મહાભારતના શાંતિપર્વમાં બાણશય્યા પર સૂતેલા પિતામહ ભીષ્મ પાસે રાજકાજ, રાજધર્મ વગેરે અનેક વિષયોની યુધિષ્ઠિર શિક્ષા લ્યે છે. આ ધર્મ પ્રકરણ (વિપત્તિના સમયે)માં રાજાનું શું કર્તવ્ય છે, તેણે સંધિ કરવી કે યુદ્ધ કે પલાયન ઇત્યાદિ પ્રશ્નોના ઉત્તર આપવા પિતામહ ભીષ્મ તેને પલિત નામક ઉંદરની વાર્તાનું ઉદાહરણ આપી શિક્ષા આપે છે. યુધિષ્ઠિર પૂછે છે કે ચારે તરફથી શત્રુઓ દ્વારા ઘેરાયેલા રાજાએ શું કરવું જોઈએ? કોણ શત્રુ, કોણ મિત્ર આ પરિસ્થિતિમાં તે ઓળખ કેમ કરવી અને બળશાળી અને બુદ્ધિમાન હોવા છતાં જો તે શત્રુઓથી ઘેરાય જાય તો તેણે શું માર્ગ લેવો? આવા અનેક પ્રશ્નોના ઉત્તરમાં ભીષ્મ તેને આ વાર્તા કહેતા કહે છે કે ‘સમય અને પરિસ્થિતિનું આકલન કરી રાજાએ બધા નિર્ણય લેવા જોઈએ. જરૂર પડ્યે રાજાએ પોતાના સમાન કોઈ રાજા સાથે સંધિ કરીને પણ પોતાનું કાર્ય સિદ્ધ કરવું જોઈએ અને પ્રાણોની રક્ષા કરવી જોઈએ. બુદ્ધિપૂર્વક વિવેક સાથે તેણે અન્યની સહાયતા લઈ પોતાને બચાવવો જોઈએ. આ સંદર્ભમાં પલિત નામક ઉંદર અને લોમશ બિલાડાની વાર્તા સાંભળ.

‘એક જંગલમાં મોટા વટવૃક્ષની નીચે દર કરી એક પલિત નામક ઉંદર રહેતો. તે વૃક્ષ પર અન્ય પશુ પક્ષીઓ સાથે લોમશ નામે એક બિલાડો પણ રહેતો. પલિત ઘણી હોશિંયારીથી પોતાના શત્રુઓથી પોતાના પ્રાણોની રક્ષા કરતો વૃક્ષ તળે રહેતો. અનેક વાર શિકારીઓ પશુપક્ષીથી ભરપૂર વૃક્ષ તળે જાળ પાથરતા અને તેમાં ફસાયેલા પશુ પક્ષી વેંચી ગુજરાન ચલાવતા. કાળચક્રે એક દિવસ લોમશ બિલાડો તેવા જાળમાં સપડાઈ ગયો. પોતાના પરમશત્રુને જાળમાં જોઈ પલિત આનંદપૂર્વક નિર્ભય બની તેના દરથી બહાર નીકળી ફરવા લાગ્યો. તેની અસાવધતા તેને ભારે પડી કારણ તેણે થોડું આગળ જતાં જ જોયું કે વૃક્ષ પર એક ઘુવડ તેના શિકાર માટે ત્રાટકવા તૈયાર થયું છે, અને ભાગવા જાય તે તરફ જોયું તો તેનો બીજો શત્રુ એક નોળિયો તેને મારવા ઘસી આવવા તૈયાર હતો. આમ તેને સુરક્ષિત દરમાં ફરવાના બધા રસ્તા બંધ થયા અને ચોતરફ વિપત્તિથી એ ઘેરાયો. પ્રાણસંકટમાં પડેલ પલિત ઉંદરે ત્યારે વિચાર્યું જ્યારે મૃત્યુ સામે છે ત્યારે ગભરાયા વગર વિવેક અને સાહસપૂર્વક વર્તવું જ યોગ્ય રહેશે. બુદ્ધિથી કોઈ ઉપાય શોધી પ્રાણ બચાવું અને તેણે સમાન સંકટાપન્ન લોમશ બિલાડાને જોયો. ત્યારે બુદ્ધિમાન ઉંદર લોમશ પાસે જઈ વિનયપૂર્વક કહે છે કે, ‘ભલે આપણે શત્રુઓ હોઈએ પણ એક વૃક્ષમાં સાથે રહેતા પાડોશીઓ પણ છીએ અત્યારે આપણાં બન્નેના પ્રાણ સંકટમાં છે. ચન્દ્રક ઘુવડ અથવા આ નોળિયો મારા પ્રાણ લેશે અને શિકારી તારા. વિદ્વાનોએ કહ્યું છે કે સંકટ સમયે સમવ્યથી અને સમજુ શત્રુ સાથે સંધિ કરવી જોઈએ જેથી બન્નેને લાભ થાય. તું તો જ્ઞાની છે. મારા જીવનમાં તારા જીવનની આશા છે કારણ અહીં તારી જાળ હું જ કાપી શકું છું, અને ઘુવડ અને નોળિયાથી મારી રક્ષા તું જ કરી શકે છે, માટે મારા પ્રાણ તારે હાથ છે. જો આપણે સાથે થઈ જઈએ તો બન્નેના શત્રુઓ હારશે અને આપણે જીવતા રહેશું.’ ચતુર પલિતની વિનયપૂર્વક કહેલ તર્કયુક્ત વાત લોમશને ગમી ગઈ. તેના બચવા માટે આ ઉત્તમ ઉપાય હતો. માટે મુસીબતમાં પડેલ બન્ને એકબીજાને સહાય કરે છે. ઉંદરને બિલાડાની પાસે બેઠેલો જોઈ ઘુવડ અને નોળિયો નિરાશ થઈ ચાલ્યા ગયા. જ્યારે પલિતે ધીરે ધીરે આખી રાત જાળ કાપી કારણ તે જાણતો હતો કે જો તુરંત જાળ કાપીશ તો બિલાડો મુક્ત થતાં જ મારું ભક્ષણ કરશે. પણ જ્યારે શિકારીને આવતો જોઈ લોમશનું ધ્યાન ગભરાટમાં ભટકાયેલું હતું ત્યારે તેણે બચેલી જાળ કાપી બિલાડાને મુક્ત કરતાં પોતાના દરમાં ઘુસી ગયો. વિપત્તિમાં વિના સાહસ ગુમાવ્યે, વિવેક, વિનય અને બુદ્ધિથી આમ બિલાડા જેવા પરમશત્રુ સાથે પણ સંધિ કરી ઉંદરે પોતાના પ્રાણ બચાવ્યા.’

આ વાર્તા આપણને જીવનમાં કઠણ અને વિપત્તિ સભર સમયમાં ધૈર્ય, સાહસ અને આત્મવિશ્વાસ ગુમાવ્યા વગર શાંતમને આપણી વિદ્યા, બુદ્ધિ, કૌશલનો ઉપયોગ કરી માર્ગ કાઢવાની શિક્ષા આપે છે. ધીરજ ગુમાવી, ભય, હતાશા અને માનસિક તણાવને આપણે આપણી સૂઝબૂઝ, સમજ અને વિવેક પર હાવિ થવા દઈએ છીએ અને સાધ્ય થઈ શકે તેવા કાર્યોેને પણ અસાધ્ય કરી મૂકીએ છીએ. ભય, ટેન્શન અને તેમાંથી ઉપજતો આત્મવિશ્વાસનો અભાવ આપણા જ્ઞાન, વિવેક, વિશ્વાસને આવરી લે છે. આવા સમયમાંથી સફળતાપૂર્વક બહાર નીકળવા એક સોનેરી સૂત્ર મહાન સંત તુલસીદાસજી આપણને આપે છે :-

તુલસી સાથી વિપત્તિ કે વિદ્યા, વિનય વિવેક —।

સાહસ સુકૃતિ સુસત્યવ્રત રામભરોસે એક —।।

જીવનમાં જ્યારે પણ મુશ્કેલ પરિસ્થિતિઓ આવે ત્યારે આ ગુણો- વિદ્યા, વિનય, વિવેક, સાહસ, સત્કર્માે, સત્યનો અભ્યાસ અને ઈશ્વર પર પૂર્ણ ભરોસો ને નિષ્ઠા- બચાવશે, રસ્તો દેખાડશે. વિકટ પરિસ્થિતિમાં આપણે હિંમત હારી બેસીએ છીએ. એ પરિસ્થિતિમાં બુદ્ધિ, વિવેકપૂર્વક, દૃઢ સાહસ સાથે નિર્ણય લેવામાં અક્ષમ બનીને મોહ, વિષાદ, ભય, હતાશાનો શિકાર બને છે. માટે જ સ્વામી વિવેકાનંદના યુવાનોને બે જીવનમંત્ર હતા- સાહસ અને આત્મવિશ્વાસ. તેઓ પોતાની ઓજસ્વી વાણીમાં યુવાનોને હાકલ કરતા કહે છે, ‘ ખડા થાઓ, હિંમતવાન બનો, તાકાતવાન થાઓ. બધી જવાબદારી પોતાને શીરે ઓઢી લ્યો અને સમજો કે તમારા નસીબના ઘડનારા તમે પોતે જ છો. જે કાંઈ શક્તિ અને સહાય તમારે જોઈએ તે તમારી પોતાની અંદર જ છે; માટે તમારું ભાવિ તમે પોતે જ ઘડો.’

વિપત્તિકાળે વિદ્યા તો જ કામ આવે જ્યારે મન સાહસ, વિશ્વાસ અને ધીરજથી યુક્ત બને, વિનયી બને અને પોતા પર અને ઈશ્વર પર ભરોસો ન છોડે. ચિંતા ચિતા સમાન છે અને આ આગને બુદ્ધિબળ, આત્મબળ જ શાંત કરી શકે.

વિપત્તિકાળમાં જ માણસની બુદ્ધિની પરીક્ષા થાય છે. જે વિદ્યા કે આવડત હર પરિસ્થિતિમાંથી માર્ગ કાઢતા શીખવે, જે મનને મક્કમ બનતા, સાહસપૂર્વક શોધતા શીખવી શકે એ જ સાચી વિદ્યા. સ્વામી વિવેકાનંદ કહે છે, ‘સાચી શિક્ષા, સાચું જ્ઞાન એ જ છે જે ઇચ્છાશક્તિની અભિવ્યક્તિને નિયંત્રણ કરી ઉપયોગી બનાવે.’ પોથીપાઠને સ્વામીજી શિક્ષા નથી માનતા. તેમના મતે ‘Training of Mind’ છે સાચી શિક્ષા. કેટલું ભણ્યા, કેટલું કંઠસ્થ છે, કેટલી ડિગ્રીઓ છે તેનું તેટલું મહત્ત્વ નથી જેટલું તે અર્જીત વિદ્યાને વ્યવહારમાં લાવવાની કૌશલનું છે. માટે જ ચાણક્ય એક શ્લોકમાં કહે છે,

‘પુસ્તકસ્થા તુ યા વિદ્યા, પરહસ્ત ગતમ્ ધનમ્ કાર્યકાલે સમુત્પન્ને ન સા વિદ્યા ન તદ્ધનમ્.’

અર્થાત્ જેની વિદ્યા પોથીઓમાં બદ્ધ જ રહી છે(વ્યવહારિક નથી બની) અને જેનું ધન બીજાના હાથમાં છે, તે વિદ્યા કે ધન વિપદકાળે તે વ્યક્તિને કંઈ કામ નથી લાગતું. માહિતી એકઠી કરવી એ જ્ઞાનોપાર્જન નથી. તે માહિતીઓ, તથ્યોમાંથી સાર લઈ તેનો ઉપયોગ કરવાની યોગ્યતા કેળવવી એ સાચી વિદ્યા, સાચું શિક્ષણ છે. જ્ઞાન ડહાપણની સાથે વિનય લાવે છે, સત્કર્માે અને સત્ય પ્રતિ પ્રીતિ લાવે છે. ‘વિદ્યા દદાતિ વિનયમ્’ વિદ્યા જો અહંકાર ઉત્પન્ન કરે તો જાણવું કે વિદ્યા પચી નથી. અહંકાર માણસને અવિવેકી અને દંભમાં આંધળો કરે છે. તે પોતાને જ મહાન અને બીજાને મૂરખ સમજવા લાવે છે. તેના અહંકાર તેના જ્ઞાન અને વિવેકને ઢાંકી દે છે પણ વિનય તેનો રસ્તો ખોલી દે છે. હનુમાન અને રાવણ બન્ને બળ અને બુદ્ધિના ભંડાર હતા. એકના વિનયે તેની બુદ્ધિ, બળ અને વિવેકને ઈશ્વર પદાશ્રિત બનાવી મહાન ભક્ત બનાવ્યો જ્યારે એકના અહંકારે તેના જ્ઞાન અને વિવેકને છાવરી ભગવાનનો શત્રુ, ધર્મનો દ્વેષી બનાવ્યો. હનુમાન જીવનને રામમય બનાવી અવિનાશી બન્યા અને રાવણે પોતાનો વિનાશ નોતર્યાે. અહંકાર આપણી સુકૃતિઓને નષ્ટ કરે છે. માટે જે સત્કર્માે આપણા પ્રારબ્ધનું ખંડન કરતા, ચિત્તશુદ્ધ કરતા કર્માેને કર્મયોગ બનાવી શકે છે તે જ અહંકાર, અવિનયમાં આપણો ભોગ લ્યે છે. વિનયપૂર્ણ વ્યવહારથી માનવ શુદ્ધ બુદ્ધિ અને શાંત મનથી સુકૃતિ એટલે કે સત્કર્મો કરી શકે છે. વળી આ કર્માે જ ચિત્ત પરના અજ્ઞાનરૂપ તમસનો નાશ કરે છે, ચિત્ત શુદ્ધ કરે છે, જે આપણી બુદ્ધિ નિર્મળ કરે છે. વિપત્તિકાળે આવી નિર્મળ બુદ્ધિ જ પોતાનો રસ્તો કાઢે છે.

જેનું ચિત્ત વિનય, વિવેક અને વિદ્યાના સદુપયોગથી કરેલ સત્કર્માે દ્વારા શુદ્ધ થાય છે તેનું સૌથી મોટું અસ્ત્ર ‘સત્ય’ બને છે. માનવ ભયભીત થતાં જ ખોટું બોલવા લાગે છે, ખોટું કરવા લાગે છે. ભયમાં તે સરળ દેખાતા રસ્તા કે વિકલ્પોને પણ જોઈ નથી શકતા અને જીવનમાં ‘શોર્ટકટ’ રસ્તાઓથી પોતાની સમસ્યોઓથી પાર પામવા માગે છે. આવી પરિસ્થિતિમાં વિનય અને સત્ય જીવનમાં અનેરો ભાગ ભજવે છે. જે કપરીમાં કપરી પરિસ્થિતિમાં પણ વિનમ્ર અને સત્યશીલ રહે છે તેની સહાયતા સ્વયં ઈશ્વર કરે છે. રાજા હરિશચંદ્રે જીવનની કઠોરતમ પરીક્ષાઓમાં પણ સત્ય ન છોડ્યું અને અર્જુને જીવનના મોટામાં મોટા સંગ્રામમાં વિનમ્રતા ન છોડી. હરિશ્ચચંદ્રે સત્યનો હાથ પકડ્યો, અર્જુને વિનયપૂર્વક ભગવાનનો. મહાભારત યુદ્ધમાં મહાન ધનુર્ધારી અર્જુનની સ્થિતિ કેવી છે? કિંકર્તવ્યમૂઢ તે શું કહે છે-

सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति ।…

गाण्डीवं स्रंसते हस्तात्त्वक्चैव परिदह्यते ।

મોહથી વિષાદગ્રસ્ત અર્જુન કહે છે મારા અંગો કાંપે છે, મુખ સુકાઈ રહ્યું છે, હાથમાંથી ધનુષ્ય સરી પડે છે. તેને અહંકાર છોડી વિનયપૂર્વક પોતાની પરિસ્થિતિ સ્વીકારી ‘कार्पण्यदोषोपहतस्वभावः-મોહથી આચ્છાદિત મારું મન’ કાયર બન્યું છે માટે હે કૃષ્ણ-‘शिष्यश्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्-હું તમારો શરણાપન્ન છું, કૃપા કરી મારું, તમારા શિષ્યનું માર્ગદર્શન કરો.’ ત્યારે શરણાગતવત્સલ ભગવાન ગીતાના મહાન ઉપદેશથી અર્જુનના મોહજનિત ભય અને વિષાદને દૂર કરે છે. વર્તમાન યુગમાં ઉચ્ચ વિનમ્રતા અને સત્યપાલનનું મોટું ઉદાહરણ શ્રીરામકૃષ્ણદેવનું જીવન છે. જેઓએ તેમના પવિત્ર, ઉદાર જીવન વાંચ્યું છે તેઓને ખબર છે કે ભગવાન શ્રીરામકૃષ્ણદેવ જ્યારે કંઈક સંકલ્પ કરી લેતા કે બોલી દેતાં તો પછી ગમે તેટલી તકલીફ વેઠીને પણ તે પુરું કરતા. ઠાકુર હંમેશાં કહેતા કે જે હંમેશાં સત્ય બોલે તે ઈશ્વરના ખોળે બેઠેલો છે.’ અને વિનમ્રતાનું મહત્ત્વ સમજાવતા શ્રીઠાકુર કહેતા કે ‘ઊંચી ટેકરીએ જળ ન જામે અને ખેતી સંભવ નથી, જળ નીચાણવાળા સ્થળે જ એકઠું થાય અને સારી ફસલ લઈ શકાય, તેવી જ રીતે અહંકારીમાં જ્ઞાન ટકતું નથી, વિનમ્ર માણસમાં જ્ઞાન ટકે છે અને સદ્વૃત્તિની ફસલ જન્મે છે. સત્કર્માેે, અજ્ઞાનના તમસ આવરણને ક્ષીણ કરે છે, સત્ય, વિનમ્રતા એ જ્ઞાનને સ્થિર કરે છે, અને એ સ્થિર બુદ્ધિવાળો મનુષ્ય જ ‘અપ્રમત્ત’-પ્રમાદરહિત બને છે. પ્રમાદરહિત મનુષ્યની બુદ્ધિ ‘નિશ્ચયાત્મિકા’ બને છે. મન સંકલ્પ-વિકલ્પમાં અટવાય છે જ્યારે સ્થિર, અપ્રમત્ત, નિશ્ચયાત્મિકા બુદ્ધિ સ્થિર નિર્ણય કરવા સક્ષમ બને છે. અને વિપત્તિકાળે આવી જ વિદ્યા મુશ્કેલીમાંથી માર્ગ શોધવામાં સાથી બને છે. સ્વામી વિવેકાનંદ કહેતા કે ‘માહિતી એકઠી કરવી એ શિક્ષા નથી, જ્ઞાનોપાર્જન નથી, પરંતુ માહિતીમાંથી સાર ઉપયોગી તથ્યોનો વ્યાવહારિક ઉપયોગ કરતા શીખવું એ શિક્ષા છે.’ જો તમે પાંચ સારા વિચારોને આત્મસાત્ કરી પોતાના જીવનમાં આચરણમાં ઉતાર્યા હોય તો તમે જેણે આખા-આખ પુસ્તકાલયોના ગ્રંથો મુખસ્થ કર્યા હોય તેનાથી પણ શ્રેષ્ઠ છો.

આમ સત્ય, સત્કર્મ, વિનય વિવેકથી યુક્ત પ્રમાદરહિત દૃઢ નિશ્ચયવાળી બુદ્ધિ જ્યારે વિપત્તિમાંથી માર્ગ કાઢે છે ત્યારે તે મનુષ્યમાં આત્મવિશ્વાસ જન્માવે છે. આ આત્મવિશ્વાસથી માનવીની ઇચ્છાશક્તિ મજબૂત બને છે અને તેનામાં દરેક પરિસ્થિતિનો સામનો કરવા મેદાનમાં ઝંપલાવવા ‘સાહસ’ આપે છે. આત્મવિશ્વાસથી યુક્ત આ ‘સાહસ’ સામાન્ય શારીરિક કે બૌદ્ધિક બળ નથી એ છે ‘આત્મબળ’ કારણ એ પોતાના પરની શ્રદ્ધાથી જન્મ્યું છે. માટે જ સ્વામીજી કહે છે કે ‘જૂના ધર્માે કહે છે કે જેને ઈશ્વર પર વિશ્વાસ નથી એ નાસ્તિક છે, પણ નવો ધર્મ કહે છે જેને પોતાના પર વિશ્વાસ નથી એ જ ખરેખર નાસ્તિક છે.’ જેને પોતાના પર વિશ્વાસ નથી તેને ઈશ્વર પર કદી વિશ્વાસ ન થઈ શકે. જેની બુદ્ધિ સ્થિર, નિશ્ચયવાળી, પ્રમાદરહિત, વિનયી, વિવેકી અને આત્મવિશ્વાસ સાથે ઇચ્છાશક્તિથી યુક્ત છે તેને જ સાહસ આવે છે અને તેવી જ વ્યક્તિને ભગવાન ‘બુદ્ધિયોગ’ એટલે કે સ્પષ્ટ કે સદ્બુદ્ધિ આપે છે. આવી બુદ્ધિના ધની અર્જુન, હનુમાન જેવા વીર બને છે. સીતામાતાની શોધમાં જતી વાનર ટુકડીઓમાંથી કોઈને શ્રીરામે પોતાની ઓળખચિહ્નરૂપ મુદ્રિકા ન આપી. આપી ફક્ત હનુમાનને કારણ તેમની અંદર જ ઉપરોક્ત બુદ્ધિથી લઈ સાહસ સુધીના તમામ ગુણો હતા. આત્મવિશ્વાસી, વિનયી, વિવેકી, સાહસીને જ ‘રામનો ભરોસો’ પ્રાપ્ત થાય છે. યુધિષ્ઠિર ધર્માત્મા છે પણ શ્રીકૃષ્ણ તેમના સારથિ નથી બન્યા. તેઓ પાર્થ-સારથિ થયા છે. આત્મવિશ્વાસ અને સાહસથી યુક્ત માનવી જ ઈશ્વર પર સાચો ભરોસો કરી શકે છે. ‘હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને.’

આમ તુલસીદાસજીની આ અનુપમ શિક્ષા-આ સાત ગુણો જીવનમાં કેળવવાથી આપણે જીવનની કપરી પરિસ્થિતિઓમાં માર્ગ કાઢી શકીશું. અર્જુનની જેમ આપણા મોહ, અજ્ઞાન, અસ્થિરતા, ભય વગેરે નષ્ટ થશે.ભગવામાં આસ્થાયુક્ત શુદ્ધ, સ્થિર બુદ્ધિ સારથિ બનશે અને મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિઓમાં આપણે વિજયી બનશું.

Total Views: 460

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.