મઠમાંથી જ્યારે હું અમેરિકા જવા માટે તૈયાર થયો ત્યારે મહારાજે શિખરેશને કહ્યું કે, મારે જેટલી ધોતી, ચાદર કે ઝભ્ભા માટે કાપડની જરૂર હોય તે બધું તેમના સ્ટોકમાંથી લઈ આવે. અહીં અમેરિકામાં તો બહાર જતી વખતે પાશ્ચાત્ય ઢબનાં કપડાં પહેરું પણ આશ્રમમાં તો ભગવાં જ પહેરું છું. પૈસા ખર્ચીને મારે કપડાં ન ખરીદવાં પડે એનું તે ખૂબ ધ્યાન રાખતા. પૂજનીય ગંભીરાનંદ મહારાજ પણ મને કાપડ-વસ્ત્ર આપતા અને કહેતા, ‘સિલ્કનું બધું જ કાપડ અમેરિકા લઈ જા. આ દેશમાં જો સાધુ તેવાં કપડાં પહેરશે તો લોકો ટીકા-ટીપ્પણી કરશે.’
૧.૮.૧૯૯૦ ના રોજ મઠમાં મહારાજ પાસે વિદાય લેવા ગયો તો કહેવા લાગ્યા, ‘I can’t say good-bye. Come again. May Thakur be with you. May Holy Mother be with you. May Swamiji be with you.’
૧૯૯૩માં ૧૧, ૧૨, ૧૮ અને ૧૯ સપ્ટેમ્બરના રોજ શિકાગો ધર્મમહાસભાના શતાબ્દી મહોત્સવનું આયોજન નેતાજી ઈન્ડોર સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું. વિભિન્ન દેશ-પ્રાંતમાંથી બાર હજાર શ્રોતાઓ આવ્યા હતા. ૧૧મી તારીખે ભૂતેશાનંદજીએ પોતાના લેખિત ભાષણનું વાચન કર્યું. પછીથી મેં પૂછ્યું, ‘તમે ભાષણનું વાચન કેમ કર્યું? તમને તો કોઈ દિવસે નોટ્સ લઈને વક્તવ્ય આપતા જોયા નથી.’ તેમણે જવાબ આપતાં કહ્યું, ‘ઓપન હાર્ટ સર્જરી પછી શરીરમાં દુર્બળતા અનુભવું છું. ઉપરાંત આટલા લોકો સામે મહત્ત્વના બધા જ મુદ્દાઓ સમયસર લેવાઈ જાય એટલે પૂર્વે લખેલું ભાષણ વાંચ્યું.’
મઠમાં જેટલા દિવસ રહેવાનું થયું, લગભગ રોજ તેમની સાથે ટહેલવા નીકળતો. બીજા સાધુ પણ હોય. પછી તેઓ બધાને ચોકલેટ આપતા અને મજાક-મશ્કરી પણ કરતા. મઠના પ્રાણગોપાલ મહારાજ ખૂબ જ ભક્તિભાવે બે હાથ ફેલાવીને પ્રણામ કરતા. મેં કહ્યું, ‘મહારાજ જુઓ, પ્રાણગોપાલ મહારાજની શું ભક્તિ છે!’ તેઓ બોલ્યા, ‘એ તો ગીધ છે! એની નજર તો માત્ર ચોકલેટ ઉપર જ છે.’ મહારાજ ખૂબ આનંદી પુરુષ હતા. પોતે મન મૂકીને હસતા અને બીજાને પણ હસાવી શકતા. આ હાસ્ય-પ્રકૃતિએ તેમને વૃદ્ધ થવા દીધા ન હતા. મનમાં થતું કે તેઓ ચિરયુવાન છે.
૧૯૯૧માં મેં લેગુનામાં (સ્થળ) હરિ મહારાજના પત્રોનું અંગ્રેજીમાં અનુવાદનું કાર્ય શરૂ કર્યું, જેનું પાછળથી Spiritual Treasures નામે પુસ્તક પ્રકાશિત થયું. તેમને જણાવતાં તેમણે ૭.૮.૯૧ના રોજ લખ્યું, ‘તું હરિ મહારાજના પત્રોનો અનુવાદ કરી રહ્યો છે તે જાણીને આનંદ થયો. હરિ મહારાજના પત્રો ખૂબ જ પ્રેરણાપ્રદ છે. વિશેષ કરીને જેઓને શાસ્ત્રોનું થોડુંઘણું જ્ઞાન છે તેમને આ પત્રો ખૂબ જ ઉપયોગી થઈ પડશે. શાસ્ત્રજ્ઞાન સિવાય પણ, તેમના પત્રોમાં તેમના ત્યાગમય જીવનનું જે ચિત્ર જોવા મળે છે, તે પણ બધાંને, ખાસ કરીને આપણને ત્યાગના માર્ગે ચાલવાની પ્રેરણા આપશે તેમજ માર્ગદર્શન આપશે. શ્રીશ્રી ઠાકુરની કૃપાથી તારો આ પ્રયત્ન સાર્થક બને, એ જ પ્રાર્થના.’
૧લી જાન્યુઆરી, ૧૯૯૬ના રોજ સાન ફ્રાન્સિસ્કોમાં વિવેકાનંદ હોલનો શુભારંભ થયો. અમે નવ સાધુ ત્યાં મળ્યા. ત્યારપછી હું ૫મી જાન્યુઆરીની રાતે બેલુર મઠ પહોંચ્યો. મહારાજની મુલાકાત લેવી એ જ મુખ્ય ઉદ્દેશ હતો. લીલાપ્રસંગના નવા અંગ્રેજી અનુવાદ સંબંધે વિચાર-વિમર્શ તેમજ બીજા અન્યાન્ય પ્રશ્નો હતા. દરરોજ સવારે બ્રેકફાસ્ટ પછી ૧૫ મિનિટ મહારાજ સાધુ-બ્રહ્મચારીઓને દર્શન આપતા અને કોઈને કાંઈ પ્રશ્ન હોય તો સમાધાન કરતા. હું જેટલા પણ દિવસ મઠમાં હતો, સામાન્ય રીતે હું મહારાજને તેમના ચરણ પાસે બેસીને જ પ્રશ્ન કરતો. તે બધા પ્રશ્નોત્તરોને વરાનંદે અને ઋતાનંદે ટેપ કરી રાખ્યા છે. એમાંથી જ કેટલાક પ્રશ્નોત્તરોનો અહીં ઉલ્લેખ કરું છું.
હું- મહારાજ, અમે નવ સાધુ સાનફ્રાન્સિસ્કોમાં યોજાયેલ કન્વેન્શનમાં ગયા હતા. ત્યાં એક સંન્યાસિનીએ પ્રશ્ન કર્યાે, What are the most essential thing in monastic life? નવ સાધુએ નવ પ્રકારના ઉત્તર આપ્યા.
મહારાજ- તે સાધુઓ શું બોલ્યા હતા, તે જ મને પહેલાં જણાવ.
હું- કોઈએ કહ્યું- “Humility and obedience’, કોઈએ “Renunciation and Purity’, “God-realization’, તો બીજાએ “Ramakrishna-Vivekananda ideal’, “Longing and austerity’ વગેરે.
મહારાજ- મારો જવાબ છે, આ બધા જ ગુણ સાધુનો આદર્શ છે.
હું- ૧૯૭૭માં મેં કાશીમાં વૃદ્ધ મહારાજ (સ્વામી ભાસ્કરાનંદ)ને પૂછ્યું હતું કે રાજા મહારાજે તમને શું ઉપદેશ આપ્યો છે? તેમણે મૃદુ હાસ્ય સાથે કહ્યું, મહારાજે કહ્યું હતું, સત્ય અને બ્રહ્મચર્ય- એ બંનેનું પાલન કરવાથી જ થયું.
મહારાજ- બ્રહ્મચર્ય એટલે શું, જાણો છો? માત્ર Celibacy બ્રહ્મચર્ય નથી. There are many eunuchs. Are they brahmacharins?
ત્યાર પછી મીરાંબાઈનું ભજન ગાવા લાગ્યા-
સાધન કરના ચાહિયે મનુઆ, ભજન કરના ચાહિયે,
પ્રેમ લગાના ચાહિયે મનુઆ, પ્રીત કરના ચાહિયે ॥
તિરન ભખનસે હરિ મિલે તો બહુત મૃગી અજા,
સ્ત્રી છોડનસે હરિ મિલે તો બહુત રહે હૈ ખોના ॥
મીરાં કહે બિના પ્રેમસે નાહિ મિલે નન્દલાલા ।
હું- મહારાજ, પશ્ચિમમાં ઘણા લોકો પ્રશ્ન કરે, ઠાકુરને તો જોયા નથી. એમના પર પ્રેમ કેવી રીતે આવે? શું કરીને ભગવાન સાથે સંબંધ બાંધવો?
મહારાજ- કારણ, શ્રીરામકૃષ્ણ તમારો આત્મા છે. તમે એને ના ચાહો એ શક્ય નથી. ભગવાન તો બધાનો આત્મા. તમે શું પોતાની જાતને નથી ચાહતા? न वा अरे पत्युः कामाय पतिः प्रियो भवत्यात्मनस्तु कामाय पतिः प्रियो भवति । न वा अरे वित्तस्य कामाय वित्तं प्रियं भवत्यात्मनस्तु कामाय वित्तं प्रियं भवति । (હે પ્રિયે, પતિને માટે પતિ (પત્નીને) પ્રિય લાગે એમ નથી, તેને પોતાને માટે જ પતિ પ્રિય લાગે છે. સંપત્તિને માટે સંપત્તિ પ્રિય લાગે છે એમ નથી, પરંતુ પોતાના માટે જ તે પ્રિય લાગેે છે.- બૃ. ઉ. ૨/૪/૫.)
૧૧મી જાન્યુઆરી ૧૯૯૬, બેલુર મઠ, સવારે ૭.૪૫ વાગે. મહારાજ આજે ગંગાધર મહારાજની (સ્વામી અખંડાનંદ) સ્મૃતિકથા કહેશે. એક દિવસે પૂજ્ય ભૂતેશાનંદજી મઠના દક્ષિણમાં આવેલા દરવાજેથી અંદર આવ્યા. તેમની પાછળ પાછળ એક ગાંડો, ખભે ઝોલો ભરાવીને દરવાજાની કડી ઊંચી કરીને અંદર આવવા લાગ્યો. ગંગાધર મહારાજે ઉપરના રૂમમાંથી આ જોયું, ભૂતેશાનંદજીને તેમણે કહ્યું, ‘તેં જોયું નહિ? તારી પાછળ કોણ આવે છે? એ માણસ ગાંડો હોઈ શકે, એને મદદ કેમ ન કરી?’ ભૂતેશાનંદજી વિનીતભાવે બોલ્યા, ‘મહારાજ, મારાથી ભૂલ થઈ.’ સાધુજીવનમાં પોતાનાં ભૂલ-દોષનો સ્વીકાર કરીને જાતને સુધારવી એ ખૂબ જરૂરી છે. આ વાત મહારાજે મને સમજાવી.
એક સાધુ- મહારાજ, પૂજનીય શરત્ મહારાજ વિશે કાંઈક કહો ને.
મહારાજ- બેલુર મઠમાં જ્યારે શ્રીશ્રીમાના દેહનો વિલય થયો ત્યારે કેટલાક ભક્તો માનાં અસ્થિ-અવશેષ એકઠાં કરવા લાગ્યા. શરત્ મહારાજે જ્યારે આ જોયું તો તેઓ આવેશપૂર્વક બોલી ઊઠ્યા, ‘જે પણ કોઈ માનાં અસ્થિ-અવશેષ લઈ રહ્યા છે, તેઓ જો દરરોજ આ અસ્થિ-અવશેષનું શ્રદ્ધા-પૂર્વક પૂજન નહીં કરે તો તેનું સર્વનાશ થશે.’ આ સાંભળીને જે પણ કોઈ ભક્તોએ અસ્થિ-અવશેષ લીધા હતા, તેમણે તેને સમાધિસ્થળે રાખી દીધા.
૧૨ જાન્યુ. ૧૯૯૬, બેલુર મઠ, સવારે ૭.૪૫ કલાકે.
હું- કોઈ પાશ્ચાત્યવાદી જો તમને કહે કે તે વેદાંત જાણવા ઇચ્છે છે તો તમે તેને કયું પુસ્તક વાંચવા કહેશો?
મહારાજ- સ્વામીજીનું, ખાસ કરીને જ્ઞાનયોગ.
હું- સાધુનું આચરણ કેવું હોવું જોઈએ?
મહારાજ- સામાન્ય રીતે સાધુ બીજાનું ભલું કરે. તે પોતાના આધ્યાત્મિક આનંદનો અંશ બધાંને આપે. शान्ता महान्तो निवसन्ति सन्तो वसन्तवल्लोकहितम् चरन्तः (વિવેકચૂડામણિ, ૩૭) ઠીક-ઠીક સાધુ માત્ર ભગવાનની જ વાત કરે. મન નીચલા સ્તરે આવી જાય તો બસ કજિયાકંકાસ જ થાય. મનને હંમેશાં ઉપલા સ્તરે રાખવું, જ્યાં માત્ર આનંદ અને ઐક્ય જ છે.
શ્રીમ.ને જ્યારે કોઈ કહેતું કે ઠાકુર વિશે કાંઈક કહો, તો તેઓ કહેતા, ‘હું માત્ર તેમને જ ઓળખું છું, અને તેમની જ વાત કરું છું.’
उपनिषदं भो ब्रूहीत्युक्ता त उपनिषद्ब्राह्मीं वाव त उपनिषदमब्रूमेति।।(કેન ઉપ.૪/૭)
હું- મહારાજ, તમને ઉપનિષદનો કયો શ્લોક વધુ ગમે?
મહારાજ- હવે, તેં મારા માટે સમસ્યા ઊભી કરી. ત્યાર પછી તેઓ બૃહદારણ્યક ઉપનિષદનોआत्मानं चेद्विजानीयादयमस्मीति पूरुषः । किमिच्छन्कस्य कामाय शरीरमनुसञ्ज्वरेत्।। (જો કોઈ પરમાત્માને ‘આ હું છું’ એમ જાણે તો પછી તે કઈ વસ્તુની ઇચ્છાથી અથવા તો પ્રયોજનથી શરીરના દુઃખે દુઃખી થશે? ૪/૪/૧૨) શ્લોક બોલ્યા. મને લાગ્યું કે જાણે તેઓ પોતાના જ સ્વાનુભવે બોલી રહ્યા છે.
હું- પરંતુ તમે ‘કથામૃત-પ્રસંગ’માં તેમજ બીજાં કેટલાંય ભાષણોમાં કઠોપનિષદના (૨/૪/૧૫) આ શ્લોકને ઘણી વાર ઉદ્ધૃત કર્યાે છે – यथोदकं शुद्धे शुद्धमासिक्तं तादृगेव भवति । एवं मुनेविर्जानत आत्मा भवति गौतम।।
૩૧ જાન્યુઆરી ૧૯૯૬, બેલુર મઠ. એ દિવસે દીક્ષા હતી. તેથી સવારમાં સાધુઓ દર્શન કરી શક્યા નહીં. દીક્ષા પછી હું તેમની પાસે વિદાય લેવા માટે ગયો. તેમણે મારા માથાને છાતી સરસું ચાંપીને મન ભરીને આશીર્વાદ આપ્યા. અમેરિકા આવીને પણ મહારાજનાં દર્શન કરવાની ખૂબ ઇચ્છા થતી. ત્યાર પછી વળી પાછો એક સુયોગ આવી ગયો. ૩ ઓગસ્ટ, ૧૯૯૭. જાપાનના ટોકિયો શહેરમાં પ્રવચન માટે નિમંત્રણ મળ્યું. બસ, આ સુયોગે જાપાનથી સિંગાપુર થઈને બેલુર મઠમાં ૫મી ઓગસ્ટની રાત્રે આવી પહોંચ્યો. બીજા દિવસે સવારે ૯ વાગે મહારાજનાં દર્શન કરવા ગયો. ત્યાં જાણવા મળ્યું કે મહારાજનું સ્વાસ્થ્ય સારું નથી. ડોક્ટરોએ તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સાધુ-ભક્તોને કાચના દરવાજાની બહારથી દર્શન કરવા કહ્યું છે. પરંતુ હું દૂર દેશથી આવું છું તેથી અંદર જઈને ચરણ-સ્પર્શ કરીને પ્રણામ કરવાની અનુમતિ મળી. તેમણે મારું માથું છાતી સરસું ચાંપીને આશીર્વાદ આપ્યા અને બોલ્યા જો, ‘મને ખૂબ ખરાબ લાગે છે કે સાધુ-બ્રહ્મચારી મારી પાસે આવી શકતા નથી. બહારથી જ પ્રણામ કરીને ચાલ્યા જાય. વાઈરસ ઈન્ફેક્શનના કારણે જ ડોક્ટરોએ આવો નિર્ણય લીધો છેે.’
Your Content Goes Here