ગતાંકથી આગળ….

હું- કેશવસેને ઠાકુરના માટે કહ્યું હતું, પરમહંસદેવ સામાન્ય વસ્તુ નથી. તેમને તો ગ્લાસકેસમાં યત્નપૂર્વક સંભાળીને રાખવા જોઈએ. તેથી જ તમને પણ ગ્લાસકેસમાં રાખી દીધા છે.

મહારાજના ઝભ્ભામાં માઈક્રોફોન લગાવવામાં આવ્યું હતું. સાધુઓને ઉદ્દેશીને તેમણે કહ્યું, ‘જુઓ, I am Important. મારા પગની પાસે આ અમેરિકાનો સાધુ ગરુડ પક્ષીની જેમ બેઠો છે.’ બધા હસવા લાગ્યા.

હું- You are a great. અધરસેને ઠાકુરને કહ્યું હતું, ‘તમારો કેવો તો power છે?’ ઠાકુર બોલ્યા, ‘જેઓ ડેપ્યુટી થઈને બધાને બિવડાવીને રહે છે, માની ઇચ્છાથી તે બધા ડેપ્યુટીઓ પણ ચાકર થઈને રહે છે.’

મેં મહારાજને જાપાનના ભક્તોના પ્રણામ કહ્યા. તેમણે તેમની શ્રદ્ધા-ભક્તિની વાત કરી.

હું- ભગવાન ભક્તોને કેટલો પ્રેમ કરે છે તેનો કોઈ record છે કે નહીં, બોલો તો. ગોપીઓ શ્રીકૃષ્ણને કેટલું ચાહતી, ભાગવતમાં તેનો record છે, પરંતુ શ્રીકૃષ્ણ ગોપીઓને કેટલો પ્રેમ કરતા તેનો કોઈ record છે ?

મહારાજ- હા, ભાગવતમાં તે છે.

પછી એક શ્લોક બોલ્યા, જે અત્યારે યાદ નથી.

હું- ઠાકુર શું આપણો વિચાર કરે?

મહારાજ- તેઓ જો આપણો વિચાર નહીં કરે તો પછી આપણે જઈશું ક્યાં ? તેઓ જો આપણું મંગળ નહીં કરે તો પછી, we will be nowhere.

તેમની આત્મીયતા અને શરણાગતિએ મને મુગ્ધ બનાવી દીધો.

મહારાજ- પલંગમાં પડ્યે પડ્યે નીંદર આવે નહીં, ત્યારે વિચારું કે હવે જીવીને શો લાભ?

હું- આ તો તમારા હાથમાં નથી.

મહારાજ- ડિપેન્ડન્ટ થઈ ગયો છું. સાધુજીવન માટે એ સારું નહીં. ‘સ્વાધીનતા હીનતાય કે બાંચિતે ચાય હે, કે બાંચિતે ચાય? દાસત્વ-શૃઙ્ખલે બોલો કે પોરિબે પાય હે, બે પોરિબે પાય?’ (સ્વાધીનતા ન હોય તો કોણ જીવવા માગે છે ? દાસત્વની સાંકળ, બોલો કોણ પગમાં પહેરશે?)

હું- તમે ફરીથી પાછા અમેરિકા ચાલો. હું તમને ફર્સ્ટ ક્લાસમાં લઈ જઈશ અને નવ પ્રકારનાં ફળોથી બ્રેકફાસ્ટ કરાવીશ.

મહારાજ- Only 9 kinds ?

હું- All right, we shall serve you 10 kinds of fruits.

સાંભળીને મહારાજ હસવા લાગ્યા. ત્યાર પછી બોલ્યા, ‘ત્યારે (૧૯૮૮માં) જો જવાનું ન થયું હોત તો પછી ક્યારેય ન જઈ શકત. અમેરિકામાં ખૂબ ફર્યાે છું. ત્યારે સેન્ટ લુઈસ પહોંચતાં જાણે એમ લાગ્યું કે ઘરે જ આવ્યો છું. આવો અનુભવ તારા લીધે જ થયો.’

આ સ્નેહપૂર્ણ વાત સાંભળતાં જ મારું મન ભરાઈ આવ્યું.

સેવકોએ જાણ કરી કે દર્શનનો સમય સમાપ્ત થઈ ગયો છે. હું બોલ્યો, ‘મહારાજ, રાજા મહારાજે એક વખત ભક્તોને કહ્યું હતું, ‘જુઓ, મને ડાયાબિટીસ છે, મીઠાઈની મનાઈ. વળી પાછું મીઠું બોલવાનું પણ નહીં.’

મહારાજ- પણ જો, મારે તો ડાયાબિટીસ નથી અને મારી વાણી મીઠી છે કે નથી તે જાણતો નથી. વાત નીકળી જાય. લોકો કહે કે મધુર.

ત્યાર પછી ખુરશીમાંથી ઊભા થઈને બોલ્યા, ‘જુઓ, ડોક્ટરો દર્શનાદિ માટે ખૂબ restrict કરે છે. તું રોજ સવારે દસ- સાડા દસે આવજે. (સેવકો સાંભળે તેમ) આ લોકોને ખબર છે કે તું મને વહાલો છે એટલે અટકાવશે નહીં.’

સાચે જ તેમનું દર્દ અને પ્રેમ ક્યારેય ભૂલીશ નહીં.

સવારે સ્નાન કરીને ફરીથી ગયો. મહારાજ તેમના વરંડામાં ફરતા હતા. કેટલાક ભક્તો મહારાજને ઘરની બહારથી વરંડાની જાળીમાંથી જોઈ રહ્યા હતા. તેઓ બોલ્યા, ‘આ બધા શું જોઈ રહ્યા છે, બોલો તો? હું તો રંગરૂપે પણ સારો નથી. શરીરનો રંગ જાણે મેલો મેલો, વળી પાછો ઘરડો.’

મેં કહ્યું, ‘તમે ગુરુ છો.’

મહારાજ બોલ્યા, ‘તેઓ જો વિચાર કરશે કે આ ભૂતેશાનંદજીનું શરીર ગુરુ, ત્યારે તો રોઈ રોઈને મરશે!’

મહારાજ બોલ્યા, ‘એક ભક્તે કહ્યું, ‘મનમાં ખૂબ અશાંતિ. શું કરીને શાંતિ મળે?’ મેં કહ્યું, ‘એક સરળ ઉપાય છે.’ ભક્તે કહ્યું, ‘કયો?’ મેં કહ્યું, ‘વાસના છોડી દો.’ ભક્ત બોલ્યો, ‘અમે તો સંસારી. બધી જ વાસના કેમ કરીને છોડી શકીએ? અસંભવ.’ મેં કહ્યું, ‘તો પછી અશાંતિ લઈને જ રહો.’ એક જ માર્ગ- વાસનાત્યાગ. એ ન કરી શકો તો અશાંતિ જશે નહીં.’ अनित्यमसुखं लोकमिमं प्राप्य भजस्व माम्।। (ગીતા, ૯.૩૩)

ત્યાર પછી નિત્યમુક્તાનંદ દીક્ષાર્થીઓના સંબંધે મહારાજ પાસે પરામર્શ લેવા માટે આવ્યો. ઘણા ભક્તો દીક્ષાના waiting list માં છે, દીક્ષા બંધ છે. મેં કહ્યું, ‘તમે માત્ર મંત્ર આપી દેજો, બાકી બધું નિત્યમુક્તાનંદ જ મેનેજ કરી લેશે.’

મહારાજ બોલ્યા- My satisfaction is necessary. દીક્ષા આપતાં પહેલાં તેમજ પછીથી પણ હું ભક્તો સાથે થોડી વાત કરું, દીક્ષાનું પ્રયોજન શું છે? મંત્રનો અર્થ, ધ્યાનની રીત તેમજ જરૂરી ઉપદેશ. તે ન થાય તો મને સંતોષ થાય નહીં.

ભક્તો માટે તેમને કેવી તો deep feeling હતી, જે તેમની પ્રત્યેક વાતમાં તેમજ આચરણમાં જોવા મળતી. શરીરની યંત્રણા ભૂલીને પણ તેઓ ભક્તોનું મંગળ થાય તેની ચિંતામાં મગ્ન રહેતા.

હું અમેરિકાથી ખાસ મહારાજ માટે special cereal, prunes, Neutrogena soap for dry skin અને God Lived With Them (મારું નવું પુસ્તક) લઈ ગયો હતો. પુસ્તક તેમના હાથમાં આપ્યું. તેમને ઊલટાવી-પલટાવીને જોયું.

સાંજે ૩.૩૦, ‘ચા’ના સમયે ફરીથી ગયો. મેં કહ્યું, ‘મહારાજ, એક વસ્તુ લાવ્યો છું. પરંતુ તમને આપતાં ડર લાગે છે.’ ‘શું લાવ્યો છે?’ ‘Peacon sandees -Peacon nutથી તૈયાર કરવામાં આવેલું એક પ્રકારનું અમેરિકન બિસ્કિટ.’ ‘એમાં વળી ડર શાનો?’ ‘આ ખૂબ rich, છતાં reduced fat. ખાઈને તમને ક્યાંક નડે તો, તમારા ડોક્ટરો મારા માથે દોષ ઢોળે.’ ‘તંુ લઈ આવ. હું એક તો ચુપચાપ ખાઈ લઈશ. કોઈને ખબર નહીં પડે.’

હું દોડીને Monks’ Quartersમાં જઈને પેકેટ લઈ આવ્યો. પછી પેકેટ ખોલીને એક બિસ્કિટ આપ્યું. તેમણે તે ચા સાથે લીધું. ત્યાર પછી મેં ingredient વાંચી સંભળાવ્યા, નુકસાન કરે એવું કાંઈ હતું નહીં. તેઓ બાળકની જેમ ખુશ થઈને બોલ્યા, ‘જો, તું મારા માટે લાવ્યો હતો, વળી પાછો આપતાં પણ ડરતો હતો.’ ત્યાર પછી સેવકોને બોલાવીને કહેવા લાગ્યા કે, ‘રોજ સાંજે ચા સાથે આ અમેરિકન બિસ્કિટ આપવું.’

શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ સંબંધે કેટલાક પ્રશ્નો ચિઠ્ઠી મારફતે પૂછ્યા હતા. તેમણે જવાબ પણ લખી મોકલાવ્યા હતા. પરંતુ એક પ્રશ્ન સંબંધી સંશય હજુ પણ દૂર થયો ન હતો. વિષય હતો- ચંદ્રામણી દેવીએ ઠાકુર માટે કામારપુકુરમાં ભુવાઓની મારફતે ચંડનો આવેશ (સંચાર) કરાવડાવ્યો હતો. મહારાજે લખ્યું હતું, ‘ચંડ એટલે ભૂત અથવા તો spirit.’ શબ્દકોશમાં પણ એમ જ જોવા મળે છે. મેં મહારાજને કહ્યું, ‘Christopher Isherwood ચંડને medium કહે છે. કારણ કે ભૂત કેવી રીતે વાત કરી શકે? જેમ કે, ઠાકુરને ચંડે કહ્યું હતું, ‘અરે ગદાઈ, તું આટલી બધી સોપારી કેમ ખાય છે?’ મહારાજ મૃદુ હાસ્ય સાથે બોલ્યા, ‘આ એક hoax (પ્રપંચ) અથવા છેતરપીંડી છે. કામારપુકુર વિસ્તારમાં લોકોની એવી જ માન્યતા હતી. એ પ્રદેશમાં બધે બે માળનું માટીનું ઘર જોવા મળે. એક ચંડ ન હોય તો પહેલાંથી જ attic (અટારી) પર ચડી બેસતો. પછી ભુવો આવીને મંત્ર બોલીને પ્રશ્ન કરે. ઉપર બેઠેલો ચંડ દબાયેલા અવાજે જવાબ આપે. એક વખતે બન્યું એમ કે એક ચંડ ઉપરના માળે અંધારામાં પહેલાંથી જ ગોઠવાઈ ગયો હતો. બીજો ચંડ આવ્યો અને અંધારામાં પહેલાનો સ્પર્શ થયો. અડતાંની સાથે જ બંને ચમક્યા અને દોટ મૂકીને નીચે આવી ગયા.’ અમે બંન્ને ખૂબ હસ્યા. ચંડ ઉતારવા (સંચાર)નો ખેલ શું છે તે સમજાણો.

૭-૮-૧૯૯૭, બેલુર મઠ, સવારે ૭ વાગ્યે.

સેવકો પાસે સાંભળવા મળ્યું કે રાત્રે મહારાજને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી એટલે ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા. છતાં પણ સવારમાં સાધુઓને હસતે મુખેે દર્શન આપ્યાં.

હું- સાધુજીવનમાં કરણીય શું છે?

મહારાજ- એ બધું ‘પ્રેષમંત્ર’માં છે. સર્વત્યાગ એ ખરી વાત. બીજું કે સમસ્ત સમર્પણ. પહેલું, negative અને બીજું, positive – બધું એમને જ અર્પણ.

હું- પશ્ચિમમાં renunciation શબ્દ સાંભળીને બધાં બીવે. એમનો વિચાર એવો કે આ negative.

મહારાજ- જ્યાં સુધી ભોગાસક્તિ છે ત્યાં સુધી ત્યાગ ભય ઉપજાવે. ભોગાસક્તિ ચાલી જાય તો ત્યાગમાં ડર જેવું રહે નહીં. આ સ્વાભાવિક છે. ઉપાય – સર્વસ્વનું એમને જ સમર્પણ.

હું- કેવી રીતે?

મહારાજ- ‘અહં’ ત્યાગ કરીને. મનમાંથી અહંને સમૂળગો હટાવીને ત્યાં ભગવાનને સ્થાપો. તમારું માત્ર એક જ કાર્ય- અહંત્યાગ. તમારે એમને ત્યાં બેસાડવાના નથી, એ તો હંમેશથી ત્યાં બેઠેલા જ છે.

હું- હરિ મહારાજે કહ્યું છે કે ‘યોગવાસિષ્ઠ-રામાયણ’માં આવે છે કે મનોનાશ, વાસનાક્ષય અને તત્ત્વજ્ઞાન એક સાથે જ થાય છે. કેવી રીતે?

મહારાજ- ‘आत्मा वा अरे द्रष्टव्यः श्रोतव्यो मन्तव्यो निदिध्यासितव्यः।’ (બૃહદારણ્યક ઉપનિષદ)ઉપાય છે મનન. પછી વાસના. જે વિષયમાં વાસના ઇષ્ટલાભથી પ્રતિકૂળ હોય, મનન કરવાથી તે ચાલી જાય. ત્યારે સ્વાભાવિક રીતે જ મનુષ્યની મુક્તિ થાય. …આત્માનું મનન કરવાથી એષણાત્રય (લોકૈષણા, વિત્તૈષણા, પુત્રૈષણા)નો ક્ષય થઈ જાય. પછી તત્ત્વજ્ઞાન થાય. આ ત્રણે એક પછી એક આવે એમ નહીં, એક જ વાત. દીવડો પ્રગટાવો તો અંધકાર ગાયબ થઈ જાય.

હું- જ્યાં સુધી વાસનાક્ષય ન થાય ત્યાં સુધી મનોનાશ તો થશે નહીં. પહેલાં કયું?

મહારાજ- વાસનાક્ષય અને મનોનાશ બંને સિક્કાની બે બાજુ. આગળ-પાછળ જેવું કાંઈ નહીં. એકની સાથે જ બીજું, simultaneous. (ક્રમશઃ)

Total Views: 194
By Published On: August 1, 2021Categories: Chetanananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram