ગતાંકથી આગળ…

ઇહકાલ સર્વસ્વ, એ દેશના સારા સારા લોકો બધા આ દેશ તરફ તાકી રહ્યા છે. સાત સમુદ્ર તેર નદીઓ પાર કરીને અહીંયા આવે છે, ઈશ્વરીય ભાવ સંભોગ કરવા માટે. આ જ બેલુર મઠમાં કેટલા સાહેબ-મેડમ આવી રહ્યા છે. કેટલાય પવિત્ર ત્યાગમય જીવન જીવી રહ્યા છે. કોઈ કોઈ તો વળી સાધુ પણ થઈ ગયા છે. એ બધાં મહાન પુરુષો છે. પરંતુ એમના દેશમાં એમના માટે સ્થાન નથી. કોઈ એમને સમજી જ નથી શકતું. આહા ! કેટલી વિઘ્ન બાધાઓ અતિક્રમણ કરીને તેઓ અહીંયા આ દેશમાં આવે છે ઈશ્વરાનંદના ઉપભોગ માટે. પરંતુ અહીંના લોકો તો આ ભાવને શ્વાસોશ્વાસમાં, breath માં અનુભવ કરી રહ્યા છે. અમારા માટે આ ભાવ અતિ natural, સ્વાભાવિક છે. આ જ છે ભારતનું વૈશિષ્ટ્ય. આ જ છે હિન્દુ સભ્યતા, આર્ય સભ્યતાના આદર્શ. પહેલાં ઈશ્વર પછી બધું. ઈશ્વર ન મેળવ્યા તો કાંઈ જ ન મેળવ્યું. રુપ, ગુણ, ધન, જન, યૌવન બધું જ ઈશ્વરને સમર્પણ કરવામાં જ સાર્થકતા છે, નહિંતર વ્યર્થ ભાર વેઠવાનો છે. ગર્ભાધાનથી આરંભ કરીને મૃત્યુપર્યંત સમગ્ર life, જીવન જ એક અતૂટ worship, ઉપાસના છે.

ભગવદ્ ભાવ-વિભોર શ્રી મ ની આ તેજોમયી ઉદીપનાપૂર્ણ વાક્યાવલી જાણે મંત્રની જેમ કાનમાં પ્રવેશી રહી છે. કોઈ કોઈ સાંભળતા સાંભળતા વિચારી રહ્યા છે, શું આ જ રીતે પ્રાચીન ભારતના ઋષિ-ક્ંઠેથી વિનિ :સૃત મહાવાક્યો આખા ભારતના લોકો શ્રવણ કરતાં હતાં. અત્યારે પણ એ જ ધ્વનિની પ્રતિધ્વની સામે વંદનીય મહાપુરુષના મુખેથી વહી રહ્યો છે ! કોઈ વળી ભાવના કરી રહ્યું છે, આ જ છે ઋષિ સંગે તપોવન-વાસની બાળપણથી સંચિત વાસનાની પરિપૂર્ણતા ! લાગે છે જાણે પ્રાચીન ભારત છે નવા કલેવરમાં સામે મૂર્તિમાન.

પાંચમો અધ્યાય

પહેલાં ઈશ્વર પછી બધું – ‘મને ધારણ કરો’

મિહિજામ – આશ્રમ. વરંડામાં શ્રી મ ખુરશીમાં બેઠા છે. પાસે જ પાટ પર સત્યવાન અને ફણી, પછી મુકુન્દ અને જગબંધુ છે. બ્રાહ્મમુહૂર્તમાં ઉઠીને ધ્યાન-સ્નાનાદિથી નિવૃત થઈને વરંડામાં બધા એકત્રિત થયા છે. દરરોજ લગભગ આ સમયે બધા જ એક્ત્રિત થાય છે, ઈશ્વરીય વાર્તા શ્રવણ કરવા માટે. એ દરમ્યાન ટપાલ આવી ગઈ. સમય સવારના સાડા આઠ.

સત્યવાન અને ફણી છે રામપુર હાટના સ્કૂલના વિદ્યાર્થી, પંદર સોળ વર્ષની આયુના. મુકુન્દ છે એ સ્કૂલના રેકટર. તેઓ એમ.એ.પાસ કરીને અધ્યાપનનું કાર્ય કરે છે. વિવાહ નથી કર્યા. લગભગ બાલ્યકાળથી જ શ્રી મ ના અનુગત છે. તેઓ બિમાર છે એટલે શારીરિક અને માનસિક વિશ્રામ માટે શ્રી મ ની પાસે મિહિજામ આવેલા છે. મુકુન્દની સેવા માટે બે-એક સ્કૂલનાં છાત્રો ક્યારેક ક્યારેક એમની પાસે રહે છે.

પત્ર વંચાઈ રહ્યા છે. નાના જિતેને લખ્યું છે, ‘આજે સવારના સમયે શ્રી શ્રી મહાપુરુષ મહારાજે ઠાકુર ઘરમાં પ્રવેશ કરતા સમયે વરંડામાં બેઠેલા ધ્યાનરત સાધુઓને જોઇને હાથ જોડીને પ્રણામ કર્યાં.’ નાના જિતેન ઓફિસમા કામ કરે છે, શ્રી મ ના આદેશથી ઓફિસેથી નીકળીને રોજ કલકત્તાથી બેલુર મઠ જઈને રાત્રે રહે છે અને સાધુઓ સાથે ધ્યાન ભજન કરે છે. સવારે વળી ઓફિસે ચાલ્યા જાય છે. ભોજ્ન વગેરે કલકત્તાના નિવાસસ્થાને કરે છે. તેઓ મઠનું વિવરણ લગભગ રોજ જ શ્રી મ ને પત્ર દ્વારા જણાવે છે. આજે પણ પત્ર આવ્યો છે. મહાપુરુષ મહારાજે ધ્યાનમૂર્તિઓને પ્રણામ કર્યાં, એ સાંભળીને શ્રી મ એ કહ્યું :-

‘ધ્યાનમૂર્તિ શું કામ ! ઠાકુર કહેતાં હતાં, ગંગામાં પૂર આવવાથી બધી જ નહેરો ભરાઇ જાય છે. ગંગામાં ગંગાજળ, નહેરમાં પણ ગંગાજળ, ગંગામાં ભરતી નહેરમાં પણ ભરતી. અહીંયા પ્ાણ હીલસા માછલી ત્યાં પણ હીલસા માછલી (બધા હસે છે). એ પ્રમાણે ધ્યાનમાં ધ્યાતા અને ધ્યેય એક થઈ જાય છે. એટલે જ તો પ્રણામ કર્યાં મહાપુરુષે. એની જ ચર્માવસ્થા સમાધિ છે. ત્યારે ધ્યાન ધ્યાતા ધ્યેય ભેદ ચાલ્યો જાય છે. વેદાંતવાદીઓ એને ‘ત્રિપુટી ભેદ’ કહે છે. સમાધિમાં બધા ભેદ લુપ્ત થઈ જાય છે. ત્યારે એક છે કે બે એ કહી શકાતું નથી. મનનાં મનત્વનો નાશ થાય છે. એને જ શુદ્ધ મન કહે છે. શુદ્ધ મન અને શુદ્ધ આત્મા ને ઠાકુરે એક કહ્યા છે.

‘મઠમાં વાસ કરવાથી જ આવી બધી ઘટનાઓ જોવામાં આવે છે. લાખ ચોપડીઓ વાંચો અને ભલે ગમે તે કરો આવું કોઈથી નથી થઈ શકતું. હજારો ઉપદેશોથી જે નથી થતું ‘મહાપુરુષ મહારાજના ધ્યાનરત સાધુઓને પ્રણામ’ દ્વારા એનાથી ઢગલાબંધ વધારે થશે. મનમાં આ દશ્ય દ્રઢ રીતે જડાઈ જાય છે. કેમ આ પ્રણામ કર્યા – અને કોણે કર્યા, મઠના અધ્યક્ષે. આવી બધી જ અમૂલ્ય સંપત્તિના અધિકારી થઈ જાય છે, મઠ સાથે સંપર્ક રાખવાથી અને આવન-જાવન કરવાથી.

‘ભક્તલોકો જેનાથી મઠમાં રોજ આવજા કરી શકે, એટલે ઈશ્વરે સ્ટીમરનો પ્રબંધ કરી દીધો છે. જ્યારે મન હોય ત્યારે જઈ શકાય છે. રાત્રે ત્યાં રહેવાથી બંને સમયના ધ્યાન દર્શન થઈ જાય છે. અને સંધ્યા આરતી અને મંગલઆરતીના પણ દર્શન થઈ જાય છે. સાધુઓના દર્શન કરવા જોઈએ serious moments, એમના ઈશ્વર ચિંતનના સમયે, ત્યારે જ તો એ લોકો જે કરે છે એ આપણા મનને પણ કરવાની ઇચ્છા થશે. બાબુલોકો સિગારેટ હોઠ પર લગાવી, હાથમાં લાકડી લઈ એમની સાથે ગપ્પા મારવા, politics, રાજનીતિ, છાપાની ચર્ચા કરવા જાય છે. પરંતુ best time, અંતર્મુખી અવસ્થામાં સાધુઓના catch દર્શન કરવા જોઈએ. સાધુ કદાચ સંજોગવશાત્ વાતચીતમાં વ્યસ્ત પણ હોય તો એ સમયે પ્રણામ કરી ઝાડ નીચે જઈ બેસી જવું જોઈએ. એમનું મન સામયિક નીચે ઉતરી પણ જાય તો તેઓ ઇચ્છામાત્રથી ઉપર ઉઠાવી શકે છે. એટલે best time, શુભક્ષણમાં એમનાં દર્શન કરવા જોઈએ. Higher life, spiritual life, ઉચ્ચ ધર્મજીવન, આધ્યાત્મિક્ જીવનનો ideal, આદર્શ જે કાંઈ પણ છે, ત્યાં જ પ્રાપ્ત થશે. નિત્ય ગંગાસ્નાન, શ્રી દક્ષિણેશ્વર દર્શન, સાધુસંગ બધું જ દુર્લભ છે.

એક ભકતજન – સારુ. સંધ્યા વંદનાની બાબતમાં ઠાકુર શું કહેતા હતા ?

શ્રી મ – ઠાકુર, સંધ્યા કરવા માટે કહેતા હતા. એનાથી રોજ પ્રાણી હિંસા વગેરેથી થયેલા પાપનું પ્રાયશ્ચિત થઈ જાય છે. અને ઈશ્વરનું ઉદ્દીપન થાય છે. અને વળી દરરોજના કાર્યોનું સારું ખરાબ બધું પકડી શકાય છે એ સમયે બેસવાથી. સંધ્યા એટલે સંધિક્ષણમાં રાત પછી દિવસ આવે ત્યારે, દિવસ પછી રાત આવે ત્યારે અને મધ્યાહ્ને ભગવાનનું નામ લેવું જોઈએ.

‘તેઆ કહ્યા કરતાં, ‘સંધ્યાથી વધારે ગાયત્રી છે, ગાયત્રીથી વધારે ‘ૐ કાર’. અને કહેતા ‘સંધ્યા ગાયત્રીમાં લીન થઈ જાય છે, ગાયત્રી લીન થાય છે ૐકારમાં. અર્થાત, ગાયત્રીના જપ સદાય કરવાથી પછી સંધ્યા કરવાની જરૂર રહેતી નથી, અને વળી ૐ નો જપ સદાય કરવાથી પછી ગાયત્રીની જરૂર નથી. કહેતા રહેતા ને, ૐ નો એક વાર જાપ કરવાથી કરોડો સંધ્યાનું ફળ મળે છે. અને જેને બ્રહ્મદર્શન થઈ ગયા છે, સમાધિલાભ થયો છે, એને તો કશાની જરૂર નથી.’

‘ૐ કારની પણ વળી ઉપાસના છે. અ,ઉ,મ – ૐ કારની આ ત્રણ માત્રાઓની બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર; જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિની સાથે પણ તુલના કરવામાં આવે છે; વિશ્વ, તેજસ અને પ્રાજ્ઞ અને વળી વિરાટ, હિરણ્યગર્ભ અને ઈશ્વર સાથે પણ તુલના કરવામાં આવે છે. ૐ કારની આ ત્રણ માત્રાઓ જ અપરમાર્થ રૂપ છે. તુરીય અથવા ચતુર્થ માત્ર જ છે પરમાર્થ રૂપ.

‘વળી લય ચિંતન પણ છે. ‘અ’નો ‘ઉ’ માં લય કરવો જોઈએ. ‘ઉ’નો ‘મ’ માં. અર્થાત સ્થૂળ કે વિરાટ હિરણ્યગર્ભમાં, સૂક્ષ્મમાં. હિરણ્યગર્ભ કારણમાં કે ઈશ્વરમાં, કારણ મહાકારણમાં લય કરવો જોઈએ.

‘સ્થૂળ સૂક્ષ્મમાં, સૂક્ષ્મ કારણમાં, કારણ મહાકારણમાં અથવા બ્રહ્મમાં લય થાય છે. ઠાકુરે પણ આ લય ચિંતનની વાત કહી છે. એ જ છે અનુલોમ ચિંતન.’

‘અમાત્ર રૂપ બ્રહ્મ હું છું, એવું ચિંતન કરતાં કરતાં મુક્ત થઈ જાય છે. વેદાંતવાદી એ જ રીતે ચિંતન કરે છે.

‘જે સદાય ધ્યાન જપ કરે છે એને સંધ્યાની જરૂર હોતી નથી. ઠાકુર ગીત ગાતા હતા –

ત્રિસંધ્યા જે બોલે કાલી પૂજા સંધ્યા સે કિ ચાય —।

સંધ્યા તાર સંધાને ફિરે કભુ સંધિ નાહિ પાય —।।

(ભાવ એ છે કે જે કાલી(ઈશ્વર)નું નામ ઉચ્ચારિત કરે છે એને પૂજા અને સંધ્યાની શું જરૂર ? સંધ્યા એની પાછળ દોડતી ફરે છે, પરંતુ મેળ થતો નથી.) આ સિદ્ધ અવસ્થામાં થાય છે. (ક્રમશ 🙂

Total Views: 385

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.