ગતાંકથી આગળ…

ડિંગબોચે પછી અમારું લક્ષ્ય હતું છુકુંગ (૧૭૩૦ ફૂટ). અહીં અમે એક પરિવારને ત્યાં રહ્યાં, એમનું જ એક મકાન એ વિસ્તારમાં હોય એવું લાગ્યું. પતિ આખો દિવસ સૂતો રહેલો અને પત્નીએ ઘરની વ્યવસ્થા સંભાળી. તેના પરિવારની અને તેના જેવા અન્ય પરિવારોની આવકનો પણ મુખ્ય સ્રોત મારા જેવા આરોહકો જ હતા. માર્ચ અને મધ્ય-જૂન સુધીના સમયગાળા દરમિયાન તેમનો આ વ્યવસાય ધમધમતો રહેતો. આ દંપતીને બે ચુલબુલાં બાળકો હતાં, જે તોફાની હતાં અને તેમના ગાલ લાલ હતા. એવું લાગ્યું કે તેમણે લાંબા સમયથી સ્નાન કર્યું નથી. આસપાસના બરફીલા માહોલને જોઈને સ્પષ્ટ જ હતું કે અહીં સ્નાન કરવું સરળ નહોતું. અને જેમજેમ હું ઉપર ચડતી ગઈ તેમ મેં અનુભવ્યું કે ગરમ પાણી વધુ ને વધુ મોંઘું થતું ગયું.

છુકુંગથી હવે હું આઈલેન્ડ શિખર (૨૦,૨૯૯ ફૂટ અથવા ૬૧૮૯ મીટરની ઊંચાઈ) તરફ ગઈ, જ્યાં હું આ પહાડોના હવામાનને અનુકૂળતા સાધવાનો પ્રયત્ન કરવાની હતી. ત્યાં પહોંચતાં પહેલાં આઈલેન્ડ બેઝ કેમ્પમાં મેં એક રાત ગાળી. અહીં મને ઘણા વિદેશી આરોહકો મળ્યા. તેમાં કેટલાક આઉડી’ કારના ચેરમેન જેવા મોટા માણસો પણ હતા. મને યાદ છે કે કેટલાક પ્રતિષ્ઠિત માણસોને હું મળી હતી, પણ કોઈ રીતે આ બરફીલા માહોલમાં મહત્ત્વના પદ ઉપર હોવાની વાત જાણે ઓગળી જતી હતી. છેવટે તો આ પહાડો કરતાં તો કોઈ વધુ ઊંચું હોતું જ નથી ને!

આઈલેન્ડ બેઝ કેમ્પથી રાત્રે આઈલેન્ડ શિખરે જવા નીકળી અને એ રસ્તો જાણે ક્યારેય પૂરો નહીં થાય એવું લાગ્યું. બધા પર્વતારોહકો પોતપોતાના મુખવટા, વસ્તુઓ અને હેડલાઈટો માથે પહેરીને એક સીધી લાઇનમાં આગળ ધપતા હતા. એ એક ભવ્ય દેખાવ હતો – એક કતારમાં ચડતા લોકો, જેમણે કપાળે ટોર્ચ ગોઠવી હતી અને એનો પ્રકાશ જાણે તેમની આસપાસ એક તેજવર્તુળ રચતો હતો. મને લાગ્યું કે અમે જેમ આગળ ચડતાં ગયાં અને જાણે પ્રભુની જ વધુ નજીક પહોંચતાં હોઈએ તેમ પ્રકૃતિ જાણે અમને વધુ ભેટતી ચાલી હતી.

કેટલાક લોકો મારી પાછળ આવતા હતા અને કેટલાક લોકો મારાથી આગળ હતા. થોડા વખત પછી મારી પાછળના લોકો પણ મારાથી આગળ થવા લાગ્યા. અમે પહેલાં એવા વિસ્તારમાં આવ્યાં જ્યાં કાંટેદાર જૂતાં પહેરવાનાં હતાં અને પછી બરફના વિસ્તારમાં પહોંચ્યાં.

આના પછી ચાલવું અત્યંત મુશ્કેલ બન્યું, કારણ કે આ વિસ્તાર ખૂબ લપસણો હતો. બેકાળજીથી લીધેલું એક જ પગલું અને એ પહાડી વિસ્તારમાં એટલા જોરથી ગબડી પડવાની સંભાવના હતી કે તમારા શરીરનાં બધાં હાડકાં ભાંગી જ જાય. ચાલતાં-ચાલતાં હું પ્રાર્થના કરતી રહી. કહે છે કે અહીં ઈશ્વર દરેકની કસોટી લે છે.

એક દોરડાની મદદથી હું ઉપર અથવા નીચેની તરફ આગળ વધતી જ રહી. આ ‘રોપ-વે’ કંઈ સરળ બાબત નથી, અને ખાસ તો જ્યારે તમે ઉપર ચડવાનો પ્રયત્ન કરતાં હો ત્યારે તો નહીં જ. પર્વતના શિખરેથી એક દોરડે લટકતા કેટલાય લોકોની કલ્પના તો કરો. ૯ મી.મી.ના વ્યાસનું દોરડું ૨૦૦૦ કિલોગ્રામ વજન સહન કરી શકે છે.

બરફ ઉપર પકડ જમાવવી મુશ્કેલ થતાં મને ઉપર ચડવામાં ખૂબ મહેનત પડતી હતી. મારા તો જમણા પગમાં પણ સળિયો હતો અને બરફને ખોદી-ખસેડીને તેના ઉપર પકડ મેળવવા માટે જરૂરી શક્તિ મને ઓછી પડતી હતી.

જો કોઈ વાર હું મારા કૃત્રિમ પગનો ઉપયોગ કરવા પ્રયત્ન કરું ત્યારે તે વળી એ આઘાતથી ૧૮૦ ડિગ્રી ફરી જતો હતો. એવે વખતે દોરડાથી લટકતાં હોઈએ, તે સ્થિતિની કલ્પના કરી જુઓ. એ પગને સરખો કર્યા વિના મારાથી આગળ પણ ન જવાય. મારા શરીરને આમતેમ વાળીને, ગમે તેવા કોણથી મચડીને એક એવી સ્થિતિમાં લાવતી કે જેથી એ પગને શરીરથી કાઢી લઈ ફરીથી યોગ્ય રીતે ગોઠવી દઉ – નહિ તો તે આખો વખત હું હવામાં જ લટકતી રહેલી હોઉં.

જો એ પગ મારા હાથમાંથી છટકી ગયો હોત અને હજારો ફૂટ નીચે ખીણમાં પડી ગયો હોત અને હું તદ્દન પગ વિનાની બની જાત! અને એવે વખતે શું થાત તેનો વિચાર આજે પણ મને ધ્રુજાવી દે છે. એવું જો થાત તો હું હવામાં અડધે લટકતી રહેત – કદાચ સદાય માટે લટકતી હોત. બીજી પણ એક સમસ્યા હતી.

પગને બરફ સાથે ઠપકારતાં અને શરીરને ઉપર ખેંચતાં-ખેંચતાં એ દોરડાને પકડી રાખવું બહુ અઘરું હતું. હવે મને ‘અપહિલ ટાસ્ક’ – પર્વતચડાણના અતિ મુશ્કેલ કાર્યના અર્થની બરોબર ખબર પડે છે. એવી ક્ષણો પણ હતી જ્યારે મારા પગમાંથી લોહી વહેવા માંડેલું.

મને લોહી-નીંગળતી અને પીડાતી જોઈને મારા શેરપા ગભરાઈ ગયા અને મને પાછી ફરવાનું કહેવા લાગ્યા. પણ મેં એ સૂચનાને હસી કાઢી. અહીં સુધી હું કંઈ પાછી જવા માટે નહોતી આવી. ત્રણ-ત્રણ કલાકના સંઘર્ષ પછી મેં લગભગ ૫૦૦ ફૂટનું એટલે કે પાંચ માળના મકાન જેટલું ઊંચું ચઢાણ કર્યું હતું.

મનમાં તો મને વારેવારે શંકાઓ સતાવતી ખરી અને કોઈ વાર તો હું એમ પણ વિચારતી કે હવે હું આગળ નહીં જ વધી શકું. દોરડા ઉપર જોકે ત્યારે જાણે હું ચોંટી જ ગયેલી. અટકી પડું ત્યારે જે દેશી તરકીબો હું નાનપણમાં રાહુલને હરાવવા કરતી તેનો ઉપયોગ કરવા લાગી. જ્યારે રાહુલ મને કોઈ ઝાડ ઉપરથી નીચે ફેંકવા ધક્કો મારે ત્યારે હું ડાળીઓમાં ભરાઈને પડવાનું ટાળતી. અહીં આગળ વધતાં વળી મારે મારી પીડા અને ડરની સાથે સંઘર્ષ કરવાનો આવ્યો. જોકે ત્યારે મેં જોયું કે પ્રકૃતિની વિચિત્ર હરકતોથી પીડાતા બીજા સક્ષમ લોકોને પણ થોડો ધક્કો લાગવો જરૂરી દેખાતો હતો.

અમારા જૂથની એક વ્યક્તિ હતી રામલાલ. તેઓની તબિયત બહુ સારી જણાતી ન હતી અને આ કસોટીભર્યા સમયે તેમને ઊલટી થતી હતી. થોડી વાર પછી તો તેમણે ઇશારો કરી જ દીધો કે હવે તેમનાથી વધુ આગળ જવાશે નહીં. મેં તેમને બરફમાં ઢગલો થતા જોયા. એ સારું ચિહ્ન ન કહેવાય. તેમને કોઈ પ્રોત્સાહનની જરૂર હતી અને એ બાબત અહીં ખાસ પ્રાપ્ય નહોતી. એટલે હું થોડી ધીમી પડી ગઈ અને તેમની નજીક જઈને પોતાનો સંઘર્ષ ન છોડવો અને પડકાર ઝીલી જ લેવો એમ તેમને કહ્યું.

નબળા સૂરે તેમણે હા ભણી. આવો એક માનસિક કૂદકો માર્યા પછી તેઓ શારીરિક મર્યાદાઓને પાછળ પાડી શક્યા અને ફરી ચાલવા લાગ્યા. કેટલીક વાર બીજાને મદદ કરો તેનાથી તમે પોતાને જ મદદ કરી લો છો. રામલાલને જરૂરી ધક્કો માર્યા પછી હું પણ વધુ હેતુપૂર્ણ બની. અમે જરા દૂર હતાં છતાં તેમણે કરેલી ઊલટી બરફમાં હજી પીળાશ પડતી ચળકતી દેખાતી હતી! આ શ્વેત બરફાચ્છાદિત પહાડોમાં તો નાનોસરખો કચરો પણ છતો થઈ જાય છે. (ક્રમશ 🙂

Total Views: 400

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.