માતાજીને એક દિવસ એઠાં વાસણ સાફ કરતાં જોઈ નલિનીદેવી બોલ્યાં : ‘હાય રે ! છત્રીસ જાતિનાં માણસોનો એઠવાડ સાફ કરે છે !’ એ સાંભળી માતાજીએ કહ્યું : ‘છત્રીસ જાતિનાં ક્યાં ? બધાં જ તો મારાં બાળકો છે.’ જેઓ બધાંને જ પોતાનાં સંતાનરૂપે જુએ તેમની પાસે વળી જાતિના ભેદ શા ? એ પ્રેમના પૂરમાં ઊંચનીચ બધાં જ ડૂબી જઈને એકાકાર થઈ જાય છે.

એઠવાડ સાફ કરવો એ માતાજીનું નિત્યકર્મ હતું. ભકતોને તેઓ કાંઈ કરવા નહોતા દેતાં ને કહેતાં : ‘આને માટે બીજા લોકો છે.’ ને પછી પોતે જ બધું સાફ કરી નાખતાં. જયરામવાટીમાં એક વાર સ્વામી વિશ્વેશ્વરાનંદ એઠી થાળી ઉપાડવા ગયા ત્યારે માતાજીએ એમને એમ કરતાં રોકીને જાતે થાળી લઈ લીધી. સંન્યાસીએ કહ્યું : ‘આપ શા માટે ઉપાડો છો ? હું જ ઉપાડીશ.’ માતાજી બોલ્યાં : ‘તમારા માટે મેં બીજું શું કર્યું છે ? માના ખોળામાં બાળક દસ્ત કરે ને કેટલુંય કરે. તમે તો દેવનાં દુર્લભ રત્નો છો.’ માતાજીની સાથે જે બીજી સ્ત્રીઓ રહેતી તે આવું કંઈ કામ કરતી નહીં. ઊલટું ફરિયાદ કરીને કહેતી : ‘તમે બ્રાહ્મણપુત્રી છો. વળી ગુરુ છો. આ બધા તો તમારા શિષ્યો છે. તમે એમનો એઠવાડ શા માટે સાફ કરો છો ? એમાં એમનું જ અમંગળ થશે.’ માતાજી સરળતાથી જવાબ આપતાં : ‘હું તો એમની મા છું. છોકરાઓ માટે મા નહીં કરે તો કોણ કરશે ?’

એક ભકત વણકર જાતિનો હતો. તેથી માતાજીના મકાનમાં હરતાં ફરતાં એને સંકોચ થતો. માતાજીએ એક દિવસ તેને કહ્યું : ‘તું વણકર છે એટલે તને સંકોચ થાય છે. તેમાં શું દીકરા ? તું તો ઠાકુરનો સ્વજન છે; ઘરનો દીકરો પાછો ઘેર આવ્યો છે.’ માતાજીએ એને સમજાવ્યું કે દીક્ષા આપતી વખતે એની જાતિ વિષે પૂછયું નથી, એ બતાવે છે કે તે માતાજીના કુટુંબનો જ છે. ગામડાઓમાં આ સામાજિક બંધનો છે. છતાં જયરામવાટીમાં કોઈ એને કંઈ પૂછશે નહીં. એણે પણ સામેથી પોતાનો પરિચય આપવાની જરૂર નથી.

એક વાર દુર્ગાપૂજા વખતે મહા અષ્ટમીને દિવસે બધાં માતાજીના ઓરડામાં આવી એમનાં ચરણે ફૂલ ધરતાં હતાં, પણ એક માણસ ચૂપચાપ બહાર ઊભો હતો. પૂછપરછ કરતાં માતાજીએ જાણ્યું કે એ હલકી ગણાતી ‘બાગદી’ કોમનો છે, ને તાજપુરથી આવ્યો છે. માતાજીએ એને પણ અંદર આવીને ફૂલ ધરવાનું કહ્યું. માતાજીની ચરણપૂજા કરી પ્રફુલ્લ વદને એ ચાલ્યો ગયો.

માતાજીનો માતૃસ્નેહ એટલો બધો પ્રબળ હતો કે જે ભક્ત એમની પાસે આવતો તેનો બધો સંકોચ પળવારમાં દૂર કરી તેને પોતાનો કરી લેતાં. રાસબિહારી મહારાજનાં મા તેમને નાના મૂકી મરી ગયાં હતાં. તેથી ‘મા’ સંબોધન કરતાં એમને સંકોચ થતો. એકવાર માતાજીને પોતાના એક સગાને રાસબિહારી મારફત સંદેશો મોકલવો હતો. માતાજીએ તેમને સમયસર સમજાવીને પૂછયું : ‘શું કહેશે, બોલ તો ?’ ભક્તે કહ્યું : ‘તેઓએ આપને આમ કહેવાનું કહ્યું છે.’ એને સુધારી માતાજીએ કહ્યું : ‘માએ કહ્યું છે, એમ કહેજે.’ ને ‘મા’ શબ્દ ઉપર એમણે ખાસ ભાર મૂક્યો.

માતાજી જ્યારે કોઆલપાડામાં માંદાં હતાં ત્યારે જયરામવાટીમાં રહેતા એક બ્રહ્મચારી પોતાના ખાવાપીવા માટે બહુ ઉદાસીન છે જાણી એમણે એને કોઆલપાડા બોલાવીને સારી રીતે ખાવાનું કહ્યું. બ્રહ્મચારી ઉંમરમાં ખૂબ નાનો હતો, તો પણ માતાજી પાસે સંકોચ પામતો હતો. તે ઉપરાંત એની પોતાની તબિયત પણ સારી ન હતી, એટલે એને બીક લાગતી કે એનો ચેપ માતાજીને તો નહીં લાગે ને ? તેથી માતાજી સાથે વાતો કરતી વખતે હંમેશાં દૂર ઊભો રહેતો. માતાજીએ એને પાસે આવવા કહ્યું તો પણ તે દૂર જ ઊભો રહ્યો.એ જોઈ એમણે કહ્યું : ‘આ શું ? પાસે આવી શરીર પર હાથ ફેરવીને જો, મને કેમ છે ?’ ત્યારે બ્રહ્મચારી પાસે આવ્યો ને માતાજી પાસે બેઠો ને હેતપૂર્વક તેઓ એની સાથે વાતો કરવા લાગ્યાં. તે દિવસોમાં જયરામવાટીથી કોઆલપાડા દૂધ મોકલવામાં આવતું, તેથી માતાજીએ કહ્યું : ‘અહીં ઘણું દૂધ મળે છે. ત્યાંથી મોકલવાની જરૂર નથી. તમે બધા ત્યાં છૂટથી પીજો.’

માતાજી સાથે એમનાં સંતાનોનો સંબંધ કોઈ દૈવી નિયમોથી બંધાયેલો હતો ને એનો પ્રકાશ અપૂર્વ રીતે પથરાઈ જતો. એમાં દુન્યવી સંબંધોનું ઊંડાણ અને આત્મીયતા હતાં. છતાં લેશમાત્ર માયાનું બંધન કે આકર્ષણ ન હતું, એમાં આંસુ ને હાસ્ય બંને હતાં. છતાં, અપૂર્વ શાંતિ હતી. દ્વારકાનાથ મજુમદાર જયરામવાટીમાં દીક્ષા લઈ ઘેર પાછા ફરતા હતા ત્યારે કોઆલપાડામાં જ એમને મરડો થયો. એમાં જ છેવટની ઘડી સુધી હાથ જોડી શ્રીરામકૃષ્ણનું નામ લેતાં લેતાં દેહાંત થયો. થોડા સમય પછી આ ખબર માતાજી પાસે પહોંચતાં કોઈ પુત્રશોકથી આતુર માતાની માફક એમણે રડવા માંડયું, ને કહેવા લાગ્યાં : ‘અરેરે, મારો રત્ન જેવો દીકરો ચાલ્યો ગયો ! મારા દીકરાનો આ છેલ્લો જન્મ થયો.’ એમનાં ત્યાગી સંતાનોને તેઓ સંન્યાસના નામથી નહોતાં બોલાવતાં તે વિશે શ્રીમા કહેતાં : ‘હું મા છું. એમના સંન્યાસના નામથી બોલાવતાં દુ :ખ થાય છે.’ સંન્યાસ એટલે વિખૂટા પડવું – માબાપથી પણ; ને એ ભાવ માતાજી મનમાં પણ સહી નહોતાં શકતાં. એમનો આ માનવોચિત વ્યવહાર જોઈ સ્વામી વિશ્વેશ્વરાનંદે એક વાર પૂછયું : ‘આપ અમને કેવી દૃષ્ટિથી જુઓ છો ?’ માતાજી બોલ્યાં : ‘નારાયણરૂપે.’ ‘અમે તો તમારાં સંતાન છીએ. નારાયણ તરીકે જો જુઓ તો સંતાન તરીકે નહિ જોઈ શકો.’ તરત શ્રીમા બોલ્યાં : ‘નારાયણ તરીકે જોઉં છું. વળી સંતાન તરીકે પણ જોઉં છું.’ આમ સંતાનની ભાવનામાં જેમ આપણે માનવીય અને દિવ્યભાવનું સંમિશ્રણ જોઈએ છીએ તે જ પ્રમાણે માતૃત્વની એ ભાવનામાં પણ સાન્ત અને અનન્ત ભાવોનું સંમિશ્રણ જોઈએ છીએ. એક દિવસ એક ભક્તે પૂછયું : ‘હું તમને મા કહું છું, પણ હું જાણવા માગું છું કે આપ શું સાચે જ મારાં મા છો ?’ માતાજીએ કહ્યું : ‘નહીં તો શું ? સાચે જ મા છું.’ ભક્તે ફરી પૂછયું : ‘આપે તો કહ્યું, પણ હું બરાબર સમજી શકતો નથી. મારાં પોતાનાં માતુશ્રી માટે જેમ સ્વાભાવિક રીતે મા તરીકે લાગણી થાય તેમ આપના તરફ ક્યાં થાય છે ?’ પહેલાં તો માતાજી દિલગીરી સાથે બોલ્યાં : ‘ખરેખર, એમ જ.’ પણ પછી ઉમેર્યું : ‘પ્રભુ જ મા-બાપ છે, દીકરા, પ્રભુ જ મા અને બાપ છે.’ ભક્ત આ સમજી ન શક્યા એ એમનું કમનસીબ પણ માતાજી પાસે પોતાનું વિશ્વમાતૃત્વ દીવા જેવું સ્પષ્ટ હતું. ‘યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા’ (શ્રી ચંડી) એમના જગદંબારૂપનો અંશ જ જગતની બીજી માતાઓમાં છે. તેને મેળવીને સંતાનો સંતોષ પામે છે. માતાજીની દરેક બાબતોમાં, હાવભાવમાં કે કાર્યમાં આ વિશ્વમાતૃત્વ એવું ખીલી ઊઠતું કે પાષાણ હૃદયો પણ પીગળી જતાં.

રાધારાણીએ એક બિલાડી પાળી હતી. એને માટે પાશેર દૂધની ગોઠવણ કરવામાં આવી હતી. એ ડર્યા વિના માતાજીના પગ પાસે સૂઇ રહેતી. બીજાઓ એને માટે બબડાટ કરતા. ત્યારે માતાજી લાકડી લઇ એને કાઢી મૂકવાની બીક દેખાડતાં. પણ તે વધુ ને વધુ માતાજીના પગ વચ્ચે ભરાઈ જતી.માતાજી ત્યારે લાકડી ફેંકી દઇને હસતાં ને બીજાં પણ હસવા લાગતાં. ચોરી કરીને ખાવાનો બિલાડીનો સ્વભાવ હોય છે. પણ તેથી માતાજી ચિડાતાં નહીં પણ કહેતાં : ‘દીકરા, એનો સ્વભાવ જ ચોરી કરીને ખાવાનો છે. એમને વળી હેતપૂર્વક કોણ ખવડાવે ?’ પણ એક વાર બ્રહ્મચારી જ્ઞાન એની સામે લડાઇમાં ઊતર્યા. એમ તો રોજ એ તેને મારતા, પણ તે દિવસે તેમણે તેને પકડીને જમીન પર પછાડી. તે જોઇ માતાજીના મોં પર વિષાદ છવાઇ ગયો. જ્ઞાનના અણગમા છતાં રાધુ અને માતાજીના જતનથી આ બિલાડીનાં બચ્ચાં વધવા લાગ્યાં. એવે વખતે એક વાર માતાજીને કોલકાતા જવાનું થયું. માતાજીએ જ્ઞાનને બોલાવી કહ્યું : ‘જો જ્ઞાન, તું બિલાડીઓ માટે ભાત રાંધજે, જેથી તેમને બીજાને ત્યાં જવું ન પડે. બીજાને ઘેર જશે તો આપણે જ ગાળો ખાવી પડશે.’ આ તો વ્યવહારુ બુદ્ધિની વાત હતી. માતાજી જાણતાં હતાં કે બિલાડીઓનું ભાગ્ય તેથી બદલવાનું ન હતું. તેથી તેમણે ઉમેર્યું, ‘જ્ઞાન, જોજે, બિલાડીઓને મારતો નહીં. એમની અંદર પણ હું જ છું.’ આટલું જ પૂરતું હતું. પછીથી કોઈ દિવસ બ્રહ્મચારી જ્ઞાન બિલાડીઓને મારી ન શક્યા. આટલું જ નહીં પણ પોતે શાકાહારી હતા, તો પણ બિલાડીઓ માટે મચ્છી રાંધી આપતા.

એક સ્વરૂપે માતાજી ભક્તોની માતા હતાં ને બીજે સ્વરૂપે સર્વસ્વરૂપિણી હતાં. એમના વિશ્વમાતૃત્વના સ્નેહમાંથી કોઈ પણ બાદ ન હતું. રાસબિહારી મહારાજે એક વાર માતાજીને પૂછયું : ‘તમે શું બધાંનાં જ મા છો?’ એમણે જવાબ આપ્યો : ‘હા’. પાછો પ્રશ્ન આવ્યો : ‘આ બધાં જીવજંતુઓનાં પણ ?’ જવાબ મળ્યો : ‘હા, તેમની પણ.’

આટલા સંતાનો હતાં તો પણ જાણે માતાજી તૃપ્ત નહોતાં. કોઈક વાર ધીમે ધીમે એ બોલતાં સંભળાતાં : ‘છોકરાઓ, આવો.’ એક દિવસ સ્વામી વિશ્વેશ્વરાનંદ જયરામવાટી પહોંચતાં માતાજી આગ્રહ કરીને બોલ્યાં : ‘આવ્યો ! સારું થયું. કેટલા દિવસોથી તને યાદ કરતી હતી. રાજેનને બોલાવવા જતાં તારું જ નામ આવી જતું.’ માતાજી કોઈ દિવસ પોતાની લાગણી પ્રગટ કરતાં નહોતાં, એટલે આવો લાગણીનો પ્રકાશ કોઈક વાર જ વ્યક્ત થતો. પણ એ પ્રકાશ જેટલો પણ જોવામાં આવતો તેનાથી સાનંદાશ્ચર્ય અનુભવાય છે.

સ્વામી મહેશ્વરાનંદ ‘ઉદ્‌બોધન’થી બેલુર મઠ જતા હતા ત્યારે માતાજીએ એમને એક રૂપિયો આપી સ્વામી પ્રેમાનંદને આપવાનું કહ્યું ને ઉમેર્યું : ‘કહેજે, ઠાકુરને પૂજા ધરાવે અને શરત્ને નામે તુલસી ચડાવે.’ ત્યારે સ્વામી શારદાનંદ તાવમાં પથારીવશ હતા. (ક્રમશ 🙂

Total Views: 379

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.