છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી આપણે કોરોના સામે જંગ લડી રહ્યા છીએ. માનવજાતિની અને ખાસ કરીને યુવાપેઢીના જીવનની પહેલી મોટી મહામારી છે, જેણે આખા વિશ્વને જપ્ત કરી રાખ્યું છે. પરિસ્થિતિ એવા તબક્કે પહોંચેલી છે કે સૌ જીવન, આજીવિકા, સ્વસુરક્ષા કરવા માટે રોગચાળા સામે લડી રહ્યા છીએ. આપણે એક વર્ષે એક પડાવ પાર કર્યાે છે પણ જંગ હજુ પૂરો નથી થયો. હજુ પણ કોરોના સામેના રક્ષા-માનકો નીચા કરી શકીએ તેમ નથી. સંશોધનોમાં મળી આવતા નવા Mutants આરોગ્ય વિભાગની ચિંતા વધારી રહ્યા છે. આપણે જીવનમાં પહેલી વાર આટલા મોટા લોકડાઉનનો સામનો કર્યાે. અનેક પગલાં લેવા છતાં ગત બે-ત્રણ મહિનાની બેદરકારીઓ અને સામે આવી રહેલા નવા મ્યુટન્ટ્સને કારણે આપણી સામે નવા પડકારો આવી શકે. ભવિષ્યના ગર્ભમાં શું છે તે તો આપણે જાણતા નથી પણ આપણા હાથમાં શું છે તે આપણે જાણીએ છીએ. કોરોનાએ આપણને અનેક બોધપાઠ આપ્યા છે, તેમાંનો એક છે સંયમનો. સ્વામી વિવેકાનંદે એક ભાષણમાં પૂર્વ અને પશ્ચિમી જગતના આદર્શોના સંદર્ભમાં કહ્યું હતું-

‘જ્યારે પશ્ચિમવાસી પોતે કેટલી સંપત્તિ મેળવી શકે અને ભોગવી શકે એનું માપ કાઢવાનો પ્રયાસ કરે છે, ત્યારે પ્રાચ્ય માનવ જાણે કે એથી ઊલટો માર્ગ લેતો અને કેટલી ઓછી ભૌતિક સંપત્તિથી પોતે ચલાવી શકે એ માપ કાઢતો દેખાય છે.’ (સ્વા.વિ.ગ્રં. ભાગ-૨, પૃ.૫૯૮)

ભારતીય સંસ્કૃતિ અને દર્શન હંમેશાં અંતર્મુખી થવાનું શિક્ષણ આપે છે; શાંતિ, સંતોષ, સાદગીનું શિક્ષણ આપે છે. ‘સાદું જીવન, ઉચ્ચ વિચારો’ એ કોઈ પણ સાંસ્કૃતિક સભ્યતાની નિશાની છે.

કોરોનાકાળમાં આપણને સહુને જીંદગીએ સંયમનો પાઠ ભણાવ્યો. જેમનાં જીવન ભારતીય ધર્મ-દર્શનનાં સાદગી, સંતોષ, શાંતિ અને અંતર્મુખતા સાથે જોડાયેલાં હતાં તેમના માટે લોકડાઉન, કરકસર કરી ગુજારો, રોગ બાબતે તકેદારી વગેરે સહન કરવું સરળ બન્યું અને જેઓ આ ગુણોના વિકાસમાં પાછળ હતા તેઓ માટે આ અણધારી પરિસ્થિતિ વિકટ બની ગયેલી. આમ આ એક વર્ગ બેદરકારીપૂર્વક લોકડાઉનના નિયમો, માસ્ક જેવા રોગ સામે સુરક્ષાના ઉપાયો ઇત્યાદિનો ઉઘાડે છોગ ઉલ્લંઘન કરતો જોવા મળ્યો. આપણામાંથી ઘણા વિષમ, અણધારી પરિસ્થિતિ આવતાં દિગ્ભ્રાંત બની જઈએ છીએ. વિશેષ કરી જ્યારે સંતોષ, સંયમ જેવા ગુણોનો અમલ કરવાનો સમય આવે ત્યારે આપણી અસંયમિત બહિર્મુખ પ્રકૃતિ તે સ્વીકારી શકતી નથી. એક પ્રકારે આ ગુણોને બંધન સમજી તેની સામે બળવો કરે છે.

બંધન અને સંયમમાં ફરક છે. બંધન બહારથી ફરજ પાડતું આવે છે; જ્યારે સંયમ અંદરથી, સ્વતઃ સ્ફૂર્ત, દૃઢ ઇચ્છાશક્તિમાંથી આવે છે. અસંયમ હંમેશાં સુખની લાલસામાં ભટકાવે છે, પ્રિય વસ્તુઓ એકઠી કરવા, માણવા, બધી બાધાઓ નેવે મૂકી દોડવા મજબૂર કરે છે. જ્યારે સંતોષ, સંયમ આદિ ગુણો માનવીને પ્રિય કરતાં પણ શ્રેયસ્કરની પાછળ જવા પ્રેરે છે. સંતોષ, સંયમ, અંતર્મુખ થવાનો અભ્યાસ વગેરે હિન્દુદર્શનના શિક્ષણમાં ઓતપ્રોત જડાયેલા હતા. પરંતુ માત્ર બાહ્ય જગત પર પ્રભુત્વ, ભોગની લાલસા, પ્રસાધનો પાછળની દોડ વગેરે શીખવતા પાશ્ચાત્ય અનુકરણની આંધળી દોટમાં આજના ભારતીય સમાજમાં આ ગુણોની ઊણપ વધુ છે.

નાનકડો નચિકેતા યમરાજ પાસે જીવન-મૃત્યુ અને આત્માનું રહસ્ય જાણવાનું વરદાન માગે છે ત્યારે યમરાજ તેને વિવિધ પ્રલોભનો આપી ‘આત્મજ્ઞાન’ની વિદ્યા મેળવવાની હઠ છોડી દેવા સમજાવે છે. ત્યારે બધાં પ્રલોભનોનો દૃઢતાપૂર્વક અસ્વીકાર કરતાં તે કહે છે કે, ‘આ ભોગસુખની જે વસ્તુઓ આપ મને આપવા માગો છો એ ક્ષણભંગુર છે, શાશ્વત નથી. તે મને કાયમી સુખ શી રીતે આપી શકશે? જરાજીર્ણ થતી ઇન્દ્રિયો અને નાશવંત જીવનમાં તમારાં ધન, સંપત્તિ, રથ, ઘોડાનું હું શું કરીશ? માટે એ બધું તમે જ રાખો, મને મૃત્યુ પછી શું થાય છે તે જ્ઞાન આપો.’ યમ જ્યારે આમ પરીક્ષા કરી નચિકેતાને ઉત્તમ અધિકારી તરીકે જાણે છે ત્યારે તે તેને કહે છે, ‘જીવનમાં મનુષ્ય પાસે બે વિકલ્પો આવે છે- શ્રેય અને પ્રેય. જે અજ્ઞાની અને અસંયમી છે તે ‘શ્રેય’ કે ‘શ્રેયસ્કર’ કરતાં પણ વાસના અને આસક્તિને કારણે ‘પ્રેય’ને પસંદ કરે છે. પણ જે ધીર, સ્થિરબુદ્ધિવાળી વ્યક્તિ છે તે આત્મસંયમ દ્વારા વિચાર કરીને પોતાને પ્રિય લાગતી વસ્તુઓને છોડી જે ‘શ્રેયસ્કર’ છે (અપ્રિય કે મનગમતું ન હોવા છતાં) તેને અપનાવે છે.’ યમ નચિકેતાનાં વખાણ કરતાં કહે છે કે તેં ધન-સંપત્તિ વગેરે ‘પ્રિય’ લાગતી, પ્રલોભનમાં નાખતી વસ્તુઓ છોડીને વરદાનમાં ‘શ્રેષ્ઠ’ એવું આત્મજ્ઞાન માગ્યું.

એક સમયે આવું હતું આપણાં દર્શન અને શાસ્ત્રોનું શિક્ષણ કે એક બાળક પણ ‘પ્રેય’ અને ‘શ્રેય’ વસ્તુમાં ફરક પારખી શકતો. આજે પણ આ મહામારી હોય કે જીવનની બીજી કોઈ સમસ્યા હોય, ધીરજ સાથે મન અંતર્મુખ કરી ‘વિચાર’ કરવાની જરૂર છે. સરકાર ભલે ગમે તેટલા હોર્ડિંગ્સ, જાહેરાતો, દંડ, દવા વગેરેની વ્યવસ્થા કરે પણ જ્યાં સુધી પ્રત્યેક નાગરિક જેમ પોતાના ‘હક’ માટે સજાગ છે તેવી જ રીતે તેવા જ આગ્રહથી પોતાના સામાજિક દાયિત્વ પ્રતિ સજાગ અને પ્રયાસરત નહીં બને ત્યાં સુધી કશાથી લાભ થવાનો નથી. આપણે ભારતીય છીએ. ‘અધ્યાત્મકેન્દ્રી’ જીવન આપણું રાષ્ટ્રીય ‘ચરિત્ર’ છે. ‘ત્યાગ’ અને ‘સેવા’ ને સ્વામી વિવેકાનંદ આપણા રાષ્ટ્રીય આદર્શાે કહે છે. પણ અત્યારની આપણી મોટા ભાગની પેઢી ‘વેદાંતી’ હિન્દુને બદલે ચાર્વાકદર્શનથી વધુ પ્રભાવિત છે. તે બાહ્યવસ્તુઓમાં જ સુખ શોધવામાં માને છે. પાશ્ચાત્ય શિક્ષણ પદ્ધતિ સાથે તાલ મેળવવા જતાં આપણી શિક્ષણનીતિ પોતાનાં મૂળભૂત ઉમદા મૂલ્યોને વિસારતી જાય છે. ‘ત્યાગ’, ‘તપસ્યા’ કે ‘તિતિક્ષા’ જેવા ગુણો ફક્ત મઠ-અખાડા-આશ્રમ કે જંગલમાં રહેતા ઋષિ, મુનિ, સાધુ, યોગી, તપસ્વીઓ માટે જ નથી. દરેક ભારતીયને આ ગુણો ધર્મ અને દર્શન શીખવે છે, ભલે તે ગમે તે સંપ્રદાયનો અનુગામી હોય. આવી વૈશ્વિક સંકટની ઘડીઓ જ્યારે માનવસમાજને પીડે ત્યારે આપણે સહુ થોડો સંયમ અને સજગતા, થોડું ચલાવી લેવા, સહન કરી લેવા માટે આ ગુણો અપનાવીશું તો કોરોના હોય કે ભવિષ્યમાં એના સમકક્ષ અન્ય કોઈ પણ પરિસ્થિતિ કે સંકટ -વ્યક્તિગત કે સામાજિક- આવે ત્યારે આપણે ન કેવળ આપણાં ઘર-પરિવારને સુરક્ષિત રાખી શકીશુંં પણ સમાજની પણ ઘણી સેવા કરી શકીશું. પ્રકૃતિ આપણને કેવો ‘આઘાત’ કરે છે તેનાથી નહીં પણ આપણે તેની સામે કેવો ‘પ્રતિઘાત’ કરીએ છીએ તેના દ્વારા આપણું અને આપણા સમાજનું મૂલ્યાંકન થાય છે.

પ્રત્યેક લાલસા, તૃષ્ણા, વાસના પાછળ દોડતી બુદ્ધિ, અસંયમિત મન સાથે યુક્ત બુદ્ધિ એ તામસિક બુદ્ધિ છે. ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં સ્પષ્ટ કહે છે કે હે પાર્થ ! તમોગુણથી ઢંકાઇ ગયેલી જે બુદ્ધિ અધર્મને જ ધર્મ માની લે છે, અને બધા પદાર્થાેને અવળી રીતે જ સમજે છે, તે ‘તામસિક’ છે. (ગીતા-૧૮.૨) અને આવી બુદ્ધિ માનવને ક્યારેય સાચું અને શાશ્વત સુખ નથી આપતી. સંયમ, સંતોષ, શાંતિને ત્યજી ઝાંઝવાના જળ જેવાં અનિત્ય સુખો પાછળ દોડતો માનવી સમજે છે કે તે આ ભોગવિલાસ વગર સુખી નહીં થઈ શકે. તે વસ્તુઓમાં જ તે સાચું અનુપમ સુખ ભાળે છે. પણ ગીતોક્ત ચેતવણી આવે સમયે યાદ રાખવી કે,

‘અને જે સુખ શરૂઆતમાં ઝેર જેવું લાગે પણ પરિણામમાં અમૃત જેવું હોય, એવું આત્મજ્ઞાનની પ્રસન્નતાથી નીપજેલું સુખ ‘સાત્ત્વિક સુખ’ કહેવાય છે. જે સુખ વિષયો અને ઇન્દ્રિયોના સંયોગથી જન્મેલું હોય, એ શરૂઆતમાં અમૃત જેવું મીઠું લાગે, પણ પરિણામમાં ઝેર જેવું નીવડતું હોય, તેવા સુખને ‘રાજસ સુખ’ કહેવામાં આવે છે.’(ગીતા-૧૮.૩૭-૩૮) આપણામાંના જેઓ અસંયમિત બન્યા, તેઓએ આ વૈશ્વિક મહામારીનાં માઠાં પરિણામો ભોગવવાં પડ્યાં છે. લાલસા અને તેને લીધે થતી બેદરકારીથી વધતો રોગચાળો ભગવાનના ઉપદેશની સત્યતા સિદ્ધ કરે છે. ભૂત-ભવિષ્યનો વિચાર કર્યા વગર કોઈ વસ્તુની પાછળ ભાગવું એ જ વાસના છે- દૃઢભાવનયા ત્યક્તપૂર્વાપરવિચારણમ્—। યથાદાનં પદાર્થસ્ય વાસના સા પ્રકીર્તિતા—।। (લઘુયોગ વાસિષ્ઠ-૨૮.૪૮) કર્મયોગમાં સ્વામી વિવેકાનંદ ‘કર્મયોગ’ પરનાં પ્રવચનમાં કહે છે, ‘જે સર્વ કાર્ય આપણે જગતમાં જોઈએ છીએ, મનુષ્ય સમાજને જે સર્વ પ્રકારની ક્રિયાઓ અને જે સર્વ કામો આપણી આસપાસ પડેલાં છે, તે બધું વિચારનું પ્રદર્શન છે, તે સર્વ માનવની ઇચ્છાશક્તિનો આવિષ્કાર છે. યંત્રો અથવા ઓજારો, શહેરો, જહાજો અથવા મનવારો – આ સર્વ માણસની ઇચ્છાશક્તિનાં માત્ર આવિષ્કરણો છે અને આ ઇચ્છાશક્તિ ચારિત્ર્યમાંથી ઉદ્‌ભવે છે અને આ ચારિત્ર્ય કર્મને લીધે રચાય છે – ઘડાય છે. જેવું કર્મ, તેવું ઇચ્છાશક્તિનું આવિષ્કરણ…’(સ્વા. વિ.ગ્રં.ભાગ-૧, પૃ.૩૨)

માટે આપણે ચરિત્રને આપણાં કર્મો, વિચારો અને વ્યવહારથી એવું ઘડીએ કે ‘यस्मिन्स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते’- ‘જેમાં સ્થિત થયા પછી ખૂબ મોટા દુઃખથી પણ એ વ્યક્તિ ચલાયમાન થતી નથી.’ જ્યારે આવી પરિસ્થિતિ આવે ત્યારે જીવનનિર્વાહ અર્થે રોજી-રોટી માટે જેઓ બહાર નીકળવા મજબૂર છે તેઓએ પણ પોતાનાં વ્યવહાર, વર્તન, તકેદારી અને જવાબદારી પૂર્ણ સભાનતા અને ચોક્કસાઈથી નિભાવવાં જોઈએ અને જેમણ થોડો ત્યાગ, થોડો સંયમ વર્તી ઘેર રહેવું પડે છે તેમણે વધુ ચોક્કસ, દૃઢ અને વ્યવહારુ બનવાની જરૂર છે. મનુષ્યનો મૂળ સ્વભાવ જ ‘સ્વતંત્રતા’નો છે, કારણ કે તે વાસ્તવમાં આત્મા છે જે સદા મુક્ત છે. માટે તેને બંધન ગમતાં નથી. પરંતુ આ સ્વતંત્રતા સુધી પહોંચવા થોડી શિસ્ત, થોડું અનુશાસન જરૂરી છે. યાદ રાખીએ કે સ્વતંત્રતા અને સ્વછંદતા બન્ને એક વસ્તુ નથી. અનુશાસિત મન જ દૃઢ ચારિત્ર્ય આશ્રય લઈ સ્વતંત્રતા પ્રાપ્ત કરે છે જ્યારે અનુશાસનહીન, વિષય-વાસના પાછળ ભટકતું બદ્ધ મન સ્વછંદતા તરફ વળે છે. પણ આપણાં સામૂહિક સહકાર અને દાયિત્વ-નિર્વહન ઉપર જ યુદ્ધ, મહામારી, કુદરતી આપદાઓ વગેરેમાં માનવસમાજનું કલ્યાણ નિર્ભર કરે છે. સ્વતંત્રતા પામવાનો પહેલો નિયમ ‘સંયમિતતા’ છે. આપણે જાણીએ છીએ કે એક નાના છોડને જ વાડની જરૂર પડે છે, પણ તે છોડ જ્યારે તોતિંગ વૃક્ષ બને છે ત્યારે વાડની જરૂર નથી રહેતી. તેવી જ રીતે મનને બંધન નથી હોતું પણ આપણે એ અવસ્થાએ ન પહોંચીએ ત્યાં સુધી સામાજિક દાયિત્વો રૂપી બંધનો જરૂરી છે. માટે ‘બહુજનહિતાય, બહુજનસુખાય’ના ભાવ સાથે વેદની સારગર્ભિત

વાણી-

सं गच्छध्वं सं वदध्वं सं वो मनांसि जानताम्।…
समानी व आकूतिः समाना हृदयानि वः।
समानमस्तु वो मनो यथा वः सुसहासति।।
ऋग्वेद

આ વેદોક્ત શિક્ષણનું સારતત્ત્વ છે કે આપણે એક બનીએ, એક માર્ગે ચાલીએ, એક મત થઈએ, આપણામાં પરસ્પર સંવાદિતા સ્થપાય, આપણાં હૃદય એક બને; આપણા વિચારોનું તાદાત્મ્ય સ્થપાય, જેથી આપણે શાંતિ અને સંતોષનું જીવન જીવી શકીએ એવી પવિત્ર ભાવનાને જીવનમાં ઉતારી આપણાં કર્તવ્યોનું પાલન કરતાં કરતાં આ પૃથ્વીને ફરી સ્વસ્થ કરી લઈએ.

Sri Ramakrishna

SWAMI VIVEKANANDA

Total Views: 305

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.