રાજસૂય યજ્ઞ વિશે વિચારવિમર્શ :

એક દિવસ મહારાજ યુધિષ્ઠિર મુનિઓ, બ્રાહ્મણો, વિદ્વાનો તથા ભીમસેન વગેરે ભાઈઓ સાથે રાજસભામાં બેઠા હતા. એમણે બધાની સામે જ શ્રીકૃષ્ણને સંબોધન કરીને કહ્યું, ‘ગોવિંદ! હું સર્વશ્રેષ્ઠ રાજસૂય યજ્ઞ દ્વારા તમારું અને તમારા પરમ પાવન વિભૂતિ સ્વરૂપ દેવતાઓનું યજન કરવા માગું છું. તમે કૃપા કરીને મારો આ સંકલ્પ પૂર્ણ કરો.’

શ્રીકૃષ્ણે કહ્યું, ‘ધર્મરાજ! તમારો નિશ્ચય ખૂબ જ ઉત્તમ છે. રાજસૂય યજ્ઞ કરવાથી સમસ્ત લોકમાં તમારી મંગલમયી કીર્તિનો વિસ્તાર થશે. તમારા પરમ પરાક્રમી ભાઈઓ તમારા માટે સમસ્ત સંસાર પર વિજય પ્રાપ્ત કરી શકે છે. તમે તો પરમ મનસ્વી અને સંયમી છો જ. મહારાજ! તમે પૃથ્વીના સમસ્ત રાજાઓને જીતીને, યજ્ઞની સંપૂર્ણ સામગ્રી એકત્રિત કરીને આ યજ્ઞનું અનુષ્ઠાન કરો.

ભગવાનની વાત સાંભળીને યુધિષ્ઠિરનું મુખ આનંદથી પ્રફુલ્લિત થઈ ગયું અને તેઓએ પોતાના ભાઈઓને દિગ્વિજય કરવાનો આદેશ આપ્યો. શ્રીકૃષ્ણે પણ પાંડવોમાં પોતાની શક્તિનો સંચાર કરીને તેમને અત્યંત પ્રભાવશાળી બનાવી દીધા. યુધિષ્ઠિરે સહદેવને દક્ષિણ દિશામાં, નકુલને પશ્ચિમમાં, અર્જુનને ઉત્તરમાં અને ભીમસેનને પૂર્વ દિશામાં દિગ્વિજય કરવાનો આદેશ આપ્યો. ચારેય ભાઈઓએ પોતાના પરાક્રમથી બધી દિશાના રાજાઓને જીતી લીધા અને યુધિષ્ઠિરને ઘણું બધું ધન પણ લાવી આપ્યું. પરંતુ જરાસંધને કોઈ પરાજિત કરી શક્યું ન હતું. જ્યારે યુધિષ્ઠિરે સાંભળ્યું કે હજુ સુધી જરાસંધ પર વિજય મેળવી શકાયો નથી ત્યારે તેઓ ચિંતામાં પડ્યા અને તેઓએ શ્રીકૃષ્ણને તેને હરાવવાનો ઉપાય પૂછ્યો.

જરાસંધની કથા :

ઉપાય બતાવતા પહેલાં શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને જરાસંધના જન્મની કથા સંભળાવી. તેઓએ કહ્યું, ‘મગધ દેશમાં બૃહદ્રથ નામે એક પ્રસિદ્ધ અને વીર રાજા રાજ્ય કરતો હતો. ઘણો સમય વીતી ગયો છતાં પણ તેને ત્યાં કોઈ સંતાન ન હતું. એક દિવસ વનમાં તેમની મુલાકાત ચંડકૌશિક નામના મુનિ સાથે થઈ. સંતાન ન હોવાના કારણે રાજા અત્યંત દુ :ખી હતા અને તેઓએ મુનિને સંતાન-પ્રાપ્તિનો ઉપાય પૂછ્યો. મુનિએ તેમને એક ફળ આપ્યું અને કહ્યું, ‘આ ફળ ખાવાથી તમારી પત્ની એક મહાન પરાક્રમી, યશસ્વી અને શિવભક્ત પુત્રને જન્મ આપશે.’ રાજાને બે પત્નીઓ હતી. તેથી રાજાએ તે ફળ કાપીને તેના અડધા અડધા ભાગ બે રાણીઓને આપ્યા. યથા સમયે બન્ને રાણીઓએ અડધા અડધા બાળકને જન્મ આપ્યો. પ્રત્યેક ભાગમાં એક આંખ, એક હાથ, એક પગ, અડધું પેટ વગેરે હતાં. રાજા તે અડધાં શરીરોને જોઈને અત્યંત વ્યાકુળ થઈ ગયા અને ભયભીત થઈને તેમણે તે બે ભાગને પોતાના નગરના ચોકમાં ફેંકાવ્યા.

તે નગરની બહાર જરા નામની એક રાક્ષસી રહેતી હતી. તે રાત્રે નગરમાં પેસીને જે કંઈ પણ મળી જાય તેને ખાઈને પોતાના પ્રાણ ટકાવી રાખતી હતી. એ દિવસે રાત્રે તેણે તે નવજાત બાળકને અડધા શરીરોમાં જોયું. તેણે પોતાની શક્તિથી તે બન્ને અડધાં શરીરોને આસાનીથી જોડી દીધાં. બન્ને હિસ્સાઓએ જોડાઈને એક સુંદર બાળકનું રૂપ ધારણ કર્યું અને તે બાળકમાં પ્રાણનો સંચાર થતાં રડવા પણ લાગ્યું! જરા રાક્ષસીએ એક સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને તે બાળકને લઈને બૃહદ્રથના દરબારમાં ગઈ. તેણે ત્યાં રાજાને તેમનો પુત્ર પાછો સોંપી દીધો. જ્યારે રાજાએ જરા રાક્ષસી પાસેથી સમગ્ર ઘટના સાંભળી ત્યારે તેમને આશ્ચર્ય અને પ્રસન્નતા થયાં. તેઓએ પોતાના પુત્રને જરાસંધ અર્થાત્ ‘જરા દ્વારા જોડાયેલ’ એવું નામ આપ્યું. હવે તે જ જરાસંધ ભગવાન શિવ પાસેથી વરદાન પ્રાપ્ત કરીને એક અત્યંત પરાક્રમી રાજા બની ગયો છે.’ (ક્રમશ 🙂

Total Views: 255

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.