વિષય વાસનાનું બંધન
માયા એટલે શું ? આધ્યાત્મિક વિકાસના માર્ગમાં અડચણરૂપ થનાર કામ એટલે માયા. કામિની જ માયા છે જે બધાંનો કોળિયો કરી જાય છે. સંસારની જાળમાં ફસાયેલા જીવો કામિની-કાંચનનો મોહ છોડી નથી શકતા અને ઈશ્વરાભિમુખ થઈ નથી શક્તા, ભલે એ માટે એમને હજાર વાર નીચું જોવું પડે.
ગૃહસ્થો, બરાબર ચેતતા રહો ! સ્ત્રીમાં અતિ વિશ્વાસ ન મૂકો; ઘણી ચતુરાઈપૂર્વક તમારી ઉપર એ પોતાનું વર્ચસ્વ સ્થાપી દેશે ! તમે ગમે તેટલી કાળજી રાખો પણ કાજળની કોટડીમાં રહો એટલે કાળા ડાઘ લાગ્યા વગર રહી જ ન શકાય. એ જ રીતે, સ્ત્રીસંગમાં કોઈ પુરુષ વસે તો, એ ગમે તેટલો સાવધાન અને સંયમી રહે, એનામાં થોડી વાસનાનો ઉદય થવાનો જ.
અતિશય બીમાર હોય અને સનેપાત થયો હોય એવા માણસની પાસે શીતળ જળ અને આમલીનું અથાણું રાખ્યું હોય તો, એને તરસ લાગતાં એ પેલું ઠંડું પાણી પીધા વિના અને ખાટું અથાણું ખાધા વિના રહી શકશે એમ તમે માનો છો? એ જ રીતે, કામજવરથી પીડાતો અને ઇન્દ્રિયભોગ માટે આતુર હોય તેવો માણસ કામિની અને કાંચનની વચ્ચે મુકાય તો તે લાલચોથી લપટાઈ જાય. ભક્તિના માર્ગથી એ દૂર જ ચાલ્યો જવાનો.
એક વાર એક મારવાડી ગૃહસ્થ શ્રીરામકૃષ્ણ પાસે ગયા અને બોલ્યા : ‘મહાશય, મેં બધું તજી દીધું છે તો પણ મને કેમ ભગવાન દેખાતા નથી ?’ ઠાકુરે ઉત્તરમાં કહ્યું : ‘તેલ રાખવા માટેની ચામડાની બરણીઓ તમે જોઈ છે ને ? તમે એમાંથી એકને ખાલી કરો છતાં, એમાં તેલ અને ગંધ તો રહી જ જાય. એ જ રીતે તમારામાં થોડી સાંસારિકતા રહેલી છે અને એની ગંધ રહેલી છે.’
યાદ રાખો કે ‘કામિની અને કાંચન’ લોકોને સંસારમાં ડૂબાડેલા અને ઈશ્વરથી દૂર રાખે છે. પોતાની પત્ની ભલી હોય કે ભૂંડી, દરેક પુરુષ એનાં વખાણ જ કરે એ કંઈ નવાઈ જેવું છે. શિકારીને ચરણે વાંદરો પોતાના પ્રાણ ન્યોછાવર કરી દે છે તે રીતે સુંદર સ્ત્રીને ચરણે પુરુષ કરે છે.
-શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી પૃ.૧૫-૧૬
Your Content Goes Here