પૂજ્ય બાપા(સ્વામી આદિભવાનંદજી)ની જીવન ઝરમર
૧૫ એપ્રિલ, ૨૦૨૧ના રોજ સવારે ૮.૪૯ના સમયે આપણા પૂજ્ય બાપા શ્રીરામકૃષ્ણલોક સિધાવી ગયા. પૂજ્ય બાપાના પ્રેરણાદાયી જીવનની એક છબિ અહીં પ્રસ્તુત છે.
પૂજ્ય સ્વામી આદિભવાનંદજી(પ્રાગજી મહારાજ)નો જન્મ ઈ.સ.૧૯૩૮માં અમરેલી જિલ્લાના કેરિયા ગામે થયો હતો. એમનો પ્રાથમિક અભ્યાસ કેરિયા ગામમાં જ થયો ત્યાર પછી અમરેલીની હાઈસ્કૂલમાં અભ્યાસ કરી કોલેજ કરવા માટે અમદાવાદ ગયા. ત્યારબાદ વલ્લભવિદ્યાનગરમાં આવેલ રામકૃષ્ણ મંદિરના રૂમમાં રહી અભ્યાસ કરતા.
અભ્યાસની સાથે સાથે તેમણે અનેક સેવાયજ્ઞો કર્યા. સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિમાં તેમણે ટ્રસ્ટી તરીકે સેવા આપી, તેમજ શ્રીરણછોડદાસજી આશ્રમમાં ૬ મહિના ટ્રસ્ટી તરીકે સેવા આપી, આ દરમિયાન ઓરિસ્સામાં આવેલ દુષ્કાળના સમયમાં ઘણાં સેવાકાર્યો કર્યાં.
પૂજય બાપા સ્વામી વિવેકાનંદના વિચારોથી પ્રભાવિત થઈને ઈ.સ. ૧૯૬૮માં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં પૂજ્ય સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના માર્ગદર્શનથી બ્રહ્મચારી તરીકે રામકૃષ્ણ સંઘમાં જોડાયા.
ઈ.સ. ૧૯૭૯માં રામકૃષ્ણ મઠ-મિશનના દસમા પરમાધ્યક્ષ પૂજ્ય શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ પાસેથી સંન્યાસ-દીક્ષા ગ્રહણ કરી અને સ્વામી આદિભવાનંદજી નામ મળ્યું. પૂજ્ય સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ પ્રેમથી, તેમને ‘બાપા’ તરીકે સંબોધતા, ત્યારથી આદિભવાનંદજી મહારાજ આપણા સહુ માટે ‘બાપા’ તરીકે ઓળખાયા.
જ્યારે પૂજ્ય મહારાજ રાજકોટ આશ્રમમાં ગૃહપતિ હતા ત્યારે તેમણે ઘણા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રેરણા આપી. એમના આદર્શાે અને માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા ઘણા વિદ્યાર્થીઓ દેશ-વિદેશમાં વસે છે. ઈ.સ.૧૯૭૦માં કચ્છના ધાણેટી ગામમાં દુષ્કાળના સમયમાં ‘શિવ જ્ઞાને જીવ સેવા’ એ આદર્શ અનુસાર માનવબંધુ માટે સેવાકાર્ય કર્યું. ત્યારબાદ બે વર્ષ તેઓ બેલુર મઠ રહ્યા. ફરી ઈ.સ.૧૯૭૯માં ભગવાન શ્રીરામકૃષ્ણદેવના રાજકોટના નૂતન વૈશ્વિક મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ઉત્સવ સમયે સતત કાર્યરત રહી સેવા આપી. ત્યારબાદ ઈ.સ.૧૯૭૯ના આૅગસ્ટમાં મોરબી હોનારત બાદ પ્રાથમિક રાહત અને પુન : વસવાટના કાર્યોમાં સેવા આપી. ઈ.સ.૧૯૮૩માં સમગ્ર જૂનાગઢ જિલ્લાના પૂર-રાહતકાર્યમાં સેવા આપી, ઈ.સ.૧૯૮૪માં પૂણેનાં નવનિર્મિત આશ્રમમાં સેવા આપી.
પૂજ્ય બાપાએ ફક્ત ભારત જ નહીં પણ વિદેશમાં પણ શ્રીરામકૃષ્ણ-વિવકાનંદ ભાવધારા પ્રચાર-પ્રસારનાં કાર્યો કર્યાં છે જેમ કે ઈ.સ.૧૯૮૭માં રામકૃષ્ણ મઠ ફિઝીમાં સેવા આપી તથા ન્યૂઝીલેન્ડ અને આૅસ્ટ્રેલિયામાં સતત ૧૦ વર્ષ સુધી પ્રચાર-પ્રસારનાં અનેકવિધ કાર્યો કર્યાં.
ઈ.સ.૧૯૯૭માં શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડીમાં સચિવ તરીકે કાર્યભાર સંભાળી, લીંબડી અને આજુબાજુના ગામડામાં શ્રીરામકૃષ્ણ જલધારા પ્રોજેક્ટ અંતર્ગત ૬૦ જેટલાં તળાવો બંધાવ્યાં, ઈ.સ.૨૦૦૧ના વિનાશક ભૂકંપ પછી જુદા જુદા ગામડામાં ૨૪ જેટલી શાળાઓ બંધાવી અને દરિદ્રનારાયણો તથા વિદ્યાર્થીઓ માટે ભગીરથ કાર્ય કર્યું.
ઈ.સ.૨૦૧૪ના નવેમ્બરમાં લીંબડીમાં નવા વૈશ્વિક મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા-ઉત્સવ સંપન્ન કરીને નિવૃત્ત થયા. નિવૃત્ત થયા પછી પણ છેલ્લે સુધી રાજકોટ તથા અમદાવાદ આશ્રમમાં ખૂબ સક્રિય રહીને અનેક પ્રકારે સેવાઓ આપી.
પૂજ્ય બાપાનું જીવન આપણા બધા માટે ખૂબ પ્રેરણાદાયી છે. સાધુઓ, બ્રહ્મચારીઓ અને હજારો ભક્તો માટે બાપા માર્ગદર્શક હતા. એમના રામકૃષ્ણલોક જવાથી આપણને ખૂબ મોટી ખોટ પડી છે, જે કયારેય પૂરી શકાય તેમ નથી. તેમના જવાથી એક યુગ પૂરો થઈ ગયો હોય એવું પ્રતિત થાય છે. પૂજ્ય બાપા ના ચરણોમાં કોટી કોટી વંદન.
Your Content Goes Here