કામારપુકુર અને જયરામવાટી મહાતીર્થ છે. કામારપુકુર અને જયરામવાટીના નિવાસીઓનાં દર્શન કરવાં એ પરમ સૌભાગ્યની વાત છે.

ઠાકુર શ્રીરામકૃષ્ણ માટે કોઈ નિત્યજીવ વગેરે ન હતા, એ તો પતિત અજ્ઞાની અને માયાબદ્ધ જીવોને જ જોતા હતા. જો એમને જરા પણ આભાસ થતો કે આ લોકો ભગવાનનું શરણ ચાહે છે, તો એમની કૃપાનો અક્ષય ભંડાર તરત જ ખૂલી જતો. તેઓ સ્વયં કૃપા કરતા, શ્રીમા દ્વારા કૃપા કરાવતા અને શુદ્ધ આધાર હોય તો ઇષ્ટનું દર્શન પણ કરાવી દેતા. તેમના પ્રત્યે તેઓ કેટલા પ્રકારે કૃપા વરસાવતા એ કહીને સમજાવી ન શકાય.

૧૩૦૮ બંગાબ્દ ઈ.સ. ૧૯૦૨માં શ્રીરામકૃષ્ણ યોગોધ્યાનમાં પાકા નાટ્ય-મંદિર નિર્માણના ઉત્સવ સમયે શ્રીમાને યોગોધ્યાનમાં બોલાવવામાં આવ્યાં હતાં. તે દિવસે માએ ઠાકુરની વેદી સામે બેસી પોતાના હાથેથી પૂજા કરી હતી. માને પૂજા કરતાં જોઈ મેં અનુભવ કર્યાે કે મા કૈલાસવાળી ભગવતીના રૂપે સાક્ષાત્‌ મહાદેવની પૂજા કરી રહ્યાં છે અને અમે લોકો પ્રેમથી ભાવવિભોર બની પૂજા જોઈ રહ્યા છીએ. નિવેદનના સમયની માની આર્તતાના વિષયમાં હું શું કહું? અમે બધા અભિભૂત થઈ ગયા હતા. નવનિર્મિત નાટ્ય-મંદિર માની ચરણરજથી પૂત અને પાવન થઈ ગયું.

બીજા એક દિવસે હું ઘણા મોડા સુધી મા પાસે હતો. ત્યાંથી પાછા ફરી સંધ્યા સમયે ધ્યાન કરતાં અચાનક મેં માને મહાલક્ષ્મીના રૂપમાં જોયાં. મેં જોયું, એક રત્ન સિંહાસન પર મા બેઠાં છે અને તેમની બન્ને બાજુ બે તરુણી ચામર ઢોળી રહી છે. સિંહાસનની નીચે સૂંઢ ઉઠાવી બે હાથી ઊભા છે. માને માથે સોનાનો મુકુટ છે, શરીર અનેક આભૂષણોથી શોભે છે અને તેમણે એક ઉજ્જવળ જ્યોતિર્મય સાડી પહેરી છે. તેમના એક હાથમાં વર, બીજા હાથમાં આશીર્વાદની મુદ્રા અને હોઠ પર હાસ્ય-રેખા છે. જ્યાં જ્યાં માની દૃષ્ટિ પડે છે ત્યાં ત્યાં કમળના ગુચ્છાઓ ખીલી રહ્યા છે. માએ તેમની એ જ પ્રસન્ન દૃષ્ટિથી મારી સામે જોયું. મારું હૃદય પણ જાણે કે , કમળની જેમ ખીલવા લાગ્યું. તેના પછી શું થયું તે મને યાદ નથી.

Total Views: 385

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.