न तथा मे प्रियतम आत्मयोनिर्न शङ्करः
न च सङ्कर्षो न श्रीर्नैवात्मा च यथा भवान् ।।

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે: હે ઉદ્ધવ શંકર, બ્રહ્મા, બલરામ, લક્ષ્મી અને મારો આત્મા પણ મને એટલો પ્રિય નથી, જેટલો તું મને પ્રિયતમ છે.

શ્રીકૃષ્ણ વૃંદાવનથી મથુરા ગયા, કંસનો વધ કર્યો અને ઉજ્જયિનીના ગુરુકુળમાં વિદ્યાધ્યયન કરી મથુરા પાછા ફર્યા. સમસ્ત મથુરાવાસી એમને જોઈને આનન્દિત થયા. પરંતુ શ્રીકૃષ્ણના મનમાં ક્યાંક તો એક અભાવ હતો અને એના લીધે તેઓ વિચારમગ્ન થઈ જતા. મથુરાવાસીઓ તો શ્રીકૃષ્ણને પ્રાપ્ત કરીને કૃતકૃત્ય થઈ ગયા હતા, પરંતુ વૃંદાવનમાં મા યશોદા, નંદબાબા, ગોપ-ગોપીઓ એમને યાદ કરી કરીને કૃશકાય થઈ ગયાં હતાં. એ લોકો માટે તો શ્રીકૃષ્ણ જ સર્વસ્વ હતા અને આ વાત પોતે શ્રીકૃષ્ણ પણ જાણતા હતા, પણ અમુક કારણોસર તેઓ પોતે વૃંદાવન જઈ શકતા ન હતા.

શ્રીકૃષ્ણ જ્યારે મથુરા પધાર્યા, ત્યારથી ઉદ્ધવ હમેશાં એમની સાથે જ રહેતા. તેઓને શ્રીકૃષ્ણ સાથે એટલો પ્રગાઢ સંબંધ થઈ ગયો હતો કે તે એમને સખા તરીકે જ માનતા. મહાપ્રાજ્ઞ ઉદ્ધવ ભગવાનના નિત્ય પાર્ષદ હતા. વસુદેવજીના સગા ભાઈનું નામ દેવભાગ હતું. તેમનાં પત્ની પણ ધર્મપરાયણા હતાં. એ દમ્પતીના જ ઘરે મહાજ્ઞાની ઉદ્ધવનો જન્મ થયો હતો. તેઓ બાળપણથી જ ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત હતા અને દેખાવમાં પણ એમના જેવા જ હતા. તેઓ વિદ્યાધ્યયન માટે દેવતાઓના ગુરુકુળમાં આચાર્ય બૃહસ્પતિ પાસે ગયા હતા. તેમણે ટૂંકા સમયમાં જ સમસ્ત વિદ્યાઓનું જ્ઞાન મેળવ્યું હતું. સમસ્ત મથુરામાં ઉદ્ધવજીનાં શાસ્ત્રજ્ઞાન, કાર્યકુશળતા વિશે લોકોને બહુ આદરભાવ હતો.

એક વાર શ્રીકૃષ્ણે એકાંતમાં ઉદ્ધવને બોલાવીને એમના બન્ને હાથ પકડીને પ્રેમપૂર્વક કહ્યું –

गच्छोद्धव व्रजं सौम्य पित्रोर्नौ प्रीतिमावह ।
गीपीनां मद्वियोगाधिं मत्सन्देशैर्विमोचय ।।।

અર્થાત્‌ ‘હે સૌમ્ય પ્રિયદર્શન ઉદ્ધવ, તમે વ્રજધામમાં જઈને મારા માતા-પિતાના સંતોષ માટે અને મારા વિયોગથી ગોપીઓને જે તીવ્ર દુઃખ થાય છે, તેમની પાસે જઈને મારા સમાચાર આપીને તેમનું દુઃખ દૂર કરો.’

શ્રીકૃષ્ણને ખબર હતી કે તે ઉદ્ધવને બહુ અઘરું કામ સોંપી રહ્યા છે, કારણ કે વ્રજવાસીઓનું દુઃખ તો કૃષ્ણને લઈને જ છે અને જ્યાં સુધી પોતે વૃંદાવન નહીં જાય ત્યાં સુધી ગોપ-ગોપીઓનું તૃષાર્ત અંતઃકરણ તરસ્યું જ રહેશે. પણ કૃષ્ણને આ સંદેશ મોકલવો હતો કે જેમ વ્રજવાસીઓ એમના માટે વ્યાકુળ છે, તેમ કૃષ્ણ પણ એમના માટે વ્યાકુળ છે અને તે વ્રજવાસીઓને તેઓ ભૂલ્યા નથી. એ સાંભળીને કદાચ વ્રજવાસીઓનું દુઃખ થોડું ઓછું થશે. અને એની સાથે કૃષ્ણની ઇચ્છા હતી કે ઉદ્ધવ વ્રજમાં જઈને પોતાની નજરે જોઈ આવે કે ગોપીઓનો કામગંધહીન પ્રેમ કેવો ઉત્કૃષ્ટ કોટિનો છે. તેઓ કહે છે,

ता मन्मनस्का मत्प्राणा मदर्थे त्यक्तदैहिकाः ।
मामेव दयितं प्रेष्ठमात्मानं मनसा गताः ।
ये त्यक्तलोकधर्माश्च मदर्थे तान् बिभर्म्यहम् ।।

અર્થાત્‌ ‘ગોપીઓનાં મન મારામાં જ સમર્પિત છે, હું જ તેમનો પ્રાણ, મારા માટે જ તેઓએ જાગતિક ભોગ-સુખનો ત્યાગ કર્યો છે. તેઓએ મને જ પોતાનો પ્રિયતમ આત્મા માનીને મન દ્વારા મને જ પ્રાપ્ત કર્યો છે. જગતમાં જે મને પામવા માટે ઈહલોક અને પરલોકનાં સુખ પ્રાપ્તિ માટેનાં ધર્માનુષ્ઠાનનો પણ ત્યાગ કરે, તેમને હું સુખી કરું અર્થાત્ તેઓ મને જ પામે.’

શ્રીકૃષ્ણનો ગોપીઓ પ્રત્યેનો આટલો પ્રેમ જોઈને ઉદ્ધવને નવાઈ લાગી. એ તો કૃષ્ણને જ્ઞાનનિષ્ઠ, નિર્વિકાર જ માનતા હતા. જે હોય તે, ઉદ્ધવ પ્રભુના સમાચાર લઈને ગોકુળમાં જવા માટે નીકળ્યા. તેઓ જ્યારે ગોકુળમાં પહોંચ્યા ત્યારે સૂર્ય આથમી ગયો હતો. ગાયો બધી ગોશાળામાં પ્રવેશતી હતી, તેથી તેમની ખરીઓની ધૂળ વડે ઉદ્ધવજીનો રથ ઢંકાઈ ગયો હતો. તેમનો રથ નંદભવનની સામે આવીને ઊભો રહ્યો. ઉદ્ધવજીને જોઈને નંદરાજ અને યશોદા મૈયા અત્યંત આનંદિત થયાં. ઉદ્ધવે જોયું કે જે દિવસથી કૃષ્ણ મથુરા ચાલ્યા ગયા, તે દિવસથી નંદબાબાનાં ઘરનો સર્વસ્વ વૈભવ જાણે ચાલ્યો ગયો હતો. નંદરાજના ઘરની સફાઈ થતી નથી, રસોડામાં રસોઈ થતી નથી, કોના માટે યશોદા મૈયા રસોઈ કરે, કૃષ્ણના ચાલ્યા જવાની સાથોસાથ જ તેમનાં આહાર, નિદ્રા, સજાવટ જાણે બધું જ બંધ થઈ ગયું છે. ઉદ્ધવજી આ જોઈને અત્યંત નવાઈ પામ્યા. વાત્સલ્ય પ્રેમમાં કોઈ આટલું ગહન ઊતરી શકે, એની તેમણે કલ્પના જ ન કરી હતી. ઉદ્ધવ પોતે તો જ્ઞાની-પંડિત હતા. એમણે ઘણી યુક્તિઓથી નંદરાજ-યશોદાને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે કૃષ્ણ સર્વેશ્વર અને જગતના નિયન્તા છે, પણ વાત્સલ્ય પ્રેમની સામે એમનું બધું જ્ઞાન ફીકું પડી ગયું.

ગોપીઓએ જ્યારે ઉદ્ધવના રથને જોયો તો એમનો આદર-સત્કાર કરીને આસન આપીને બેસાડ્યા. તેઓ પૂછવા લાગ્યાં કે એમનાથી એવો શો અપરાધ થયો છે કે કૃષ્ણ એમને સાવ ભૂલી જ ગયા. તેઓ કહે છે, ‘અમારા કૃષ્ણ-પ્રેમમાં તો કયાંય સ્વાર્થ હતો નહિ અને અમારા પ્રેમમાં કૃષ્ણનો કોઈ મતલબ સિદ્ધ થાય એવું પણ ન હતું; વાસના-કામનાશૂન્ય, શુદ્ધ-નિષ્કલંક પ્રેમ હોવા છતાં વિરહ કેમ? આજે કૃષ્ણમાં કેટલું બધું પરિવર્તન આવ્યું છે. અમે તો તેમનાં ચરણોમાં કોઈ દોષ કર્યો હોય તેવું જોતા નથી. અમારું શરીર, મન, બધું જ કૃષ્ણમાં સમર્પિત; તેમના સિવાય અમે બીજું કંઈ જાણતાં નથી છતાં તેમણે જ અમારો આવી રીતે નિષ્ઠુરતાથી ત્યાગ શા માટે કર્યો?

ગોપીઓના પ્રેમની ગંભીરતા, કૃષ્ણ પ્રત્યે તેમની રીસ, કૃષ્ણ માટેનો તેમનો આવેગ જોઈને ઉદ્ધવ અત્યંત વિસ્મિત અને અભિભૂત થયા. ભગવાનને પરમ પ્રેમાસ્પદ સમજીને કોઈ તેમના માટે ઉત્કંઠિત થઈ, તેમનામાં આવી તન્મયતા આવી શકે એવું તો તેમણે સ્વપનમાં પણ વિચાર્યું ન હતું. તેઓ ગોપીઓને કહે છે, ‘આપનું મન ષડૈશ્વર્યશીલ શ્રીકૃષ્ણમાં આવા ભાવે સમર્પિત છે, આપ સહુ કૃતાર્થ છો અને સમસ્ત સંસારને માટે પૂજનીય છો, જગતમાં આપની કોઈ સરખામણી ન કરી શકાય. આપે ભગવાન કૃષ્ણ પ્રત્યે જે પ્રકારની શ્રદ્ધાભક્તિ પ્રાપ્ત કરી છે, તે ઋષિમુનિઓને પણ દુર્લભ છે.

જે મહાજ્ઞાની ઉદ્ધવ ગોપીઓને કૃષ્ણનો સંદેશ સમજાવવા આવ્યા હતા, તે ગોપીઓની પરાભક્તિ જોઈને કહે છે, ‘અહો, વૃંદાવનની આ બધી ગોપીઓએ અત્યંત મુશ્કેલ એવા સંસાર બંધનને ત્યાગી, આત્મીય સ્વજન, પતિ-પુત્રની સેવા જેવો આર્ય પથ એટલે કે શાસ્ત્રાનુમોદિત પથનો પણ પરિત્યાગ કરી, વેદો જેનું હંમેશાં અન્વેષણ કરે છે, તેવા મુક્તિદાતા મુકુંદની ભક્તિ કરી હતી. વૃંદાવનનાં વૃક્ષ-લતા વગેરે ગોપીઓની પદધૂલિ મેળવીને કૃતાર્થ થયાં છે.’ તેથી ઉદ્ધવજી ઇચ્છા પ્રકટ કરે છે કે આવતા જન્મે વૃંદાવનનાં કોઈ વૃક્ષ-લતા રૂપે જન્મ ગ્રહણ કરે તો રસ્તા પરનાં આ વૃક્ષ-લતા પર ગોપીઓની ચરણધૂલિ પડવાથી તો પોતાનું જીવન સાર્થક જશે.

કેટલાક મહિના વ્રજમાં વાસ કરીને કૃષ્ણ પ્રત્યે ગોપીઓનો ગંભીર અનુરાગ, પ્રેમ બીજે ક્યાંય જોવા ન મળતા ઉદ્ધવ આશ્ચર્યચકિત થયા છે. કૃષ્ણકથાનું ચિંતન કરીને ગોપીઓની વિહ્‌વળતા, કૃષ્ણનો આવેશ, દિવ્યોન્માદની અવસ્થા જોઈને ઉદ્ધવ પોતાને મહાભાગ્યશાળી સમજે છે.

Total Views: 1,537

3 Comments

  1. પરથીભાઈ ચૌધરી,"રાજ"(બાળ કવિ, લોકસાહિત્યકાર, ભજનિક) August 18, 2022 at 3:40 pm - Reply

    કૃષ્ણભક્તિમાં ગરકાવ ગોપ -ગોપીઓ કૃષ્ણ અત્રે ન હોવાથી અત્યંત દુઃખી છે. ઉદ્ધવના સમાચારથી થોડીક રાહત થઈ હોય, એવું લાગે છે. કિન્તુ, કૃષ્ણની ગેરહાજરી સાલે તો ખરી ને?

  2. Jigar Joshi August 18, 2022 at 4:25 am - Reply

    What a beautiful reflection presented in this article. It feels like we are witnessing the entire episode I front of our eye. Thakur has always said – three things are direct presentation of Lord himself 1) Sand of Vrindavan 2) Gangajal and 3) Prasad of Lord Jagannath.

    Vrindavan place of epitome of Bhakti. Udhavji was param Janani , but Gopi’s were Param Vijnani – which they exhibited by their Bhakti towards lord Krishna. Jai Thakur, Jai Maa, Jai Swamiji.🙏🏻

  3. Kamlesh Nakrani September 6, 2021 at 4:19 am - Reply

    એવું તે શું કારણ હશે કે, શ્રી કૃષ્ણ ક્યારેય ગોકુળ તરફ પાછું વળીને પણ ન જોયું ??

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.