આધુનિક માનવ શાંતિની શોધમાં અહીં-તહીં ભટકી રહ્યો છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં માણસે અસાધારણ પ્રગતિ હાંસલ કરી છે. અદ્‌ભુત કોમ્પ્યુટરોનું, રોબોટોનું નિર્માણ કર્યું છે, અવકાશ ક્ષેત્રે અવનવી શોધખોળો કરી છે. ચંદ્રની ધરતી ઉપર પગ મૂક્યો છે. મંગળ ગ્રહ ઉપર અંતરિક્ષયાન મોકલીને ત્યાંની માહિતી મેળવી રહ્યો છે. અવનવા અદ્‌ભુત વૈજ્ઞાનિક પ્રયોગો તે દરેક ક્ષેત્રમાં સફળતાપૂર્વક કરી રહ્યો છે. આમ છતાં એક વસ્તુની ઊણપને લીધે માનવ દુઃખી છે અને તે છે શાંતિ.

મનુષ્ય આજે પોતાના દીવાનખાનામાં સોફા ઉપર બેઠાં બેઠાં કોઈ પણ દેશમાં, કોઈ પણ વ્યક્તિ સાથે એક સેકન્ડમાં સંપર્ક કરી શકે છે. આવી અદ્‌ભુત ક્રાંતિ ‘કોમ્યુનિકેશન ટેક્નોલોજી’માં આવી છે. ઇ-મેઇલ, સાઇબર સ્પેસ, ઇન્ટરનેટ વગેરે દ્વારા તે સમસ્ત વિશ્વની અદ્યતન માહિતી પોતાના ઘરમાં બેસીને મેળવી રહ્યો છે, પણ વિડંબના એ છે કે એ જ સોફામાં બેઠેલાં પતિ-પત્ની, ભાઈ-ભાઈ કે સાસુ-વહુ વચ્ચે કોઈ કોમ્યુનિકેશન નથી, મનનો મેળ નથી !

આજના યુગમાં માનસિક તણાવ દિનપ્રતિદિન વધતો જ જાય છે. વધારે પડતો કામનો બોજો, આર્થિક ભીંસ, પરિવારમાં કલેશ, ભવિષ્યની ચિંતા વગેરે અનેક કારણોને લઈ માનસિક તાણ સતત વધતી જ જાય છે. આ માનસિક તણાવને લઈને ઘરમાં, ઓફિસમાં કે કારખાનામાં અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાતી જોવા મળે છે. આધુનિક માનવ આ સમસ્યાઓનો સામનો કરવાને બદલે જીવનમાંથી નાસી જવાનો એટલે કે આત્મહત્યાનો માર્ગ લે છે.

જાપાનમાં શરૂમી વાતારુ (Tsurumi wataru) નું પુસ્તક ‘Kanzen jisatsu Manual or the complete Manual of Committing Suicide’ આત્મહત્યા કરવા માટે માર્ગદર્શન આપતું પુસ્તક ખૂબ પ્રસિદ્ધ બન્યું છે. તેની ત્રણ લાખ નકલ વેચાઈ ગઈ. એવું જ હેમલોક સોસાયટીના સંસ્થાપક ડેરેફ હમ્ફ્રીસે લખેલું ‘The final Exist’ પુસ્તક પણ અમેરિકામાં ખૂબ પ્રસિદ્ધિ પામ્યું છે. તેમાં આત્મહત્યા કરવાના વિવિધ ઉપાયો બતાવવામાં આવ્યા છે. ફ્રાન્સમાં આત્મહત્યા કરનારાઓ માટે સૂચનો આપતું પુસ્તક (Suicide – User`s Instructions) ‘બેસ્ટ-સેલર’ નીવડ્યું હતું. ફ્રાન્સમાં દર વર્ષે લગભગ એક લાખ પાંત્રીસ હજાર લોકો આત્મહત્યા કરે છે. ઓસ્ટ્રેલિયામાં વર્ષે લગભગ દોઢ લાખ યુવક-યુવતીઓ આત્મહત્યાનો પ્રયાસ કરે છે, હવે આ પ્રમાણ વધવાનું. કારણ કે ઓસ્ટ્રેલિયા વિશ્વમાં પ્રથમ દેશ છે કે જેણે આત્મહત્યાની કાનૂની છૂટ આપી છે. જો કે આ છૂટ મૃત્યુશય્યામાં અસાધ્ય રોગોથી પીડાતા દર્દીઓ પૂરતી જ છે. વિશ્વમાં દરરોજ દોઢ હજાર લોકો આત્મહત્યા કરે છે. આમ તો દરેક દેશમાં છેલ્લા બે દાયકામાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે. તેમ છતાં જે દેશોની સરેરાશ વાર્ષિક આવક ઘણી વધારે છે, એવા વિકસિત દેશોમાં આ પ્રમાણ વધ્યું છે.

આત્મહત્યા કરવા માટે માનવી શા માટે પ્રેરાતો હશે એનું કારણ વિચારતાં લાગે છે કે આધુનિક માનવીની જરૂરિયાતો વધી ગઈ છે. સાથોસાથ તેની મહવાત્ત્કાંક્ષા પણ વધી છે. આ જરૂરિયાતો અને મહત્ત્વાકાંક્ષા સંતોષવા માટે તે આંખો મીંચીને દોડાદોડી કરે છે. પૂરતો આરામ પણ લેતો નથી. તેનું સ્વાસ્થ્ય કથળતું જાય છે. માનસિક અશાંતિ અને ટેન્શન વધતાં જાય છે. પરિણામે તે આત્મહત્યા કરવા પ્રેરાય છે.

અમેરિકા અને જાપાન જેવા આર્થિક રીતે સમૃદ્ધ દેશોમાં ભારત કરતાં આત્મહત્યાનું પ્રમાણ ઘણું વધારે છે. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિકસે એક અલગ પ્રકારનો સર્વે કર્યાે હતો. ‘ગુજરાત સમાચાર’માં આ વિશે જણાવ્યું હતું કે દુનિયામાં સહુથી સુખી દેશ કોણ? આ સર્વેનાં પરિણામો ઘણાં જ આશ્ચર્યજનક આવ્યાં ! જેની માથાદીઠ આવક કદાચ સહુથી ઓછી હશે એવા બાંગ્લાદેશનો આમાં પહેલો નંબર હતો ! જ્યારે માથાદીઠ આવક જેની વધારે છે, તેવા અમેરિકાનો ૪૬મો નંબર હતો, બ્રિટનનો ૩૨મો નંબર હતો અને ભારતનો પાંચમો નંબર હતો. આ બતાવે છે કે જેમ આર્થિક સમૃદ્ધિ વધે છે, તેમ સુખ વધે એવું હોતું નથી.

જાહોજલાલીમાં રાચતા વિકસિત દેશોના લોકો આરામદાયક પથારીમાં સૂવે છે, તો પણ ઊંઘની ગોળીઓ લીધા વગર તેમને ઊંઘ આવતી નથી. વધુ ને વધુ ઊંઘની ગોળીઓ લેવા છતાં ઊંઘ ઓછી ને ઓછી થતી જાય છે. માનસિક તણાવથી બચવા લોકો જાતજાતની ડ્રગ્સનું સેવન કરવા લાગ્યા છે.

રોબર્ટ ડી રો પોતાના પુસ્તક ‘Mind and Medicine’માં સુંદર વાત કહે છે કે પૈસાથી આજકાલ બધું ખરીદી શકાય છે, પણ દુઃખની વાત એ છે કે કોઈપણ દુકાનમાંથી શાંતિનું પેકેટ વેચાતું મળતું નથી.

આજકાલ તો ઉદ્યોગ-ધંધાઓમાં મંદી, આંતરરાષ્ટ્રીય હરીફાઈ, મજૂરોના પ્રશ્નો વગેરેને લઈને પણ અશાંતિ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. માનસિક તણાવને લઈને મેનેજમેન્ટના ક્ષેત્રે પણ સ્ટ્રેસ મેનેજમેન્ટ મહત્ત્વનો વિષય બની ગયો છે.

દેશ-વિદેશમાં અનેક કંપનીઓએ પોતાના અમલદારો અને એાફિસરોના માનસિક તણાવને દૂર કરવા વર્ગાે પણ શરૂ કર્યા છે. આ સમસ્યા એટલી વિકટ છે કે ‘વૂડુ ડોલ્સ’ જેવા કેટલાક વિચિત્ર ઉપાયો પણ અપનાવી રહ્યા છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવી કેટલીક કંપનીઓ આ માટે અમેરિકન મનોવૈજ્ઞાનિક એલિસ એલબર્ટ દ્વારા પ્રતિપાદિત આર.ઇ.ટી. વિધિ (R.E.T. – Rational Emotive Theory)નો ઉપયોગ કરી રહી છે, ‘બિઝનેસ ટુ ડે’માં જણાવ્યું હતું કે લાર્સન એન્ડ ટુબ્રો (L&T),ડી.સી.એમ. (DCM) સેમટેલ ઇન્ડિયા, એચ.પી.સી.એલ. (HPCL), બી.એચ.ઈ.એલ. (BHEL) વગેરે અનેક મોટી કંપનીઓએ આ માટે ધ્યાન અને યોગનો સહારો લીધો છે. વૈશ્વિકરણ થયા બાદ ગળાકાપ હરીફાઈને લઈને મેનેજરોમાં માનસિક તણાવ વધી રહ્યો છે. ઇન્ટરનેશનલ સર્વે રિસર્ચ કોર્પાેરેશન, શિકાગોના સર્વેક્ષણ અનુસાર હવે અમેરિકાની ૪૦ ટકા કંપનીઓ સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે નિયમિત કાર્યક્રમોનું આયોજન કરે છે.

એમસ્ટરડેમ મેનેજમેન્ટના કન્સલ્ટન્ટ શ્રી થીસન અનેક કંપનીઓમાં ધ્યાન અને કુંડલિની યોગ કરાવે છે. પોતાના પુસ્તક ‘Rhythm of Management’માં તેમણે આ વિશે વિસ્તૃત ચર્ચા કરી છે. માનસિક તાણ દૂર કરવા ધ્યાન બહુ જ ઉપયોગી છે. એ અંગે ઘણા પ્રયોગો થઈ રહ્યા છે. જાપાનના ન્યુરોસાઈક્યાટ્રિસ્ટ શ્રી કાસ્માત્સુ અને શ્રી હીરાઈએ ઈ.ઈ.જી. દ્વારા ઝેન સાધુઓ ધ્યાન કરતા હતા, ત્યારે ધ્યાનની મગજ ઉપરની અસરો વિશે પ્રયોગો કર્યા. તેમણે પહેલાં તો ૧૦ થી ૧૨ સી.પી.એસ.ના અલ્ફા તરંગો જોયા. પછી તરંગોની ફ્રીકવન્સી ઘટીને ૯ થી ૧૦ સી.પી.એસ. થઈ ગઈ, પછી ૪ થી ૭ સી.પી.એસ.ના થીટા તરંગો દેખાયા. થીટા તરંગો ચિત્તની પ્રશાંતિની માત્રા સૂચવે છે. વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા સિદ્ધ થયું છે કે ધ્યાન મનને શાંત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

હાર્વર્ડ મેડિકલ સ્કૂલના પ્રો.ડો.હાર્બટ બેન્સને પ્રયોગો દ્વારા પુરવાર કર્યું છે કે ધ્યાનની મન ઉપર એટલી હદે અસર થાય છે કે તેથી બ્લડ પ્રેશર ઓછું થઈ જાય છે. આ શોધખોળનાં પરિણામો તેમણે ‘The Relaxation Responses’નામના પુસ્તકમાં પ્રકાશિત કર્યાં છે.

સામાન્ય રીતે મગજને ૨૦% રક્ત જોઈએ છે, પણ જો મગજમાં તણાવ હોય તો વધારે જોઈએ. મગજ આ રક્ત પેટ કે કરોડરજ્જુના સ્નાયુઓમાંથી લે છે. આથી અલ્સર, રક્તચાપ, હૃદયરોગ, વગેરે રોગો થાય છે. ડો. દીપક ચોપરાએ પોતાનાં સુપ્રસિદ્ધ પુસ્તકો ‘The quantum Healing, the ageless body and Timeless Mind’, વગેરેમાં ધ્યાનનો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય ઉપર કેવો પ્રભાવ પડે છે, તેની રસપ્રદ માહિતી આપી છે.

આમ આધુનિક યુગમાં ધ્યાનશિબિરો, યોગશિબિરો, તણાવ દૂર કરવાના વર્ગાેનું પ્રમાણ વધતું જાય છે. કેમ કે મનુષ્ય પોતાની જાતને સલામત માનતો નથી. ભલે સુખસગવડનાં સાધનો વધ્યાં છે, પણ સલામતીની ભાવના ઘટતી જ જાય છે.

જીવનની નિશ્ચિંતતા અને હળવાશ મનુષ્યે ગુમાવી દીધી છે. મોટાં શહેરોમાં તો પતિ જ્યારે સાંજે ઘરે નોકરીએથી હેમખેમ પાછો આવે ત્યારે જ પત્નીને નિરાંત થાય છે. તેનું આખું જીવન અકસ્માત, હુલ્લડ, તોફાન, દુર્ઘટનાઓના ભયમાં જ વીતતું હોય છે. વળી ભવિષ્યની ચિંતા પણ મનુષ્યને કોરી ખાય છે. વિદ્યાર્થીઓને ઇચ્છિત વિદ્યાશાખામાં એડ્મિશન મળશે કે કેમ, અભ્યાસ પૂરો કરી લીધા પછી સારી નોકરી મળશે કે કેમ અને નોકરી મળ્યા પછી એ ટકી રહેશે કે કેમ, આ બધી ચિંતાઓ સતાવતી રહે છે.

યુવાનોને ઇચ્છિત પાત્ર મેળવવાની ચિંતા, પ્રૌઢોને પોતાનાં સંતાનોને ઠેકાણે પાડવાની ચિંતા, વૃદ્ધોને તો પોતાના જીવનની જ સતત ચિંતા અને અસલામતીનો અનુભવ સતત થતો રહે છે. જેમની પાસે પૈસા છે, તેઓ તો સહુથી વધારે અસલામતી અનુભવે છે. ધનસંપત્તિ ચાલી જવાની ચિંતા, ગુંડાઓ અપહરણ કરે કે હત્યા કરી નાંખે એ ભય અને ફફડાટ તો અતિ શ્રીમંત માણસને સતત અનુભવાતો હોય છે. સંપત્તિની જેમ જ સત્તા ધરાવનાર માણસ પણ સત્તા ક્યારે ચાલી જશે તેના ભય અને ચિંતામાં જ જીવતો હોય છે. આ રીતે જોતાં નાનાં બાળકોથી માંડીને વૃદ્ધો સુધી દરેક આજે ચિંતાથી ઘેરાયેલાં જોવા મળે છે.સ્વસ્થતા, સ્થિરતા કે શાંતિ તો ભાગ્યે જ જોવા મળે છે.

અમદાવાદમાં એક બેંક નિષ્ફળ જતાં તેના હજારો થાપણદારોનું જીવન અસલામત બની ગયું. મહામહેનતે બચાવેલી મૂડી જેના આધારે વૃદ્ધાવસ્થા આરામથી ગાળી શકાશે, એમ માનીને બેંકમાં વ્યાજે મૂકેલાં નાણાં પાછાં નહીં મળે, એ ચિંતાથી અસંખ્ય લોકો દુઃખી બની ગયા. એ જ રીતે શેરબજારમાં મંદી આવતાં કેટલાય લોકોએ શેરમાં રોકેલાં નાણાં ડૂબી ગયાં અને કેટલાયે આ આઘાત ન જીરવી શકતાં આપઘાત કર્યાે. આ રીતે પાસે પૈસા હોવા છતાં પણ એવી કોઈ નિશ્ચિંતતા નથી કે એ પૈસા માણસને જીવનમાં કામ લાગશે. ધનસંપત્તિ, સત્તા, માનવસંબંધો – આ બધું ક્યારે છેહ દઈને ચાલ્યુંં જશે તે કહી શકાતું નથી. અને તેથી જ આજે મનુષ્યનું જીવન સહુથી વધારે અસલામત બની ગયું જણાય છે. આવી સ્થિતિમાં મનુષ્યને સુખશાંતિ ક્યાંથી મળે ?

આધુનિક માનવના તણાવનાં અનેક કારણો છે- જૂની અને નવી પેઢી વચ્ચેનું અંતર (generation gap), ઉપભોક્તાવાદ (consumerism), અસલામતીની ભાવના (feeling of insecurity), આર્થિક કટોકટી, એકલવાયું જીવન વગેરે.

કોરોના વાયરસ વૈશ્વિક મહામારીએ આ તણાવમાં ઉમેરો કર્યો છે- આથી સમસ્ત વિશ્વના લોકો તણાવ, ભય, ચિંતા, ડિપ્રેશન વગેરેથી પીડાઈ રહ્યા છે માટે આ વર્ષનો દીપોત્સવી અંક અમે ‘તણાવમુક્તિ’ વિશેષાંક રૂપે પ્રકાશિત કરી રહ્યા છીએ જેમાં તણાવમુક્તિના વિવિધ ઉપાયો બતાવવામાં આવ્યાં છે. અમને આશા છે કે આ અંક વાંચીને વાચકોમાં આશા, ઉત્સાહ, આત્મશ્રદ્ધા, હિંમત અને માનસિક શાંતિ વગેરે ભાવોનો સંચાર થશે.

Total Views: 216
By Published On: September 1, 2021Categories: Nikhileswarananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram