સંતોનાં દૃષ્ટાંતઃ

વૈરાગ્યની સાધના આપણે સંતોનાં જીવન મારફત શીખી શકીએ છીએ. બંગાળના પ્રસિદ્ધ વૈષ્ણવ સંત લાલબાબાનું જ દૃષ્ટાંત લો. પ્રૌઢાવસ્થા સુધી તેઓએ ભોગપરાયણ જીવન વિતાવ્યું હતું. એક દિવસ ઘેર પાછા વળતી વખતે તેઓએ ધોબીની એક બાલિકાને પોતાના પિતાને કહેતી સાંભળી, ‘પિતાજી, વિલંબ થઈ રહ્યો છે, ‘વાસના’ને આગ ક્યારે લગાડશો.’ વાસના શબ્દના બંગાળી ભાષામાં બે અર્થ થાય છે. એક અર્થ છે કેળાના વૃક્ષની છાલ કે જેને સૂકવીને તેમજ બાળીને ધોબી પહેલાં સાબુની જગ્યાએ તેનો ઉપયોગ કરતો હતો.વાસના શબ્દનો બીજો અર્થ છે પહેલાંના પ્રસુપ્ત માનસિક સંસ્કાર પણ. લાલબાબાએ શબ્દનો પાછળનો બીજો અર્થ લીધો. તેઓએ અચાનક અનુભવ્યું કે તેઓ વૃદ્ધ થઈ રહ્યા છે અને હજુ સુધી પોતાના પહેલાંના અપવિત્ર સંસ્કારોનો નાશ કર્યાે નથી. તેઓએ તે જ વખતે સંસારનો ત્યાગ કર્યાે.

ઉત્તરભારતના મહાન સંત-કવિ તુલસીદાસ આધ્યાત્મિક જીવન તરફ વળ્યા તે પહેલાં તેઓ પોતાની પત્નીમાં અત્યધિક આસક્ત હતા. તેઓ પોતાની પત્નીમાં એટલા દિવાના હતા કે એક વખત પત્ની જ્યારે પિયર ગઈ ત્યારે તેઓ એક દિવસનો પણ વિરહ સહન કરી શક્યા નહીં. એ જ રાત્રે તેઓ પત્ની પાસે દોડી ગયા. તેમને જોતાંવેંત જ તેમની પત્નીએ ઝાટકણી કાઢતાં કહ્યંુ, ‘જેટલી તીવ્ર આસક્તિથી તમે મારા દેહને ચાહો છો, જો એટલો પ્રેમ તમને ભગવાન પ્રત્યે હોત તો તમને ખરેખર ભગવાનનાં દર્શન થાત.’ આ શબ્દોએ તુલસીદાસના આત્માને ઢાંકતા અજ્ઞાનનું આવરણ હઠાવી દીધું અને તેઓ તરત જ પત્ની સહિત સર્વસ્વનો ત્યાગ કરીને આધ્યાત્મિક પથ પર અગ્રસર થઈ ગયા.

ત્યાગના પ્રકારોઃ

સંતોના જીવનમાં જોવા મળતો વૈરાગ્ય અને કરુણાની તીવ્રતાનો થોડો ઘણો અંશ આપણે આપણા જીવનમાં લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઉપર જણાવેલા તાત્કાલિક સંપૂર્ણ ત્યાગનાં દૃષ્ટાંત વિરલ છે. મોટા ભાગના લોકો જીવનમાં કઠોર આઘાત લાગ્યા પછી પણ ત્યાગને માત્ર અસ્થાયી રૂપે જ ગ્રહણ કરે છે. ફરીથી પાછા તેઓ કામિની-કાંચનમાં વધુ બદ્ધ થઈ જાય છે. ત્યારે તેઓ કહે છે, ‘અરે, અમે જાણીએ છીએ કે આધ્યાત્મિક જીવન શું છે. અમે પણ થોડો સમય તેનું અનુસરણ કર્યું હતું. આ માનવસંબંધોથી યુક્ત સાંસારિક જીવન જ ઘણું સારું છે. અમે એકબીજા માટે પેદા થયાં છીએ.’ આ બધી વાતો દુર્બળ અને અવ્યવસ્થિત મન-મગજની પરિચાયક છે.

ત્યાગ ત્રણ પ્રકારના છે.

૧. જુઠ્ઠો ત્યાગ, જેમાં વ્યક્તિ બાહ્ય કર્માેનો ત્યાગ કરી દે છે પરંતુ સાંસારિક વસ્તુઓ અને ભોગોની તીવ્ર લાલસા રાખે છે.

૨. સાચા સાધકનો આંતરિક ત્યાગ કે જે પુરુષાર્થ દ્વારા પોતાના ત્યાગને ટકાવી રાખે છે, પરંતુ તેને સત્યના સાક્ષાત્કારનું સૌભાગ્ય સાંપડ્યંુ હોતું નથી.

૩. સિદ્ધ પુરુષનો સાચો ત્યાગ, જેમાં બધા દ્વંદ્વ અને તણાવ કાયમને માટે સમાપ્ત થઈ ગયા હોય છે.

એક પ્રસિદ્ધ શ્લોક છેઃ

भोगे रोगभयं कुले च्युतिभयं वित्ते नृपालाद्भयं

माने दैन्यभयं बले रिपुभयं रूपे जराया भयम्।

शास्त्रे वादिभयं गुणे खलभयं काये कृतान्ताद्भयं

सर्वं वस्तु भयान्वितं भुवि नृणां वैराग्यमेवाभयम्।।

અર્થાત્ ભોગમાં રોગનો ભય છે, ઉચ્ચકુળમાં સમ્માન ગુમાવવાનો ભય છે, ધનમાં ચોરી થવાનો ભય છે. શાસ્ત્રજ્ઞાનમાં હરિફનો ભય છે, ગુણોમાં દુષ્ટો દ્વારા થતી નિંદાનો ભય છે અને કાયામાં મૃત્યુનો ભય છે. બધી વસ્તુઓ ભયગ્રસ્ત છે, માત્ર વૈરાગ્ય જ ભયરહિત છે. (વૈરાગ્યશતકમ્-૩૧)

માનસિક અનાસક્તિઃ

સંસારનો માત્ર ભૌતિક ત્યાગ કરવાથી જ આપણે મન, વચન અને કર્મથી તરત જ પવિત્ર બની શકતા નથી. પહેલાં કુકર્મનો, ત્યાર બાદ ખરાબ વિચારોનો ત્યાગ કરો, જે કુકર્મ-ત્યાગથી પણ વધારે કઠિન છે. આ કઠિનતા સાપેક્ષ નૈતિકતાના સ્તરથી પર છે, જ્યાં શુભ અને અશુભ બન્નેની સત્તા છે અને જ્યાં સુધી આપણે એ સ્તર પર રહીએ છીએ, ત્યાં સુધી આપણે અશુભનો ત્યાગ કરીને શુભને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો પડે છે. પૂર્વ સંસ્કારો અને આદતોના કારણે અશુભ પ્રવેશી જવા માગે છે અને ક્યારેક ક્યારેક તે સફળ પણ થાય છે. આપણે ઇચ્છાશક્તિનો ઉપયોગ કરીને અશુભને સ્થાને શુભ વિચાર લાવવા પડે છે. આ સંઘર્ષ બધાને માટે અનિવાર્ય છે. આગળ વધતાં આ જ સંઘર્ષ સૂક્ષ્મથી સૂક્ષ્મતર બનતો જાય છે અને સ્થૂળ તેમજ પ્રાકૃત સ્તરના શુભાશુભથી ઉપર ઊઠતાં આપણે સૂક્ષ્મ રૂપોનો સામનો કરવો પડે છે.

ખરાબ મિત્રોનો સંગ છોડવો ઘણો સહેલો છે. આપણે આસાનીથી સાંસારિક ચર્ચા અને સાંસારિક સંગથી દૂર રહી શકીએ છીએ, પરંતુ આપણા પહેલાંના સાંસારિક મિત્રો અને તેમની સાથે જોડાયેલા અપવિત્ર વિચારોનો માનસિક સંપર્ક દૂર કરવો અધિક કઠિન અને કષ્ટદાયી છે. આવા વખતે શું કરી શકાય? આપણા છોડી દેવાયેલા મિત્રોનો આંતરિક સંગ વાસ્તવિક બાહ્ય સંપર્કથી પણ ક્યાંય વિશેષ ખતરનાક છે. સૌ પ્રથમ દૃઢતાપૂર્વક બધા પૂર્વ સંપર્કાેને કાપી નાખો અને બાહ્ય જગતનાં નવાં સંવેદનોથી અળગા રહો. ત્યાર બાદ થોડુંક આત્મવિશ્લેષણ કરો. ખ્યાલ કરો કે પહેલાંની સ્મૃતિઓ મનમાં શા માટે જાગે છે. મમતા રહિત વિવેક દ્વારા પહેલાંની બધી સ્મૃતિઓ અને છબીઓને પોતાનાથી અલગ કરો. મનને નિરંતર શક્તિદાયી ચિંતન દ્વારા આસક્તિ અને દ્વેષના જીવનની હીનતાની પ્રતીતિ કરાવો. બધી પુરાણી સ્મૃતિઓ દૂર કરો. ધીમે ધીમે તમને જોવા મળશે કે મન વધુ ને વધુ સ્વચ્છ તેમજ બળવત્તર થઈ રહ્યું છે.

સ્થૂળ અને સૂક્ષ્મ સ્તરના બધા સંઘર્ષાે દરમિયાન આપણે પોતાના ઇષ્ટના નામ અને રૂપના શુભચિંતનમાં યથાસંભવ લાગેલા રહીને અશુભ વિચારોને દૂર કરવા જોઈએ. પરંતુ ક્યારેક ક્યારેક દૂષિત કલ્પનાને કારણે અપવિત્ર ચિત્ર આપણા પ્રયત્નો હોવા છતાં અત્યંત સ્પષ્ટ થઈ જાય છે. આવી સ્થિતિમાં પવિત્ર મંત્રનો જપ કરતા રહીને આપણે અપવિત્ર વિચારો પ્રત્યે એક સાક્ષી અથવા દ્રષ્ટાનો ભાવ અપનાવીને તેની પકડમાંથી પોતાની જાતને મુક્ત કરવી જોઈએ.

વિસ્મૃતિની ક્ષણોમાં અશુભ વિચારો સાથે તાદાત્મ્ય હોવાને લીધે કોઈ ખરાબ કામ કર્યા વગર પણ આપણે તેના માનસિક અને શારીરિક રૂપથી પ્રભાવિત થઈ શકીએ છીએ. પરંતુ વિશેષ સતર્ક બનીને તથા તેની સાથેના તાદાત્મ્યથી બચીને, પ્રયત્ન કરતા રહેવાથી, તેના ઉદ્‌ગમ પહેલાં જ આપણે તેને દૂર રાખી શકીએ છીએ. ઉચ્ચતર સ્તરની આ અનાસક્તિ, આત્માની આ આંતરિક નિર્લિપ્તતા સાધકોને ઘણી લાભદાયક થાય છે. સાચી આધ્યાત્મિક અનુભૂતિની ઉપલબ્ધિ થયા બાદ આ નિર્લિપ્તતા સ્વાભાવિક બની જાય છે.

કેટલીક પરિસ્થિતિઓમાં અશુભ વિચારોના ઉદયને રોકી શકાતો નથી. પરંતુ અભ્યાસ દ્વારા તેને મૃગજળની જેમ જોઈ શકાય છે, જેના અનિત્ય સ્વરૂપ અંગે જાણકારી મળી ચૂકી હોય છે. પ્રતીતિને રોકી શકાતી નથી. પરંતુ તેને પ્રતીતિના રૂપમાં સત્યની જેમ જોવા મળતી હોવા છતાં જે સ્વરૂપતઃ અસત્ય છે, તે રૂપમાં દેખી શકાય છે.

અને નામરૂપાત્મક દૃશ્ય જગતની અનિત્યતાને તથા તેની સાથે જોડાયેલા આપણા મિથ્યા સંબંધને ઓળખવા માટે તેની પાછળ રહેલા પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. બધાં સ્થૂળ રૂપોની પાછળ વિદ્યમાન પરમાત્મ સત્તાને ઓળખ્યા પછી આપણે ખરેખર તેનાથી અપ્રભાવિત રહી શકીશું. જો સંઘર્ષ દરમિયાન આપણે વધતા-ઓછા પ્રમાણમાં તેનાથી પ્રભાવિત થયા સિવાય રહી શકતા નથી તો આપણે પતનનું વારંવાર ચિંતન અથવા અફસોસ કરવાને બદલે બને તેટલું પરમાત્માનું ચિંતન કરવું જોઈએ.

Total Views: 92

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram