વિષય-વાસના અને આધ્યાત્મિક પ્રગતિ
ઈશ્વરને પામવા ઇચ્છનારે કે, ભક્તિ સાધના કરનારે કામકાંચનની જાળથી જાતને બચાવવી જોઈએ, નહીં તો તેઓ કદી પૂર્ણતા પ્રાપ્ત નહીં કરી શકે.
નિત્યાનંદે શ્રીચૈતન્યને પૂછ્યુંઃ ‘લોકોને પ્રેમભક્તિની આટલી વાત હું કરું છું છતાં કેમ એની કશી અસર નથી થતી?’ શ્રી ચૈતન્યે કહ્યું ઃ ‘ કારણ, સ્ત્રીસંગને કારણે એ લોકો ઉચ્ચજ્ઞાન ગ્રહણ કરી શકે નહીં. સાંભળો, ભાઈ નિત્યાનંદ, સંસારી બુદ્ધિવાળાની મુક્તિ નથી.’
ત્રાજવાની દાંડી સીધી રહેવાને બદલે એક કોર ક્યારે નમે ? એક પલ્લું બીજાના કરતાં વધારે ભારે હોય ત્યારે. એ જ રીતે માનવીના મન પર કામિની-કાંચનનો બોજ આવે તો, એ સમતુલા ગુમાવી બેસે અને ઈશ્વરથી દૂર ચાલી જાય.
પાણીના ઘડાના તળિયામાં નાનું પણ છિદ્ર હોય તો, બધું પાણી વહી જવાનું. એ જ રીતે સાધકમાં વિષયાસક્તિનો નાનો શો અંશ પણ હોય તો, એના બધા યત્નો નકામા જવાના.
વાસનાવૃત્તિ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવવા કોશિશ કરો. આમ કરવામાં સફળતા સાંપડે તો, એની ભીતરની મેધા નામની એક સૂક્ષ્મ નાડી વિકાસ પામે છે. એનું કાર્ય નિમ્નગામી શક્તિને ્ઘ્ગામી બનાવવાનું છે. આ મેધા નાડીના વિકાસ પછી જ ઊર્ઘ્વતર પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય છે.
‘કામિની કાંચન’માં રત મન લીલી સોપારી જેવું જાણો. સોપારી લીલી હોય છે ત્યાં સુધી, એનો ત્રોફો એને ચોંટેલો રહે છે. પણ એ સૂકાઈ જાય છે ત્યારે ત્રોફો અને સોપારી નોખાં પડી જાય છે અને સોપારી અંદર હાલવા લાગે છે. એ રીતે કામિનીકાંચન માટેની તૃષ્ણા નાશ પામે છે ત્યારે, આત્મા દેહથી સાવ ભિન્ન અનુભવી શકાય છે.
ઇન્દ્રિય-વિષયોથી મન મુક્ત થાય છે ત્યારે એ ઈશ્વર ભણી વળે છે ને એના પર ચોંટી રહે છે. બદ્ધ આત્મા આ રીતે મુક્ત થાય છે. ઈશ્વરથી દૂર લઈ જતા પંથે જનાર આત્મા બંધનમાં ફસાય છે.
કાંચન અને કામિનીનો મોહ મનમાંથી દૂર થાય છે ત્યારે, મનમાં બાકી શું રહે છે ? કેવળ બ્રહ્માનંદ.
– શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી પૃ.૧૫-૧૬
Your Content Goes Here