‘એ સ્વતંત્રતા દિવસની સવારે ચા-નાસ્તા માટે અમેરિકન મહિલાઓ નૌકામાં આવી. આ નાનકડા સમારંભમાં હાજર રહેવા માટે સ્વામીજીએ પોતાનો બહાર જવાનો કાર્યક્રમ બંધ રાખ્યો હતો.’ બીજાં વક્તવ્યોની સાથે જ એમની એ કવિતા પણ સ્વાગતરૂપે બધાંની સમક્ષ વાંચવામાં આવી. આ કવિતાનો પદ્યાનુવાદ ‘મુક્તિ’, શીર્ષક હેઠળ હિન્દીમાં (‘વિવેકાનંદ સાહિત્ય’ – ૧૦/૨૦૩)માં છપાયો છે. પોતાની કવિતામાં રહેલો ભાવ એટલે કે સર્વપ્રકારની મુક્તિ, આ સંદેશનો પ્રચાર કરવા અને આ તારીખ અને વારે (૪ જુલાઈ – શુક્રવાર) મહાસમાધિમાં, પોતાના નાશવંત દેહમાંથી મુક્તિ પ્રાપ્ત કરવાને પરિણામે આ ચોથી જુલાઈ સાથે સ્વામીજીના જીવનનો એક અતૂટ સંબંધ સ્થાપિત થયેલો છે. આ કવિતાની અંતિમ પંક્તિઓ નોંધપાત્ર છે;

પરંતુ, તે દિવસ પણ આવ્યો,

જ્યારે સંઘર્ષાે ફળ્યા.

પૂજા શ્રદ્ધાને બલિદાન પૂર્ણ થયાં,

સ્વીકારાયાં.

તમે અનુગ્રહ કર્યાે

અને સમસ્ત માનવતા પર સ્વાતંત્ર્ય પ્રકાશ રેલાવ્યો.

જ્યાં સુધી સૂર્ય મધ્યાન્હે ન પહોંચે,

જ્યાં સુધી તમારો પ્રકાશ સર્વ દેશોને આલોક્તિ ન કરે,

જ્યાં સુધી નર-નારી ઉન્નત મસ્તકે એ ન જુએ

કે એની બેડીઓ તૂટી ગઈ છે.

નૂતન સુખની વસંતમાં (એમને) નવજીવન પ્રાપ્ત થયું છે

ત્યાં સુધી ઓ દેવતા,

સ્વપથે આગળ વધો.

મુક્તપણે.

શ્રીનગરથી ડાલ સરોવર જવાના રસ્તે આ ઉત્સવ થયો. ડાલ સરોવર પહોંચીને તેમણે નિશાતબાગ અને શાલીમાર બાગ જોયા. ત્યાંથી પાછા ફરતાં ૫મી જુલાઈએ એક પ્રસંગ બન્યો. પશ્ચિમની સ્ત્રીઓમાં છોકરીઓનાં લગ્ન ક્યારે થાય છે, એ જાણવા માટેની પ્રચલિત પ્રથા છે કે કોની થાળીમાં ચેરીફળના કેટલા ઠળિયા છે, એ ગણીને પછી નક્કી કરવામાં આવે છે. મંડળીમાંની એક મહિલા હસી-મજાકમાં આવું કરી રહી હતી અને સ્વામીજીએ મજાકને બદલે તે સાચું માની લીધું. બીજે દિવસે સવારે તેઓ જ્યારે આવ્યા ત્યારે ફક્ત ઉચ્ચ વૈરાગ્યના આદર્શ પર બોલવા લાગ્યા. એમણે કહ્યુંઃ ‘જનક બનવું – સંપૂર્ણપણે અનાસક્ત થઈને સિંહાસન પર બેસવું – ધન, યશ અથવા સ્ત્રી-પુત્ર વગેરેની બિલકુલ પરવા ન કરવી – એ શું એટલું સહેલું છે? પશ્ચિમના દેશોમાં ઘણા લોકોએ મને કહ્યું છે કે એમને એ (જનકની) અવસ્થાની પ્રાપ્તિ થઈ ગઈ છે. પરંતુ હું એમને ફક્ત એટલું જ કહી શક્યો હતો કે એવા મહાપુરુષ તો ભારતમાં પણ જન્મ લેતા નથી.’ પછી નિવેદિતા તરફ જોઈને બોલ્યા, ‘આ વાતને મનમાં ને મનમાં યાદ કર્યા કરજો અને તમારી બાળાઓને શીખવવાનું ભૂલતાં નહીં.

મેરુસર્ષપયોર્યદ્વત્ સૂર્યખદ્યોતયોરિવ ।

સરિત્સાગરયોર્યદ્વત્ તથા ભિક્ષુગૃહસ્થયોઃ ।।

મેરુ પર્વત અને રાઈના દાણામાં જેટલો તફાવત છે, સૂર્ય અને આગિયામાં જેટલો તફાવત છે, સમુદ્ર અને તળાવમાં જેટલો તફાવત છે, એટલો જ તફાવત સંન્યાસી અને ગૃહસ્થની વચ્ચે છે.

સર્વ વસ્તુ ભયાન્વિતં ભુવિ નૃણાં વૈરાગ્યમેવાભયમ્।

‘જગતની બધી જ વસ્તુઓ ભયથી ભરેલી છે. મનુષ્યને માટે એકમાત્ર વૈરાગ્ય જ અભયરૂપ છે.’

એ ઉપરાંત તેઓ કહ્યા કરતા કે ઢોંગી સાધુ પણ ધન્ય છે; જે લોકો આદર્શ પાલન કરવા સમર્થ નથી, તેઓ પણ ધન્ય છે. કેમ કે, તેઓના માધ્યમ દ્વારા પણ આદર્શની શ્રેષ્ઠતા સાબિત થાય છે અને આ રીતે તેઓ પણ કેટલીક હદ સુધી બીજાઓની સફળતાનું કારણ બન્યા છે. એ સાથે એમના લંડનના વ્યાખ્યાનની પણ યાદ આવે છે. જેમાં તેમણે કહ્યું હતું, ‘વૈરાગ્ય જ ધર્મની શરૂઆત છે. આજકાલ વૈરાગ્ય વિષે કંઈ કહેવું ઘણું અપ્રિય છે. અમેરિકામાં લોકો મને કહેતા, કે જાણે આપ પાંચ હજાર વર્ષ પહેલાં કોઈ કાળની કે કોઈ લુપ્ત થઈ ગયેલા ગ્રહમાંથી આવીને વૈરાગ્યનો ઉપદેશ આપી રહ્યા છો!’

ફક્ત શબ્દોમાં જ નહીં, પરંતુ કાશ્મીર-નિવાસ દરમિયાન તેમણે વ્યવહારમાં પણ વૈરાગ્યશીલતા બતાવી હતી. એ દિવસોમાં મોટેભાગે તેઓ એકાંતવાસમાં ચાલ્યા જતા. વહેલી સવારે નિદ્રામાંથી ઊઠ્યા બાદ સહયાત્રિકોની મંડળી જોતી કે સ્વામીજીની હોડી ત્યાં નથી. ત્યાં રહેલા નાવિકોને પૂછતાં જાણ થતી કે તેઓ ક્યાંક ચાલ્યા ગયા છે. નિવેદિતાએ લખ્યું છેઃ ‘૧૦મી જુલાઈએ અમને જુદા જુદા લોકો દ્વારા સમાચાર મળ્યા કે ગુરુદેવ સોનમાર્ગના રસ્તે અમરનાથ ગયા છે અને તેઓ પાછા ફરશે બીજા રસ્તેથી. એક પૈસો પણ પાસે રાખ્યા વગર એમણે આ યાત્રા કરી હતી, પરંતુ એ હિન્દુ રાજાઓનું દેશી રાજ્ય હોવાને લઈને એમના મિત્રોને જરા પણ ચિંતા થઈ ન હતી. ૧૫મી જુલાઈએ સાંજે પાંચ વાગે અમે નદીના પ્રવાહ સાથે થોડે દૂર જવા અમારી નૌકા હંકારી જ હતી, ત્યાં અમારા નોકરોએ દૂરથી જ પોતાના કેટલાક મિત્રોને ઓળખી લીધા અને અમને જણાવ્યું કે સ્વામીજીની હોડી અમારી તરફ જ આવી રહી છે. એક કલાક પછી તેઓ અમને મળ્યા અને કહેવા લાગ્યા કે ‘પાછા ફરીને મને ખૂબ જ આનંદ થયો છે.’ આ વખતે ઉનાળામાં ભારે ગરમી પડી હતી અને કેટલીયે હિમનદીઓ ધસી પડવાથી સોનમાર્ગ થઈને અમરનાથ જવાનો માર્ગ દુર્ગમ બની જતાં એમને પાછું આવવું પડ્યું.’

Total Views: 99
By Published On: July 1, 2021Categories: Gambhirananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram