કોઈ બીજા સમયે ચંગીઝખાનની વાત કરતાં તેમણે કહ્યું હતું કે ‘લોકો તેને અસભ્ય અને પરપીડક માને છે… પણ આ સાચું નથી… આવો મહાન માણસ ક્યારેય ધનલોલુપ અને નીચ હોઈ શકે નહીં. તે પોતાના જમાનાની દુનિયાનું ઐક્ય સાધવા માગતો હતો; નેપોલિયન બોનાપાર્ટ અને સિકંદરની જેમ જ. ફક્ત આ ત્રણ જ – અથવા તો શક્ય છે કે એક જ આત્માએ આ ત્રણ દિગ્વિજયો દ્વારા પોતાને અભિવ્યક્ત કર્યાે હતો.’ આ પછી એમણે અવતારવાદની વાત કરી.
શ્રીરામકૃષ્ણના ભાવપ્રચાર માટે નવાં સ્થપાયેલાં લોકકલ્યાણ માટેનાં કેન્દ્રોની જેમ જ તેઓ મદ્રાસથી પ્રકાશિત બે સામયિકો વિષે પણ ઘણો વિચાર કરતા અને તાજેતરમાં જ અલ્મોડામાં શરૂ કરાયેલા ‘પ્રબુદ્ધ ભારત’ વિષે તો તેઓ લગભગ રોજ વાત કરતા. એક દિવસ બધાંની આગળ એક કાગળ બતાવીને બોલ્યા : ‘મારે એક પત્ર લખવો હતો, પણ એણે તો આ કવિતા ‘પ્રબુદ્ધ ભારત પ્રત્યે’ (To the Awakened India)નું રૂપ લઈ લીધું.’
‘૨૬મી જૂન, ગુરુદેવ અમને બધાંને છોડીને કોઈ શાંત એકાંત સ્થળે જવા ઉત્સુક હતા. પણ અમને એની જાણકારી ન હોવાથી અમે તેમની સાથે ક્ષીરભવાની નામનું પવિત્ર સ્થળ જોવા માટે જવાની હઠ કરવા લાગ્યાં. અમારા સાંભળવામાં આવ્યું કે આ પહેલાં ક્યારેય કોઈ ખ્રિસ્તી કે મુસલમાનનાં પગલાં ત્યાં પડ્યાં નથી. પાછળથી અમે એનાં દર્શન કરીને કેવી ધન્યતા અનુભવી એનું વર્ણન કરી શકાય તેમ નથી. જાણે ભગવાને એ નક્કી કરી રાખેલું હતું કે આ નામ અમારા માટે સહુથી વધારે પવિત્ર બની જશે.’ પથ્થરોની છતથી આવૃત્ત આ નાના ઝરાનું જળ, દૂધ, ચોખા અને ફૂલોના રંગોથી વધારે ગાઢ બનેલું છે. હજારો ધર્મપ્રેમી યાત્રાળુઓ જપ કરતાં કરતાં આ કુંડની પ્રદક્ષિણા કરી રહ્યા છે. ત્યાં અનેક સાધુ-સંન્યાસીઓનો સમાગમ પણ થયા કરે છે. એક જગ્યાએ ભસ્મલેપન કરેલા એક જટાધારી સંન્યાસી હવનના અગ્નિ પાસે બેઠેલા છે. ત્યાં એક નાનકડું બજાર પણ છે. આ બધું જોઈને ત્યાંનાં નાનાં નાનાં બાળકો સાથે વાતો કરીને અને સાધુઓ તથા બ્રાહ્મણો પાસેથી સાકરનો પ્રસાદ લઈને બધાંએ અતિ આનંદ અનુભવ્યો.
એ પછી લોકો શંકરાચાર્યની ટેકરી (તખ્ત-એ-સુલેમાનની ટેકરી) જોવા ગયા. એ ટેકરીની ટોચ ઉપર એક નાનકડું શિવમંદિર છે. આ ટેકરી સપાટ જમીન કરતાં એક હજાર ફૂટ ઊંચે આવેલી છે. તેની ટોચ પરથી કાશ્મીરની સમગ્ર ઘાટીની સુંદર ઝાંખી થાય છે. નીચે વાંકુ-ચૂકું ફેલાયેલું ડાલ સરોવર અને તેની ચારેબાજુ અદ્ભુત શાંતિ અને ઐશ્વર્ય છવાયેલાં છે. ૨૯મી જૂને બધાં આ મંદિરમાં ગયાં. મંદિરનાં સ્થળ અને વાતાવરણ પ્રત્યે બધાંનું ધ્યાન દોરતાં સ્વામીજીએ કહ્યું : ‘જુઓ ! મંદિરો બાંધવા માટેનાં સ્થળો પસંદ કરવામાં હિન્દુઓ કેટલા વિલક્ષણ છે. મોટભાગનાં મંદિરો એવી જગ્યાએ આવેલાં છે, જ્યાંનું સૃષ્ટિ સૌંદર્ય અદ્ભુત હોય !’ ઉદાહરણ રૂપે એમણે હરિપર્વત તથા માર્તંડ મંદિરની વાત કરી. લાલ હરિપર્વત નીલ જલભંડારની અંદર નીકળેલો છે. એ જોઈને એવું લાગે છે કે જાણે અર્ધસૂતેલા સિંહના મસ્તક પર મુકુટ મૂકેલો ન હોય ! માર્તંડ મંદિરનાં ચરણોમાં તો લીલીછમ હરિયાળી ફેલાયેલી છે.
આ દિવસોમાં સ્વામીજીએ ભારતીય સંસ્કૃતિ, ઇતિહાસ, ધર્મ તથા પોતાનાં મંતવ્યો વિષે ઘણી વાતો કરી હતી. સાથે સાથે તેઓ પશ્ચિમના જીવનની સરખામણી પણ એની સાથે કરતા રહેતા. આ પશ્ચિમની મહિલાઓને તેમણે તુલસીદાસજીનો એક દોહો પણ સંભળાવ્યો હતો.
તુલસી જગ મેં આઈ કે સબસે મિલિએ ધાય ।
ન જાને કિસ ભેસ મેં નારાયણ મિલ જાય ।।
પછી તેમણે આ વેદવાણી પણ સંભળાવી હતી.
એકો દેવ : સર્વભૂતેષુ ગૂઢ : સર્વવ્યાપી સર્વભૂતાન્તરાત્મા ।
કર્માઘ્યક્ષ : સર્વભૂતાધિવાસ : સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ ।।
એ પછી એમણે રાવણની કથા સંભળાવી હતી. કોઈએ જ્યારે રાવણને સલાહ આપી કે તે રામનું રૂપ ધરીને સીતાને છેતરીને તેને વશ કરી શકે છે. ત્યારે રાવણે જવાબ આપ્યો : ‘રામ સાક્ષાત્ ભગવાન છે. એમનું રૂપ ધારણ કરવા માટે રાવણે એમના ધ્યાનમાં એકાકાર થવું પડે. અને ત્યારે પછી પરસ્ત્રીને છેતરવાની વાત ભલા મનમાં કેવી રીતે આવી શકે ? ‘તુચ્છં બ્રહ્મપદં પરવધૂસંગ : કુત : ?’ આ કથા કહીને સ્વામીજીએ કહ્યું : ‘આથી જુઓ, સાવ સામાન્ય હોય કે પછી અપરાધી હોય; એના જીવનમાં પણ આ બધા ઉચ્ચ ભાવોની ઝલક જોવા મળે છે.’ તેઓ માનવજીવનને હંમેશા અંતર્નિહિત બ્રહ્મની અભિવ્યક્તિ રૂપે જ જોતા હતા. એમને માટે તો દુષ્કૃત્યો કે દુર્વૃત્તિઓ પણ હતાં બ્રહ્મનું જ એક વિકૃત રૂપ કે અધૂરો પ્રકાશ. આથી તેઓ આ બધાંને બહુ ધ્યાનમાં લેતા નહીં. ઊલટું આવા મનુષ્યના ચરિત્રમાં પણ જે કંઈ ગુણો તેમને જણાતા તેની તેઓ પ્રશંસા કરતા રહેતા.
એક દિવસ ‘ઈસાનુસરણ’ના સર્જક ખ્રિસ્તી સંત થોમસ-એ-કેમ્પિસની વાત કરતાં સ્વામીજી બોલ્યા કે જ્યારે તેઓ પોતે પરિવ્રાજકરૂપે પરિભ્રમણ કરી રહ્યા હતા; ત્યારે ‘ગીતા’ અને ‘ઈસાનુસરણ’ આ બે પુસ્તકો જ તેમનો સહારો હતાં. અને આ મહાન સંત સાથે અભિન્ન ભાવથી જોડાયેલ એક વાક્ય પણ તેમણે કહ્યું : ‘હે ઉપદેશકો; તમે મૌન થઈ જાઓ, હે ભવિષ્યવેત્તાઓ, તમે પણ ચૂપ બની જાઓ. અને હે પ્રભુ, કેવળ તમે જ મારા અંતરાત્મામાંથી બોલો.’
આ પછી એમણે કુમારસંભવ (૫/૪)નો એક શ્લોક કહ્યો;
તપ : ક્વ વત્સે ક્વ ચ તાવકં વપુ : ।
પદં સહેત ભ્રમરસ્ય પેલવં શિરીષપુષ્પં ન પુન : પતત્રિણ : ।।
‘ક્યાં કઠોર તપશ્ચર્યા અને ક્યાં તારું આ કોમળ શરીર ? સુકોમળ શિરીષ-પુષ્પ ભ્રમરનાં ચરણનો આઘાત જ સહન કરી શકે છે, પક્ષીનો ભાર નહીં. (આથી હે ઉમા, તું તપ કરવા ન જા)’ વળી વચ્ચે વચ્ચે તેઓ ગાવા લાગતા – ‘ઓ મારા હૃદયમાં રમણ કરનારી, મારા પ્રાણની પૂતળી મા, તું આપ, મારા હૃદયાસન પર વિરાજમાન થા અને હું તને નિરખતો જ રહું.’
તેઓ હંમેશા ગીતાના શ્લોકો ઉપર ચર્ચા કરતા જ રહેતા. જ્ઞાનચર્ચામાં શૂદ્રો અને નારીઓને પણ અધિકાર છે, એમ તેઓ માનતા હતા, કેમકે બધા લોકો મહાભારત વાંચી શકે છે. અને ગીતા તો તેની અંદર આવેલી છે, ગીતામાં ઉપનિષદનો સાર સંકલિત થયેલો છે. વાસ્તવમાં ઉપનિષદને સમજવા માટે ગીતાની સહાય જરૂરી છે.
આ રીતે ચોથી જુલાઈનો દિવસ આવી પહોંચ્યો. તે દિવસે સંયુક્ત રાજ્ય અમેરિકામાં ધામધૂમથી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે અમેરિકાએ ઈંગ્લેન્ડ પાસેથી સ્વતંત્રતા મેળવી હતી. સ્વામીજીની મંડળીમાં શ્રીમતી પેટર્સન, ઓલીબુલ (ધીરામાતા) અને કુમારી મેકલાઉડ (જયા) આ ત્રણ અમેરિકન સ્ત્રીઓ હતી. ચોથાં નિવેદિતા ઈંગ્લેન્ડનાં હતાં. આગલે દિવસે નિવેદિતાએ અફસોસ વ્યક્ત કરતાં કહ્યું કે ‘આપણી પાસે અમેરિકાનો રાષ્ટ્રધ્વજ નથી. જો હોત તો સવારે આપણે એ દ્વારા આપણી મંડળીના અન્ય સભ્યોનું એમના રાષ્ટ્રીય સમારોહના ઉપલક્ષ્યમાં સ્વાગત કરત.’ સ્વામીજીએ આ વાતનો હૃદયપૂર્વક સ્વીકાર કર્યાે.
તેમણે નિવેદિતાની સાથે મળીને, બીજા ત્રણને ખબર પણ ન પડે તે રીતે ૪થી જુલાઈના ઉત્સવનું આયોજન કર્યું. ત્રીજી તારીખે બપોર પછી તેઓના આગ્રહથી એક કાશ્મીરી ‘પંડિત’ દરજીને લઈ આવ્યા. અને કહ્યું કે જો આ વ્યક્તિને ધ્વજનું સ્વરૂપ બતાવવામાં આવે તો આ ઘણી ખુશીથી ધ્વજ બનાવી આપશે. એ પ્રમાણે તેણે કાપડ ઉપર તારાઓ અને પટ્ટીઓ લગાડીને સુંદર ઘ્વજ બનાવી દીધો. આ ધ્વજને સદાબહાર વૃક્ષની કૂંપળોની સાથે જે હોડી ભોજન માટેની હતી; તેના ઉપરના ભાગમાં ખીલાઓથી જડીને ફરકાવી દીધો. પ્રવેશદ્વારને પણ કૂંપળોથી સજાવી દીધું. સ્વામીજીએ ‘ટુ ધી ફોર્થ ઓફ જુલાઈ’ (ચોથી જુલાઈ કે પ્રતિ) એ શીર્ષક હેઠળ સ્વતંત્રતાના ભાવથી સભર એક સુંદર કવિતા બનાવી. (ક્રમશ 🙂
Your Content Goes Here