ગતાંકથી આગળ…

જૂઠી આશાઓ- પિંગલાની કથા :

શ્રીમદ્ ભાગવતમાં પિંગલા નામની એક ગણિકાની કથા છે. તે ધનની બહુ લોભી હતી. પરંતુ એક દિવસ તેના બારણે કોઈ ન આવવાથી તે ઘણી નિરાશ થઈ ગઈ.

तस्या वित्ताशया शुष्यद्वक्त्राया दीनचेतसः।

निर्वेदः परमो जज्ञे चिन्ताहेतुः सुखावहः।।

અર્થાત્ ધનની આશાથી સુકાતા મુખવાળી અને દુ :ખી મનવાળી તે પિંગલાને ‘હવે તો ધંધાથી બસ છે’ એ ચિંતનના પરિણામ સ્વરૂપે વેદના રહિત ચિત્તની પ્રાપ્તિ થઈ અને તેને સુખ ઊપજ્યું. (ભાગવત ૧૧.૮.૨૭)

ખરેખર તે ભાગ્યશાળી સ્ત્રી હતી. ખૂબ ઓછા લોકો તેની જેમ જાગ્રત થાય છે. પૂર્વ સંસ્કારોને કારણે તેને પોતાના પહેલાંના જીવન પર ખૂબ જ ઘૃણા ઉત્પન્ન થઈ અને પોતાની ભૂલોનો પશ્ચાત્તાપ થયો. મારા ગુરુદેવ સ્વામી બ્રહ્માનંદજીએ એક વખત કહ્યું હતું :

ત્રણ પ્રકારના લોકો હોય છે. પહેલા પ્રકારના લોકો બીજાની ભૂલો અને અનુભવો જોઈને જ શીખી લે છે અને ભયસ્થાનોથી બચી જાય છે. પોતે ભૂલ કરીને અથવા અનુભવ કરીને બોધપાઠ શીખનારા લોકો મધ્યમ શ્રેણીના છે. અધમ શ્રેણીના લોકો વારંવાર અનુભવો અને ભૂલો કરવા છતાંય શીખતા નથી.

કોઈ પણ સાંસારિક વસ્તુની આશા ન રાખો, માત્ર પરમાત્માની આશા કરો. પરમાત્મા જ જીવાત્માને સુખ આપી શકે છે. બધી વિષયવાસનાની વસ્તુઓથી આપણને એક પ્રકારની ગ્લાનિ અનુભવાવી જોઈએ. સંસારથી વૈરાગ્યનું આ પહેલું લક્ષણ છે. ઇન્દ્રિયવિષયો તેમજ તેના સ્થૂળ અથવા સૂક્ષ્મ ભોગોથી આ પ્રકારના વૈરાગ્ય વિના કોઈ આધ્યાત્મિક જીવન, કોઈ ઉચ્ચતર પ્રયાસ શક્ય નથી. આધ્યાત્મિક જીવનમાં સફળતા માટે વૈરાગ્ય આપણા ચરિત્રનું મુખ્ય અંગ બની જવું જોઈએ.

સાચું પૂછો તો આપણે ઇચ્છાઓ અને આશાઓ પર, અને તે પણ જૂઠી આશાઓ ઉપર જીવી રહ્યા છીએ. એના પરિણામે દુ :ખ, બંધન અને ઇન્દ્રિયોની ગુલામી આવી જાય છે. આશાઓનો ત્યાગ કરવાથી આપણે સુખી થઈએ છીએ. આપણને એકમાત્ર પરમાત્મા સાથે સંયુક્ત થવાની આશા હોવી જોઈએ. ભાવનાઓ અને ઇચ્છાઓ સાથે જોડાયેલી બીજી બધી આશાઓનો ત્યાગ કરી દેવો જોઈએ. ઘણું કરીને આપણી આશાઓ આપણી ઇચ્છાઓ તથા બીજાઓ પર ટકી રહેલી હોય છે. આપણે આપણી આશાઓને પરમાત્મામાં કેન્દ્રિત કરતા નથી.

પરમાત્મા આપણા આત્માના પણ આત્માના રૂપમાં આપણી અંદર વિદ્યમાન છે. પરંતુ આપણે તેની ફિકર કરતા નથી અને બીજાઓ ઉપર નિર્ભર થવાનો પ્રયત્ન કરીએ છીએ. પરમાત્મા બધા પ્રકારના આનંદનો સ્રોત છે. બાહ્ય વિષયોમાં આ અસીમ દિવ્ય આનંદનો અંશમાત્ર પ્રતિબિંબિત થાય છે. બાહ્ય પદાર્થાે પાછળ દોટ મૂકવાનો અર્થ છે પ્રતિબિંબો અને પડછાયાઓ પાછળ દોડવું.

મહાભારતમાં રાજા યયાતિની કથા છે. એક શાપના કારણે તેઓ ભરયુવાનીમાં અચાનક વૃદ્ધ થઈ ગયા. પરંતુ તેમણે પોતાના પુત્રની યુવાની ઉછીની લઈને સેંકડો વર્ષ સુધી વિષયસુખ ભોગવ્યું. આટલા લાંબા સમયના ઉપભોગ પછી પણ તેમણે જોયું કે વિષયભોગની તેમની લાલસા ઓછી થઈ ન હતી. તેથી તેઓ નિષ્કર્ષ પર આવ્યા :

न जातु कामः कामानामुपभोगेन शाम्यति।

हविषा कृष्णवर्त्मेव भूय एवाभिवर्धते।।

અર્થાત્ વિષયભોગોની તૃષ્ણા, વિષયભોગોનું સેવન કરવાથી કદી શાંત થતી નથી પણ ઊલટી ઘી નાખવાથી જેમ અગ્નિ વધે તેમ અધિકાધિક વધતી જ ચાલે છે. (ભાગવત- ૯.૧૯.૧૪)

કોઈ ને કોઈ એક દિવસે ત્યાગનો ભાવ આપણામાં જાગવો જ જોઈએ. બધામાં આ પિંગલાના જીવનમાં થયેલા પરિવર્તનની જેમ ભલે આકસ્મિક રૂપે પરિવર્તન ન આવે, પરંતુ આપણે યયાતિની જેમ મૂર્ખ બનીને પોતાની બધી વાસનાઓને સંતુષ્ટ થવાની રાહ જોવી જોઈએ નહીં. જો આપણે આધ્યાત્મિક જીવન દ્વારા કંઈક પ્રાપ્ત કરવા માગતા હોઈએ તો અનાસક્તિ આપણા ચરિત્રનો મુખ્ય ગુણ હોવો જોઈએ. પહેલાંના અનુભવોને કારણે ઘણી બધી પ્રેરણા આપણામાં ઉદિત થાય છે, પરંતુ એના માટે કોઈ કારણ નથી કે આપણે અસહાય બનીને તેનો શિકાર થઈ જઈએ. આપણે તેનું સંયમન કરવું જોઈએ અને આપણે એવું કરી શકીએ છીએ- ભલે આનાથી થોડા સમય સુધી જીવન આંતરિક દ્વંદ્વો અને અત્યધિક તનાવયુક્ત બની જાય. કોઈક દિવસે આપણે ઉત્તેજનાપૂર્ણ જીવનનો અંત લાવવો પડશે. તો પછી અત્યારે જ કેમ નહીં?

આપણને પોતાના કાર્યોેના વિષયમાં સ્પષ્ટ જાણકારી હોવી જોઈએ તથા હંમેશાં સાવધાન રહેવું જોઈએ કે જેનાથી આપણને પરિચાલિત કરી રહેલી સૂક્ષ્મ ઇચ્છાઓ અને ભાવનાઓનું અનુસરણ કરીને આપણે એવું કોઈ કાર્ય ન કરી બેસીએ કે જે આપણે કરવા માગતા નથી.

જો આપણે લોકોને મળવા માગતા હોઈએ તો આપણને એ જાણકારી હોવી જોઈએ કે તેઓ આપણને શા માટે આકર્ષિત કરે છે. જો કોઈ કામ કરવાની ઇચ્છા જાગે તો એ જાણવું જોઈએ કે આપણે તે કામ શા માટે કરવા ઇચ્છીએ છીએ- તેની પાછળનો વાસ્તવિક હેતુ શો છે.

આપણી ઇચ્છાઓનું મૂળ કારણ શોધીને તેનો તાત્કાલિક અંત લાવવો જોઈએ. બધા હાનિકારક વિચારો અને સંગ તથા તે બધી બાબતો જો આધ્યાત્મિક વિકાસમાં સહાયક ન હોય તો તેને દૂર કરી દેવી જોઈએ. સાચો વૈરાગ્ય અને ત્યાગ બધી સાધના પદ્ધતિઓમાં સમાનરૂપે આવશ્યક છે અને તેના વિના આપણે આધ્યાત્મિક પ્રયાસથી વિશેષ લાભ મેળવી શકીશું નહીં.

આધ્યાત્મિક જીવનની શરૂઆત કરતાં પહેલાં ત્યાગની મનોવૃત્તિ હોવી જોઈએ, ભલે એ માટે સમય લાગે. પવિત્રતાની આંતરિક ઇચ્છા અને અભિલાષા હોવી જોઈએ. આધ્યાત્મિક જીવન શરૂ કરવાની આ ન્યૂનતમ શરત છે. એનો અર્થ છે, મહાન તનાવ. ઇન્દ્રિયો અને ઉદ્વેગોને નિયંત્રિત કરવા માટે સંઘર્ષ કરવો પડે છે. પરંતુ પ્રત્યેક સાધકે લક્ષ્યની દિશામાં આ પ્રારંભિક અવસ્થામાંથી પસાર થવું પડે છે. ત્યાગની મનોવૃત્તિ બધા સાચા આધ્યાત્મિક પ્રયત્નનો આધાર છે. આ વૈરાગ્યના ભાવ વિના આધ્યાત્મિક જીવન વિશે વિચારવું જ ન જોઈએ. એને બદલે બીજા કોઈ કાર્યમાં મનને નિયોજિત કરવું એ સમજદારી બનશે.

વિતૃષ્ણાનો ભાવ :

પોતાના જીવનની ભૂલનો આભાસ થતાં સંસારના ભોગો પ્રત્યે વિતૃષ્ણા રૂપી પહેલી પ્રતિક્રિયા થાય છે. જે ઘૃણાનો પિંગલાએ પોતાના દેહ પ્રત્યે અનુભવ કર્યાે હતો, તે સાંસારિક જીવનના અંતમાં થનારી પહેલી પ્રતિક્રિયા છે. તે માત્ર પાપ-બોધથી થનારા પરિવર્તનથી અધિક સમ્યક્ પરિવર્તનની દ્યોતક છે. પોતાનાં પાપોનું ચિંતન કરનાર તેની સાથે વળગેલો પણ રહી શકે છેે. પરંતુ ગ્લાનિનો ભાવ સાંસારિકજીવનથી તત્કાલ આધ્યાત્મિક જીવન તરફ વાળી દે છે. આધ્યાત્મિક જીવન તરફ વળનારી વ્યક્તિ પિંગલાની જેમ પોતાની જાતને આ કહેવા માટે સમર્થ હોવી જોઈએ :

यदस्थिभिनिर्मिर्तवंशवश्य स्थूणं त्वचा रोमनखैः पिनद्धम्।

क्षरन्नवद्वारमगारमेतद् विण्मूत्रपूर्णं मदुपैति कान्या।।

અર્થાત્ પુરુષનું શરીર એક ઘર છે; હાડકાંથી બનેલા વાંસડા, વળીઓ તથા થાંભલાવાળું; ચામડી, રૂંવાડાં, નખથી ઢાંકેલું; વહેતાં નવ દ્વારવાળું છે. અને વિષ્ઠા તથા મૂત્રથી ભરેલું છે. તેને મારા સિવાય બીજી કઈ સ્ત્રી કાન્તબુદ્ધિથી સેવે (ભાગવત- ૧૧.૮.૩૩)

આધ્યાત્મિક જીવન પ્રત્યેનું આપણું વલણ આપણે દેહ પ્રત્યેના ઘૃણાભાવ દ્વારા જાણી શકીએ છીએ. જો આપણામાં આ ભાવ હોય તો બીજા દેહ- સ્ત્રી અથવા પુરુષના દેહ- આપણને આકર્ષિત કરશે નહીં. ત્યારે તે આધ્યાત્મિક માર્ગના અંધારિયા કૂવાની જેમ નહીં રહે. પતંજલિ પોતાનાં યોગસૂત્રોમાં કહે છે :

शौचात्स्वांगजुगुप्सा परैरसंसर्गः (2.40)

અર્થાત્ બાહ્યાભ્યાંતર શૌચના અભ્યાસથી પોતાના શરીર પર જુગુપ્સા અથવા ઘૃણા અને પારકાની સાથે અસંસર્ગનો ભાવ ઉત્પન્ન થાય છે.

અધિકાધિક અંતર્મુખી બનવાથી આપણું મન માનસિક એક્સ-રે જેવું બની જાય છે અને આપણે ચારેય તરફ જીવાતા જીવનના વિષયમાં ગહન અંતર્દૃષ્ટિ પ્રાપ્ત કરી લઈએ છીએ. પહેલાં ગ્લાનિનો ભાવ આવે છે. ત્યાર બાદ મનુષ્ય-દેહરૂપી ગંદકીની પાછળ વિદ્યમાન આત્માનો મહિમા અનુભવાય છે. આત્માની વાસ્તવિક અનુભૂતિ ત્યાર બાદ થાય છે, પરંતુ પ્રારંભિક અવસ્થાઓમાં પણ તેના સિદ્ધાંતને હૃદયંગમ કરી શકાય.

બૌદ્ધિક ધારણાઓ પૂરતી નથી. આપણે ભાવનાત્મક દૃષ્ટિથી પણ પ્રભાવિત થવું જોઈએ. આપણને સાચે જ સાંસારિક ભોગો પ્રત્યે તીવ્ર વિતૃષ્ણાનો ભાવ આવવો જોઈએ. ભર્તૃહરિની જેમ આપણે પણ અનુભવ કરવો જોઈએ કે-

भोगा न भुक्ताः वयमेव भुक्तास्तपो

न तप्तं वयमेव तप्ताः।

कालो न यातो वयमेव यातास्तृष्णा

न जीर्णा वयमेव जीर्णाः।।

અર્થાત્ ભોગોને ભોગવવામાં આવ્યા નથી, આપણે જ ભોગવાઈ ગયા છીએ; તપ નથી કરાયાં પરંતુ આપણે જ પરિતપ્ત થયા છીએ. કાળ વીત્યો નથી પરંતુ આપણે જ વીતી ગયા છીએ, તૃષ્ણા ક્ષીણ થઈ નથી પરંતુ આપણે જ જીર્ણ થઈ ગયા છીએ. (વૈરાગ્યશતકમ્-૭)
(ક્રમશ 🙂

Total Views: 257

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram