આધ્યાત્મિક જીવનની અનિવાર્ય શરત-ચિત્તશુદ્ધિ ઃ
સજાગ રહો-
કાયમ નૈતિક પથનું, આધ્યાત્મિક પથનું અનુસરણ કરો. એવા પણ લોકો છે કે જેમને અપવિત્રતાનું કોઈ જ્ઞાન નથી, તેઓ જેટલી પણ ભૂલો કરતા જાય છે તેટલા જ સંવેદનવિહીન થતા જાય છે. તેમની સઘળી નૈતિક સંવેદનશીલતા નાશ પામી ગઈ છે. તેમનામાં ગ્લાનિની ભાવના જ થતી નથી. પરંતુ એક સાચો સાધક નૈતિક દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ હોય છે. પાતંજલ યોગસૂત્ર પરના ભાષ્યમાં વ્યાસદેવ યોગીના મનની તુલના આંખના ડોળા સાથે કરે છે. જેવી રીતે ધૂળનો એક રજકણ માત્ર આંખમાં પડવાથી જ તત્કાલ પ્રતિક્રિયા થાય છે, તેવી રીતે યોગીના મનમાં દુઃખ આપવાવાળી નાનકડી વાતથી તીવ્ર પ્રતિક્રિયા થાય છે. (પાતંજલ યોગસૂત્ર- વ્યાસભાષ્ય. ૨.૧૫) સજાગ મન વિના આધ્યાત્મિક જીવનની દારુણ અસફળતામાં સમાપ્ત થઈ જવાની સંભાવના છે. ચિત્તશુદ્ધિ અને આધ્યાત્મિક જીવન અભિન્ન છે. જો તમે લોકોને અપવિત્ર જીવન વિતાવતા અને સાથે ને સાથે આધ્યાત્મિક હોવાનો ખ્યાલ ધરાવતા જુઓ તો તેમનાથી દૂર રહો. અપવિત્ર લોકોના આધ્યાત્મિક અનુભૂતિ અંગેના દાવામાં વિશ્વાસ કરશો નહીં.
आहारशुद्धौ सत्त्वशुद्धि: सत्त्वशुद्धौ ध्रुवा स्मृतिः।
स्मृतिलम्भे सर्वग्रन्थीनां विप्रमोक्षः।।
અર્થાત્ આહારની શુદ્ધિથી ચિત્ત શુદ્ધ થાય છે. ચિત્તશુદ્ધિથી સત્ય વિશેની સ્મૃતિ ધ્રુવ એટલે કે મનમાં સ્થિર થાય છે; સ્મૃતિ પ્રાપ્ત થતાં હૃદયની બધી ગ્રંથિઓમાંથી મુક્તિ થાય છે. (છાંદોગ્ય ઉપનિષદ ૭.૨૬.૨)
માત્ર પવિત્ર મન જ બ્રહ્મનું તૈલધારાવત્ ચિંતન કરી શકે છે. ઉપર્યુક્ત શ્લોકમાં ‘આહાર’ શબ્દનો અર્થ ‘ઇન્દ્રિયોના સંસ્પર્શમાં આવતી બધી વસ્તુઓ’ એવો થાય છે. આપણને નેત્ર, કાન, ચામડી, નાક વગેરે બધી ઇન્દ્રિયો માટે પવિત્ર આહાર જોઈએ. જ્ઞાનેન્દ્રિયો દ્વારા લેવાતા બધા આહારોને શુદ્ધ કર્યા વિના ઉદર માટે શુદ્ધ ભૌતિક આહાર ગ્રહણ કરવાથી કોઈ ફાયદો થતો નથી. શ્રીરામકૃષ્ણ કહ્યા કરતા, ‘સૂવરનું માંસ ખાઈને પણ જો કોઈનું ઈશ્વર પ્રતિ વલણ હોય તો તે ધન્ય છે.’
વિશેષ સાવધાનીપૂર્વક રહેવા છતાંય આપણે જોઈશું કે દિવસ દરમિયાન આપણે કંઈક અશુદ્ધિનું આહરણ કરી લઈએ છીએ. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તમારા મનના ખૂણેખાંચરે કેટલો મેલ જમા થયેલો છે અને આધ્યાત્મિક પંથે સફળતાપૂર્વક આગળ વધવા માટે કેટલી સફાઈની આવશ્યકતા છે. આ મેલ કે અશુદ્ધિ અત્યંત સૂક્ષ્મરૂપે આધ્યાત્મિક જીવન માટે અહિતકર ગહન સંસ્કારનું રૂપ ધારણ કરી શકે છે. પોતાની સંગતિ તથા વાર્તાલાપ બાબતે બેદરકાર રહેશો નહીં. બધાં ગામગપાટાં, બધું અનિયંત્રિત ચિંતન અને ગતિવિધિઓ બંધ કરી દો. આ બધું સાધક માટે ઘણું હાનિકારક છે. તેથી બધા વિષયોમાં અત્યધિક વિવેક રાખો. નવા સાંસારિક સંપર્કાે દ્વારા નવો મેલ એકઠો ન કરો. આખો દિવસ એવી રીતે વ્યવહાર કરો કે જેથી તેમને થયેલ નુકસાન ભરપાઈ કરી શકો. પવિત્ર ચિંતન અને સત્કાર્યો દ્વારા પૂરતા પુણ્યનો સંચય કરો, જેથી સંચિત પાપનો પ્રતિકાર થઈ શકે. ત્યાર પછી પુણ્ય-પાપનો સઘળો હિસાબ શૂન્ય કરી દેવાનો છે. પરંતુ તે પહેલાં હિસાબોની ખાતાવહી બરાબર કરવી પડશે. પુણ્ય અને પાપ બરાબર હોવાં જોઈએ, જેથી કરીને પાછળ કંઈ વધે નહીં. તમારો જૂનો હિસાબ બંધ કરો. તમારી જૂની જીવન-પદ્ધતિ પર અંકુશ મૂકો. નવા સાંસારિક સંગ, તથા આમોદપ્રમોદની લાલસા ન થવી જોઈએ. આ સમતોલનમાં સમગ્ર આધ્યાત્મિક જીવન સમાયેલું છે. હાલમાં બધાનો હિસાબ ખોટમાં છે. તેથી હવે તમારે પૂરતું પુણ્ય અર્જિત કરવું જોઈએ કે જેથી હિસાબ ભરપાઈ થઈ શકે. ત્યાર પછી નવું ખાતું ખોલી શકાય છે. આધ્યાત્મિક જીવનનો અર્થ છે નવું ખાતંુ ખોલવું.
વળી આપણા મનની સરખામણી એક કેમેરાયુક્ત પ્રોજેક્ટર સાથે કરી શકાય છે. જો આપણે એમાં અંકિત થયેલાં ચિત્રોને એક પછી એક પ્રક્ષિપ્ત કરી શકીએ તો તે કેવી સુંદર સિનેમા બનશે! બધુંય નિર્મમતાપૂર્વક અંકિત થઈ શકે છે અને જો આપણે મનમાં ઊંડે ઊંડે જે કંઈ છુપાઈને પડ્યું છે, જે બધા સંસ્કારોને આપણે અચેતન અથવા અવચેતન રૂપે સંગ્રહી રાખ્યા છે તથા જેના વિષયમાં આપણે અજાણ છીએ, તેને જોઈ શકતા હોઈએ તો ચોક્કસપણે આપણે ભયભીત થઈ જઈએ. સાધનાકાળમાં એ બધું ક્યારેક ને ક્યારેક અવશ્ય ઉપર આવશે. અપવિત્ર અને ખરાબ દિશામાં કરાયેલું અર્ધચેતન ચિંતન અત્યંત ખતરનાક છે અને ઘણી બધી કઠિનાઈ પેદા કરી શકે છે, કારણ કે સંસ્કારોને તે વિશેષ ગહન અને સ્થાયી બનાવી દે છે. આપણે નિરંતર સંપૂર્ણ સજાગ રહેવું જોઈએ. એક દિવસ તમને માલૂમ પડશે કે આ વાત કેટલી સાચી છે. તમે કયા પ્રભાવોને પોતાની અંદર પ્રવેશ કરવા દો છો તથા કઈ વાતો સાંભળો છો અથવા કેવી વાતો કરો છો, આ બાબતે તમારે ખૂબ જ સાવધાન થવું જોઈએ. તેના સંસ્કારો પડે છે તે દેખાતું નથી, માત્ર એટલે એવું ક્યારેય વિચારશો નહીં કે તેનો કોઈ ખતરો નથી. સંસ્કારો પછીથી ઊભરાઈ આવશે અને ત્યારે તમને ખબર નહીં પડે કે તેમાંથી કેવી રીતે ઊગરીએ. પૂર્વ સંસ્કારો, પૂર્વ સંબંધો, પૂર્વ સાંસારિક સંગ અને વિચારોનું ચિંતન અચેતન અથવા અવચેતન રૂપે ક્યારેય ન કરો. સૌ પ્રથમ આપણા દૃષ્ટિકોણનું પરિવર્તન થવું જોઈએ. ત્યાર બાદ નવી દિશામાં નવા શુભસંબંધો, નવા અને પવિત્ર વિચારો તેમજ ભાવોની દિશામાં તીવ્ર ચિંતન કરવું જોઈએ. સર્વદા, બધી પરિસ્થિતિઓમાં યથાસંભવ પૂર્ણ સજાગ અને પૂર્ણરૂપે સચેતન રહો કે જેથી નેત્ર કે કાનના માધ્યમથી કોઈ ખરાબ સંસ્કાર ન પડે. અને જો તેવા સંસ્કાર અંદર પ્રવેશે તો પણ તેમને તાત્કાલિક ઉખેડીને બહાર ફેંકી દો. સંગતિ કરવામાં તથા સાંભળવામાં અને વાંચવામાં આવતી બાબતો અંગે અત્યધિક વિવેક રાખો.
બધા સાધના-માર્ગમાં પવિત્રતાનું મહત્ત્વ ઃ
કર્મયોગમાં પણ નૈતિકતાના નિયમોનું કડકપણે પાલન અત્યંત આવશ્યક છે, જેટલું આવશ્યક અન્ય ત્રણ યોગોમાં છે. એવી સામાન્ય માન્યતા છે કે નૈતિક અનુશાસનોનું પાલન જ્ઞાનયોગ, ભક્તિયોગ અને રાજયોગમાં જ કરવું પડે છે અને કર્મયોગ ઘણો આસાન છે કેમ કે તે તમને જેવી રીતે જીવન વિતાવવા માગતા હો તેમ કરવા દે છે. આ મિથ્યા પ્રવાદ છે. બ્રહ્મચર્ય, અહિંસા, સત્ય, અસ્તેય અને અદ્રોહ વગર કર્મયોગમાં પણ વાસ્તવમાં કંઈ જ મેળવી શકાતું નથી. સંસારમાં જાણીતા બધા આધ્યાત્મિક માર્ગાેમાં પવિત્રતા અપરિહાર્ય છે. અને પવિત્રતાનો અર્થ ઘણો વ્યાપક છે.
દેહ, ઇન્દ્રિયો, મન અને હૃદયની પવિત્રતા આની અંતર્ગત આવે છે. બ્રહ્મચર્ય માત્ર શારીરિક બ્રહ્મચર્ય જ નથી, અહિંસા માત્ર સ્થૂળ અહિંસા નથી, અસ્તેય માત્ર સ્થૂળ વસ્તુઓની ચોરીનો ત્યાગ જ નથી. આનો અર્થ પૂર્ણ આંતરિક પવિત્રતા પણ છે. લક્ષ્યસિદ્ધિ માટે બિનશરતી સર્વસ્વનો ત્યાગ કરીને, કોઈ પણ બાબતને તમને પોતાના પથથી વિચલિત ન કરવા દઈને, જો તમે આ પ્રારંભિક સાધનાઓને સવિશેષ એકનિષ્ઠા સહિત પૂર્ણ ન કરો તો ભલેને તમે ખરેખર કર્માે કરતા રહો, પણ તે પ્રવૃત્તિ યોગ નહીં થઈ શકે. આ બધું ઘણું મોટું અંતર છે ઃ બધા કર્માે કરી રહ્યા છે, પરંતુ થોડાક જ વાસ્તવિક કર્મયોગ આચરે છે. કોઈ પણ જાતના યોગ માટે નૈતિક નિયમોનું પાલન આવશ્યક છે. આ બાબતે તમને પોતાને ક્યારેય ધોખો ન દો. આ શરતોના પાલનનો અર્થ માત્ર સ્થૂળ, બાહ્ય રૂપમાં જ પાલન નથી, પરંતુ તેમનું સૂક્ષ્મતમ રૂપમાં પાલન પણ છે.
જ્ઞાનયોગ કહે છે ઃ શુદ્ધીકરણની સાધના પછી પોતાના સમગ્ર મનને બ્રહ્મમાં યુક્ત કરો. ચિત્તશુદ્ધિ માટે કાયમ વિવેકનો અભ્યાસ કરો. કર્મયોગ કહે છે ઃ નૈતિક મૂલ્યોનું અત્યંત કઠોરતાપૂર્વક પાલન કરો તથા બધાં કર્મફળને ઈશ્વરાર્પિત કરીને નિષ્કામ કર્મ દ્વારા ચિત્તશુદ્ધિ કરો. ભક્તિયોગ કહે છે ઃ પોતાની બધી ભાવનાઓ અને સંવેદનોને માત્ર પરમાત્મા તરફ વાળો. અન્ય બધી પ્રેમની ભાવનાઓને પ્રજ્વલિત ભગવત્ પ્રેમ દ્વારા આત્મસાત્ થવા દો. તે ભક્તિની તીવ્રતા દ્વારા તેમને પૂર્ણરૂપે નષ્ટ કરો કે જેથી માત્ર પરમાત્માનો પ્રેમ જ બાકી રહે. તેથી આપણે જોઈએ છીએ કે ચિત્તશુદ્ધિ કરવી અને આસક્તિનાં બંધનોને કાપવાં એ બધા યોગોનો સામાન્ય આધાર છે.
કર્મયોગમાં એક મોટું ભયસ્થાન એ છે કે આપણે કર્મફળના વિષયમાં અત્યધિક વિચારવા લાગીએ અને તે આપણને ચંચળ બનાવી દે. પરંતુ જો આપણે જાણી લઈએ કે પૂર્ણ અનાસક્તિ અને પવિત્રતા જ લક્ષ્ય છે, તો આપણે કર્મફળની ચિંતા કરીશું નહીં અને મનની ચંચળતા આપણને વશીભૂત કરશે નહીં. જ્યારે સાધક એ જાણી લેશે કે કર્મનો ઉદ્દેશ પોતાની આધ્યાત્મિક પ્રગતિ માટે આવશ્યક ચિત્તશુદ્ધિનો છે, તો તે વિશેષ શ્રદ્ધા અને ઉત્સાહથી કર્મ કરશે. ત્યારે કર્મ કર્મયોગ બને છે. તમારાં કર્મફળની તમને લગારેય ચિંતા ન હોવી જોઈએ. કર્મયોગીના રૂપમાં તમારે ચિત્તશુદ્ધિ માટે કર્મ કરવું જોઈએ અને વાત અહીં જ સમાપ્ત થઈ જાય છે. ફળ માત્ર પ્રભુનાં છે, તે બાબતે તમારે ચિંતિત થવાની આવશ્યકતા નથી.
પતંજલિના મતાનુસાર પવિત્રતા ઃ
મહર્ષિ પતંજલિએ યોગસૂત્ર ૨.૩૧માં શુદ્ધીકરણની એક વિસ્તૃત યોજના પ્રસ્તુત કરી છે. તેમના મત મુજબ નૈતિક સિદ્ધાંત બે પ્રકારના છે ઃ યમ અને નિયમ. યમની અંતર્ગત પાંચ સાધન આવે છે, જેનું બધાએ સર્વત્ર, સર્વદા પાલન કરવું જોઈએ.
जातिदेशकालसमयानवच्छिन्नाः सार्वभौमा महाव्रतम्।।
પ્રથમ છે અહિંસા અર્થાત્ બીજાઓ પ્રત્યે, ભલે તે સારા કે ખરાબ હોય, દ્વેષ ન કરવો. જેવો દ્વેષ ઉદ્ભવે કે તરત જ તેને દૂર કરી દો. વિચલિત મન દ્વારા કોઈ પણ જાતનું ધ્યાન સંભવિત નથી. આપણું મન એકાગ્ર હોય અને સાથે સાથે કોઈના વિશે આપણે વિરુદ્ધ વિચાર સેવીએ, તે સંભવ નથી. હું ઉચ્ચતર ધ્યાનની વાત કરી રહ્યો છું. બીજી મહત્ત્વપૂર્ણ બાબત છે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય વિના વાસ્તવિક આધ્યાત્મિક જીવન સંભવિત નથી. જો તમે જીવનના સાર-રસને કામ અને ઇન્દ્રિય-વાસનાઓના ઉદ્દેશથી શરીરનાં છિદ્રો મારફત વહી જવા દેશો તો ઉચ્ચતર આધ્યાત્મિક સાધના માટે આવશ્યક ઊર્જા બચશે નહીં. કિનારા પર દૃઢપણે લંગર નાખીને ઊભેલી નૌકાને હલેસાં મારવાનો કોઈ ફાયદો નથી. આપણે પરમાત્મા સાથે જોડાવા માગીએ છીએ. જો કામવાસનાના રૂપમાં કોઈ અંતરાય હશે તો પરમાત્મા સાથે સંપર્ક શક્ય નથી. આ જાણે કે દૂરસંચારના તૂટેલા તાર જેવું છે. વિદ્યુતપ્રવાહ હોય, ઓપરેટર પણ હોય, પરંતુ જ્યાં સુધી તૂટેલા તારને જોડવામાં ન આવે અથવા અંતરાય રૂપ અવાહક પદાર્થને જ્યાં સુધી દૂર કરવામાં ન આવે, ત્યાં સુધી તાર મારફત વાર્તાલાપ ગંતવ્ય સ્થળ સુધી ક્યારેય પહોંચશે નહીં.
ત્યાર પછી આવે છે સત્ય. મન, વચન અને કર્મથી સત્યનું પાલન કરવું જોઈએ. શ્રીરામકૃષ્ણદેવે કહ્યું છે કે તેઓ સર્વસ્વનો ત્યાગ કરી શકતા હતા, પરંતુ સત્યનો નહીં. છળ-કપટ અને આત્મવંચનાનું આધ્યાત્મિક જીવનમાં કોઈ સ્થાન નથી. (ક્રમશઃ)
Your Content Goes Here