વેદ અત્યંત પ્રાચીનતમ સાહિત્ય છે. માનવસમાજના કલ્યાણ માટેની પૂર્ણ આચારસંહિતા જે સંસ્કૃતિમાં બનાવવામાં આવી છે તેનો મૂળ આધાર છે વેદો !

सा नो भूतस्य भव्यस्य पत्न्युरुं लोकं पृथिवी नः कृणोतु ।।
सत्यं बृहद् ऋतमुग्रं दीक्षा तपो ब्रह्म यज्ञः पृथ्वीं धारयन्ति।

અર્થાત્ – સત્યનિષ્ઠા, વિસ્તૃત યથાર્થબોધ, ઉગ્રતા, દીક્ષા, તપશ્ચર્યા, બ્રહ્મશક્તિ અને યજ્ઞ વગેરે ભાવો માતૃભૂમિનું પાલન, પોષણ અને સંરક્ષણ કરે છે. ભૂતકાલીન અને ભવિષ્યમાં થનાર બધા જીવોનું પાલન કરનારી માતૃભૂમિ અમને વિસ્તૃત સ્થાન પ્રદાન કરે એવી આપણા ઋષિઓ પ્રાર્થના કરે છે. આ સાત મહાશક્તિઓ દ્વારા ધારણ કરવામાં આવેલી હે માતૃભૂમિ! અમને વિસ્તૃત પ્રકાશ આપ, જીવનને જ્યોતિર્મય કર. મા ! પ્રગતિ, ઉન્નતિ તથા વિકાસના માર્ગે અગ્રેસર કર! રાષ્ટ્રનું નિર્માણ કરતી આ સાત મહાશક્તિઓ અમને પ્રદાન કર.

વેદો દ્વારા આપણને નિર્દેશ કરવામાં આવ્યો છે કે રાષ્ટ્રનિર્માણ કરનારાઓ માટે જરૂરી છે કે તેઓ મન, વચન અને કર્મથી રાષ્ટ્રમાં એકતા, સમતા સ્થાપિત કરે જેનાથી કોઈપણ પ્રકારનો પારસ્પરિક વિરોધ ઊભો ન થાય. આથી જ અથર્વવેદમાં કહેવાયું છે – ‘હે વિદ્વાનો! એ ઉચિત છે કે તમે તમારા ગુણો અને કર્મોથી રાષ્ટ્રની એકતા તથા સમતા સ્થાપિત કરો, અર્થાત્ બધા મળીને કર્મ કરો.’ ઋગ્વેદના એક મંત્રમાં કહેવાયું છે, ‘હે મનુષ્યો! તમે બધા પરસ્પર મળીને એક જ દિશામાં ચાલો. તમે બધા એક સાથે ચાલો. તમે બધા પ્રેમપૂર્વક મળીને સમાન વચનો બોલો એટલે કે એક જેવું બોલો. તમે બધા એક જ્ઞાનવાળા થાઓ’. તેની આગળની અનેક ઋચાઓમાં ઉલ્લેખ છે – ‘હે મનુષ્યો ! તમારા બધાની મંત્રણા એટલે કે વિચારો એક સમાન હોય. તમારા બધાનું ધ્યેય એક સમાન હોય. તેમાં પરસ્પર કોઈ વિરોધ ન હોય. તમારી સભા, સમિતિ અને સન્માન એક જ હોય, સૌમ્યભાવ હોય. ચિત્ત એક સમાન ઉદ્દેશવાળું હોય એટલે કે મન, ચિત્ત, સંકલ્પ અને હૃદય એક સમાન હોય. ઈશ્વર તમને બધાને એક સમાન વિચારવાળા બનાવે છે અને એક સમાન અન્ન આપે છે. આથી તમારા બધાની કરુણા એક સમાન હોય.’ (ઋગ્વેદ -૧૦.૧૯૧.૩.૪) આ મંત્રનો સદુપદેશ છે ‘મનુષ્યોના આચાર-વિચારમાં એકતા હોવી જોઈએ.’ એથી રાષ્ટ્રિય એકીકરણની શુભ વૃત્તિ ઉત્પન્ન થશે. વૈદિક સજીવ સંસ્કૃતિ સાથે મળીને રાષ્ટ્રિય ઉત્થાન કરવાની સલાહ આપે છે જેનાથી સૌનું હિત થાય.

‘વયમ્ રાષ્ટ્રે જાગૃયામ પુરોહિતા :’ ( યજુ. ૯ /૨૩ ) એટલે કે સહુના હિતકારી એવા આપણે બધાનું સુખ તથા કલ્યાણ કરતા રહેવાની ભાવનાથી હળીમળીને સતત રાષ્ટ્રનું સંવર્ધન કરીએ. આનાથી રાષ્ટ્રિય એકીકરણની ભાવના સુદૃઢ બનશે.

વેદોને અપૌરુષેય કહેવામાં આવ્યા છે. ભારતીય ધર્મ, સંસ્કૃતિ તથા સમતાનું ભવ્ય ભવન જે દૃઢ આધારશિલા પર ઊભું છે તેને વેદના નામે ઓળખવામાં આવે છે. ભારતીય આચારવિચાર, રહેણીકરણી તથા ધર્મ-કર્મને સારી રીતે સમજવા વેદજ્ઞાન અત્યંત જરૂરી છે. સંપૂર્ણ ધર્મ-કર્મનું મૂળ તથા યથાર્થ કર્તવ્ય-ધર્મની જિજ્ઞાસા ધરાવતા લોકો માટે વેદ સર્વશ્રેષ્ઠ પ્રમાણ છે.

ભારતીય પરંપરા વેદોને સર્વજ્ઞાનમય હોવાની ઘોષણા કરે છે. ‘ભૂતમ્ ભવ્યમ્ ભવિષ્યમ્ સર્વં વેદાત્ પ્રસિધ્યતિ’ (મનુ -૧૨.૯૭) એટલે કે ભૂત, વર્તમાન અને ભવિષ્યના સર્વ જ્ઞાનનો આધાર વેદ છે. આચાર્ય સાયણે કૃષ્ણ યજુર્વેદની તૈત્તિરીય સંહિતાના ઉપોદ્ઘાતમાં સ્વયં લખ્યું છે, ‘પ્રત્યક્ષ અથવા અનુમાન પ્રમાણથી જે તત્ત્વ (વિષય)નું જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું ન હોય, તેનું જ્ઞાન પણ વેદો દ્વારા થઈ જાય છે.’ આ જ વેદોનું વેદત્વ છે.

ભારતના સૌથી પ્રાચીન ગ્રંથ વેદમાં રાષ્ટ્રની ઘણી જીવંત અવધારણા જોવા મળે છે. યજુર્વેદ (૧૦.૪)માં પરમાત્માને રાષ્ટ્ર માટે પ્રાર્થના કરતાં કહેવામાં આવ્યું છે કે ‘તમે રાષ્ટ્રદાતા છો, મને રાષ્ટ્ર આપો. તમે ઓજસ્વી અને રાષ્ટ્રદાતા છો. મને રાષ્ટ્ર આપો. તમે જનતાના પાલક અને રાષ્ટ્રદાતા છો. મને રાષ્ટ્ર આપો. તમે સંસારના પાલક અને રાષ્ટ્રદાતા છો. મને રાષ્ટ્ર આપો. તમે બળવાન સેનાવાળા અને રાષ્ટ્રદાતા છો. મને રાષ્ટ્ર આપો. તમે અત્યંત બળવાન અને રાષ્ટ્રદાતા છો. મને રાષ્ટ્ર આપો. તમે સૂર્ય સમાન તેજસ્વી અને રાષ્ટ્રદાતા છો. મને રાષ્ટ્ર આપો, … વગેરે’

રાષ્ટ્રની અવધારણા તથા તેને શ્રેષ્ઠ અને સમુન્નત બનાવવાની પ્રક્રિયા વેદમાં તેની સાંકેતિક શબ્દાવલીમાં આવી રીતે વ્યક્ત કરવામાં આવી છે – ‘આત્મજ્ઞાની ઋષિઓએ જગતકલ્યાણ કરવાની ઇચ્છાથી સૃષ્ટિનાં પ્રારંભમાં જ દીક્ષા લઈને તપ કર્યું. તેનાથી રાષ્ટ્રનિર્માણ થયું. રાષ્ટ્રિય બળ અને ઓજ પણ પ્રગટ થયું. આવી રીતે બનેલા રાષ્ટ્ર પ્રત્યે શ્રદ્ધા તથા ભાવનાઓ સમર્પિત થઈ. અને રાષ્ટ્રની ભાવનાને અભિવ્યક્ત કરવામાં આવી.’ (અથર્વવેદ -૧૯/૪૧/૧).

પશ્ચિમના વિચારકોની દૃષ્ટિએ રાષ્ટ્ર અને સ્વરાજ્ય જેવી અવધારણાઓ હમણાં થોડાં વર્ષોમાં વિકસિત થઈ હોવાનું માનવામાં આવે છે. પરંતુ વેદોના દ્રષ્ટા ઋષિઓએ હજારો વર્ષ પૂર્વે ગરિમાપૂર્વક રજૂ કરી છે.

અથર્વવેદ (૩.૮.૧) અથાસ્મભ્યં વરુણો.. બૃહદ રાષ્ટ્રં સંવેશ્ય દધાતુ !- હે સર્વ શક્તિમાન ! અમને વિશાળ, મહાન અને આદર્શ રાષ્ટ્ર પ્રદાન કરો.’ ઋષિઓ અનુભવ કરે છે કે સમર્થતા માટે રાષ્ટ્ર એક વિશાળ એકમરૂપ હોવું જોઈએ, ટુકડામાં વહેંચાયેલું નહીં. રાષ્ટ્ર સમર્થ તથા આદર્શનિષ્ઠ હશે તો તેનો લાભ તેના નાના નાના એકમોને પ્રાપ્ત થશે. આથી જ કોઈ વ્યક્તિ કે વર્ગના બદલે સમગ્ર રાષ્ટ્રને આદર્શ અને મહાન બનાવવાની પ્રાર્થના કરવામાં આવી છે.

શુદ્ધ કમાણીનો જ ઉપયોગ : રમન્તાં પુણ્યા લક્ષ્મીર્યા : પાપીસ્તા અન્તનશમ્ ! (અથર્વવેદ ૭.૧૨૦.૪) એટલે કે પુણ્યથી કમાયેલું ધન જ સુખ આપે છે. જે પાપયુક્ત ધન છે તેનો હું નાશ કરનારો બનું. ભારતીય સંસ્કૃતિ આપણને પોતાના ઉપર અનુશાસન કરવાનું શીખવે છે. તે અનુશાસન પોલીસ કે સૈન્યની જેમ બહારથી લાદવામાં આવેલું નથી. પરંતુ પ્રેમ, સત્ય અને નીતિનું અનુશાસન છે. ન્યાય, પ્રેમ અને સત્ય આ બધી કાયમ, સનાતન અને એક સરખી રહેતી વિદ્યાઓ છે. તે પ્રમાણે વાત, ઉક્તિ કે માર્ગ આજે સત્ય છે તે સદાય સત્ય રહેવાનાં છે. કોઈ અનુચિત કામના, ઇચ્છા, વાસના, તૃષ્ણા વગેરેને ક્યારેય વધવા ન દેવાં જોઈએ, નહિતર જીવ વધુ ને વધુ બંધનમાં બંધાતો જશે. આથી આ સંસ્કૃતિમાં ત્યાગ અને પરોપકારનું ખૂબ જ મહત્ત્વ છે. સાચા પરિશ્રમ અને ઇમાનદારીથી જે કાંઈ મળે તેના પર નિર્વાહ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

વયમ્ રાષ્ટ્રે જાગૃતામ્ પુરોહિતા :! (યજુર્વેદ ૯/૨૩)અમે રાષ્ટ્રના પુરોહિતો (પ્રગતિશીલ, હિત ઇચ્છનાર) રાષ્ટ્રને જાગૃત તથા જીવંત બનાવી રાખીશું. ‘તતો રાષ્ટ્રમ્ બલમોજશ્ચ જાતમ્’ (અથર્વવેદ ૧૯/૪૧/૧), ‘તે ઋષિઓનાં તપ અને દીક્ષાથી રાષ્ટ્ર, બળ અને ઓજનો વિકાસ થયો.’ ઋષિ સંશોધનાત્મક દૃષ્ટિકોણવાળા એવા પ્રતિભાશાળી વ્યક્તિત્વવાળા હોય છે, જેઓ પૂર્ણપણે લોકહિત માટે સમર્પિત રહે છે. આવી પ્રતિભાશાળી વ્યક્તિઓ જ્યારે તપ-સાધના કરે છે, એટલે કે ઉચ્ચ ઉદ્દેશ્યો માટે કષ્ટસાધ્ય પુરુષાર્થ કરે છે અને જન જનને શ્રેષ્ઠ માર્ગ પર ચાલવા માટે દીક્ષિત કરે છે, ત્યારે રાષ્ટ્રિયભાવ પરિપુષ્ટ બને છે તથા નાગરિકોમાં બળ અને ઓજસ વધે છે.

‘વ્યચિષ્ઠે બહુપાય્ય યતેમહિ સ્વરાજ્યે મ’(ઋગ્વેદ ૫.૬૬.૬) અમે સ્વરાજ્ય માટે ઉપાય અને ચેષ્ટા કરીએ. તે ખૂબ વ્યાપક અને બહુજનો દ્વારા રક્ષણીય છે. ઋષિ ખૂબ સ્પષ્ટ નિર્દેશ કરે છે કે સ્વરાજ્ય માટે દરેક પ્રકારની ચેષ્ટા તથા ઉપાયો કરવા જોઈએ. પરાધીન વ્યક્તિ બીજા દ્વારા પ્રેરિત – પ્રતાડિત કરવાથી કાર્ય કરે તો ક્ષમ્ય છે. સ્વરાજ્યવાળાઓએ સ્વ-પ્રેરિત થઈને જ સાચી દિશામાં પ્રયાસ-પુરુષાર્થ કરવો જોઈએ. તેના માટે પ્રત્યેક દિવસનો ઉપયોગ રાષ્ટ્રહિતમાં કરવાની પ્રેરણા આપે છે.

ભદ્રાહમસ્મૈ પ્રાયચ્છન્ ઇદં રાષ્ટ્રમસા દિતિ (અથર્વવેદ ૬.૧૨૮.૧) ‘આ રાષ્ટ્ર ઉન્નતિશીલ બને તે માટે અમને આ શુભ દિવસ મળ્યો છે.’ વેદ અનુસાર દરેક દિવસના ઉપયોગનું મૂલ્યાંકન રોજ સવારે કરવું યોગ્ય છે કે તેનાથી રાષ્ટ્રની કેટલી ઉન્નતિ થઈ તે સમજાય. સાથોસાથ તેઓ રાષ્ટ્રના રક્ષણ અને પુષ્ટિ માટે રાષ્ટ્રને તેના શત્રુઓથી મુક્ત કરવા અને શ્રી-સમૃદ્ધિ વધારવા પણ જરૂરી સમજે છે.

‘રાષ્ટ્રભૃત્યાય પર્યુહામિ શત શરદાય મ’ (અથર્વવેદ ૧૯.૩૭.૩). ‘રાષ્ટ્રસેવા તથા શતાયુ પ્રાપ્ત કરવા માટે હું મારી જાતને દૃઢ બનાવું છું’. પોતાના માટે સો વર્ષના આયુષ્યની કામનાની સાથે રાષ્ટ્રસેવાની પણ કામના કરવામાં આવી છે. આવા શ્રેષ્ઠ સંકલ્પવાનો માટે ઋષિઓ પોતાના આશીર્વાદ પણ આપે છે. ‘વિશ્વં પુષ્ટં ગ્રામે અસ્મિન્નનાતુમ્ મ’ (યજુર્વેદ ૧૬ . ૪૮)

‘આ ગામમાં સૌ હૃષ્ટપુષ્ટ ને નિરોગી હોય.’

ઋષિ ઇચ્છે છે કે સૌ નાના નાના એકમો દોષ મુક્ત હોય. દરેક ગામ રોગ રહિત, પરિપુષ્ટ વિશ્વના સુદૃઢ એકમરૂપે વિકસિત-સ્થાપિત થાય. રાષ્ટ્રની સાથે ભાવનાત્મક સંબંધ અન્ય વિચારધારાઓએ પણ જોડ્યો છે. માતૃભૂમિની જેમ મધરલેન્ડ, માદરેવતન જેવાં ભાવભર્યાં સંબોધનો મળે છે. ભારતીય ઋષિઓએ આ ભાવનાત્મક સંબંધોને જે ગરિમા બક્ષી છે તે ‘ભારત’ સુધી જ સીમિત નથી પરંતુ સમગ્ર વિશ્વ-વસુધા તેની સીમામાં આવે છે.

‘સા પ્રથમા સંસ્કૃતિર્વિશ્વવાહા’ એટલે આ પ્રથમ સંસ્કૃતિ છે જે વિશ્વવ્યાપી છે. સંભવ છે કે સૃષ્ટિના પ્રારંભમાં આવી નાની મોટી સંસ્કૃતિઓનો ઉદય થયો હોય, જે કોઈ વિશેષ વર્ગ કે ક્ષેત્ર માટે જ ઉપયોગી રહી હોય, જ્યારે વિભિન્ન ભૂ-ભાગો સાથેના સંબંધ ગાઢ થયા ત્યારે વિશ્વ સંસ્કૃતિની જરૂરિયાત જણાઈ હશે. આ દિશામાં થયેલા પ્રયાસોની અંતર્ગત ભારતીય ઋષિઓએ એવી સંસ્કૃતિ વિકસિત કરી જેને વિશ્વ-સંસ્કૃતિ કહી શકાય.

સમય પરિવર્તનની સાથે વિદેશી આક્રમણોના તબક્કામાં શાસકોએ પોતાના પરાધીનતાના સકંજાને કાયમી રાખવા માટે રાજનૈતિક, સામ, દામ, દંડ, ભેદ કરતાં પણ વધારે પ્રયત્ન ભાવનાત્મક ગુલામીને સ્વીકાર કરાવવા માટે કરતા રહ્યા. તેના માટે તત્ત્વદર્શનને ભ્રષ્ટ, વિકૃત અને બિનોપયોગી બનાવવા માટે પંડિતો અને સાધુઓ દ્વારા અનેક પ્રકારની ભ્રાંતિઓ ઉપજાવી કાઢવામાં આવી, જે વ્યક્તિને દિશા-ભ્રમિત કરી શકે. શાસકે એવું વિચાર્યું હશે કે અનાચાર વિરુદ્ધ સંગઠિત રીતે વિદ્રોહ ઊભો ન થાય, એટલે ભાગ્યવાદ , સંતોષની મહત્તા, ઈશ્વરની ઇચ્છા, પલાયનવાદ, માયાવાદ, કર્મસંન્યાસ જેવાં તથ્યોને તોડીમરોડીને જનમાનસને મૂર્છિત અને કાયર બનાવી દેવામાં આવે. વિદેશી શાસકો દ્વારા કરવામાં આવેલા પ્રયાસોથી સંસ્કૃતિનાં સૂત્રોને સારું એવું નુકસાન થયું છે. માટે જ તો દયાનંદ સરસ્વતીએ કહ્યું છે કે, ‘વેદો તરફ પાછા વળો.’ આપણે જો આપણા રાષ્ટ્રને સાચો પ્રેમ કરતા હોઈએ તો રાષ્ટ્રભાવના વિકસાવવા વેદોનું અને પુરાણોનું અધ્યયન કરવું જરૂરી છે. રાષ્ટ્ર શું છે ? અને તેની મહત્તા શું છે ? તે આપણને સમજાઈ જશે.

Total Views: 344

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.