૧. પ્રકૃતિ પ્રમાણે શિક્ષણ

શ્રીરામકૃષ્ણ હતા તો દક્ષિણેશ્વરના એક પૂજારી. વળી, તેઓ ઝાઝું ભણ્યા પણ ન હતા. પરંતુ બંગાળના ઉચ્ચ કુટુંબોમાં ઊછરેલા, પાશ્ચાત્ય કેળવણી પામેલા, બ્રહ્મસમાજના રંગે રંગાયેલા, નાસ્તિકતા અને સંશયથી ઘેરાયેલા અનેક નવયુવકોના મનને અધ્યાત્મ માર્ગે લઈ જનારા હતા. અનેક ગૃહસ્થોને તેમણે સાચી રીતે જીવન જીવતાં શીખવ્યું હતું. વ્યવહારુ જ્ઞાન અને આધ્યાત્મિકતાનો અદ્‌ભુત સમન્વય એમના જીવનમાં જે રીતે પ્રગટ થાય છે, એ જ રીતે તેમના અનોખા શિક્ષણમાં પણ એ પ્રગટ થાય છે. જેવી એમની સાધનાપદ્ધતિ અનોખી હતી એેવી જ એમની મનુષ્યોના ઘડતરની પદ્ધતિ પણ અનોખી હતી. એમણે પોતાના શિષ્યો, ભક્તો-ગૃહસ્થોને એવી રીતે ઘડ્યા હતા કે શ્રીરામકૃષ્ણના દેહવિલય બાદ તેઓ દેવમનુષ્યો બની પોતાના ગુરુએ આપેલા જ્ઞાનથી સમગ્ર જગતને પ્રકાશિત કરી રહ્યા. તેઓ બધા મનુષ્યોના અંતરમાં રહેલી દિવ્યતાને જગાડનારા બની રહ્યા. એટલું જ નહીં પણ પોતાના ગુરુદેેવે એમને જે રીતે ઘડ્યા હતા તે રીતથી તેઓ પોતાની નવી પેેઢીને પણ ઘડતા રહ્યા. આમ અત્યારે શ્રીરામકૃષ્ણના સંન્યાસી પુત્રોની ચોથી પેઢી પણ શ્રીરામકૃષ્ણે આપેલા શિક્ષણ દ્વારા જ તૈયાર થઈ મનુષ્યમાં દિવ્યતા જગાડવાનું કાર્ય કરી રહી છે. શિવજ્ઞાને જીવસેવાનો એમના ગુરુદેવે આપેલો મંત્ર પોતાના જીવનમાં ચરિતાર્થ કરી રહી છે.

એક સૈકાથી પણ વધારે સમય પસાર થઈ ગયો હોવા છતાં પણ જે શિક્ષણ મૂરઝાવાને બદલે સતત પાંગરતું રહ્યું છે એ શિક્ષણ શ્રીરામકૃષ્ણના આત્મામાંથી નિઃસૃત થયેલું હતું; તેમની સાધના દ્વારા પુષ્ટ થયેલું હતું; તેમના અનુભવોથી રસાયેલું હતું; અને તેમના અંતરના પ્રેમથી તરબોળ હતું એટલે જ તે તેમના શિષ્યોની આંતરચેતનામાં ઊગી નીકળ્યું! એટલું જ નહીં પણ તે ફૂલ્યું, ફાલ્યું અને અસંખ્ય શાખાઓમાં વિસ્તર્યું! કેમ કે, શ્રીરામકૃષ્ણે જે શિષ્યો પસંદ કર્યા હતા, તેઓ કંઈ સામાન્ય ન હતા, અનેક કસોટીઓમાંથી પાર ઊતરેલા હતા. અપાત્રે દાન કે જ્ઞાન કયારેય ઊગી નીકળતું નથી. ઊલટું વિનાશ સર્જે છે. એટલે શ્રીરામકૃષ્ણ પોતાની સમીપ આવનાર બધાને કંઈ શિષ્ય તરીકે અપનાવતા નહીં. સર્વપ્રથમ તો પોતાની આત્મદૃષ્ટિથી જો મનુષ્ય યોગ્ય જણાય તો જ તેને આવકારતા. પછી પણ પોતાની અંતરદૃષ્ટિથી અને બાહ્ય રીતે પણ યોગ્ય જણાય તો અનેક કસોટી બાદ તેઓ આધ્યાત્મિક ખજાનો ખોલતા. એમણે પોતે કેશવચંદ્ર સેનના શિષ્યોમાં જ્યારે ફાટફૂટ પડી ત્યારે કેશવને કહ્યું હતું, ‘કેશવ, તમારી મંડળીમાં તમે જેવાતેવા લોકોને સામેલ કરો છો, એટલે આવી ફાટફૂટ પડે છે હું તો બારીકાઈથી પરીક્ષા કર્યા વગર કોઈનેય મારી પાસે આવવા દેતો નથી.’ બીજી એક વખતે પણ તેમણે કહ્યું હતું, ‘સારી રીતે પરીક્ષા ર્ક્યા વગર હું કોઈનેય મારા શિષ્ય તરીકે સ્વીકારતો નથી.’ આમ તેઓ સર્વપ્રથમ તો શિષ્યની ઝીણવટભરી પરીક્ષા કરતા અને જો શિષ્ય પરીક્ષામાં ઉત્તીર્ણ થાય તો જ તેની સાથે મુક્ત વ્યવહાર કરતા, નહીંતર, સામાન્ય વાતચીતથી આગળ વધતા નહીં.

તેઓ પોતાની સમીપ આવનાર વ્યક્તિના આત્મામાં જોઈ શકતા. આવનાર વ્યક્તિ તેમની સમક્ષ ગમે તેવી જ્ઞાનની કે વિદ્વત્તાની વાતો કરે, પણ તે વ્યક્તિ કેવી છે, તેનું સ્પષ્ટ દર્શન તેઓ કરી લેતા. તેઓ વ્યક્તિનો મનોભાવ જાણી લેતા. એક દિવસ એક ગૃહસ્થ આવીને તેમની આગળ ધર્મની મોટી મોટી વાતો કરવા લાગ્યો. શ્રીરામકૃષ્ણને તે પ્રભાવિત કરવા ઇચ્છતો હતો. પણ શ્રીરામકૃષ્ણ તો તેની આરપાર જોઈ શકતા હતા! તેમણે તો સીધું જ કહી દીધું! ‘અહીંથી જતો રહે, ખાઈ-પી લે, મોજ મજા કરી લે. પણ આ બધું કામ ધર્મ સમજીને કરતો નહીં’. એ માણસ પછી ત્યાં વધુ વાર બેસી જ શકયો નહી. એક ભક્ત ભજન-કીર્તન વખતે બહુ જ ઊછળ-કૂદ કરતો અને ભાવાવેશ પ્રગટ કરતો હતો. તેને એમ કે એનો ભાવાવેશ જોઈને શ્રીરામકૃષ્ણ પ્રસન્ન થઈ જશે! પણ શ્રીરામકૃષ્ણે તો એને પણ સીધું જ કહી દીધું, ‘મોટો આવ્યો છે, મને ભાવ બતાવવા! બરાબર ભાવ થવાથી શું આ રીતે બને છે? એમાં તો માણસ ડૂબી જાય છે. સ્થિર થઈ જાય છે. આ શું છે? ચંચળતા છોડીને શાંત બની જા. આ ભાવ કેવો છે ખબર છે? એક કડાઈમાં છટાંક દૂધ નાખીને નીચે ભભૂકતી આગ ઉપર મૂકો, ઊભરો આવતાં એમ થાય કે કેટલું બધું દૂધ છે! પણ જેવું નીચે ઉતારી લો તો ખબર પડે કે દૂધનું ટીપુંય નથી. જે થોડુંક હતું તેય બળીને કડાઈમાં ચોંટી ગયું છે!’ એ માણસને સાચી સ્થિતિની તેમણે આ રીતે જાણ કરાવી દીધી.

વ્યક્તિની અંદર શું ચાલી રહ્યું છે, તેનું સ્પષ્ટ ચિત્ર તેઓ જોઈ શકતા હતા. આ સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે, ‘જેમ કાચના કબાટમાં અંદર – મૂકેલી વસ્તુઓ સ્પષ્ટ દેખાય છે, તેમ કોઈ પણ વ્યક્તિની અંદર રહેલા મનોભાવો મને સ્પષ્ટ દેખાઈ આવે છે.’ એ ઉપરાંત કોણે કેટલી આંતરિક પ્રગતિ કરી છે તેનું પણ સ્પષ્ટ ચિત્ર તેમને દેખાઈ જતું. આ વિશે પણ તેમણે કહ્યું હતું, ‘કોને જ્ઞાન થશે ને કોને નહીં થાય; કોની કેટલી આંતરિક પ્રગતિ છે એ મા મને બતાવી દે છે.’ આમ પ્રથમ દૃષ્ટિએ જ તેઓ આવનાર વ્યક્તિને ઓળખી લેતા, અને પછી જો તે પોતાના અંતરંગમાં સ્થાન પામે તેવો જણાય તો પ્રસન્નતાપૂર્વક કહેતા, ‘અરે, તું તો અહીંનો છે.’ આ રીતે નરેન, યોગેન, શરત્, બાબુરામ, શારદાપ્રસન્ન, નિરંજન, કાલીચરણ, સુબોધ, આ બધા યુવાનોને તેઓ પ્રથમ દૃષ્ટિએ જ ઓળખી ગયા હતા. તેથી પહેલી મુલાકાતને અંતે ‘પાછો આવજે હોં’ એમ પ્રેમપૂર્વક પાછું આવવાનું આમંત્રણ પણ આપતા. પછી તો વારંવાર આવવાનું કહેતા. ચાર-પાંચ વખત એ વ્યક્તિ આવે એટલે એને ખબર પણ ન પડે તે રીતે તેના અવયવોનું, હાવભાવનું, હલનચલનનું, વિચાર અને વર્તનનું બારીકાઈથી અવલોકન કરી લેતા. અદ્‌ભુત હતી શ્રીરામકૃષ્ણની અવલોકનશક્તિ! તેઓ આ શક્તિ દ્વારા વ્યક્તિના ચારિત્ર્યનું જ નહીં, પણ એમના પોતાના વિશેનું એ વ્યક્તિનું મંતવ્ય પણ જાણી લેતા. પછી તેની આધ્યાત્મિક કક્ષાનો અંદાજ કાઢીને તેઓ એ પ્રમાણે તેની સાથે વર્તન કરતા, પછી પણ જો કંઈ વિશેષ જાણવું હોય તો તેઓ પોતાની યોગશક્તિનો ઉપયોગ કરી, તેના પૂર્વજન્મ, સંસ્કારો, પૃથ્વી ઉપર આવવાનો તેનો આ જન્મનો ઉદ્દેશ- બધું જાણી લેતા. યુવાન નરેન્દ્રના આત્માએ તેમના ચિત્તને સહુથી વધુ આકર્ષ્યું હતું. એટલે તેમણે નરેન્દ્રના પૂર્વજન્મ, સંસ્કારો એ બધા વિશે પોતાની યોગશક્તિ દ્વારા જાણી લીધું. તે દિવસે તેઓ નરેન્દ્રને યદુ મલ્લિકના બગીચામાં લઈ ગયા. સમાધિદશામાં તેમણે નરેન્દ્રને સ્પર્શ કર્યાે ને નરેન્દ્રની બધી જ સાવચેતી છતાં તેનું બાહ્યભાન ચાલ્યું ગયું. નરેન્દ્રની આ સધાધિદશામાં શ્રીરામકૃષ્ણને જે જાણવું હતું, તે પૂછી લીધું. આ વિશે તેમણે પોતે જણાવ્યું હતું કે, ‘એની આવી દશામાં મેં એને કેટલાક પ્રશ્નો કર્યા. એનાં પૂર્વવૃત્તાંત, ઉદ્‌ભવસ્થાન, એણે સિદ્ધ કરવા ધારેલું કાર્ય, એની આયુષ્ય-મર્યાદા વગેરે અંતરમાં ઊંડા ઊતરીને મારા પ્રશ્નોના તેણે યોગ્ય ઉત્તરો આપ્યા. એ ઉત્તરો મેં એના વિશે કરેલાં અવલોકનો તેમજ અનુમાનોને ખરાં પુરવાર કરતાં હતાં. એ બધું ગુપ્ત જ રહેશે. પણ મને જાણ થઈ કે નરેન્દ્ર તો પૂર્ણ અવસ્થાએ પહોચેલો ધ્યાનસિદ્ધ ઋષિ છે. જે દિવસે તેને પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન થશે, તે દિવસે તે યોગબળથી શરીર છોડી દેશે.’ આમ સ્વામી વિવેકાનંદના પૃથ્વી ઉપરનાં કાર્ય, આયુષ્ય આ બધાં વિશે તેમણે યોગશક્તિ દ્વારા જે માહિતી પ્રાપ્ત કરી હતી. તે કેટલી બધી સાચી હતી, તે ભવિષ્યે સાબિત કરી આપ્યું છે. પોતાનાં અનુમાનો સાચાં છે કે નહીં તેની પણ તેઓ ખાતરી કરી લેતા અને પછી જ પોતાના અંતરંગ શિષ્ય તરીકે સ્વીકારતા.

વ્યક્તિના હાવભાવ પરથી તેઓ તેનો સ્વભાવ જાણી લેતા. હલન-ચલન પરથી વિચારો જાણી લેતા. શરીરના ગઠન પરથી તેનું આંતરિક વલણ કેવું છે તે જાણી લેતા. તેમણે કહ્યું હતું, ‘ભક્તિમાન મનુષ્યનું શરીર ખૂબ કોમળ હોય છે, તેના હાથપગના સાંધા ઢીલા હોય છે. કોઈ બુદ્ધિશાળી મનુષ્યનો હાથ પોતાના હાથમાં લઈને કહેતા કે, ‘જોઉં તો તારી સદ્બુદ્ધિ છે કે અસત્ બુદ્ધિ છે?’ અને જો એ હાથ કોમળ હોય તો તેઓ કહેતા કે ‘તારી તો સદ્બુદ્ધિ છે!’ એક દિવસ શરતચંદ્ર(સારદાનંદજી)ના ભાઈ શ્રીરામકૃષ્ણને મળવા આવ્યા હતા. તેઓ શરત્ કરતાં પણ વધારે બુદ્ધિશાળી હતા. શ્રીરામકૃષ્ણે એમનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, ‘અરે વાહ, આ તો સદ્બુદ્ધિ છે!’ પછી શરત્ પ્રત્યે જોઈને કહ્યું, ‘શું એને પણ ખેંચી લઉં? એના મનનેય સંસારમાંથી ખેંચીને ઈશ્વરમાં લગાડી દઉં?’

‘તો તો બહુ સારું થાય, ઠાકુર’, શરતે કહ્યું. પણ શ્રીરામકૃષ્ણે કહ્યું, ‘ના, હું એવું નહીં કરું. એકને તો મેં પહેલેથી જ લઈ લીધો છે. બીજાને લઈશ, તો માતાપિતાને કષ્ટ થશે. ખાસ કરીને તારી માને. જીવનમાં મેં અનેક માતાઓને કષ્ટ આપ્યું છે, એટલું ઘણું છે.’ આમ સારદાનંદજીના ભાઈ સદ્બુદ્ધિના હોવા છતાં શ્રીરામકૃષ્ણે એમને સંન્યસ્ત માટે પ્રેર્યા નહીં. તેઓ શિષ્યોની આંતરિક સ્થિતિ જ નહીં, પણ તેમના ઘરની સ્થિતિનો પણ પૂરો ખ્યાલ રાખતા હતા. શિષ્યોના સાચા ઘડતરમાં એની પારિવારિક સ્થિતિ પણ ઘણો જ મહત્ત્વનો ભાગ ભજવે છે એ શ્રીરામકૃષ્ણ જાણતા હતા. એ પ્રમાણે તેઓ પોતાની પાસે આવનાર શિષ્ય કે ભક્તજનોને સહાય કરતા હતા.

એમના બીજા એક યુવાન અંતરંગ શિષ્ય નિરંજન નોકરી કરતા હતા. શ્રીરામકૃષ્ણ ઇચ્છતા નહીં કે તેમના અંતરંગ શિષ્યો નોકરી કે ધંધાના બંધનમાં પડીને શક્તિઓનો વ્યય કરે. તોપણ એમણે નિરંજનને નોકરી છોડવા કહ્યું ન હતું. ઊલટું એમણે કહ્યું હતું, ‘સંસારી લોકો જેવી રીતે નોકરી કરે છે તેવી રીતે તું પણ કરે છે, પણ એમાં થોડો તફાવત છે. તું તારી મા માટે નોકરી કરે છે. મા ગુરુ છે, બ્રહ્મમયીની મૂર્તિ છે. જો તું એમ ને એમ તારે ખાતર નોકરી કરતો હોત તો હું તારું મોઢું પણ ન જોત.’ એક બાજુથી તેઓ શિષ્યોના મનમાં વૈરાગ્યની ભાવના પ્રબળ કરતા હતા, તો બીજી બાજુથી તેમના ઘરની પરિસ્થિતિનું અને તેમનાં માતા-પિતાનું ખાસ ધ્યાન પણ રાખતા હતા. નરેન્દ્રના પિતાના અવસાન પછી તેમના ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ કફોડી થઈ ગઈ હતી. ખાવાના પણ સાંસા પડવા લાગ્યા, ત્યારે શ્રીરામકૃષ્ણે એમના ગૃહસ્થ ભક્તોને કહ્યું હતું, ‘તમે નરેનને કયાંક નોકરી મળે તેવું કરો ને!’ નરેન્દ્રે જ્યારે શ્રીરામકૃષ્ણને અન્નદા ગુહની સમક્ષ આવી વાત કરતા સાંભળ્યા ત્યારે તેણે તેમને કહ્યું, ‘આમ બધા આગળ તમે શું આવી વાત કહેતા ફરો છો? તમારા માટે આ યોગ્ય નથી.’ ત્યારે તેમણે કહ્યું હતું, ‘અરે, નરેન, તારા માટે તો હું બારણે બારણે ભીખ માગવા પણ તૈયાર છું!’ બ્રહ્મજ્ઞાની ગુરુદેવના હૃદયમાં પોતાના પ્રત્યેનો આવો પ્રેમભાવ જોઈને નરેન્દ્ર ગદ્‌ગદિત બની ગયા. જ્યારે બીજાં સગાંવહાલાં દરિદ્રતામાં મોઢું ફેરવી ગયાં હતાં, ત્યારે આ બ્રહ્મજ્ઞ ગુરુદેવ એની કેટલી બધી ચિંતા કરી રહ્યા હતા! શિષ્યોના ઘરની સ્થિતિ સાથે પણ જાણે શ્રીરામકૃષ્ણ ઓતપ્રોત હતા! સંપૂર્ણ વિરકત છતાં અનુરક્ત!

Total Views: 407

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.