૧૧. ગદાધરની શૈક્ષણિક પ્રગતિ

હવે મૂળ કથા પર પાછા ફરીએ તો નિશાળે જતા ગદાધર ભણવામાં પણ કાંઈ પાછળ નહોતો પડતો. થોડા જ વખતમાં તે સાધારણ વાંચતાં-લખતાં શીખી ગયો. પણ ગણિત સાથેનું તેનું આડવેર તો હતું તેવું જ લગભગ હંમેશાં રહ્યા કર્યું. બીજી બાજુએ એની અનુકરણશક્તિ અને કળા-કામગીરીની આપસૂઝ દિવસે દિવસે નવી નવી દિશામાં વિકસવા લાગી. ગામના કુંભારોને દેવદેવીઓની મૂર્તિ ઘડતાં જોઈને એમની પાસે અવરજવર કરીને, પૂછીતાછીને બાળક પોતાના ઘરમાં એ હુન્નર પર હાથ અજમાવવા લાગ્યો અને એ તેની એક મનગમતી રમત જ થઈ પડી. પિછવાઈના ચિતારાઓ સાથે હળતાં-મળતાં એમની જેમ ચીતરવાનું શરૂ કર્યું. ગામમાં ક્યાંય પણ પુરાણ કથા કે નાટ્યાત્મક ભજનો થાય છે એમ સાંભળતાં જ એ ત્યાં પહોંચી જતો અને આખ્યાનો કથાઓ શીખવા માંડતો તેમજ વળી આ બધાંની રજૂઆત શ્રોતાઓ સમક્ષ કઈ ઢબે કરવાથી એમને એમાં વધુ રસ પડે છે તે પણ ઝીણવટથી નીરખતો રહેતો. એની અપૂર્વ સ્મૃતિ અને મેધા આ બધી બાબતોમાં એની વિશેષ મદદગાર બની રહેતી.

વળી તેની આ અદ્‌ભુત અનુકરણશક્તિની સહાયે જેમ એક તરફ આ સદાનંદી બાળકની પરિહાસપ્રિયતા ખીલી ઊઠી અને તે આટલી નાની ઉંમરે સ્ત્રી પુરુષોના ખાસ ખાસ હાવભાવોનો અભિનય કરવા માંડ્યો, તેમ બીજી તરફ પોતાનાં માતાપિતાનાં રોજિંદાં પૂજાપાઠને જોઈ જોઈને એની મનની સ્વાભાવિક સરળતા અને દેવભક્તિએ જોતજોતામાં પ્રગતિનાં સોપાનો વટાવવા માંડ્યાં. બાળપણથી મોટા થયા પછી પણ એઓ જીવનભર કૃતજ્ઞતાપૂર્વક આ હકીકતનાં સ્મરણનો સ્વીકાર કરતા. એ વાતનો વધુ ખ્યાલ એમનાં દક્ષિણેશ્વરમાં અમારી સમક્ષ ઉચ્ચારાયેલાં વચનો ઉપરથી વાચકને આવી શકશે. તેઓ કહેતા, ‘મારાં માતુશ્રી મૂર્તિમંત સરળતાનો અવતાર હતાં. દુનિયાદારીની એકેય વાત જાણતાં નહિ. પૈસા-ટકા ગણતાં આવડતું નહિ. કોને મોઢે કઈ વાત ના કહેવાય તેની ખબર ના પડવાથી પોતાના પેટની વાત જેને ને તેને કહી નાખતાં. એને કારણે લોકો એમને ‘ભોળી’ કહેતા. બધાંને ખવડાવવું, પિવડાવવું એમને બહુ ગમતું. મારા પિતાજી કોઈ શૂદ્ર પાસેથી દાન લેતા નહિ. પૂજા, જપ, ધ્યાનમાં દિવસનો મોટો ભાગ ગાળતા. રોજ સંધ્યા કરતી વખતે ‘आयाहि वरदे देवि’ વગેરે ગાયત્રીના આવાહન મંત્રો બોલતાં બોલતાં તેમની છાતી ફૂલી ઊઠતી ને લાલચોળ બની જતી ને આંખમાંથી આંસુની ધાર વહેવા માંડતી. વળી જ્યારે પૂજાપાઠમાં રોકાયેલા ના હોય ત્યારે તેઓ રઘુવીરના શણગાર માટે સોય-દોરા ને ફૂલ લઈને માળા ગૂંથવામાં સમય વિતાવતા. ખોટી સાક્ષી આપવાની બીકથી એમણે બાપદાદાનાં ઘરબાર તજી દીધેલાં. ગામના લોકો એમને ઋષિ સમા ગણીને આદર ભક્તિ કરતા.

૧૨. બાળકની નીડરતા

બાળકની અપાર સાહસવૃત્તિનો પરિચય પણ દિવસે દિવસે થતો જતો હતો. મોટેરાંઓ પણ જે ઠેકાણે ભૂતપ્રેતની બીકથી જતાં ગભરાતાં ત્યાં ગદાધર નીડરતાથી આવતો જતો. એની ફોઈ રામશીલાના શરીરમાં કોઈ કોઈ વાર શીતળામાતાનો આવેશ થતો. તે વખતે તેમનું રૂપ બદલાઈને જાણે બીજું જ કંઈ થઈ જતું. તે અરસામાં એકવાર ભાઈને ઘેર કામારપુકુરમાં રહેતાં હતાં ત્યારે અચાનક એક દિવસ તેમનો આવો ભાવપલટો થયેલો તે જોઈને કુટુંબના સઘળાના મનમાં ભય ને ભક્તિ ઊપજેલાં. એમની આવી અવસ્થાને ગદાધરે શ્રદ્ધાપૂર્વક નિહાળી રહીને એમના ભાવ પલટાનું રજેરજ નિરીક્ષણ કરતો રહ્યો અને પાછળથી બોલેલો કે ‘ફોઈબાના શરીરમાં જે ભરાયું છે તે જો મારા શરીરમાં ભરાય તો મજા આવે.’

૧૩. બીજાં સંગાથે હળીભળી જવાની શક્તિ

કામારપુકુરથી અડધો ગાઉ ઉત્તરે આવેલા ભૂરસૂબો ગામના મોટા દાનેશ્વરી અને ભક્ત જમીનદાર માણેક રાજાની વાત તો અમે આ પહેલાં કરેલી જ છે. ખુદીરામની ધર્મપરાયણતાથી આકર્ષાઈને તેઓ એમની સાથે ગાઢ મૈત્રીની ગાંઠે બંધાયેલા. છ વરસનો બાળક ગદાધર પિતાની સાથે એક દિવસે માણિકરાજાને ઘેર ગયેલો ત્યારે ત્યાં સહુ સંગાથે જાણે કંઈ કેટલાય વખતની જૂની ઓળખાણ હોય એમ એટલો તો નિઃસંકોચ મીઠાશપૂર્વક વર્તેલો કે તે દિવસથી એ સૌને વહાલો થઈ પડેલો. માણિકરાજાના ભાઈ રામજય બંદોપાધ્યાયે તે દિવસે બાળકને જોઈ મુગ્ધ થઈ જઈને ખુદીરામને કહેલું કે ‘ભાઈ, તમારો આ પુત્ર સાધારણ કોટિનો નથી, એનામાં ઘણું દેવાંશીપણું રહેલું છે એમ જણાય છે! તમે જ્યારે પણ આ તરફ આવો ત્યારે બાળકને સાથે તેડી લાવજો. એને દેખીને પરમ આનંદ થાય છે.’ ખુદીરામ આ પછી કંઈ ને કંઈ કારણવશાત્ માણિકરાજાને ઘેર થોડા વખત સુધી જઈ શક્યા નહિ. તેથી માણિકરાજાએ પોતાના કુટુંબની એક મહિલાને ખબર કાઢવા અને બધું ઠીક હોય તો ગદાધરને થોડાક વખત માટે ભૂરસૂબો ગામે લઈ આવવા મોકલી. એટલે પિતાજીના કહેવાથી ગદાધર આનંદપૂર્વક એ બહેનની સાથે ગયો અને આખો દિવસ ત્યાં રહીને સાંજ પડતાં ભાતભાતની મીઠાઈ ને થોડાં ઘરેણાંની ભેટ લઈને કામારપુકુર પાછો આવી ગયો. એમ કરતાં કરતાં ગદાધર એ બ્રાહ્મણ પરિવારનો એટલો બધો પ્રિય થઈ પડેલો કે એને સાથે લઈને જો ખુદીરામને ભૂરસૂબો જવામાં થોડાક દિવસનો વિલંબ થઈ જતો તો તરત જ એ લોકો કોઈકને મોકલીને એને તેડાવી લેતા.

Total Views: 81
By Published On: July 1, 2021Categories: Saradananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram