ભારતના મહાપુરુષોનું વૈશિષ્ટ્ય છે કે તેઓ પોતાના વિશે પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રૂપે કાંઈ લખતા નથી. એમાંય સંત-મહાત્માઓ તો છદ્મ વેશમાં જ રહેવાનું પસંદ કરે છે. તેઓ જાણે છે કે પોતાના જીવનનો ઉદ્દેશ્ય ઈશ્વર-પ્રાપ્તિ અથવા મોહગ્રસ્ત લોકોને ઈશ્વર પ્રત્યે પ્રેરવાનો છે. મહાન સંત તુલસીદાસજીએ પોતાના જીવન વિશે વિશેષ કાંઈ લખ્યું નથી. એમના દ્વારા રચિત અમુક ચોપાઇઓમાં એમના જીવન વિશે થોડી ઘણી માહિતી મળે છે. પણ એમના જીવન વિશે જે કાંઈ લખાયું છે, તેનો આધાર મોટા ભાગે જનશ્રુતિઓ જ છે.

ગોસ્વામીજીનો જન્મ સંવત ૧૫૮૯ની શ્રાવણ શુક્લ સપ્તમીના દિવસે બાઁદા જિલ્લાના રાજાપુરમાં થયેલ માનવામાં આવે છે. એમના પિતાનું નામ આત્મારામ દુબે અને માતાનું નામ હુલસી હતું. ગોસ્વામીજીના બાળપણનું નામ રામબોલા હતું. ગોસ્વામીજીનો જન્મ અભુક્ત મૂળ નક્ષત્રમાં થયો હોવાથી એમના પિતાજીએ એમનો ત્યાગ કર્યો હતો. જનશ્રુતિ પ્રમાણે ગોસ્વામીજીની માતાએ એમને પોતાની દાસીને આપી દીધા. ગોસ્વામીજીના જન્મ પછી થોડાક દિવસોમાં એમનાં માતાનું પણ મૃત્યુ થઈ ગયું. દાસીનાં લગ્ન થયાં પછી બાળક તુલસીદાસને પોતાની સાથે સાસરે લઈ આવ્યાં. ચાર-પાંચ વર્ષ પછી દાસીનું મૃત્યુ થયું. હવે બાળક ગોસ્વામીજી એકદમ અસહાય બનીને ભિક્ષા કરીને જ ઉદરપૂર્તિ કરવા લાગ્યા. એક દિવસ બાળક ગોસ્વામીજીની ભેટ સૂકરખેતના મહાત્મા નરહરિદાસજી સાથે થઈ. તેઓ બાળક ગોસ્વામીજીના ગુણોને જોઈને મુગ્ધ થઈ ગયા અને એમને બાળકની હાલત જોઈને દયા આવી ગઈ. તેઓ ગોસ્વામીજીને સૂકરખેત લઈ આવ્યા. રામચરિતમાનસમાં તુલસીદાસજી એમના ગુરુ વિશે કહે છે,

बंदउँ गुरु पद कंज कृपा सिंधु नररूप हरि।

તેમજ એમણે નરહરિદાસજી પાસેથી ઘણી વાર રામકથા સાંભળી, એનો પણ ઉલ્લેખ કર્યો છે –

मैं पुनि निज गुर सन सुनी कथा सो सूकरखेत।
समुझी नहिं तसि बालपन तब अति रहेउँ अचेत॥

થોડા સમય પછી એમના ગુરુદેવ કાશી આવીને રહ્યા. ત્યાં શેષસનાતન નામના એક પ્રસિદ્ધ વિદ્વાન રહેતા હતા. નરહરિદાસજીએ બાળક ગોસ્વામી શેષસનાતનને સોંપ્યો. એવું કહેવામાં આવે છે કે બાળક ગોસ્વામીએ ત્યાં પંદર વર્ષ રહીને વેદ, વેદાંત, દર્શન સાહિત્યનું અધ્યયન કર્યું. શિક્ષણ સમાપ્ત થયા પછી તેઓ પોતાના ઘેર રાજાપુર આવ્યા, એ પહેલાં જ એમના પિતાજીનું મૃત્યુ થઈ ગયું હતું. ગોસ્વામી રાજાપુરમાં જ રહીને વાલ્મીકિ રામાયણની કથા કરવા લાગ્યા.

એક દિવસ દીનબંધુ પાઠક નામના એક સજ્જને તુલસીદાસની રામાયણ કથા સાંભળી અને કથાની સરસ વ્યાખ્યા સાંભળીને મુગ્ધ થઈ ગયા. એમણે પોતાની દીકરી રત્નાવલી તુલસીદાસ સાથે પરણાવી. રત્નાવલી એક વિદુષી, સુંદર અને સુશીલ નારી હતાં. તુલસીદાસજીનો એમના પ્રત્યે અત્યધિક સ્નેહ હતો અને તે એક ક્ષણ પણ એમના વિના રહી શકતા ન હતા. અને આ અત્યધિક આસક્તિ જ એમના જીવનના પરિવર્તનનું કારણ બની.

એકવાર તુલસીદાસજીની ગેરહાજરીમાં રત્નાવલીના ભાઈ એમને ઘરે લઈ ગયા. તુલસીદાસજીને જ્યારે ખબર પડી તો તે બહુ ચંચળ થઈ ગયા. તેઓ યમુના નદીનો ભયંકર પ્રવાહ પાર કરીને પત્નીને મળવા ગયા. રત્નાવલીએ જ્યારે જોયું કે એમના પતિ મોહગ્રસ્ત થઈને અને લાજ-શરમ છોડીને રાત્રે એમને મળવા આવ્યા છે, તો એમના મોઢાથી જે ઉદ્‌ગાર નીકળ્યા, એનાથી જ તુલસીદાસજીનું આખું જીવન બદલાઈ ગયું.

Total Views: 231
By Published On: August 1, 2021Categories: Sankalan0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram