પ્રિય…..,
તમારો ૨૯મી તારીખનો પત્ર મળ્યો…. તમે જે હજુ વધુ દિવસો સુધી યોગાશ્રમમાં રહેવાનો વિચાર કર્યાે છે તે અતિ ઉત્તમ છે. ચંચળ ન થાવ- ધીર-સ્થિર ભાવનું અવલંબન કરવું. અંતરમાં પ્રભુનું સ્મરણ ચાલુ રાખવું. વિવિધ ઘટનાઓ મનને પ્રભુ-સ્મરણથી અલગ કરવા માગે છે. છતાંય સાવધાનીપૂર્વક સ્મરણની ટેવ દૃઢ કરવામાં ઉપેક્ષા ન રાખવી, પ્રાણપૂર્વક પ્રયત્ન કરતા રહેવું. ‘વંટોળ વૃક્ષને જેટલું હચમચાવે છે, તેટલું જ મૂળથી મજબૂત બને છે.’ આ ઉપદેશ સર્વદા તમારાં હૃદયસ્થ રાખવો. વિ૫ત્તિઓ જેટલી વધુ હોય છે, તેટલી જ વિશેષ બધી સગવડો થઈ જાય છે. જરૂર છે માત્ર ધીરજની, અચળ-અટલ વિશ્વાસની. નિઃસંદેહ કલ્યાણ થશે.
અહીં અમે લોકો મોટે ભાગે હજુ વધુ બે-ત્રણ માસ રહીશું, તમે ચિંતા ન કરશો, ભગવાન જ્યાં રાખશે ત્યાં સારું થશે. તેઓ જ જાણે છે, ક્યાં રાખવાથી તમારું કલ્યાણ થશે. બધું તેમના હસ્તોમાં સોંપી દેવાનો પ્રયત્ન કરવો. તમારું એકમાત્ર કર્તવ્ય છે તેઓને નહીં ભૂલવાનું. તેઓ તમને ગમે ત્યાં રાખે, ગમે તેવી રીતે રાખે, જે કંઈપણ કરાવે (એ બધી) તેમની જવાબદારી છે- તમે તો તેમને ભૂલો નહીં, એટલું જ. કેટલાક દિવસો સુધી સતત આવી રીતે અભ્યાસ કરવાથી બધું સહજ થઈ જશે. આંતરિકતાપૂર્વક પ્રાર્થના કરો કે તેઓ સર્વદા તમારી પાસે સ્મરણ-મનન કરાવે. તેઓ અંતર્યામી છે, સાચી હોય તો તેઓ હૃદયપૂર્વક કરાયેલી પ્રાર્થના સાંભળે છે. અહીંથી અમારી કાશી જવાની સંભાવના છે. તમે જો ત્યાં રહેશો તો મુલાકાત થશે. સારાંશ એટલો જ કે ઉતાવળિયા ન થશો, મેં જે કંઈ કહ્યું છે તેનો મનોયોગ સાથે ધારણા અને અભ્યાસ કરવા પ્રયત્ન કરશો- એ જ મારી હાર્દિક ઇચ્છા તથા અનુરોધ છે. ઠાકુર બધું બરાબર કરી દેશે. અત્યારે અહીં ઘણી ભીડ છે. બધા સકુશળ છે. મારા શુભાશિષ સ્વીકારજો.
-શુભાકાંક્ષી તુરીયાનંદ
Your Content Goes Here