જરાસંધ સાથે દ્વંદ્વ યુદ્ધ :
પછી શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને જરાસંધને મારવાનો તે ઉપાય કહી સંભળાવ્યો કે જે ઉદ્ધવે બતાવ્યો હતો. તે મુજબ ભીમ, કૃષ્ણ અને અર્જુન બ્રાહ્મણનો વેશ ધારણ કરીને જરાસંધની રાજધાની મગધમાં ગયા. એ ત્રણ જરાસંધને તે સમયે મળવા ગયા કે જ્યારે તે પોતાના અતિથિઓ અને અભ્યાગતોનો સત્કાર કરી રહ્યો હતો. તેઓએ જરાસંધ પાસે આ રીતે યાચના કરી- ‘રાજન! તમારું કલ્યાણ થાઓ. અમે ત્રણ તમારા અતિથિ છીએ અને એક વિશેષ પ્રયોજનથી ઘણે દૂરથી તમારી પાસે આવ્યા છીએ. એટલા માટે અમે જે કંઈ ઇચ્છીએ છીએ, તે તમે અમને ચોક્કસ આપો. જે પુરુષ સ્વયં સમર્થ થઈને પણ આ નાશવંત શરીરથી એવા અવિનાશી યશનો સંગ્રહ નથી કરતો, જેનું મોટા મોટા સત્પુરુષો પણ ગાન કરે છે તેનું જીવન તો શોક કરવા લાયક છે. તમે તો જાણો છો કે હરિશ્ચંદ્ર અને રંતિદેવ જેવા રાજા પોતાનું સર્વસ્વ દાન કરી દઈને અમર થઈ ગયા છે. એટલા માટે તમે પણ અમને નિરાશ કરશો નહીં.’
જરાસંધે ત્રણેયનો અવાજ, તેમના હાવભાવ તથા બાવડા પર પડેલા ધનુષની પણછનાં ચિહ્નો જોઈને સમજી લીધું કે તેઓ બ્રાહ્મણ નથી, ક્ષત્રિય છે. તેને એ પણ લાગ્યું કે તેઓને તેણે ક્યાંક ને ક્યાંક અવશ્ય જોયા છે. પછી તેણે મનોમન વિચાર કર્યાેે, ‘તેઓ ક્ષત્રિય હોવા છતાં પણ મારા ભયથી બ્રાહ્મણનો વેશ સજીને આવ્યા છે તેથી તેઓ જે કંઈ પણ માગે તે હું આપીશ. વિષ્ણુ ભગવાને બ્રાહ્મણનો વેશ ધારણ કરીને રાજા બલિનું ધન, ઐશ્વર્ય-એ બધું છીનવી લીધું, છતાં પણ બલિની પવિત્ર કીર્તિ ચારે તરફ ફેલાયેલી છે અને આજે પણ લોકો ઘણા આદરપૂર્વક તેનું ગાન કરે છે.’
આ રીતે વિચાર કરીને તેણે કહ્યું, ‘બ્રાહ્મણો! તમે તમારી મનગમતી વસ્તુ માગી લો. તમે ઇચ્છો તો હું તમને મારું મસ્તક પણ આપી શકું છું.’
આ સાંભળીને શ્રીકૃષ્ણે કહ્યું, ‘રાજન્! જો તમે અમને અમારી મનગમતી વસ્તુ આપવાનો નિશ્ચય જ કરી લીધો છે તો અમને દ્વંદ્વ યુદ્ધની ભિક્ષા આપો. વાસ્તવમાં અમે બ્રાહ્મણ નહીં, ક્ષત્રિય છીએ અને તમારી પાસે યુદ્ધ માટે જ આવ્યા છીએ. આ કુંતી પુત્ર ભીમસેન છે અને આ તેમના ભાઈ અર્જુન છે અને હું એ બન્નેનો મસિયાઈ ભાઈ તથા તમારો જૂનો શત્રુ કૃષ્ણ છું.’
જરાસંધ શ્રીકૃષ્ણની વાત સાંભળીને ખડખડાટ હસવા લાગ્યો અને ચીડાઈને કહ્યું, ‘મૂર્ખાઓ! જો તમને યુદ્ધ કરવાની જ ઇચ્છા છે તો હું તમારી પ્રાર્થનાનો સ્વીકાર કરું છું. પરંતુ કૃષ્ણ, તમે તો ઘણા ડરપોક છો. તમે મારા ભયથી મથુરા પણ છોડી દીધું અને સમુદ્રનું શરણ સ્વીકાર્યું. એટલા માટે હું તમારી સાથે નહીં લડું. અર્જુન એક તો મારાથી નાનો છે અને બીજું તો તે મારાથી વિશેષ બળવાન પણ નથી. એટલા માટે તે પણ મારો જોડિયો થઈ શકે નહીં. રહ્યો ભીમ, તે અવશ્ય જ મારા જેટલો બળવાન છે તેથી હું તેની સાથે જ લડીશ.’
આમ કહીને જરાસંધે પોતાના સેવકોને બે મોટી ગદાઓ લઈ આવવાની આજ્ઞા કરી. એક ગદા તેણે ભીમને આપી અને પોતે બીજી ગદા લઈને નગરની બહાર નીકળી આવ્યો. હવે આ બન્ને વીર અખાડામાં આવીને એક બીજા સાથે યુદ્ધ કરવા લાગ્યા અને પોતાની વજ્ર જેવી ગદાઓથી એક બીજા ઉપર પ્રહાર કરવા લાગ્યા. બન્નેય એક સરખા બળવાન અને યુદ્ધકુશળ હતા. તેઓ ડાબા-જમણા જાત જાતના પેંતરા બદલતા શોભાયમાન થઈ રહ્યા હતા, જાણે કે બે શ્રેષ્ઠ નટ રંગમંચ પર યુદ્ધનો અભિનય કરી રહ્યા હોય. જ્યારે એકની ગદા બીજાની ગદા સાથે ટકરાતી ત્યારે એવું માલૂમ પડતું કે જાણે યુદ્ધ કરતા બે હાથીઓના દાંત અરસપરસ ભીડાઈ રહ્યા છે અથવા તો ભયંકર અવાજ સાથે વીજળીના કડાકા થઈ રહ્યા છે.
જરાસંધ અને ભીમસેન ઘણા વેગથી ગદાઓ ચલાવી ચલાવીને એક બીજાના ખભા, કમર અને હાથ પર પ્રહાર કરવા લાગ્યા. તેમની ગદાઓ તેમનાં અંગો સાથે ટકરાઈને ચૂરેચૂરા થવા લાગી. પછી બન્ને વીર ક્રોધે ભરાઈને એક બીજા પર મુક્કાથી પ્રહાર કરવા લાગ્યા. તેમનો મુક્કા-પ્રહાર એવો પ્રચંડ હતો કે જાણે લોખંડનો ઘણ પડી રહ્યો છે. તેમની થપ્પડો અને મુક્કાઓનો કઠોર શબ્દ વીજળીના કડાકા જેવો જણાતો હતો. જરાસંધ અને ભીમસેન બન્નેના ગદાયુદ્ધમાં કૌશલ, બળ અને ઉત્સાહ એક સરખાં હતાં. બન્નેની શક્તિ જરાય ક્ષીણ થતી ન હતી. લડતાં લડતાં સત્યાવીશ દિવસ વીતી ગયા પરંતુ બન્નેમાંથી કોઈની પણ હાર કે જીત થઈ નહીં. ભલે બન્ને દિવસ દરમિયાન લડતા, પરંતુ યુદ્ધ સમાપ્ત થતા તે બન્ને મિત્રની જેમ રહેતા.
અઠ્ઠાવીસમા દિવસે ભીમે શ્રીકૃષ્ણને કહ્યું, ‘કેશવ! લાગે છે કે હું જરાસંધને યુદ્ધમાં જીતી નહીં શકું.’ શ્રીકૃષ્ણ જરાસંધના જન્મ અને મૃત્યુનું રહસ્ય જાણતા હતા. તેઓએ ત્યારે ભીમસેનના શરીરમાં પોતાની શક્તિનો સંચાર કર્યાે અને જરાસંધના વધનો ઉપાય વિચારવા લાગ્યા.
યુદ્ધ ફરી પાછું શરૂ થયું. જ્યારે ભીમે જરાસંધના પગ પકડીને તેને ધરતી પર પછાડ્યો ત્યારે શ્રીકૃષ્ણે ભીમનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું અને તેને બતાડીને એક વૃક્ષની ડાળીને વચ્ચોવચથી ચીરી નાખી. પરમ શક્તિશાળી ભીમ તે સંકેતને સમજી ગયો. તેણે જરાસંધના એક પગને પોતાના એક પગ નીચે દબાવ્યો અને બીજા પગને પોતાના બે હાથથી પકડી લીધો. ત્યાર બાદ ભીમે તેના શરીરને એવી રીતે ચીરી નાખ્યું કે જેમ એક હાથી કોઈ વૃક્ષની ડાળીને ચીરી નાખે છે. જરાસંધના શરીરના બે ટુકડા થઈ ગયા.
Your Content Goes Here