૧૯૧૬માં મેટ્રિક પાસ કર્યા પછી મારું કાૅલેજનું શિક્ષણ શરૂ થયું. ૧૯૧૫માં સ્વામી પ્રેમાનંદજીએ મને કાૅલેજનું ભણતર પૂરું કરવાનું કહ્યું હતું. હું ઢાકા જઈને ત્યાંની જગન્નાથ કાૅલેજમાં દાખલ થયો. જે મકાનમાં સ્વામી બ્રહ્માનંદ, સ્વામી પ્રેમાનંદ અને તેમનો સમુદાય ઊતર્યો હતો, તે અગ્રેસ વિલામાં તે વખતે મારા ઘણા મિત્રો રહેતા હતા. તેમની વિનંતીથી હું પણ તેઓની સાથે જઈને રહ્યો. અમારા સમૂહના જે અગ્રણી હતા, તે જ પરવર્તીકાળમાં શિકાગોની વિવેકાનંદ સોસાયટીના સંસ્થાપક સ્વામી જ્ઞાનાનંદ થયા.

તે દિવસોમાં રામકૃષ્ણ મઠ, ઢાકાના અધ્યક્ષ સ્વામી મહાદેવાનંદ હતા. તેઓ માતાજીના શિષ્ય હતા. તેમનું જન્મસ્થાન જયરામવાટીથી અત્યંત નજીકનું કોઆલપાડા ગામ હતું. કોઆલપાડામાં એક આશ્રમ છે કે જ્યાં શ્રીશ્રીમા જયરામવાટીથી કલકત્તા જતાં-આવતાં રોકાતાં હતાં. આ આશ્રમમાં શ્રીશ્રીમાએ પોતાના હસ્તે શ્રીરામકૃષ્ણદેવ તથા પોતાના પણ એક ફોટાની સ્થાપના કરી હતી. સ્વામી મહાદેવાનંદ બાળપણથી જ શ્રીશ્રીમાના અત્યંત ઘનિષ્ઠ સાન્નિધ્યમાં રહ્યા હતા અને તેઓએ પરમ ભક્તિપૂર્વક મન-પ્રાણથી શ્રીશ્રીમાની સેવા કરી હતી.

એક દિવસ સ્વામી મહાદેવાનંદે મને કહ્યું કે શ્રીશ્રીમા કલકત્તા આવ્યાં છે અને તેઓ શ્રીમાનાં દર્શન કરવા જવાના છે. આ વાત છે ઈ.સ. ૧૯૧૬ના ડિસેમ્બરની. આ સાંભળતાં જ મેં તેમને કહ્યું, ‘હું પણ શ્રીમાનાં દર્શન કરવા તમારી સાથે જવા ઇચ્છું છું.’ તેઓ રાજી થયા.

તે મુજબ ૧૯૧૬ની ૨૩મી ડિસેમ્બરના રોજ અમે ઢાકાથી રવાના થયા અને બીજા દિવસે વહેલી સવારે કલકત્તા પહોંચ્યા. અમે સીધા બાગબજાર પહોંચીને ગંગાસ્નાન કર્યું અને શ્રીમાના નિવાસસ્થાને આવીને તેમનાં દર્શનની પ્રતીક્ષા કરવા લાગ્યા. તે વખતે શ્રીમા બીજા માળે પોતાના ઓરડામાં પૂજા કરી રહ્યાં હતાં. અમે નીચેના માળે પ્રતીક્ષા કરી રહ્યા હતા. મેં જોયું કે સ્વામી મહાદેવાનંદ તે મકાનમાં પોતાના ઘરની જેમ હરી-ફરી રહ્યા છે. તેઓ ઉપર જોવા ગયા કે શ્રીમાની પૂજા સમાપ્ત થઈ છે કે નહીં. એ દરમિયાન શ્રીમાની પૂજા સમાપ્ત થઈ ગઈ હતી, પરંતુ તેઓ પૂજાના આસન પર જ બેઠેલાં હતાં. સ્વામી મહાદેવાનંદે ત્યાં જઈને શ્રીશ્રીમાને પ્રણામ કર્યા અને પછીથી નીચે આવીને મને કહ્યું, ‘શ્રીમાની પૂજા સમાપ્ત થઈ ગઈ છે. હું પ્રણામ કરીને આવ્યો, તમે પણ પ્રણામ કરી આવો.’ મેં ઉપર જઈને જોયું તો શ્રીમા પૂજાના આસન પર બેઠેલાં છે. મેં તેઓને પ્રણામ કર્યા.

જે ક્ષણે મેં તેઓને પ્રણામ કર્યા, તે જ ક્ષણે તેઓએ મારી તરફ જોયું અને પૂછ્યું, ‘શું તમે દીક્ષા લેશો?’ હું અભિભૂત થઈ ગયો. તેઓએ ફરીથી કહ્યું, ‘આસન પર બેસો.(હાથમાં ગંગાજળ આપીને) આચમન કરો.’ ત્યાર પછી તેઓ બોલ્યાં, ‘તમારો કયાં દેવી કે દેવ પર સવિશેષ લગાવ છે?’ મેં નામ બતાવ્યું. ત્યારે તેઓએ મને ઇષ્ટમંત્ર આપ્યો. મારી દીક્ષા સંપન્ન થઈ. દીક્ષા વખતે જેવો નિયમ હતો, તેમ (ગુરુદક્ષિણાના રૂપમાં) તેઓનાં શ્રીચરણોમાં અર્પણ કરવા માટે કંઈ પણ લઈ ગયો ન હતો, કારણ કે મેં તો વિચાર્યું પણ ન હતું કે આ રીતે મારી એકાએક દીક્ષા થઈ જશે. અને એટલા માટે હું કોઈ પ્રકારની તૈયારી કરીને ગયો ન હતો.

શ્રીમાના ઓરડામાં તેમના ખાટલા નીચે જે ફળ રાખેલાં હતાં તેમાંથી કેટલાંક ફળ લઈ આવવાનો મને આદેશ કર્યો. હું એમાંથી થોડાંક ફળ લઈ આવ્યો ત્યારે તેઓએ એ ફળ તેઓને અર્પણ કરવા માટે કહ્યું. મેં એ મુજબ જ કર્યું. ત્યાર પછી તેઓને પ્રણામ કરીને હું બહાર આવી ગયો. નીચે આવીને સ્વામી મહાદેવાનંદને મેં બધી વાત વિગતે કરી. એ સાંભળીને તેઓ ખૂબ પ્રસન્ન થયા અને બોલ્યા, ‘જોયુંને, આપણે તેઓની ઇચ્છાથી, તેઓની પાસે આવતા પહેલાં ગંગાસ્નાન કરી લીધું હતું અને આપણા આવવાની વાત કોઈએ તેમને જણાવી ન હતી; તોપણ પૂજા સમાપ્ત થયા પછી પણ અંતર્યામિની શ્રીમા દીક્ષા આપવા માટે પૂજાના આસન પર બેસી રહ્યાં હતાં. તમે મહા ભાગ્યવાન છો.’

મારા મિત્ર જયચંદ્ર ચક્રવર્તી, કે જેઓ સ્વામી બ્રહ્માનંદના શિષ્ય હતા, તેઓ તે વખતે ત્યાં હાજર હતા. તેઓ સ્વામી વિવેકાનંદના શિષ્ય તથા ‘સ્વામી-શિષ્ય-સંવાદ’ ગ્રંથના લેખક શરત્ચંદ્ર ચક્રવર્તીના જયેષ્ઠ પુત્ર હતા. ‘સ્વામી-શિષ્ય-સંવાદ’ સુંદર ગ્રંથ છે અને હાલમાં પણ મારી પરમ પ્રેરણાનો સ્રોત છે. તે સમયે બધા તરુણો તથા યુવકો તે પુસ્તક વાંચતા હતા. જયચંદ્રનાં માતાજીનું અને અમારું ઘર એક જ ગામમાં હતાં અને ઘણાં નજીકમાં હતાં. તેથી અમારી વચ્ચે ખૂબ ઘનિષ્ઠતા હતી. તેઓએ અમારા ગામની શાળામાં પણ કેટલોક સમય અધ્યયન કર્યું હતું. દીક્ષા પૂરી થતાં હું મારા મિત્રને લઈને નીકળી પડ્યો અને શ્રીમા જેવી લાલ કિનારીની સાડી પહેરતાં હતાં તેવી સાડી ખરીદી લાવ્યો. થોડી દ્રાક્ષ પણ ખરીદી. ત્યાર પછી તે બધું લાવીને શ્રીમાને ચરણે નિવેદિત કર્યું. બપોરે શ્રીમાના નિવાસસ્થાને પ્રસાદ લીધો. એની સાથે શ્રીમાનો પણ પ્રસાદ મળ્યો.

સ્વામી મહાદેવાનંદે મને કહ્યું, ‘તમારી દીક્ષા પછી શ્રીમાએ મને કહ્યું, ‘આ છોકરો તો પોતાનાં માતા-ભાઈઓને રડાવશે.’ અર્થાત્ તેઓએ ઇંગિત કર્યું હતું કે મારા માટે સંન્યાસ-જીવન જ નિર્ધારિત છે. ઈ.સ. ૧૯૧૫માં જ્યારે મેં રાઢીખાલમાં પહેલી વાર સ્વામી પ્રેમાનંદનાં દર્શન કર્યાં ત્યારે તેમણે ભવિષ્યવાણી કરી હતી, ‘તું સાધુ થઈશ, પરંતુ અત્યારે નહીં, બી.એ. પાસ કર્યા પછી.’ એ વખતે હું માધ્યમિક શાળામાં દશમા ધોરણનો વિદ્યાર્થી હતો. શ્રીમાના કથનમાં પણ તે જ પરિપૂર્તિ તથા સમર્થન મળ્યાં.

Total Views: 329

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.