(ગતાંકથી આગળ…)

શ્રીરામકૃષ્ણની વાત્સલ્યભાવે સાધના

દાસ્યભાવે શ્રીરામની ઉપાસના કરી તેનાં ઘણાં વર્ષાે પહેલાં શ્રીરામકૃષ્ણે કુળદેવતા રઘુવીરની પૂજા અને સેવા કરવા માટે રામમંત્રની દીક્ષા લીધી હતી અને શાંતભાવે શ્રીરામની ઉપાસના કરી હતી. એક વાર દક્ષિણેશ્વરમાં જટાધારી નામના એક રામાયતી સાધુનું આગમન થયું ત્યારે તેમને વાત્સલ્ય ભાવે સાધના કરવાનું મન થયું. જટાધારીએ તેમનો આગ્રહ જાણીને તેમને ઘણા આનંદથી પોતાના ઇષ્ટમંત્રની દીક્ષા આપી. શ્રીરામકૃષ્ણ એ મંત્ર સહાયે થોડા દિવસની અંદર જ શ્રીરામચંદ્રની બાળમૂર્તિનાં દર્શન નિરંતર કરવાને સમર્થ થયા હતા અને તેમને પ્રત્યક્ષ થયું હતું કે,

જો રામ દશરથકા બેટા, વોહી રામ ઘટઘટમેં લેટા ।

વોહી રામજગત પસેરા, વોહી રામ સબસે ન્યારા ।।

જટાધારી ‘રામલાલા’ નામની બાળમૂર્તિની વર્ષાેથી નિષ્ઠા સહિત સેવા કરતા હતા. શ્રીરામકૃષ્ણ આ મૂર્તિને જીવતી-જાગતી નિહાળતા, તેની સાથે રમતા, વાતચીત કરતા. આ મૂર્તિ વિશે શ્રીરામકૃષ્ણ એવી અદ્ભુત વાતો કહેતા કે, આધુનિક માનવને મનમાં શંકા જાગે કે, શું ખરેખર આવું બની શકે ? ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ના લેખક, રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રથમ જનરલ સેક્રેટરી અને શ્રીરામકૃષ્ણના અંતરંગ શિષ્ય સ્વામી શારદાનંદજી પણ આધુનિક માનસવાળા, વિજ્ઞાનના વિદ્યાર્થી હતા. તેમણે પોતે બધી વાતો ચકાસીને પછી જ આ ગ્રંથમાં લખી છે. તેમણે જ્યારે આ વાતો શ્રીરામકૃષ્ણ પાસેથી સાંભળી ત્યારે તેમને પણ અચરજ થયું. પણ શું થાય ? સત્યનિષ્ઠ શ્રીરામકૃષ્ણના સ્વમુખે સાંભળ્યા પછી શારદાનંદજી અને અન્ય શિષ્યોને રામલાલા વિશે શ્રીરામકૃષ્ણ કહેતા :

‘જેમ જેમ દિવસો જવા લાગ્યા તેમ તેમ મારા ઉપર રામલાલાની પ્રીત પણ વધતી ચાલી. (હું) જેટલી વાર બાબાજીની સમીપ હોઉં તેટલી વાર લગી તે ત્યાં મજાનો રહે અને રમ્યા-કૂદ્યા કરે, અને જેવું (હું) ત્યાંથી ઊઠીને મારે ઓરડે ચાલી આવું તેની ભેગો તેય (મારી) સાથે ને સાથે આવી જાય. હું ઘણીયે વાર ના પાડું પણ સાધુની પાસે રહે નહિ ! શરૂ શરૂમાં તો મેં મનમાં વિચાર્યું કે, મગજની ભ્રમણાને લીધે આવું બધું દેખાય છે, નહિ તો બાબાજીના આટલા લાંબા વખતના સેવિત ઠાકોરજી, જેને એ આટલો બધો પ્યાર કરે છે, ભાવભક્તિથી દિલ રેડીને સેવા કરે છે, એ ઠાકોરજી એમના (સાધુના) કરતાં મને વધારે ચાહે એવું તો વળી બની શકે ? પણ એવા બધા વિચાર કરવાનો અર્થ જ શો હતો ? જોતો, સાચેસાચ જોતો, આ જેમ તમને બધાને જોઉં છું એવી રીતે જોતો કે રામલાલા મારી જોડે ને જોડે ઘડીકમાં અગાડી તો ઘડીમાં પછવાડે નાચતો-ચાલતો આવે છે. ક્યારેક વળી કેડે ચડવાની હઠ કરે છે તો ક્યારેક વળી કેડે તેડેલો હોઈ કેમેય કરીને રહે નહિ અને નીચે ઊતરીને તડકામાં દોડાદોડી કરવા માંડે, કાંટાળી ઝાડીમાં ઘૂસીને ફૂલ તોડે કે ગંગાજીના પાણીમાં ધુબાકા મારવા જાય ! કેટલોયે વારું કે, ‘અરે, એમ ના કર, તાપમાં પગે ફોલ્લા ઊઠશે ! આટલી બધી વાર લગી પાણી ડખોળ્યા કર નહિ, ઠંડી લાગીને શરદી થઈ જશે, તાવ આવશે’ – પણ તે સાંભળે કોણ ? જાણે કે, કો’ક ત્રીજાને જ કહેતા હોઈએ ! કાં તો પેલાં એનાં પદ્મપલાશ જેવાં નેત્રો વડે મારા ભણી જોઈને મીઠું મીઠું મરક્તો જાય અને હજીયે વધારે ઉધામા મચાવતો જાય અથવા તો બેઉ હોઠ ફુલાવીને મોઢું મરડીને ચાવળિયાં પાડે ! ત્યારે પછી ખરેખર ગુસ્સામાં આવીને હું કહેતો, ‘એમ કે, પાજી ! આજે મારી મારીને તારાં હાડકાં ખોખરાં કરી નાખું !’ અને તડકામાંથી કે પાણીમાંથી જબરદસ્તીથી ખેંચીને લઈ આવતો અને આ કે પેલી ચીજ દઈને ભુલાવીને ઓરડામાં રમવા કહેતો અને કોઈ વાર વળી કેમેય કર્યે એનાં મસ્તી-તોફાન અટકતાં નથી તેમ જોઈને ધોલધપાટ પણ ચોડી દેતો. માર પડે એટલે એના સુંદર બે હોઠ ફુલાવીને આંસુ ભરેલી આંખે એવું તો મારી સામે જોતો કે પછી મારો જીવ બળી જતો, અને ખોળામાં ઊંચકી લઈને કંઈ કેટલાંયે લાડ-ચાગ કરીને એનાં મનામણાં કરતો ! આવું બધું હું સાચેસાચ દેખતો અને કરતો !’

‘એક દિવસ હું નહાવા જતો હતો અને એણે જોડે આવવાનું વેન લીધું. શું કરું, લઈ ગયો જોડે. પણ પછી કેમેય કર્યાે પાણીની બહાર પાછો નીકળે જ નહિ, ગમે તેટલું કહું પણ કંઈ કરતાં કંઈ સાંભળે નહિ. છેવટે ચિડાઈ જઈને પાણીમાં ડૂબકું ખવરાવીને દબાવી રાખીને મેં કહ્યું, ‘લે ત્યારે, ડહોળ્યા કર જેટલું પાણી ડહોળવું હોય તેટલું.’ અને સાચેસાચ દીઠું કે પાણીની અંદર ગૂંગળાઈ જઈને એ તરફડવા માંડ્યો ! ત્યારે પાછું એની હેરાનગતિ જોઈને ‘આ શું કર્યું મેં ?’ એમ બોલતાં બોલતાં એને તેડી લીધો અને પાણીની બહાર લઈ આવ્યો !’

‘વળી બીજે એક દહાડે એને માટે મારા મનમાં કેટલું તો દુ :ખ થયેલું, હું રડેલો તેની તો વાત થાય તેમ નથી. તે દિવસે રામલાલા હઠે ચડેલો છે, એમ જોઈને ભુલાવવા માટે મેં એને ધાણી ખાવાને આપી. એમાં ડાંગરના બેચાર દાણા રહી ગયેલા. થોડી વાર પછી જોઉં તો એ ધાણી ખાતાં ખાતાં ડાંગરનાં ફોતરાં વાગીને એની સુંવાળી જીભમાં ચીરો પડેલો છે ! એવું તો મને મનમાં દુ :ખ લાગ્યું, એને ખોળામાં ઊંચકીને લઈને મોટે મોટેથી હું રડવા માંડ્યો અને એનું નાનકડું મોઢું બે હાથમાં લઈને બોલવા લાગ્યો, ‘જે મુખમાં માતા કૌશલ્યા, ક્યાંક એને લાગી ના જાય એમ વિચારીને ખીર, મલાઈ, માખણ પણ અતિ સંભાળથી ખવડાવતાં, તે મુખમાં મને અભાગિયાને આવું હલકું ધાન ખાવા દેતાં જરાયે મનમાં ખટકો થયો નહિ !’ સ્વામી શારદાનંદજી લખે છે કે, ‘વાત કરતાં કરતાં ફરી વાર શ્રીરામકૃષ્ણના મનમાં પહેલાંનો સંતાપ ખળભળી ઊઠ્યો અને ધીરજ ખોઈ બેસી તેઓ અમારી સામે એવું તો વ્યાકુળ રુદન કરવા લાગ્યા કે, રામલાલા સાથેના એમના પ્રેમસંબંધની વાતોનો કાનોમાત્રાયે સમજમાં નહિ આવેલો, છતાંયે અમારી આંખોમાં પાણી ભરાઈ આવ્યાં !’

શ્રીરામરૂપી શ્રીરામકૃષ્ણ

‘ભૈયા દક્ષિણેશ્વરકા કાલી મંદિર અભી કિતના દૂર હૈ ?’ અયોધ્યાથી પગપાળા આવતા રામાયતી સાધુએ વ્યગ્રતાથી પૂછ્યું. જવાબ મળ્યો, ‘બાબાજી, બસ પાસમેં હી હૈ.’ એ રામાયતી સાધુ હર્ષાેલ્લાસથી વિચારવા લાગ્યો : ‘હાશ ! આટલા મહિનાની પદયાત્રાનો થાક હવે ઊતરશે.’ ‘મારા ઇષ્ટ શ્રીરામનાં દર્શન હવે થશે,’ આ કલ્પનાથી જ તેનું મન નાચી ઊઠ્યું. જે દિવસે તેને ખબર પડી હતી કે તેના ઇષ્ટ શ્રીરામ ભગવાને પૃથ્વી પર ફરી જન્મ લીધો છે અને શ્રીરામકૃષ્ણ પરમહંસ રૂપે દક્ષિણેશ્વરમાં નિવાસ કરી રહ્યા છે, ત્યારથી તેને તેમનાં પ્રત્યક્ષ દર્શનની તાલાવેલી લાગી હતી. ‘અહો! કેટલા મહિનાની દર્શનાભિલાષા આજે પૂરી થશે’, આમ વિચારતા નવીન ઉત્સાહથી તેણે ઝડપભેર ચાલવા માંડ્યું. દક્ષિણેશ્વરના મંદિરમાં પહોંચીને તરત જ તેણે પૂછ્યું, ‘પરમહંસ મહાશય કહાં હૈ ?’ દક્ષિણેશ્વર મંદિરના કર્મચારીઓએ કહ્યું, ‘અરે, ઉન્હોંને તો કુછ દિન પહલે શરીર છોડ દિયા.’ આ વાત સાંભળતાં જ તે સાધુ પર જાણે આભ તૂટી પડ્યું. ‘હમ ઇતના તકલીફ કરકે ઉનકે વાસ્તે પૈદલ આતે હૈં ઔર વો શરીર છોડ દિયા ?’ આમ કહીને રડવા લાગ્યો. અને દુ :ખી અને વિષાદભર્યા મનથી પંચવટીમાં ગુમસુમ બેસી રહ્યો. આમ ને આમ ત્રણ દિવસો પસાર થયા. પણ સાધુ તો ન બોલે કે ચાલે. લોકોએ સમજાવ્યું, કોઈએ અન્ન ગ્રહણ કરવાનું કહ્યું પણ તે તો ખાધાપીધા વગર એકલો ગુમસુમ બેસી રહ્યો. એક રાતે એક અદ્ભુત ઘટના બની. તેણે જોયું કે ગંગા તરફથી શ્રીરામકૃષ્ણદેવ દિગંબર રૂપમાં આવી રહ્યા છે, તેમના હાથમાં એક માટીનું પાત્ર છે. તેઓ બકુલતલા ઘાટ પર આવ્યા અને પેલા રામાયતી સાધુને પોતાના હાથમાં રહેલ માટીના પાત્રમાંથી ખીર ખવડાવી અને પછી અદૃશ્ય થઈ ગયા. સાધુ તૃપ્ત થયો, તેની મનોવાંછના પૂર્ણ થઈ. બીજે દિવસે સવારે જ્યારે આ ઘટનાની વાત તેણે આનંદથી રામલાલદાદા (શ્રીરામકૃષ્ણના ભત્રીજા શ્રી રામલાલ ચટ્ટોપાધ્યાય)ને કરી ત્યારે તેઓ તો સાંભળીને આશ્ચર્યચક્તિ થઈ ગયા અને પેલા રામાયતી સાધુના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા. જે માટીના પાત્રમાં શ્રીરામકૃષ્ણદેવે સાધુને ખીર ખવડાવી હતી, તે પવિત્ર પાત્ર રામલાલદાદાએ સ્મૃતિરૂપે ઘણાં વર્ષાે સુધી પોતાની પાસે સાચવીને રાખ્યું હતું.

શ્રીરામરૂપી શ્રીરામકૃષ્ણનાં દર્શન ઘણાએ કર્યાં હતાં. બ્રહ્મસમાજના નેતા પંડિત શિવનાથ શાસ્ત્રી એક વાર દક્ષિણેશ્વર ગયા હતા. શ્રીરામકૃષ્ણદેવના ઓરડામાં પ્રવેશ કરતી વખતે તેમણે એક અદ્ભુત દૃશ્ય જોયું. શ્રીરામકૃષ્ણ તીર-ધનુષ્ય લઈને બેઠા હતા ! શ્રીરામકૃષ્ણ પંડિત શિવનાથ શાસ્ત્રીને તેમના સાત્ત્વિક સ્વભાવ માટે ખૂબ જ ચાહતા. તેમને જોતાંવેંત તેઓ ધનુષ્ય પડતું મૂકીને દોડતા શાસ્ત્રીજી પાસે આવ્યા, તેમને પ્રેમથી ગાઢ આલિંગન કર્યું અને ભાવાવેશમાં મૂર્છિત થઈ ગયા.

શ્રીરામકૃષ્ણના અંતરંગ પાર્ષદ સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજને એક વાર દર્શન આપી શ્રીરામકૃષ્ણદેવે કહ્યું, ‘તને ખબર છે, મારે (રામાવતારમાં) ચૌદ વર્ષ વનવાસ વેઠવો પડ્યો હતો !’

શ્રીરામકૃષ્ણને ચોસઠ તંત્રોની સાધના કરાવનાર ભૈરવી બ્રાહ્મણી દક્ષિણેશ્વરમાં પંચવટીની નીચે પોતાના ઇષ્ટદેવ શ્રી રઘુવીરને નૈવેદ્ય ધરી રહ્યાં હતાં. ધ્યાન કરતાં કરતાં તેમને અપૂર્વ દર્શન થયાં. બાહ્યભાનનો લોપ થતાં તેમની આંખોમાંથી પ્રેમની અશ્રુધારા વહેવા લાગી. શ્રીરામકૃષ્ણદેવ એ સમયે એકાએક ત્યાં આવી ચડ્યા અને દૈવી આવેશમાં ધરાવેલ નૈવેદ્ય આરોગવા લાગ્યા.

થોડી વાર પછી બ્રાહ્મણીને સંજ્ઞા આવતાં તેમણે આંખો ઉઘાડી અને પોતાને થયેલ દર્શનની સાથે આ દૃશ્યનું સામ્ય અનુભવતાં આનંદથી તેમનાં રુંવાડાં ઊભાં થઈ ગયાં. આવી રીતે શ્રીરામકૃષ્ણનાં શરીર અને મનમાં આશ્રય કરી રહેલા શ્રી રઘુવીરના જીવંત દર્શનનો લાભ મળવાથી પ્રેમ ગદ્ગદ ચિત્તે આંસુઓની ધારા સાથે દીર્ઘકાલ પર્યંત પૂજેલી પોતાની શ્રીરઘુવીર શિલાનું તેમણે ગંગામાં વિસર્જન કર્યું.

એક વાર શ્રીરામકૃષ્ણ (ગદાધર)ના પિતાશ્રી ક્ષુદીરામ પોતાના ઇષ્ટ શ્રીરઘુવીરની પૂજા કરી રહ્યા હતા. તેઓ જ્યારે ધ્યાનમાં નિમગ્ન હતા ત્યારે બાળક ગદાધરે શ્રી રઘુવીરની પુષ્પમાળા પોતાના ગળામાં પહેરી લીધી અને પિતાને કહેવા લાગ્યો. ‘જુઓ, મેં રઘુવીરનો વેશ ધારણ કર્યાે છે. જુઓ તો ખરા, આ પુષ્પમાળા પહેરીને કેવો લાગું છું !’

શ્રીરામકૃષ્ણદેવના દેહવિલય પછી શ્રીમા શારદાદેવી જ્યારે કામારપુકુરમાં રહેતાં હતાં ત્યારે તેમને પણ શ્રીરામકૃષ્ણનાં દર્શન થયાં હતાં. એક દિવસે શ્રીરામકૃષ્ણે શ્રીમાને દર્શન આપીને કહ્યું, ‘ખીચડી ખવડાવો.’ શ્રીમાએ ખીચડી રાંધીને શ્રીરામકૃષ્ણના ઇષ્ટ શ્રીરઘુવીરને ભોગ ધરાવ્યો. શ્રીમા પણ શ્રીરામકૃષ્ણને શ્રીરઘુવીરથી અભિન્ન માનતાં. (ક્રમશ 🙂

Total Views: 95
By Published On: June 1, 2021Categories: Nikhileswarananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram