હાલમાં, એક ખૂબ જ ખાસ પ્રકારની સમસ્યા સામે આવીને ઊભી છે, તે છે કોરોના વાયરસ મહામારી. બીજી લહેર વધારે ભયાવહ છે, તેને લીધે કોરોનાથી સંક્રમિત થવાનું જોખમ, તે માટેની યોગ્ય સારવાર ન મળવાનું જોખમ, મૃત્યુનું જોખમ, વળી ફક્ત પોતાના માટે જ નહીં પરંતુ પરિવારના સભ્યો માટે પણ આ જ ડર આપણને સતાવતો રહે છે. ઉપરાંત, લોકડાઉનને કારણે આર્થિક મંદીના ઘેરાતાં વાદળો, ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન વર્ગાેની સુવિધાના અભાવે ઉદ્ભવતી અને શૈક્ષણિક સમસ્યાઓ વગેરેનો પણ સતત ડર રહ્યા કરે છે, આને કારણે સ્વાભાવિક રીતે જ આપણે તાણનો અનુભવ કરીયે છીએ. પરંતુ આપણે એ સમજવું જોઈએ કે દરેક મનુષ્ય પાસે ચેતનાનું એક કેન્દ્ર છે, જેમાં અનંત શક્તિ છે અને તેના દ્વારા આપણે સરળતાથી તમામ સમસ્યાઓનો સામનો કરી શકીએ છીએ, એ માટે ફક્ત આપણે આપણી અંદર રહેલી એ શક્તિને જગાડવી પડશે. સમસ્યાઓ ઘણી બધી છે, પરંતુ ઉપાયો પણ એટલા જ છે.

આપણે એ પણ સમજવું જોઈએ કે સંઘર્ષ એ જ જીવન છે. સ્વામી વિવેકાનંદને જ્યારે ખેતડીના મહારાજા અજિતસિંહજીએ પૂછ્યું, ‘જીવન એટલે શું?’ સ્વામીજીએ તરત જ જવાબ આપ્યો, ‘જીવન એટલે એવી પરિસ્થિતિઓની વચ્ચે વ્યક્તિત્વનો વિકાસ જે તેને દબાવી દેવા માગે છે.’ સ્વામી વિવેકાનંદ એક સુંદર સમીકરણ આપે છે – સંઘર્ષ જેટલો વધારે હોય છે, અને જે તેમાંથી બહાર આવે છે તે વ્યક્તિ તેટલો જ વધુ મહાન. તેથી જો કોઈ સંઘર્ષ હોય, જો કોઈ સમસ્યા હોય, તો આપણે ડરવું જોઈએ નહીં, આપણે ડરપોક ન થઈએ, હિંમતભેર પરિસ્થિતિનો સામનો કરીએ. આપણે PMA (Positive Mental Attatitue) એટલે કે સકારાત્મક માનસિક વલણ કેળવવું પડશે અને NMA (Negative Mental Attatitue) એનએમએ એટલે કે નકારાત્મક માનસિક વલણ થી બચવું પડશે. તે કેવી રીતે આવી શકે? દિવસ અને રાત સકારાત્મક વિચારોનો આપણા મગજપર બોમ્બમારો કરીને. હાલમાં આપણે અજાણતાં નકારાત્મક વિચારોથી આપણા મગજપર બોમ્બ ધડાકા કરી રહ્યા છીએ. જો આવું થાય તો શું થશે, જો આવું ન થાય તો શું થશે વગેરે. મનોવૈજ્ઞાનિકો મુજબ આપણી ચિંતાઓમાં નેવું ટકા ચિંતાઓ કાલ્પનિક છે. એક મનોવૈજ્ઞાનિક પદ્ધતિ મહાન મનોવૈજ્ઞાનિક એલિસ આલ્બર્ટ દ્વારા ઘડી કાઢવામાં આવી હતી, તેણે તેને રેશનલ ઇમોટિવ થિયરી (આરઈટી) નામ આપ્યું છે. તે કહે છે, આપણી મોટાભાગની ચિંતાઓ કાલ્પનિક છે, તેથી જ્યારે પણ તમને કોઈ સમસ્યા હોય, ત્યારે ફક્ત આ પ્રશ્ન પૂછો – શું તે ખરેખર આવું છે? આ રેશનલ ઇમોટિવ સિદ્ધાંત છે. જો તમે આ સવાલ પૂછશો, શું તે ખરેખર આવું છે? તો પછી તમે જોશો કે નેવું ટકા કિસ્સામાં તે ખરેખર આવું નથી. માત્ર દસ ટકા કેસોમાં, તે ખરેખર આવું જ છે એવું જોવા મળશે અને ત્યાં પણ તમે લાગશે કે તમે જે હદે વિચારતા હતા તે હદે નથી, તમે જે ચિંતા કરો છો તે સાચું છે, પરંતુ તે તે તીવ્રતાની નથી જે તમે વિચારી રહ્યા હતા.

રાલ્ફ વાલ્ડો ટ્રાઈને પુસ્તક લખ્યું છે, ‘ઈન ટ્યુન વિથ ધ ઇન્ફાઈનાઈટ’. ત્યાં તેમણે ઉદાહરણ આપ્યું છે, પ્લેગની દેવી જઈ રહી હતી અને કોઈકે તેને પૂછ્યું, ‘તમે ક્યાં જાઓ છો?’ તેણે કહ્યું, ‘હું ૫ હજાર લોકોને મારવા બગદાદ જઈ રહી છું.’ અને પછી તે પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે તે વ્યક્તિએ કહ્યું, ‘તમે કહ્યું હતું કે તમે પાંચ હજાર લોકોને મારી નાખશો, પણ મેં સાંભળ્યું કે ૫૦ હજાર લોકો મરી ગયા છે.’ તેણે કહ્યું, ‘મેં ફક્ત ૫ હજાર લોકોને માર્યા, બાકીના ૪૫ હજાર લોકો ડરના કારણે મરી ગયા.’ આ બરાબર એ જ થઈ રહ્યું છે, ઘણા લોકો કોરોનાથી મરી રહ્યા છે અને ઘણા લોકો કોરોનાના ડરથી મરી રહ્યા છે, કારણ કે ચિંતાઓને કારણે તેમની રોગપ્રતિકારક શક્તિનું સ્તર નીચું જતું રહે છે.

સ્વામી વિવેકાનંદ વારાણસી ગયા હતા. ત્યાં દુર્ગા મંદિરમાં દર્શન કર્યા અને બહાર આવી રહ્યા હતા ત્યારે અચાનક થોડા વાંદરાઓ તેમનો પીછો કરવા લાગ્યા. તેમણે દોડવાનું શરૂ કર્યું અને આ વાંદરાઓ પણ તેમની પાછળ પાછળ દોડવા લાગ્યા. એક તરફ તળાવ હતું અને બીજી બાજુ એક મોટી દિવાલ હતી, તેથી જવા માટે કોઈ રસ્તો નહોતો, ફક્ત તેમને આગળ અને આગળ જવું પડ્યું. પરંતુ થોડા સમય પછી તેઓ થાકી ગયા. તે સમયે એક વૃદ્ધ સાધુએ બૂમ પાડી, ‘ડરશો નહીં, વાંદરાઓનો સામનો કરો.’ સ્વામીજીએ એવું સાંભળ્યું અને અટકી ગયા. તેમણે પાછળ જોયું, તેમની પાસે એક લાકડી હતી, તે વાંદરાઓને બતાવી. તરત જ બધા વાંદરાઓ ભાગી ગયા. પછીથી અમેરિકામાં, તેમને આ ઘટના યાદ આવી અને તેમણે ત્યાંના લોકોને કહ્યું, તે દિવસે તેઓ જીવનનો એક મહાન પાઠ શીખ્યા હતા – ‘મુશ્કેલીઓનો સીધો સામનો કરો.’ જો તમે ડરશો, તો મુશ્કેલીઓ તમારો પીછો કરશે, પરંતુ જો તમે બહાદુરીથી, મુશ્કેલીઓનો સામનો કરશો, તો મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ છે. તેથી જ્યારે આ કોરોના રાક્ષસ આવ્યો છે, તો તેનાથી આપણે ડરવાની જરૂર નથી. આપણે તેનો હિંમતથી સામનો કરવો જોઈએ.

એવા સમયે કે જ્યારે આપણે કોરોનાવાયરસ જેવા મહાન રોગચાળાનો સામનો કરી રહ્યા છીએ, ત્યારે આપણને સ્વામી વિવેકાનંદે અમેરિકામાં ૧૮૯૩માં આપ્યું હતું એ વેદાંતના અમૃતની જરૂર છે. સ્વામી વિવેકાનંદે શ્વેતાશ્વતર ઉપનિષદ ટાંકીને કહ્યું હતું કે, श्रृण्वन्तु विश्वे अमृतस्य पुत्रा, आ ये धामानि दिव्यानि तस्थुः । वेदाहमेतं पुरुषं महान्तम् आदित्य वर्णं तमसः परस्तात् । तमेव विदित्वातिमृत्युमेतु नान्यः पन्था विद्यतेऽयनाय । –

હે અમૃતનાં સંતાનો! સાંભળો, … મેં એ પરમપુરુષને જોઈ લીધા છે, જેમને જાણવાથી મૃત્યુથી તરી જવાય છે.

સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, ‘તમે તો ઈશ્વરનાં સંતાનો છો, અક્ષય સુખના અધિકારી છો, પવિત્ર અને પૂર્ણ આત્માઓ છો. અરે ઓ પૃથ્વી ઉપરના દિવ્ય આત્માઓ ! તમે પાપી ? મનુષ્યને પાપી કહેવો એ જ પાપ છે, મનુષ્ય-પ્રકૃતિને એ કાયમી લાંછન લગાડવા જેવું છે. અરે ઓ સિંહો ! ઊભા થાઓ અને ‘અમે ઘેટાં છીએ’ એવા ભ્રમને ખંખેરી નાખો; તમે અમર આત્માઓ છો, મુક્ત છો, ધન્ય છો, નિત્ય છો; તમે જડ પદાર્થ નથી, શરીર નથી; જડ પદાર્થ તમારો દાસ છે, તમે એના દાસ નથી.’

તેઓ આ સંદર્ભમાં સુંદર વાર્તા કહેતા હતા. એક સિંહણ જંગલમાંથી પસાર થઈ રહી હતી, તેણે જોયું કે ત્યાં એક ઘેટાંનું ટોળું છે. હવે ઘેટાંનાં ટોળાને પાર કરવા માટે, સિંહણ કૂદી પડી., કૂદતી વખતે તેણે એક નાના સિંહ બચ્ચાને જન્મ આપ્યો, કારણ કે તે ગર્ભવતી હતી, અને આ સિંહ બાળ ઘેટાના એ ટોળામાં પડ્યો અને સિંહણ બીજી બાજુ ચાલી ગઈ અને તે સ્થળ પર જ મરી ગઇ. હવે આ નાના સિંહ બાળે રડવાનું શરૂ કર્યું, કારણ કે તે તેની માતાને ગુમાવી ચૂક્યું હતું, તેથી ઘેટાંની માતાએ તેની સંભાળ લેવાનું શરૂ કર્યું અને હવે આ નાનો સિંહ બાળ ઘેટાંની સાથે જવા લાગ્યો અને ઘેટાંની જેમ ઘાસ ચરવા લાગ્યો, ઘેટાં સાથે રમવા લાગ્યો, ઘેટાંની જેમ બેં બેં બોલવા લાગ્યો. અને આમ ચાલતું રહ્યું. થોડા સમય પછી એક મોટો સિંહ તે સ્થળે આવ્યો અને તેણે ખૂબ દૂર એક ઘેટાંનું ટોળું જતું જોયું કે બધાં ઘેટાં બેં બેં કરે છે અને છેલ્લે એક નાનો સિંહ હતો અને તે પણ બેં બેં કરતો હતો. તે આશ્ચર્યચકિત થઈ ગયો, તેણે ક્યારેય કોઈ સિંહને આ રીતે બેં બેં કરતા જોયો નહોતો, તેથી તે આ બધું શું છે તે જાણવા માટે નજીક આવ્યો અને આ બધા ઘેટાં સિંહને જોઈને ખૂબ ડરી ગયા, તેઓએ ફક્ત બેં બેં કરીને દોડવાનું શરૂ કર્યું. આ નાનો સિંહ પણ દોડવા લાગ્યો અને બેં બેં કરવા લાગ્યો, આ મોટા સિંહે તેને પકડીને પૂછ્યું, ‘અરે, તું ક્યાં જાય છે? તું કેમ ડરે છે? આ ઘેટાં ડરતા હોય છે કારણ કે તેઓ ઘેટાં છે અને હું સિંહ છું, પણ તું મારા જેવો સિંહ છો, તું કેમ ડરે છે?’ નાનો સિંહ ફરીથી રડતો રહ્યો અને બેં બેં કરવા લાગ્યો, ‘ના, હું સિંહ નથી, હું ઘેટું છું.’ મોટા સિંહે કહ્યું, ‘મૂર્ખ, તું સિંહ છો અને હજી પણ તું કહી રહ્યો છો કે તું ઘેટું છો, તું સિંહ છો.’ પણ આ નાનો સિંહ વધુ ડરતો હતો, ફરીથી રડવાનું શરૂ કર્યું, ‘ના, ના, બેં બેં, હું સિંહ નથી, હું ઘેટું છું.’ હવે આ મોટો સિંહ ખૂબ ગુસ્સે થયો, તેણે તે સિંહ બાળને પકડ્યો, અને તળાવની પાસે લઈ ગયો, અને કહ્યું, ‘તારું પ્રતિબિંબ જો અને મારું પણ જો, તારો ચહેરો મારા જેવો લાગે છે કે ઘેટાં જેવો લાગે છે.’ હવે નાના સિંહે જોયું કે તેનો ચહેરો સિંહ જેવો જ છે. મોટા સિંહે કહ્યું, ‘હવે તું સમજ્યો, આ બેં બેં છોડી દે, મારી જેમ ગર્જના કર, જંગલમાં આવ, તું વનનો રાજા છો.’ આ વાર્તા સ્વામી વિવેકાનંદે કહી હતી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, આ નાનો સિંહ પહેલેથી જ સિંહ હતો, પણ તે બેં બેં કરી રહ્યો હતો, કારણ કે તે ભૂલી ગયો હતો કે તે સિંહ છે. આ આપણી બધાની વાર્તા પણ છે, પ્રત્યેક મનુષ્યની અંદર આત્મા છે, ચેતનાનું કેન્દ્ર છે, જેમાં અનંત શક્તિ છે. આ અમર્યાદિત શક્તિ હોવા છતાં, આપણે કહી રહ્યા છીએ કે આપણે અસહાય છીએ, આપણે નબળા છીએ, આપણે કશું કરી શકતા નથી, આપણે આ બધી સમસ્યાઓનો કેવી રીતે સામનો કરી શકીશું, આપણે કોરોના સાથે કેવી રીતે લડી શકીએ, આપણે કેવી રીતે ઓછા પૈસાથી બધી વ્યવસ્થા કરી શકીશું વગેરે. સ્વામી વિવેકાનંદ કહે છે, આ મૂર્ખતા છોડી દો, તમને અનંત શક્તિ મળી છે, તમારે કોઈ શક્તિ આયાત કરવાની જરૂર નથી. રંગ, જાતિ, સંપ્રદાય, ધર્મ અને રાષ્ટ્રિયતા વગેરેના ભેદભાવ વિના અનંત શક્તિ દરેક વ્યક્તિમાં છે, પણ આ શક્તિ સુષુપ્ત છે, તેને જગાડવી પડે છે, તે કેવી રીતે જગાડી શકાય? સ્વામી વિવેકાનંદ કહે છે, ચાર પદ્ધતિઓ છે. તેઓ કહે છે, ‘દરેક વ્યક્તિમાં દિવ્યતા સુપ્તપણે રહેલ છે. અંદરની આ દિવ્યતાને બાહ્ય તેમજ આંતર પ્રકૃતિનાં નિયમન દ્વારા અભિવ્યક્ત કરવી એ જીવનનું ધ્યેય છે. કર્મ, ઉપાસના, મનનો સંયમ અથવા તત્ત્વજ્ઞાન- એમ એક અથવા અનેક દ્વારા આ જીવનધ્યેયને સિદ્ધ કરો અને મુક્ત બનો. ધર્મનું આ સમગ્ર તત્ત્વ છે. સિદ્ધાંતો, મતવાદો, અનુષ્ઠાનો, શાસ્ત્રો, મંદિરો કે મૂર્તિઓ એ બધું ગૌણ છે.’

ચાર પદ્ધતિઓ દ્વારા, રાજયોગ – (ધ્યાન), ભક્તિ યોગ – (પ્રાર્થના), જ્ઞાનયોગ – (પ્રેરણાત્મક વાચન અને ચિંતન) અને ચોથું કર્મયોગ – (નિ :સ્વાર્થ સેવા) જ્યારે આપણે આ ચાર યોગો એટલે કે રાજયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણને જબરદસ્ત શક્તિ મળે છે. કારણ કે જ્યારે દિવ્યતા પ્રગટ થશે ત્યારે અમર્યાદિત શક્તિ જે આપણા મનમાં રહેલી છે, તે પ્રગટ થશે અને પછી આપણે કોરોના જેવી મુશ્કેલીનો પણ સામનો હિંમતપૂર્વક કરી શકીશું.

આમ આ ચાર યોગનો રોજિંદા અભ્યાસ કરવાથી આપણે આપણી શક્તિમાં વધારો કરી શકીશું.

સ્વામી વિવેકાનંદ કહે છે કે સુખી થવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે બીજાને સુખી કરવાનો પ્રયત્ન કરવો અને મનની શાંતિ મેળવવાની શ્રેષ્ઠ રીત એ છે કે બીજાની માનસિક શાંતિ માટે પ્રાર્થના કરવી. તેથી, તેમણે ભલામણ કરી કે દરરોજ ધ્યાન શરૂ કરતા પહેલા, આ પ્રાર્થનાથી પ્રારંભ કરો, सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया। सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित्

दुःखभाग् भवेत्।। – ‘બધા સ્વસ્થ રહે, બધા સુખી રહે, બધાનું ભલું થાય, કોઈને પણ દુ :ખ ન થાય.’ કેટલી સુંદર પ્રાર્થના!- ચાલો આપણે આ રીતે આપણે પ્રાર્થના કરીએ, વિશ્વમાં બધાને સ્વાસ્થ્ય, સુખ અને શાંતિ મળશે તથા આપણે પણ તમામ પ્રકારના તણાવથી મુક્ત રહીશું.

Total Views: 320

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.