સંસ્કૃત ધાતુ ‘કૃ’ એટલે કરવું, એ પરથી કર્મ શબ્દ થયો છે. કર્મ એટલે તમામ કાર્યો. પારિભાષિક અર્થમાં કર્મ શબ્દથી કાર્યની અસર પણ સમજાય છે. અધ્યાત્મવિદ્યાની દૃષ્ટિએ જોઈએ તો અમુક વખતે કર્મનો અર્થ તેનાં ફળ થાય છે – જેનું કારણ આપણાં પૂર્વકર્માે હોય. કર્મયોગમાં કર્મ એટલે કાર્ય એવો અર્થ સમજવાનો છે. માનવજાતનું ધ્યેય જ્ઞાન મેળવવાનું છે. પૂર્વની ફિલસૂફીએ આ એક આદર્શ આપણી સમક્ષ મૂકેલો છે. માનવજાતનું ધ્યેય મોજમજા નથી પણ જ્ઞાન છે. મોજમજા અને સુખ નાશવંત છે. મોજમજા એ ધ્યેય છે એમ માનવું ભૂલભરેલું છે. માણસ મૂર્ખાઈથી માની બેસે છે કે મોજમજા એ જ જીવનનું ધ્યેય છે, તેને લીધે જ દરેક પ્રકારનું દુઃખ જગતમાં ઉત્પન્ન થાય છે. પણ થોડો સમય પસાર થાય ત્યાં તો માનવીને સમજાઈ જાય છે કે પોતે મોજમજા નહીં, પણ જ્ઞાન તરફ જઈ રહ્યો છે; તેને સમજાઈ જાય છે કે મોજમજા અને દુઃખ એ બંને મહાન શિક્ષકો છે; અને શુભ તેમજ અશુભ બંનેમાંથી એ સરખું શીખે છે. મોજમજા અને દુઃખ બંને એના આત્મા પાસેથી પસાર થાય ત્યારે એના પર વિવિધ ચિત્રોની છાયા મૂકતાં જાય છે; અને આ સર્વ સંમિશ્રિત અસરોનું પરિણામ એ જ ‘ચારિત્ર્ય’. માણસના ચારિત્ર્યનો વિચાર કરો ત્યારે એમ માલૂમ પડે છે કે એ ખરેખર વલણનો સમૂહ છે. ચારિત્ર્ય એટલે માનવમનનાં વલણોનો સરવાળો. ચારિત્ર્યના ઘડતરમાં સુખ-દુઃખ, શુભ-અશુભ, બંને સરખો ભાગ ભજવે છે અને કેટલીક વાર તો સુખ કરતાં દુઃખ વધારે સારા શિક્ષકની ગરજ સારે છે. જગતના સર્વાેત્તમ ચારિત્ર્યશીલ માનવીઓનો અભ્યાસ કરવામાં આવે તો, હું ધારું છું કે, મોટા ભાગના દાખલાઓમાં સુખ કરતાં દુઃખે વધારે શિક્ષણ આપ્યું હશે, ધન કરતાં નિર્ધનતાએ વધારે શિક્ષણ આપ્યું હશે અને પ્રશંસા કરતાં પ્રહારોએ આંતરિક સત્ત્વને બહાર લાવવામાં વિશેષ સહાય કરી હશે.ચારિત્ર્ય ઉપર અસર પાડનાર કર્મ જ જબ્બર શક્તિ છે અને તેની સાથે માણસે વ્યવહાર કરવાનો હોય છે. માનવ જાણે કે મધ્યબિંદુ છે, પોતા તરફ વિશ્વની સર્વ શક્તિઓને એ આકર્ષે છે અને આ મધ્યબિંદુમાં એ સર્વ શક્તિઓને ગૂંથીને એમને પાછા જબ્બર પ્રવાહમાં એ ધકેલે છે. આવું મધ્યબિંદુ એ સાચો માણસ છે – એ સર્વશક્તિમાન અને સર્વજ્ઞ છે અને સમગ્ર વિશ્વને એ પોતા ભણી આકર્ષે છે. શુભ અને અશુભ, સુખ અને દુઃખ, એ સર્વ એના ભણી દોટ કાઢે છે, એની આસપાસ વળગી રહે છે; અને એમાંથી એ, જેને ચારિત્ર્ય કહેવામાં આવે છે તે વલણના પ્રબળ પ્રવાહને વહેતો કરે છે – બહાર ધકેલે છે. જેમ એનામાં પોતા ભણી સર્વને આકર્ષવાની શક્તિ છે, તેમ એનામાં એ સર્વને બહાર ધકેલવાની પણ શક્તિ છે.જે સર્વ કાર્ય આપણે જગતમાં જોઈએ છીએ, મનુષ્ય સમાજની જે સર્વ પ્રકારની ક્રિયાઓ અને જે સર્વ કામો આપણી આસપાસ પડેલાં છે, તે બધું વિચારનું પ્રદર્શન છે, તે સર્વ માનવની ઇચ્છાશક્તિનો આવિષ્કાર છે. યંત્રો અથવા ઓજારો, શહેરો, જહાજો અથવા મનવારો – આ સર્વ માણસની ઇચ્છાશક્તિનાં માત્ર આવિષ્કરણો છે અને આ ઇચ્છાશક્તિ ચારિત્ર્યમાંથી ઉદ્‌ભવે છે અને આ ચારિત્ર્ય કર્મને લીધે રચાય છે – ઘડાય છે. જેવું કર્મ, તેવું ઇચ્છાશક્તિનું આવિષ્કરણ, જગતમાં પેદા થયેલા પ્રબળ ઇચ્છાશક્તિવાળા માણસો – એ તમામ અસાધારણ કામ કરનારા હતા, એ સર્વ મહાન આત્માઓ હતા; એમની ઇચ્છાશક્તિ જગતને ઊંધુંચત્તું કરી નાખે એવી પ્રબળ હતી અને આ ઇચ્છાશક્તિ યુગોની સતત સાધનાને લીધે એમણે પ્રાપ્ત કરી હતી.

Total Views: 352

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.