(માર્ચ ૨૦૨૧ થી આગળ)
૧૫ સપ્ટેમ્બરની સાંજે મહારાજે શ્રીશ્રીમા અને બ્રહ્માનંદજી સાથે સંકળાયેલી સ્મૃતિઓની વાત કરી. ૧૬મી તારીખે બાબુરામ મહારાજ, લાટુ મહારાજ અને હરિ મહારાજની વાતો કરી. ૧૭ સપ્ટેમ્બરે મહાપુરુષ મહારાજની સ્મૃતિકથા વાગોળી અને ૧૮મી એ વેદાંત એટલે શું એ વિષય પર સુંદર વ્યાખ્યાન આપ્યું. તેમણે આપેલાં બધાં જ પ્રવચનોનું અમે વિડીયો રેકોર્ડિંગ કરી રાખ્યું છે. પાછળથી મહારાજને વિનોદ સાથે કહ્યું, ‘મહારાજ! હવે અમે તમને વેચીને રૂપિયા રળીયે છીએ.’ ‘એ કેવી રીતે?’ – તેમણે પૂછ્યું. મેં કહ્યું, ‘ઘણા લોકો તમારી ટેપ ખરીદે છે.’ તેઓ હસવા લાગ્યા.
બ્રેકફાસ્ટમાં અમે તેમને નવ-દસ પ્રકારનાં ફળો સજાવીને આપતા. ભક્તવૃંદ પણ કેટલીય પ્રકારની વાનગી તૈયાર કરી લઈ આવતું. મહારાજ મીઠું-દહીં ખૂબ પસંદ કરતા. મેં એક દિવસે બરાબર દૂધ ઉકાળી, સારુ એવું ઘટ્ટ બનાવી તેમાં ખાંડ ભેળવીને દહીંનું જામણ નાખ્યું. પરંતુ બીજા દિવસે દહીં બરાબર જામ્યું નહીં. કેમ કે પેલું જામેલ દહીં જોઈએ તેવું ખાટું હતું નહીં. પછી તો ઓવન ગરમ કરીને દહીં તેમાં મૂક્યું, તો માંડ ત્રીજા ભાગનું દહીં જામ્યું. મહારાજને કહ્યું, ‘મારા દહીંનું તો ભૂગોળ થઈ ગયું છે, એટલે કે એક ભાગ જમીન અને બે ભાગ પાણી. દહીં જામ્યું નથી.’ તેઓ બોલ્યા, ‘ખૂબ સરસ થયું છે. સ્વાદ તો બરાબર જ છે.’ એમને જોઈને થતું, સંતુષ્ટ : સતતં યોગી. બીજા દિવસે એક બંગાળી ભક્ત ખૂબ મજાનું દહીં લઈ આવ્યા.
૧૭ સપ્ટેમ્બરે મહારાજને કહ્યું, ‘આજે તમને ‘ગ્રેટેસ્ટ શો ઓન અર્થ’ દેખાડીશ. રિંગલીંગ બ્રધર્સ એન્ડ બાર્નામ બેઈલી સર્કસ – જે રિંગનું સૌથી પ્રસિદ્ધ સર્કસ છે.’ અમારા સેક્રેટરી મહારાજે સૌથી મોંઘી હોય તેવી ચાર ટિકિટ ખરીદી. મહારાજને લઈને નિત્યમુક્તાનંદ, બ્રહ્મચારી નીલ અને હું એરિનામાં બેસવા માટે ગયા. અર્ધું જોયું ત્યાં મહારાજ બોલ્યા, ‘ચાલો, હવે આશ્રમ પાછા ફરી જઈએ.’ તેમણે કેમ આખું સર્કસ ન જોયું, મને કહ્યું નહીં. મને થયું કે કદાચ સર્કસમાં કામ કરતી છોકરીઓને ટૂંકાં કપડાંમાં જોવી ગમી નહીં હોય.
ડો. જિતેન ગુપ્તે મહારાજના સ્વાસ્થ્યનું ખૂબ બારિકાઈથી નિરીક્ષણ કર્યું તેમજ એક કાર્ડિયોગ્રામ પણ કરવામાં આવ્યો. કેમ કે તેઓ જ્યારથી આવ્યા ત્યારથી પ્રવાસ-પરિભ્રમણ ચાલુ જ છે. અમે પાછળથી મહારાજને ઔષધિ પણ મોકલાવતા. મહારાજ એક દિવસે કથાપ્રસંગમાં બોલ્યા, જુઓ, વિધાનચંદ્ર રોય બોલતા, ‘બીમાર પડશો તો ડોક્ટર પાસે જવું પડશે, કેમ કે એને તો બચવાનું છે ને! હવે તેઓ જે દવા લખી આપે તે લેવી પડશે કેમ કે દવાની કંપનીઓ ને પણ તો બચવાનું છે. પણ, મહેરબાની કરીને લખી આપેલી દવા ખાતા નહીં, કેમ કે તમારે પણ બચવાનું છે ને!’ મહારાજ ખૂબ જ રસિક પ્રકૃતિના હતા.
ત્યારપછી ૧૯૯૦માં જુલાઈ મહિનામાં ભારત જવાનું થયું. મહારાજ ત્યારે મઠ અને મિશનના પ્રેસિડેન્ટ હતા. બરાબર બંને વેળાએ એમની સાથે કેટલાય વિષયો પર વાર્તાલાપ થતો. ત્યારપછી જુલાઈ મહિનાને અંતે સારગાછી ગયો. ૩૧ જુલાઈની રાત્રે સારગાછી આશ્રમમાં ચોરી થઈ. ચોરો આશ્રમમાંથી ૧૫/૨૦ હજાર રૂપિયા અને મારા ૧૦૦૦ રૂપિયા, હાથઘડિયાળ તેમજ બીજી એક ટ્રાવેલવોચ ચોરી ગયા. ૯ ઓગસ્ટની સમીસાંજે જ્યારે હું મઠ પહોંચ્યો તો પોતાનો બિછાનો છોડીને ઉભા થઈ ગયા. સવ્યસાચી (સ્વામી તદ્ભવાનંદ) ત્યારે તેમને મસાજ કરતા હતા. તેમણે પોતાના સેવકને તેમની ઘડિયાળો લઈ આવવા સૂચન કર્યું. વિભિન્ન દેશોનાં ભક્તોએ મહારાજને આ બધી ઘડિયાળો ભેટમાં આપી હતી. તેમણે તેમાંથી એક સરસ ઘડિયાળ (Seiko) લઈને મારા કાંડામાં પોતાને હાથે જ પહેરાવી દીધી અને નિત્યમુક્તાનંદને એક તસવીર લેવા કહ્યું. એ તસવીર હજુ પણ મારી પાસે છે.
ઘણા સાધુ અને પંડીતો જોયા, આ પ્રકારની અસાધારણ સ્મૃતિસંપન્ન વ્યક્તિ મેં બીજી નથી જોઈ. અંગ્રેજી, બંગાળી, સંસ્કૃત, ગુજરાતી તેમજ બીજી ભાષાઓનું જેવું જ્ઞાન હતું તેવું જ પ્રાચ્ય અને પાશ્ચાત્ય દર્શનશાસ્ત્રોનું પણ જ્ઞાન હતું. આ બધું હોવા છતાં તેમની જ્ઞાનપીપાસાના કોઈ સીમાડા ન હતા. અત્યારે તો બધે જ જ્ઞાપયિતુમિચ્છા બીજા ને જ્ઞાન આપવાની ઇચ્છા જ જોવા મળે, જ્ઞાતુમિચ્છા પોતે જાણવાની ઇચ્છા- જોવા ન મળે. એક દિવસે ભાષાશાસ્ત્ર પર ચર્ચા ચાલવા લાગી. મહારાજ બોલ્યા, ભાષાતત્ત્વાનુસાર એક જ શબ્દને વિભીન્ન સ્વરમાં બોલવાથી તેના અનેકાનેક અર્થ થઈ જાય. જેમ કે – ૧. નાનો છોકરો સ્કૂલ જશે. મા ને કહે છે, ‘મા! હું નિશાળે જાઉ છું.’ મા બોલી, ‘જાઓ.’ અહીં સ્વર છે- મધુર. અનુમતિ આપવામાં આવી. ૨. માની લો કે કોઈ ઘરે ન જોઈતો માણસ પ્રવેશે છે, તો ગૃહિણી ચિત્કાર કરી ઉઠશે, ‘જાઓ.’ અહીં ‘જાઓ’ એટલે get out – કઠોર સ્વર. ૩. હવે કોઈ પ્રેમિકા તેના પ્રેમીને ધકેલીને કહે છે, ‘જા-ઓ.’ મતલબ કે ‘જવાનું નથી- don’t go.’ મહારાજ એવા તો હાવભાવમાં બોલ્યા કે હું હસી-હસીને લોટપોટ થઈ ગયો.
બીજા કોઈક દિવસે વાતવાતમાં હું બોલ્યો હછ્છે. તેઓ બોલ્યા, હછ્છે એ વળી શું? બોલો હોછ્છે. મહારાજ તમને તો ખબર જ છે કે હું બંગાલનો (પૂર્વ-બંગાલ, અત્યારે બાંગ્લાદેશ) છું. બસ, હ હ જાનિ. બારી કોયાને? ખુલને. નાથિ ખાતિ ગેલો, ખુતિ પારલામ ના. હું તો બસ અવાક થઈને મારી ગ્રામીણ બોલી સાંભળી રહ્યો.
એકદિવસે બેલુડ મઠમાં તેમની સાથે ફરતાં ફરતાં ગંગાનો પ્રવાહ, વરાહનગરનાં હરિયાળાં વૃક્ષો અને નીલ મેઘ જોઈને મેં કાલીદાસના રઘુવંશની દૂરાદયશ્ચક્રનિભસ્યતન્વ પંક્તિ ભૂલયુક્ત બોલી, સાથે સાથે જ તેઓ બોલી ઉઠ્યા, તું ખોટું બોલ્યો છે. ત્યારપછી તેમણે આખા શ્લોકની આવૃત્તિ કરી.
દૂરાદયશ્ચક્રનિભસ્તન્વી તમાલતાલીવનરાજિનીલા
આભાતિ વેલા લવણામ્બૂરાશેર્ધારાનિબદ્વેવ કલંકરેખા
હું તો બિલકુલ અવાક્ બની ગયો. ક્યારે ભણ્યા હશે, હજુ પણ સ્મૃતિમાં સ્પષ્ટ છે. આપણે તો વારંવાર વાંચીને પણ શાસ્ત્રોના શ્લોકોને યાદ રાખી શકતા નથી. ઉપરાંત ગીતા, ઉપનિષદ્, ભાગવત્ વગેરે શાસ્ત્રો અને ભાષ્યમાંથી વાદ-પ્રવાદ, પ્રવચન બધું જ જાણે કે ફુલગુચ્છની માફક તેમના મુખમાંથી બિલકુલ સ્પષ્ટરૂપે નીકળી આવતું. ઉદ્ધરણમાં જરાપણ ત્રુટિ જોવા ન મળે. તેમના ઓરડામાં ખાસ પુસ્તકો જોવા ન મળતાં તેમજ આપણી જેમ ખૂબ વાંચતા પણ ક્યારેય જોયા નથી. મેં એક દિવસે કહ્યું, મારે તો વક્તવ્ય આપવાનું હોય તો તૈયારી કરવામાં કેટલો સમય વેડફાય છે! જ્યારે તમે તો કોઈપણ પ્રકારની પૂર્વતૈયારી કે નોટ વિના પણ કેટલા સુંદર ભાવે વક્તવ્ય આપો છો, ઉપરાંત વિષયવસ્તુ ઉપરના ચિંતન-મનનને પણ કેવા અદ્ભુતભાવે સજાવીને વ્યક્ત કરો છો! લગભગ દરરોજ તેમના સેવક તેમની પાસે ભાગવત અને ઠાકુર-સ્વામીજીનાં પુસ્તકોનું પઠન કરતા. તેઓ બંધ આંખે બધું સાંભળતા. હું જ્યારે પણ મઠમાં હોઉં ત્યારે ૩.૩૦ વાગે ચા-ટિફીનના સમયે તેમની પાસે જઈને પાઠ સાંભળતો અને ચર્ચા પણ કરતો.
(ક્રમશ 🙂
Your Content Goes Here