૭. ગદાધરનો વિદ્યારંભ

ગદાધરની વય વધવાની સાથે સાથે અદ્‌ભુત મેધા અને પ્રતિભાના થતા જતા વિકાસને ખુદીરામ વિસ્મય અને આનંદપૂર્વક અવલોકતા રહ્યા. ચંચળ બાળકને ખોળે બેસાડીને જ્યારે તેઓ પોતાના પૂર્વજોની વંશાવળી, દેવદેવીનાં નાનાં નાનાં સ્તોત્રો, પ્રણામ મંત્રો કે પછી રામાયણ મહાભારતમાંથી કોઈક અવનવાં આખ્યાનો સંભળાવતા ત્યારે એ બધું સાંભળીને એને મોટાભાગનું યાદ રહી જતું ! વળી કેટલાયે દિવસો પછી એને પૂછતા તો જણાતું કે સાંભળેલું બધું તે બરાબર રીતે ફરીવાર બોલી પણ શકતો ! સાથે સાથે એમની જાણમાં એ બાબત પણ આવી કે બાળક કેટલાક વિષયો ચીવટપૂર્વક શીખી જતો ને યાદ રાખતો તો વળી બીજા કેટલાક વિષયો તરફ સહેજે મન દેતો નહિ. હજાર ઉપાયે પણ એ બધા ઉપર એને રુચિ જાગતી જ નહિ. ગણિતમાં આંકના પાડા શીખવવા જતાં એમને આ વિશેનો સાધારણ ખ્યાલ આવતાં એમણે વિચારેલું કે ચંચળ મતિવાળા બાળકને આટલી નાની ઉંમરે એ બધું શિખવાડવા માટે દબાણ કરવું જરૂરી નથી. પરંતુ એની એ ચંચળતા વધતી જાય છે તેમ જોઈને એમણે પાંચમે વર્ષે જ એના વિદ્યાના શ્રીગણેશ વિધિવત્ મંડાવી દીધા અને એને નિશાળે મોકલવા માંડ્યો. ત્યાં સરખેસરખા ગોઠિયાઓ મળતાં ગદાધરને વધુ આનંદ થયો અને પોતાની હેતભરી રીતભાતથી જોતજોતામાં સહુ છોકરાઓને અને શિક્ષકોને વહાલો થઈ પડ્યો.

૮. લાહાબાબુની પાઠશાળા

ગામના જમીનદાર લાહાબાબુના ઘરની સામે આવેલા વિશાળ નાટયમંડળમાં નિશાળ બેસતી અને ઘણો ખરો ખર્ચાે પોતે જ ભોગવી લઈને એમણે એક શિક્ષક નીમેલા તે લાહાકુટુંબના અને આસપાસનાં ઘરનાં બાળકોને ભણાવતા. આમ એક રીતે જોતાં લાહાબાબુએ જ ગામનાં છોકરાઓના કલ્યાણ માટે પાઠશાળા સ્થાપેલી હતી અને તે ખુદીરામના ઘરની પાસે જ આવેલી હતી. સવારમાં અને ઢળતા બપોરે એમ બે વાર નિશાળ ઊઘડતી. વિદ્યાર્થીઓ સવારમાં આવીને બે-ત્રણ કલાક ભણતા અને પછી નહાવા ખાવા પોતપોતાને ઘેર ચાલ્યા જતા. બપોરે ત્રણ ચાર વાગે ફરી પાછાં ભેગાં થઈને સાંજ પડતાં સુધી ભણીને ઘેર પાછાં ફરતાં. અલબત્ત, ગદાધર જેટલાં સાવ નાનાં બાળકોને આટલો લાંબો સમય ભણવું પડતું નહોતું, પણ તે છતાં ત્યાં હાજરી તો ભરવી પડતી. એટલે પાઠને સમયે પાઠ કરીને પછી છોકરાંઓ ત્યાં જ બેસી રહેતાં કે પછી ક્યારેક ભાઈબંધો સાથે આજુબાજુમાં રમ્યા કરતાં. નિશાળના મોટા છોકરાઓ વળી નવા આવેલા છોકરાઓને ભણાવી લેતા અને ચાલી ગયેલા પાઠોનો રોજ અભ્યાસ કરે છે કે નહિ તે પણ તપાસી લેતા.

આમ ફક્ત એક જ શિક્ષક હોવા છતાં નિશાળનું કામ સારી રીતે ચાલ્યા કરતું. ગદાધર જ્યારે પહેલવહેલા નિશાળે બેઠા ત્યારે શ્રી જદુનાથ સરકાર ત્યાં શિક્ષક તરીકે હતા. તે પછી કંઈક કારણવશાત્ તેઓ ત્યાંથી છૂટા થયા અને તેમને સ્થાને શ્રી રાજેન્દ્રનાથ સરકારની નિમણૂક થતાં તેમણે શાળાની જવાબદારી સંભાળી લીધી.

૯. બાળકના અદ્‌ભુત ચરિત્ર સંબંધે ખુદીરામને ખ્યાલ આવવો

બાળકના જન્મ પહેલાં એના મહાન જીવનની એંધાણી આપતાં જે બધાં અદ્‌ભુત સ્વપ્નો, દર્શનો વગેરે ખુદીરામને થયેલાં તે સદાને માટે એમના મન ઉપર દૃઢ રીતે અંકાઈ ગયેલાં અને તેથી બાલસુલભ ચંચળતાને કારણે ગદાધર કોઈવાર કંઈક તોફાન મસ્તી કરે છે એમ જુએ તો તેને એમ નહિ કરવા માટે ધીમે રહીને સમજાવતા પણ ક્યારે ય કઠોર થઈને શિક્ષા કરી શકતા નહિ. કારણ કે સહુનાં લાડપ્યાર પામીને હોય કે પછી પોતાના સ્વભાવ ગુણને લીધે હોય, પણ બાળકની કહ્યું ના સાંભળવાની વૃત્તિ ખુદીરામના ધ્યાનમાં વખતોવખત આવતી, પરંતુ એને માટે બીજાં મા-બાપોની જેમ ક્યારે ય મારપીટ કરવાની વાત તો દૂર રહી, પણ ઊલટાનું તેઓ વિચારતા કે આ જ સ્વભાવ ભવિષ્યમાં બાળકને માટે ઉન્નતિકારક નીવડશે. અને આવી રીતે વિચારવા માટે પૂરતું કારણ પણ હતું. કારણ કે તેઓ જોતા કે મસ્તીખોર બાળક ક્યારેક ક્યારેક નિશાળે જવાને બદલે ભાઈબંધોની જોડે ગામને પાદર ખેલ્યાકૂદ્યા કરતો કે પછી કોઈને પણ કહ્યા વગર નજીકમાં ક્યાંક નાટ્યાત્મક ભજનો સાંભળવા જતો રહેતો, એ બધી વાત ખરી, પણ એમના જોવામાં એમ પણ આવેલું કે તે જ્યારે જે કોઈ વાત મન પર લે તેને પૂરી પાડે નહિ ત્યાં સુધી જંપતો નહિ અને ખોટું બોલીને પોતે કરેલું એકે ય કામ ઢાંકવાનો પ્રયત્ન કરતો નહિ. વળી સૌથી મોટી વાત તો એ હતી કે એનું પ્રેમાળ હૃદય એને ક્યારે ય કોઈનું પણ અનિષ્ટ કરવા પ્રેરતું નહિ. આમ હોવા છતાં પણ એક બાબતની થોડીક ચિંતા ખુદીરામને રહેતી. એમણે જોયેલું કે કાંઈ પણ કરવું જોઈએ કે ના કરવું જોઈએ એ વિશેની વાત જો એના પોતાના મનમાં ઊતરી જાય એવી રીતે કહેવામાં ના આવે, તો એ મુજબ માની લઈને ચાલવાની વાત તો દૂર રહી પણ ઊલટાનું એનાથી અવળું જ આચરણ બાળક હંમેશાં કરી બેસતો. એના મૂળમાં બધી વાતનું કારણ જાણવાની એની જિજ્ઞાસા રહેલી હતી એ વાત સાચી, પણ વ્યવહારની દુનિયામાં બધે એનાથી અવળી જ રીતનું ચલણ જોઈને ખુદીરામ વિચારતા કે દરેક વાતનું એવી રીતે કારણ બતાવીને આ બાળકના કુતૂહલને કોઈ સંતોષવાનું નથી અને પરિણામે સંભવ છે કે ઘણીયે વાર આ છોકરો સારા રિવાજોને પણ ઠોકરે મારીને ચાલશે. એ જ ગાળામાં બનેલી એક નાનકડી ઘટનાને પરિણામે ખુદીરામના મનમાં બાળક માટે આવી જાતની ચિંતા ઉપજેલી અને ત્યાંથી તેમણે એના મનની આવી જાતની પ્રકૃતિ છે એમ જાણીને એને વિશેષ કાળજીપૂર્વક શીખવવાનું શરૂ કર્યું. વાત એમ બનેલી કે –

૧૦. એ ઘટના

ખુદીરામના ઘરને લગભગ પડખે જ હાલદારપુકુર નામનું મોટું તળાવ આવેલું. ગામના સહુ લોકો એના સ્વચ્છ પાણીને નહાવાના, પીવાના, રાંધવાના કામમાં લેતા. સ્ત્રીઓ અને પુરુષોને નહાવા માટેના બે અલગ અલગ ઘાટ હતા. ગદાધર જેવડા નાના છોકરાઓ નહાવા માટે ઘણીવાર સ્ત્રીઓના ઘાટે જતા. એક દિવસે બે-ચાર ભાઈબંધોની સાથે ગદાધરે એ ઘાટે નહાવા પહોંચીને પાણીમાં ધૂબકા મારી મારીને તરતાં ભારે ધમાલ મચાવવી શરૂ કરી. સંધ્યા-આહ્નિક કર્મ કરી રહેલી મોટી ઉંમરની મહિલાઓને ડીલે પાણીના છાંટા ઊડવાથી છોકરાઓને વાર્યા પણ એ લોકો મસ્તી કરતાં અટક્યા નહિ. એટલે એમાંની એક આધેડ સ્ત્રી ગુસ્સે થઈ જઈને એમને ધમકાવવા લાગી, તમે લોકો આ ઘાટે શું કામ આવો છો ? પુરુષોના ઘાટે નથી જવાતું ? આ ઘાટે સ્ત્રીઓ નહાઈ-ધોઈને પોતાનાં કપડાં લત્તાં ધુએ કરે, એમને ઉઘાડે ડીલે જોવાય નહિ, એટલી ખબર છે કે નહિ ?’ ગદાધરે સામો પ્રશ્ન કર્યાે, ‘શું કરવા ના જોવાય ?’ આવું સાંભળીને એની સમજમાં ઊતરે એવું કારણ બતાવવાને બદલે એ બધી એમને વધારે વઢવા લાગી. આ સ્ત્રીઓ ગુસ્સે થઈ ગયેલી છે અને ઘેર માતપિતાને કહી દેશે એમ વિચારીને ઘણાખરા છોકરાઓ ત્યાંથી આઘાપાછા થઈ ગયા. પણ ગદાધરે એના મનમાં કાંઈક બીજો જ ઘાટ ઘડ્યો. બે ત્રણ દિવસ લગી સ્ત્રીઓને નહાવાને સમયે તળાવની ધારે આવેલા ઝાડની ઓથે સંતાઈ રહીને એમના ભણી જોવા લાગ્યો. પછી પેલી આધેડ મહિલાનો ભેટો થતાં એને કહ્યું કે ‘પરમ દિવસે ચાર સ્ત્રીઓને, કાલે છ જણીને અને આજે આઠને નહાતી વખતે દીઠી છે, પણ મને તો કશું યે થયું નથી.’ એ સ્ત્રીએ ચંદ્રાદેવીની પાસે જઈને એની વાત હસતાં હસતાં કહી દીધી. એટલે ગદાધર પોતાની પાસે આવ્યો ત્યારે મોકો મળતાં ચંદ્રાદેવીએ મીઠા શબ્દોમાં સમજાવતાં કહ્યું કે ‘એ પ્રમાણે કરવાથી તને તો કશું ના થાય, પણ સ્ત્રીઓને પોતાનું બહુ મોટું અપમાન થયેલું લાગે. એ બધી મારા સમાન, એમનું અપમાન કરવાથી મારું જ અપમાન થાય. એટલે હવે પછી એ રીતે ક્યારેય એમના સમ્માનને ઠેસ ના પહોંચાડીશ. એમના અને મારા મનને દુ :ખ પહોંચાડવું, તે કાંઈ સારું કહેવાય ?’ એનાથી બાળક પણ સમજી ગયો અને તે પછી એણે એવું વર્તન ફરી ક્યારે પણ કર્યું નહિ. (ક્રમશ 🙂

Total Views: 343

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.