તેનો વિનિયોગ જીવનમાં કેવી રીતે કરવો એ દર્શાવતું પ્રયોજ્ય વિજ્ઞાન છે અને આગળ વધીને પરમતત્ત્વ સાથેનું સાયુજ્ય સાધવા માટેનો માર્ગ છે.

યોગ એટલે પરમજ્ઞાન માટે, ભક્તિ માટે પ્રભુ સાથેનું જોડાણ. મનુષ્યની અંદર જે સર્વજ્ઞ અને સર્વશક્તિમાન તત્ત્વ છે, તેની સાથે યોગી જોડાણ કરે છે, સાયુજ્ય સાધે છે. ‘હું દેહ છું, અંત :કરણ છું, મન છું’ એ વિચારોથી પર થાય છે અને પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે છે. નિરાકાર, નિરંજન, નિર્વિકાર, નિર્વિકલ્પ, સત્-ચિત્-આનંદ સ્વરૂપ અજ-અમર-સત્ એ જ હું. હું દેહ નથી, મન નથી, બુદ્ધિ નથી, અહંકાર નથી પણ અખંડ પૂર્ણ બ્રહ્મ, શુદ્ધ નિત્ય મુક્ત આત્મા છું. એવો નિશ્ચય થાય એ જ પરમ સિદ્ધિ છે.

ધર્મતત્ત્વમાં અવગાહન, સંતોનો સત્સંગ-મેળાપ, આધ્યાત્મિક રસિકોનો સંગ અને ભીતરમાં સદૈવ વહેતી અધ્યાત્મ-પિપાસમાંથી સર્જાય છે આધ્યાત્મિક અનુભૂતિ માટેની અભીપ્સા અને ઉપાસના.

પ્રાપ્તિ માટેનો પ્રયત્ન એ માનવીય પુરુષાર્થ છે, પરંતુ એનું પરિણામ એ ઈશ્વરનો સંકેત છે. આપણી આસપાસની બાહ્ય બાબતો પાછળ આપણે ઘણી શક્તિ અને સમય ખર્ચીએ છીએ, પરંતુ એટલી શક્તિ આપણે સાર્થક અને હેતુપૂર્ણ આંતરિક અને સાત્ત્વિક બાબતો માટે ખર્ચીએ તો?

પરમનો સ્પર્શ પામવાના વિવિધ માર્ગાે છે અને સૌથી ઉત્તમ માર્ગ છે જ્ઞાનનું માધ્યમ એટલે કે ગ્રંથાભ્યાસ. સારાં પુસ્તકો વાંચવાના ઘણા ફાયદા છે. તેમાંના કેટલાક આ મુજબ છે –

૧. પુસ્તક એ ખિસ્સામાં સમાય તેવો બગીચો છે.

૨. વાચનથી આપણા મગજને કસરત થાય છે.

૩. વાચનથી માહિતી અને જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે.

૪. વાચન તણાવ દૂર કરી માનસિક પરિસ્થિતિને સુધારે છે.

૫. વાચનથી એકાગ્રતા કેળવાય છે અને તે ધ્યાન કરવામાં મદદરૂપ બને છે.

૬. વાચનથી ભાષાના જ્ઞાન અને શબ્દભંડોળમાં વૃદ્ધિ થાય છે.

આ સિવાય પણ કેટલાય ફાયદા છે. મનગમતું પુસ્તક એટલે મનની ચેતના.

અત્યારે ગુગલ પર તમામ પ્રકારની જાણકારી મળી રહે છે પણ આજથી હજારો વર્ષ પહેલાં લખાયેલી-કહેવાયેલી ગીતાનું મહત્ત્વ ક્યાં ઓછું થયું છે? આજે વર્તમાન સમયમાં પણ તે એક વડીલની જેમ જ આપણા વિચારો, વર્તન, સંસ્કારોનું ઘડતર કરે છે. ગીતા જ નહીં, કોઈ પણ ધર્મનું પુસ્તક જે તે વ્યક્તિના તમસાવરણ પર ઉજાસ પાથરે છે.

વાત અત્યંત શ્રદ્ધાની છે, અંધશ્રદ્ધાની નહીં, કે ક્યારેક મન મૂંઝવણમાં હોય, હૃદય ડામાડોળ હોય, ચિત્ત ચકડોળે ચડ્યું હોય અને આવું જ કોઈ પથદર્શક પુસ્તક પાસે હોય, એમાંની વાતો એક ચોક્કસ દિશા દર્શાવે, આત્માને ચેતનવંતો બનાવે અને એટલે જ એવાં પુસ્તકોને જીવનની દીવાદાંડી કહે છે.

રવીન્દ્રનાથ ટાગોરના શબ્દોમાં કહીએ તો ધનબળ, શક્તિબળ, આયુષબળ કરતાં પણ ચડિયાતું બળ પુસ્તકબળ છે. સ્વામી રામતીર્થે કહ્યું છે, ‘સારાં પુસ્તક જેવો કોઈ કાયમી મિત્ર નથી કારણ કે કદીયે નિષ્ફળ ન જનારા મિત્રોમાં પુસ્તક સૌથી મોખરે છે.’ વળી સ્વામી વિવેકાનંદે પણ કહ્યું કે સારાં પુસ્તકો વિનાનું ઘર સ્મશાન જેવું છેે. અને આમ કેટલાય લબ્ધપ્રતિષ્ઠિત મહાનુભાવોએ પુસ્તક વાચનનાં ગુણગાન ગાયાં છે.

વધુને વધુ લોકો પુસ્તકો વાંચતા થાય એવા શુભ આશયથી યુનેસ્કોએ ૨૩મી એપ્રિલને ‘વિશ્વ પુસ્તક દિન’ તરીકે ઊજવવાનું નક્કી કર્યું છે.

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ દ્વારા રચિત ‘પુસ્તક છે મિત્ર’ કાવ્યમાં પુસ્તક-વાચનનો મહિમા ભરપૂર છે.

પુસ્તક મિત્ર છે આપણા એકાંતનું,
તે વડીલ છે સંસ્કારનું.

તે ભવિષ્ય છે આપણાં બાળકનું.
પુસ્તકને ખોલો છો તેની સાથે જ
ખૂલવા લાગે છે તમારું હૃદય.

બે શબ્દો વચ્ચેની ખાલી જગ્યામાં
તમે તેમને અરીસાની જેમ જોઈ શકો છો.

પુસ્તક અંધકારમાં દીવો લઈને
ઊભું હોય છે અજવાળું પાથરવા.

અને જીવનમાં જ્યારે ભૂલા પડો છો
ત્યારે તેનાં વાક્યો અને પંક્તિઓ
તમને રસ્તો બતાવે છે.

જ્યારે શ્રદ્ધા ડગી જાય, મન થાકી જાય,
હૈયંુ હારી જાય ત્યારે
નિર્જીવ લાગતાં પુસ્તકનાં પાનાં
તમારામાં પ્રાણ પૂરે છે.

પુસ્તક દીવાદાંડી છે
પુસ્તક બહાર અને ભીતરને જોડતો સેતુ છે.

પુસ્તક વિનાનો માણસ
ફરી પાછો કોઈ આરંભકાળનો
આદિવાસી બની જાય

તે પહેલાં ચાલો,
પુસ્તકના જગતમાં પ્રવેશ કરીએ.

પુસ્તક-વાચનનું મહત્ત્વ જાણીને કેટલીક સંસ્થાઓએ લોકજાગૃતિ માટે કમર કસી છે અને પોતાનાથી શક્ય તેટલી કોશિશ કરી છે. છેવટે કંઈ નહીં તો અુમક દિવસે ‘પુસ્તક પરબ’ શરૂ કરી છે. એમાં કદાચ પસંદગીનાં વાંચવા લાયક સારાં પુસ્તકો મળી પણ શકે!

આપણે વિદ્યાર્થીકાળમાં જેમ સારી રીતે અભ્યાસ કરી પરીક્ષા આપી ઉત્તિર્ણ થઈએ તેમ વિદ્યાર્થીકાળ પછી પણ જીવનની પરીક્ષામાં ઉત્તિર્ણ થવા સારાં, જ્ઞાનવર્ધક, આધ્યાત્મિક પુસ્તકોનું વાચન કરવું જ જોઈએ.

આપણી આધ્યાત્મિક ઉન્નતિ થાય એ માટે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રીરામકૃષ્ણ આશ્રમના વિશાળ પુસ્તકાલયમાં આવાં જ પુસ્તકો વિપુલ સંખ્યામાં ઉપલબ્ધ છે. પુસ્તકાલયના સભ્ય બની તેનો લાભ લઈ શકાય છે. આ ઉપરાંત પુસ્તક-વેચાણ વિભાગમાં પણ અનેક પુસ્તક પ્રાપ્ય છે. તેમાં કેટલાય મહાનુભાવોનાં જીવનચરિત્ર, ઉપદેશાત્મક વાતો, હિન્દુ શાસ્ત્રો આધારિત પુસ્તકો અને માનવજીવનનો ઉદ્દેશ તેમજ માનવની આધ્યાત્મિક ઉન્નતિ માટેનાં પુસ્તકોનો સમાવેશ થાય છે. ખાસ કરીને શ્રીરામકૃષ્ણદેવની વાણી અને ઉપદેશોને શબ્દ સ્વરૂપે સરળ ભાષામાં આલેખનાર માસ્ટર મહાશયનું પુસ્તક ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ દરેક વ્યક્તિએ ઘરમાં વસાવવા જેવું છે. જેમ દરેક ઘરમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા હોવી જોઈએ તેમ દરેક ઘરમાં શ્રીરામકૃષ્ણ કથામૃત તેમજ શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદનાં જીવનચરિત્ર હોવાં જ જોઈએ.

સુભાષચંદ્ર બોઝ કહે છે, ‘ચારિત્ર-ઘડતર માટે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્ય કરતાં ઉત્કૃષ્ટ સાહિત્યની હું કલ્પના કરી શકતો નથી.’ વર્તમાન સ્પર્ધાત્મક અને માનસિક તણાવપૂર્ણ યુગમાં આત્મશ્રદ્ધા તેમજ વિચારશક્તિ કેળવવા માટે સત્સાહિત્યનું વાચન અનિવાર્યપણે આવશ્યક છે. માનવજાતના કલ્યાણની ભાવનાથી તરબતર સત્સાહિત્ય આપણા જીવનને વધુ પવિત્ર, ઉચ્ચતર, સુખી અને સમૃદ્ધ બનવામાં સહાયભૂત થાય છે.

ગુજરાતી ભાષામાં ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’ કુલ ૯-ભાગમાં ઉપલબ્ધ છે તેમાં સ્વામી વિવેકાનંદે આપેલ આશરે ૧૮૨ પ્રવચનો, લખેલ ૭૬૮ પત્રો, લેખો, કાવ્યો, નોંધો, પ્રશ્નોત્તરી તેમજ વાર્તાલાપ-સંવાદોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાહિત્યમાં ભારતના પુનરુત્થાન માટેની તેમની યોજનાઓ તથા તેમના આગમન-અવતરણના હેતુને ચરિતાર્થ કરવા માટે તેઓ જે ઉપકરણોનો ઉપયોગ કરવા માગતા હતા, તેની એંધાણી છે.

આ ઉપરાંત સ્વામી વિવેકાનંદના પત્રો, ભારતમાં આપેલાં ભાષણો, વિવેકાનંદના સાન્નિધ્યમાં વગેરે પુસ્તકો પણ વસાવવા યોગ્ય છે.

પુખ્ત વયની વ્યક્તિઓ માટેનાં પુસ્તકો સુધી જ સીમિત ન રહેતાં, નાનાં બાળકો તેમજ વિદ્યાર્થીઓ માટે પણ અનેક ચિત્રવાર્તા અને બાળકો સહેલાઈથી સમજી, વાંચી શકે એવાં પુસ્તકો પણ વેચાણ વિભાગમાં ઉપલબ્ધ છે. બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ માટે નાની ઉંમરથી જ આવાં પુસ્તકોનો તેમને અભ્યાસ કરાવવો જોઈએ. આ વાચનસામગ્રી બાળકોમાં નાની ઉંમરમાં જ સારા મનુષ્ય બનવા માટેનાં બીજ રોપે છે.

મહાન વ્યક્તિઓનાં જીવનચરિત્ર તેમજ અન્ય ધાર્મિક પુસ્તકો વાંચો અને બીજાઓને વાચન માટે પ્રેરિત કરો કારણ કે પુસ્તક-વાચન જીવન જીવવાની જડ્ડીબુટ્ટી સમાન છે. એક સારું પુસ્તક વ્યક્તિના સાચા મિત્ર જેવું હોય છે એટલે જ સારા પુસ્તક જેવી ઉત્તમ બીજી કોઈ ભેટ નથી. પુસ્તકની ભેટ એટલે જ્ઞાનની ભેટ અને જ્ઞાનની ભેટ તો સર્વ શ્રેષ્ઠ કહેવાયને! બસ, તો પછી આજે જ નવું પુસ્તક વસાવો અને વાચનની શુભ શરૂઆત કરો. વાંચો અને અન્યને વાંચવા પ્રેરિત કરો.

‘ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે?’

તો ચાલો, આ વાચનમાં રહેલી એ અદ્‌ભુત, અનોખી અને દિવ્યશક્તિ થકી સમય વીતી જાય તે પહેલાં આપણે આ દુનિયાદારીની ભીડમાં અલગ તરી આવીએ અને વાચનનું મહત્ત્વ સમજાવી સમાજમાં પણ જાગૃતિ લાવીએ, વાચન-મહિમાનો પ્રચાર-પ્રસાર કરીએ, આપણી અને સૌની પ્રગતિને વેગવંતી કરીએ.

‘આજથી વહેલી કોઈ શરૂઆત નહીં,
અને કાલથી મોડી કોઈ વાત નહીં.’

Total Views: 588

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.